ડિજિટલ લાઈફલાઈન : સબમરીન કેબલ, સેટેલાઈટ અને ડેટા સિસ્ટમ ખોરવાઈ જાય તો?

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- દુનિયામાં ચાલતા 99 ટકા ઈન્ટરનેટ ટ્રાફિકનો આધાર સમુદ્રમાં બિછાવેલા કેબલ પર છે. બ્રોડકાસ્ટ, નેવિગેશન, હવામાનના અનુમાન માટે સેટેલાઈટ અનિવાર્ય છે અને ડેટા સિસ્ટમ વગર તો અરાજકતા સર્જાઈ જાય...
ક નેક્ટિવિટી. કોમ્યુનિકેશન માટે આ શબ્દ સદીઓથી એટલો જ મહત્ત્વનો છે અને સદીઓ સુધી એટલો જ મહત્ત્વનો રહેવાનો છે. જ્યારે કોમ્યુનિકેશનની ટેકનોલોજી વિકસી ન હતી ત્યારે પણ કોમ્યુનિકેશન માટે પાયાની જરૂરિયાત હતી - કનેક્ટિવિટી. કનેક્શન એટલે જોડાણ. એના પરથી કનેક્ટિવિટી શબ્દ બન્યો છે. બે વ્યક્તિ વચ્ચે, બે ગુ્રપ વચ્ચે, બે રાજ્યો વચ્ચે જો કોઈ રીતે જોડાણ ન થાય તો કોમ્યુનિકેશન શક્ય નથી. જ્યારે સંકેતોથી કોમ્યુનિકેશન થતું હતું ત્યારે કનેક્ટિવિટીનું માધ્યમ હતું સંકેતોમાં રહેલો ભાવ. બે વ્યક્તિ વચ્ચે એ ભાવ ન પકડાય તો કનેક્શન બને નહીં.
૨૧મી સદીમાં કનેક્ટિવિટી એટલે બે ડિવાઈસ, બે નેટવર્ક, બે ડેટા સેન્ટર, બે સર્વર વચ્ચે કનેક્શન. જો કનેક્શનમાં એરર આવે તો કોમ્યુનિકેશન અટકી પડે. કોલ કરીએ ત્યારે અવાજ આવે નહીં, મેસેજ ડિલિવર થાય નહીં. મલ્ટિ મીડિયા ટ્રાન્સફર અધવચ્ચે લટકી પડે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવી હોય તો અપલોડ થાય નહીં. નેટવર્કની કનેક્ટિવિટી ડિજિટલ વર્લ્ડ માટે પાયાની જરૂરિયાત છે. નેટવર્ક ન હોય તો આપણા ડિવાઈસીસ ડેટા સેન્ટર્સ સાથે કનેક્ટ થતાં નથી, એટલે ગમે તેવો મોંઘો સ્માર્ટફોન પણ 'ડબ્બો' બનીને રહી જાય છે.
ને આ મોડર્ન કનેક્ટિવિટીની કરોડરજ્જુ છે - સબમરીન કેબલ, સેટેલાઈટ અને ડેટા સિસ્ટમ. મોબાઈલ હોય, ઊંચા ઊંચા મોબાઈલ ટાવર્સ બન્યા હોય, આધુનિક ટેકનોલોજીથી સજ્જ સર્વર્સ બન્યા હોય, પરંતુ જો આ ત્રણ પાયાની જરૂરિયાત ન હોય તો આખી દુનિયાનું કોમ્યુનિકેશન ખોરવાઈ જાય. આ ત્રણમાંથી સબમરીન કેબલ અને ડેટા સિસ્ટમની ગેરહાજરી હોય તો એક જ મિનિટમાં આપણે મધ્યયુગમાં પહોંચી જઈએ.
