Magazines

ફોર્મ્યુલા વન રેસરમાંથી અકસ્માતે પેરાલિમ્પિક ચેમ્પિયન બનેલા એલેક્સ ઝનાર્ડીની ચિરવિદાય

By GS TEAM
17 May 20265 mins read
ફોર્મ્યુલા વન રેસરમાંથી અકસ્માતે પેરાલિમ્પિક  ચેમ્પિયન બનેલા એલેક્સ ઝનાર્ડીની ચિરવિદાય

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ઈટાલીના ફોર્મ્યુલા વન રેસર એલેક્સને એક રેસ દરમિયાન સર્જાયેલ એક અકસ્માતમાં બંને પગ ગુમાવવા પડયા ને ત્યાર બાદ તેમણે પેરા સાઈક્લિંગમાં ચાર સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યા હતા

ક રતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય, વણ તુટેલે તાંતણે, ઉપર ચઢવા જાય.... - કવિવર દલપતરામ સિદ્ધિને - શ્રેષ્ઠતાને પામવા માટે અથાગ મહેનત અને અગણિત પ્રયાસોનું જીવંત પ્રતીક રજુ કરવાની સાથે પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડે છે. જ્યાં સુધી ઊંચાઈને હાંસલ કરી ન લેવામાં આવે, ત્યાં સુધી પ્રયત્નોને અટકાવવાના નથી. સફળતા એ વૃક્ષ પર આવતા ફળ સમાન હોય છેે, જે રાતોરાત હાંસલ કરી લેવાતી નથી. પરદાની પાછળના અનેક પ્રયત્નો અને સંઘર્ષની ફલશ્રુતિને સ્વરુપે તે મેળવી શકાય છે. કેટલીક વિરલ પ્રતિભાઓ તેમની આગવી કુશળતા અને ચતુરાઈને સહારે સફળતાને એટલી સહજતાથી પ્રાપ્ત કરી લે છે, કે જેનાથી જોનારને તેની પાછળના સંઘર્ષ અને પ્રયાસોનો અંદાજ પણ આવતો નથી. જોકે દરેકના પાયામાં અથાક પરિશ્રમ અને નિષ્ફળતાનો એક સિલસિલો તો હોય છે, પણ આ બધાની વચ્ચે મક્કમ મનોબળની ભૂમિકા નિર્ણાયક હોય છે.

ઈટાલીના મહાન ખેેલાડી એલેક્ઝ ઝનાર્ડીએ જિંદગીને તેની સામે ફેંકેલા પડકારોને પાર કરવાની સાથે એક જ નહીં, પણ બબ્બે રમતમાં એલિટ સ્તરના સ્પર્ધકોની વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી બતાવી હતી. વિશ્વની સૌથી ઝડપી અને હૃદયના ધબકારાને વધારી દેનારી કાર રેસિંગ ચેમ્પિયનશિપ - ફોર્મ્યુલા વન સહિતની રેસિંગ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રતિભાનો ચમકારો દેખાડયા બાદ એલેક્સ ઝનાર્ડીને એક ગમખ્વાર અકસ્માતમાં બંને પગ ગુમાવવા પડયા. આમ છતાં તેમણે હિંમત ન હારી. કૃત્રિમ પગ લગાવીને પુનરાગમનનો પ્રયાસ કરવાની સાથે સાથે તેમણે પેરાલિમ્પિક એટલે કે દિવ્યાંગો માટેના સર્વોચ્ચ રમતોત્સવમાં ચાર વખત સુવર્ણ સફળતા મેળવીને નવો ઈતિહાસ આલેખવાની સાથે દુનિયાભરના હજ્જારો લોકોને નવી રાહ દેખાડી.

ઝનાર્ડીએ દુનિયાને બતાવ્યું કે, પરિસ્થિતિ ગમે તેટલી વિકટ અને પરેશાન કરનારી હોય, પણ તેમાંથી આગળ વધી જવાની ઈચ્છા રાખનારને દુનિયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી. એક મક્કમ ઈરાદો અને વિઘ્નોના તોફાનની વચ્ચે તે ઈરાદાને મજબુતાઈ સાથે પકડી રાખવાનું ઝનૂન જ સફળતાને આપોઆપ આસાન બનાવી દે છે. ઈટાલીને વૈશ્વિક રમત સ્પર્ધાઓમાં ગૌરવ અપાવનારા ઝનાર્ડીએ ૫૯ વર્ષની વયે ચિર વિદાય લીધી, તેની સાથે જ ઈટાલીના રમત જગતના એક સુવર્ણ પ્રકરણ પર જાણે પરદો પડી ગયો હોવાનું અનુભવાયું.

કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધતા રહેવાના ઝનાર્ડીના જઝ્બાએ તેમનું નામ લાખ્ખો રમત ચાહકોના હૃદયમાં કાયમ માટે અંકિત કરી લીધું છે. ઝનાર્ડીએ ફોર્મ્યુલા વનની સાથે સાથે યુરોપ અને અમેરિકામાં યોજાતી ઓપન વ્હીલ કાર રેેસિંગમાં પણ આગવી સફળતા મેળવી હતી. તેઓએ ફોર્મ્યુલા વન કાર રેસિંગમાં આઠ વર્ષની કારકિર્દી દરમિયાન જોર્ડન, મિનાર્ડી, વિલિયમ્સ અને લોટસ ટીમ તરફથી પોતાની આગવી કુશળતા દર્શાવી હતી. અલબત્ત, ફોર્મ્યુલા વન રેસિંગમાં ખાસ સફળતા ન મેળવી શકનારા ઝનાર્ડીએ ત્યાર બાદ અમેરિકાની ઓપન વ્હીલ કાર રેસિંગ કે જે ઈન્ડિ કાર રેસિંગ તરીકે ઓળખાય છે, તેમાં જબરજસ્ત પ્રભાવ પડતાં ૧૫ વખત રેસ જીતવાની સાથે કુલ ૨૮ વખત ટોપ થ્રીમાં સ્થાન મેળવવામાં પણ સફળતા મેળવી હતી. તેઓએ ૧૯૯૬માં તેમની લાંબા સમયની અંતરંગ ફ્રેન્ડ ડેનિયેલા મેની સાથે લગ્ન કરી લીધા. 

કાર રેસિંગની દુનિયામાં ઝળહળતી કારકિર્દી દરમિયાન ૨૦૦૧માં ઝનાર્ડીને જર્મનીમાં જ એક રેસ દરમિયાન પીટ સ્ટોપમાંથી ફરી પાછા રેસિંગ ટ્રેક પર જતી વખતે ગમખ્વાર અકસ્માત નડયો. અકસ્માત અત્યંત ગંભીર હતો. જોકે તેમને તત્કાળ તબીબી સારવાર મળી જતાં તેમનો જીવ બચાવી લેવાયો, પણ તેમણે તેમના બંને પગ કાયમ માટે ગુમાવી દીધા હતા. તેજ રફતાર કારમાં બેસીને હવાની સાથે વાતો કરતાં ઝનાર્ડી માટે વ્હીલચેરમાં બેસીને આગળ વધવાનો અનુભવ અત્યંત મુશ્કેલ હતો. જાણે કોઈએ યાયાવર પંખીની પાંખો જ કાપી નાંખી હોય તેવું તેઓ અનુભવતા. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ડેનિયેલા ઝનાર્ડીની સાથે તેના પડછાયાની જેમ ઉભી રહી અને તેના જ પ્રયાસો થકી તેઓ ફરી બેઠા થઈ શક્યા.

જ્યારે કોઈ મોટી મુશ્કેલી આવે છે, ત્યારે તેની સાથે તેમાંથી બહાર આવવાનો રસ્તો પણ હોય છે. ઝનાર્ડીએ તેમની સામે આવી પડેલા પડકાર પર ધ્યાન આપવાના બદલે તેમાંથી બહાર કેવી રીતે આવવું તેના તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું. તેઓ કૃત્રિમ પગનો ઉપયોગ કરીને પણ ફરી રેસિંગ ેટ્રેક પર ઉતરવા માટે તૈયાર હતા. અલબત્ત, તે સમયે જે કૃત્રિમ પગ ઉપલબ્ધ હતા, તે રેસિંગ માટે અનુકૂળ નહતા. આ કારણે ઝનાર્ડીએ પોતાની જાતે રેસિંગને ધ્યાનમાં રાખીને નવા કૃત્રિમ પગ ડિઝાઈન કર્યા અને તેના સહારે અકસ્માતના બે વર્ષ બાદ તેમણે રેસિંગ ટ્રેક પર પુનરાગમન કરવાની સાથે રેસ પણ જીતવામાં સફળતા મેળવી.  જો કે આ માટે તેમને બ્રેક અને એક્સલેટર હાથથી ચલાવી શકાય તેવું મોડિફિકેશન કારમાં કરવું પડયું હતુ, પણ આ બધી મર્યાદા વચ્ચે પણ તેમણે કમાલ કરી દેખાડી. 