***
આપણાં સ્માર્ટફોન સુધી કે વાઈફાઈ ડિવાઈસ માટે જે નેટવર્ક પહોંચે છે એ વાયરલેસ છે. દુનિયાના ૬૦૦ કરોડ લોકો સુધી વાયરલેસ ઈન્ટરનેટ પહોંચી ગયું છે. ભલે કમર્શિયલી ઝડપી નેટવર્ક માટે કેબલથી ઈન્ટરનેટ આપવામાં આવે છે, તેમ છતાં વિશ્વની વસતિના ૭૪ ટકા લોકો વાયરલેસ ઈન્ટરનેટ મેળવી રહ્યા છે. પણ આ વાયરલેસ ઈન્ટરનેટનો ખુદનો આધાર કેબલ છે. દુનિયામાં ૫૦ લાખથી વધારે નેટવર્ક ટાવર એક્ટિવ છે. એમાંથી ૯૯ ટકા ટાવર્સને ફાઈબર કેબલથી નેટવર્ક પહોંચે છે. કેબલ નેટવર્ક ટાવર્સને મુખ્ય ડેટા સેન્ટર્સ સાથે જોડે છે અને ત્યાંથી યુઝર્સ માટે ઈન્ટરનેશનલ ગેટવે ખુલે છે. ઘણાં ટાવર્સ આંતરિક રીતે કનેક્ટ થઈને પણ વાયરલેસ નેટવર્ક પ્રોવાઈડ કરે છે ખરા, પરંતુ જો યુઝર્સને સારી ઈન્ટરનેટ સ્પીડ આપવી હોય તો કેબલ નેટવર્ક સાથે જોડાઈને રહેવું લગભગ અનિવાર્ય છે. ફાઈબર કેબલથી ડેટા ટ્રાન્સફરની જે ઝડપ મેળવી શકાય છે એ આટલી મોડર્ન ટેકનોલોજી વિકસી છતાં સેટેલાઈટ ઈન્ટરનેટથી મેળવી શકાતી નથી.
વળી, ડેટા સેન્ટર્સનો ડેટા ટ્રાન્સફર આ ફાઈબર કેબલથી જ થાય છે. આપણે ચેટજીપીટી, જેમિનાઈ કે ગ્રોકને ટાસ્ક સોંપીએ કે ગૂગલ સર્ચ કરીએ ત્યારે એમના હજારો કિલોમીટર દૂર રહેલા ડેટા સેન્ટર્સમાંથી ડેટા આપણાં સુધી પહોંચે છે. આપણે વીડિયો કોલ કરીએ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીએ કે ઈમેલ મોકલીએ કે મેસેજ કરીએ - તે બધું જ આ કેબલમાંથી પસાર થઈને હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આપણાં સુધી આવે છે. દુનિયામાં દરરોજ ૧૦ ટ્રિલિયન ડોલરના ટ્રાન્ઝેક્શન્સ થાય છે તે ફાઈબર કેબલના માધ્યમથી જ થાય છે. ભારતમાં ડેટા સેન્ટર્સ કે સર્વર્સ ધરાવતી કંપનીઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા મોકલે એમાં કેબલ નેટવર્કની ચાવીરૂપ ભૂમિકા છે. ને આ ફાઈબર કેબલનો આખો પથારો સમુદ્રના પેટાળમાં પથરાયેલો છે. સબમરીન કેબલના નામે ઓળખાતી આ સિસ્ટમ ખોરવાઈ જાય તો ઈન્ટરનેટની કરોડરજ્જુ ભાંગી જાય.
દુનિયાના મહાસાગરોમાં સેંકડો સબમરીન કેબલ બિછાવી દેવાયા છે. એક મોટા પાઈપ જેવો દેખાતો આ કેબલ ખરેખર તો વાળ જેવડાં પાતળાં વાયર્સનું ઝૂમખું હોય છે ને એમાં હોય છે તાંબું, સ્ટીલ, પ્લાસ્ટિકનું પડ. અસંખ્ય કંપનીઓ હજુય સમુદ્રમાં કેબલ બિછાવવાનું પડકારજનક કામ અબજોના ખર્ચે કરી રહી છે. અત્યારે દુનિયામાં ૬૦૦ ફાઈબર કેબલ સિસ્ટમ એક્ટિવ છે. ૧૩થી ૧૫ લાખ કિલોમીટર સુધી સમુદ્રમાં બિછાવેલા આ કેબલને ભેગો કરીને વિંટાળવામાં આવે તો પૃથ્વીની ફરતે ૩૫ વખત ગૂંચળું વાળી શકાય!