આ દરમિયાન જ તેમણે દિવ્યાંગો માટેની હેન્ડ સાઈક્લિગ પર હાથ અજમાવ્યો. દિવ્યાંગો માટેની ખાસ ત્રણ પૈડાવાળી હેન્ડસાઈક્લિંગમાં સ્પર્ધકે તેના હાથથી પૈડાને ચલાવવાના હોય છે. આ ઈવેન્ટમાં તેમણે ૨૦૧૨ અને ૨૦૧૬ એમ બે ઓલિમ્પિકમાં ચાર સુવર્ણની સાથે બે રજત ચંદ્રકો પણ હાંસલ કર્યા. જ્યારે પેરા વર્લ્ડ સાઈક્લિંગ ચેમ્પિયનશિપમાં તો વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૯ દરમિયાન ૧૨ સુવર્ણની સાથે પાંચ રજત અને એક કાંસ્ય ચંદ્રક જીતવાની સાથે સાબિત કર્યું તે તેઓ ખરા અર્થમાં રફતારના સૌદાગર છે. 

બંને પગ ગુમાવ્યા બાદ શારીરિક મર્યાદા છતાં તેઓએ કાર રેસિંગની સાથે પેરા સાઈક્લિસ્ટ તરીકેની કારકિર્દીમાં સાતત્ય સાથે વૈશ્વિક સ્તરે સફળતાનો સિલસિલો જારી રાખ્યો. અલબત્ત, પૂરઝડપે બધાની આગળ નીકળી જવાના પ્રયાસમાં તેમને વધુ એક અકસ્માત નડયો. તેઓ ૨૦૨૦માં જ્યારે ઈટાલીમાં એક રોડ રેસમાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે તેમની સાઈકલ એક ટ્રકની સાથે ટકરાઈ અને આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને આ અકસ્માતમાંથી બહાર આવતા બે વર્ષ જેટલો સમય લાગ્યો અને આ દરમિયાન તેમને બે સર્જરી કરાવવી પડી હતી. 

ઝનાર્ડી માટે આ અકસ્માતમાંથી બહાર આવવું આસાન ન હતુ અને તેમની મુશ્કેલીઓ વધતી જ જતી હતી. તેઓને મેડિકલ ઈક્વિપમેન્ટને સહારે જ રહેવું પડયું હતુ. આ સમયે તેમના ઘરમાં લગાવેલી સોલર પેનલમાં ફોલ્ટ હતો અને આ કારણે ઘરમાં આગ લાગી અને તેમને માંડ-માંડ બચાવવામાં આવ્યા. આ પછી તેમની હાલત વધુ ગંભીર અને ચિંતાજનક બની હતી. લગભગ ત્રણ મહિના બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી તેઓ જાહેરજીવનમાં ખુબ જ ઓછા દેખાતા હતા. આ પછી છેલ્લા ચારેક વર્ષથી તેઓ માત્ર પરિવારજનોને જ મળતા હતા. 

ઈટાલીયન લેજન્ડ ઝનાર્ડીની વિદાયની સાથે એક યુગનો અસ્ત થઈ ગયો છે. તેમણે જે પ્રકારે તેમની સામેના એક પછી એક પડકારોનો સામનો કરતાં સતત આગળ વધવાની સાથે ટોચ પર પહોંચવામાં સફળતા મેળવી હતી અને તેમનો એ જ જુસ્સો યુવા એથ્લીટ્સને પ્રેરણા પુરી પાડતો રહ્યો છે.