સબમરીન કેબલ ડિજિટલ લાઈફલાઈન માટે કરોડરજ્જુ હોવા છતાં એની સુરક્ષા સામે જોખમ છે. માછીમારીથી લઈને વિશાળકાય સમુદ્રી જીવો એને નુકસાન પહોંચાડે છે. દરિયાઈ હોનારતો એને હાનિ પહોંચાડે છે. આતંકવાદીઓ, બળવાખોર જૂથો આ કેબલને નુકસાન પહોંચાડે તેવી ભીતિ સતત રહે છે. યુદ્ધો વખતે પણ તેને નુકસાન થઈ શકે છે. આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને જ ઘણી કંપનીઓ ઓપ્શનલ કેબલ પણ બિછાવી રાખે છે.
***
સબમરીન કેબલનું જે સ્થાન ઈન્ટરનેટમાં છે એ જ સ્થાન બ્રોડકાસ્ટમાં સેટેલાઈટનું છે. સેટેલાઈટનો હિસ્સો ઈન્ટરનેટમાં તો માત્ર વન પર્સેન્ટ છે ને કદાચ સેટેલાઈટ ઈન્ટરનેટ આપવાની મોટી કંપનીઓ વચ્ચે હોડ જામી રહી છે એ જોતાં ભવિષ્યમાં એ હિસ્સો વધશે, પરંતુ અત્યારે ટેલિવિઝન અને ડીટીએચ પ્રસારણનો મુખ્ય આધાર સેટેલાઈટ છે. જ્યાં મોબાઈલ ટાવર્સ નથી એવા દુર્ગમ વિસ્તારોમાં કોમ્યુનિકેશનનો આધારસ્તંભ સેટેલાઈટ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઈને સરહદી સુરક્ષા, હવામાનનું અનુમાન, જીપીએસ, સાયન્ટિફિક રિસર્ચ માટે સેટેલાઈટ અનિવાર્ય બન્યા છે. સેટેલાઈટ વગર ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ તો સદંતર ઠપ થઈ જાય. હવામાનની આગાહી સેટેલાઈટ વગર થઈ તો શકે, પરંતુ એનું પરિણામ સચોટ મળતું નથી. છેલ્લાં એક દશકાથી હવામાનની આગાહી સચોટ થવા માંડી છે એમાં સેટેલાઈટનો રોલ મુખ્ય છે. અર્થ ઓબ્ઝર્વેશનનું કામ સેટેલાઈટ વગર શક્ય નથી. સબમરીન કેબલ્સ અને સેટેલાઈટ જેવું જ ડિજિટલ રેવલ્યૂશનમાં મહત્ત્વનું ફેક્ટર છે - ડેટા સિસ્ટમ. ૨૧મી સદીમાં મોસ્ટ વેલ્યૂએબલ એસેટ ડેટા છે. જે કંપની પાસે કે જે દેશ પાસે મેક્સિમમ ડેટા હશે એ ડિજિટલ રેસ જીતી જશે. એઆઈ ટેકનોલોજીના ઉદય પછી તો ડેટા જ કાચું સોનું છે. એઆઈનો મુખ્ય ખોરાક જ ડેટા છે. જેટલા વધારે ડેટા મેળવશે એમ એ વધારે સારી રીતે કામ કરશે. ડેટાનું મહત્ત્વ પારખીને જ હેકર્સથી લઈને સોશિયલ મીડિયા કંપનીઓ, સરકારો એક નહીં તો બીજી રીતે યુઝર્સનો ડેટા મેળવવાની મથામણમાં છે.
ડેટા સિસ્ટમ એટલે માત્ર ડેટા સેન્ટર્સ નહીં. એમાં હાર્ડવેર-સોફ્ટવેર બંનેનો સમાવેશ થાય છે. ડેટા સ્ટોરેજથી ડેટા એનાલિસિસ સહિતનું બધું ડેટા સિસ્ટમનો ભાગ છે. આપણાં મોબાઈલમાં પીડીએફ, ફોટો, વીડિયો, ઓડિયો અલગ અલગ થાય છે, કારણ છે ડેટા એનાલિસિસ. ડેટા સિસ્ટમ એટલે ડેટાનું માત્ર સ્ટોરેજ નહીં, પ્રોસેસિંગ અને મેનેજમેન્ટ પણ ડેટા સિસ્ટમ છે. ડિજિટલ લાઈફલાઈનમાં ડેટા એટલે જ એસેન્શિયલ ફેક્ટર છે.
વેલ, જો સબમરીન કેબલ્સ, સેટેલાઈટ્સ અને ડેટા સિસ્ટમને આઘાત પહોંચે તો મોટી અંધાધૂંધી સર્જાઈ શકે. એટલે જ યુનાઈટેડ નેશન્સે આજે સેલિબ્રેટ થઈ રહેલા વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની થીમ રાખી છે - કનેક્ટેડ વર્લ્ડ માટે ડિજિટલ લાઈફલાઈનની સુરક્ષા. યુદ્ધો અને આંતરિક સંઘર્ષના કારણે આ ડિજિટલ લાઈફલાઈનને હાનિ પહોંચશે તો આપણે વીતેતા જમાનામાં પહોંચી જઈશું. આ ત્રણ લાઈફલાઈન પર હુમલો થાય તો એની અસર પરમાણુ હુમલા જેટલી ઘાતક સાબિત થઈ શકે!
દરિયામાં બિછાવેલા કેબલની સુરક્ષાનું શું?
યુનાઈટેડ નેશન્સના સમુદ્રી કાયદા પ્રમાણે દરિયામાં બિછાવેલા સબમરીન કેબલને નુકસાન પહોંચાડવું તે સજાપાત્ર ગુનો છે. આવો ગુનો થાય તો તેને સજા આપવાની જવાબદારી જે તે દેશની હોય છે. યુએનના સભ્ય દેશો આ કેબલ્સને ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શ્રેણીમાં મૂકે છે. જો કોઈ આ કેબલને નુકસાન પહોંચાડે તો જે તે દેશના સાઈબર સુરક્ષા એક્ટ કે ક્રિમિનલ એક્ટ હેઠળ કાર્યવાહી થાય છે. આંતરરાષ્ટ્રીય કાયદો છતાં આ કેબલ સુરક્ષિત નથી. તાજેતરમાં જ ઈરાને એવી જાહેરાત કરી હતી કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં કેબલ્સ માટે કંપનીઓએ ડયૂટી આપવી પડશે. સામાન્ય રીતે દરિયાઈ હદમાં બિછાવેલા કેબલની સુરક્ષાના બદલામાં જે તે દેશ કંપનીઓ પાસેથી અમુક રકમ વસૂલી શકે છે. શરત એટલી છે કે એ જળસીમા આંતરરાષ્ટ્રીય ન હોવી જોઈએ. કંપની અને સરકાર વચ્ચેના કરાર પ્રમાણે સુરક્ષા અને મેઈન્ટેઈન્સની જવાબદારી નક્કી થાય છે. કોઈ દેશની જળસીમામાં કેબલ લગાવાતો હોય ત્યારે સ્થાનિક સુરક્ષા એજન્સીઓની પરવાનગી હોવી જરૂરી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ દેશને દખલ દેવાની હોતી નથી. એ ન્યાયે ઈરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં કેબલ્સ માટે વસૂલી કરી શકે નહીં, પરંતુ ઈરાન આખીય હોર્મુઝની ખાડી પર દાવો કરતું હોવાથી હવે આ મુદ્દો સામે આવ્યો છે. જો બધા દેશો આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થતાં સબમરીન કેબલ્સ પર ટેક્સ લગાડવાનું શરૂ કરે તો સરવાળે દરેક કંપનીઓને મોંઘું પડે અને તો ઈન્ટરનેટના ભાવમાં પણ તેની અસર થઈ શકે.









