Magazines

ભારતથી એક ચાઇનીઝ પારસીને પહોંચેલું કવર આજે કરોડોની કિંમત ધરાવે છે

By GS Team
14 Mar 20203 mins read
This article was originally published on 14 Mar 2020
ભારતથી એક ચાઇનીઝ પારસીને પહોંચેલું કવર આજે કરોડોની કિંમત ધરાવે છે

મુંબઇમાં જો કોઇ અડધી રાતે એમની પાસે પૈસા લેવા આવે તો હીરજી પાસે રોકડા તૈયાર જ હોય. એટલે એમની અટક 'રેડીમની' પડી હતી

ખોબા જેવડા નવસારી અને ઉદવાડાને, ખાબોચીયા જેવડા મુંબઇને અને દરિયા જેવડા દરિયાપારના ચીન દેશને, આ ત્રણેયને અદ્ભૂત રીતે જોડતી કોઇ કડી હોય તો તે પારસીઓ છે. આજે કોરોના વાઇરસથી દુનિયા આખીને ડરાવતા ચીનના ઉદ્યોગોમાં પારસી વેપારીઓએ મોટું પ્રદાન આપ્યું છે. અઢારમી સદીની શરૂઆતે, એમ જ કહોને કે ઇ.સ.૧૭૨૦ આસપાસના વર્ષોમાં નવસારી-મુંબઇના કેટલાંક પારસી સાહસિકોને ચીન ભણી ભાગવાનું ઘેલું લાગેલું હતું. ઇ.સ.૧૭૫૬માં દરિયાઇ માર્ગે ચીન  જનાર પ્રથમ ગુજરાતી વેપારી જીવણજી રેડીમની પહેલાં પારસી ગુજરાતી સાહસી જણ હતા.

વેપારને કારણે એ જમાનામાં, એટલે કે આજથી બસ્સોવર્ષ પહેલાં પાંચ-પાંચ વખત ચીન જઇ આવેલા હીરજી જીવણજી રેડીમની દરેક ચીન ટ્રીપમાં લાખો રુપિયા કમાઇને આવતા હતા. ચીનથી કમાયેલા રૂપિયા તેઓ જરૂરિયાતમંદોને વ્યાજે ધીરતાં હતા. મુંબઇમાં જો કોઇ અડધી રાતે એમની પાસે પૈસા લેવા આવે તો હીરજી પાસે રોકડા તૈયાર  જ હોય. એટલે એમની અટક 'રેડીમની' પડી હતી. આ 'રેડીમની'ના એક વંશજ તે બરજોરજી સોરાબજી.

'કેન્ટોન' ચાઇનાનું એક જાણીતું શહેર. જ્યાં વાયા હોંગકોંગ અનેક ગુજરાતીઓ વેપાર કરવા પહોંચ્યા હતા. બરજોરજી  સોરાબજી પણ મુંબઇથી વહાણમાં દરિયાઇમાર્ગે ચીનના કેન્ટોનમાં ઠરીઠામ થયા હતા. અહીંના લોકોને આજે અમેરિકા,કેનેડા જવા જેટલું ઘેલું લાગેલું છે, એવી જ એક ઘેલછા એ સમયે વેપારવણજમાં સાહસિક ગણાતાં પારસી યુવાનોમાં ફેલાઇ હતી. અહીંથી હોંગકોંગ અને ચાઇના ગયેલા કેટલાંય વેપારીઓ ચીનનો માલસામાન મુંબઇ અને ગુજરાતના બજારોમાં જથ્થાબંધ ઠાલવતા હતા. આ સમયે ગુજરાતના પારસીઓ અને ચીન દેશ વચ્ચે ગાઢ વેપારીક સંબંધો બંધાયા હતા.

હોંગકોંગ અને ચાઇનાનો કેન્ટોન પ્રદેશ જે ભાષા બોલે છે તેનું નામ છે 'કેન્ટોનીઝ'. બાવીસો વર્ષ જૂના આ કેન્ટોનમાં મુંબઇના ચારેક પારસીઓએ પોતાનો ઘણો મોટો વેપાર જમાવ્યો હતો. વળી તેઓ એટલા તો બુદ્ધિશાળી હતા કે ત્યાં જતાવેંત એમણે 'કેન્ટોનીઝ' ભાષા પણ શીખવા માંડી હતી. આ રીતે મુંબઇની શાળાઓમાં ઉછરેલો એક ગુજરાતી પારસી ભાયડો, નામે બરજોરજી સોરાબજી કેન્ટોનમાં એક મોટા વેપારી તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. એ વખતે ચાઇનામાં આ બરજોરજીની ખ્યાતિ એટલી બધી હતી કે ખુદ ઇસ્ટ ઇન્ડિયા કંપની તેમની સાથે ચાઇનીઝ આઇટમોની આપ-લે કરવા વેપારી સંબંધો જાળવી રાખવા સતત સજાગ રહેતી હતી.

ચીનના એક જાણિતા ટપાલટીકીટ અભ્યાસુ, નામે ડેનિ વોંગએ લખેલા પુસ્તક 'એશિયન ફિલાટેલિસ્ટ'માં આ બરજોરજી સોરાબજીનો એક આશ્ચર્ય પમાડે તેવો ઉલ્લેખ કર્યો છે. વાત જાણે એમ છે કે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડમાં ટપાલ ટીકીટનો જન્મ થયા બાદ બરાબર ચૌદ વર્ષે ભારતમાં પ્રથમવખત ટપાલ ટીકીટોની શરૂઆત કરી હતી. એ વર્ષ હતું ૧૮૫૪નું, અને એ ટીકીટો હતી રાણીવિક્ટોરીયાના ચહેરાની આકૃતિઓવાળી. ભારતની એ પ્રથમ રાષ્ટ્રિય કક્ષાની ટીકીટો હતી. એ અગાઉ  સીંધ પ્રાંતની સ્વતંત્ર ટીકટો હતી ખરી, પરંતુ એ માત્ર પોતાના પ્રાંત (જિલ્લા) પૂરતી મર્યાદિત હતી. જ્યારે આખા દેશમાં અને વિદેશોમાં પણ ચાલી શકે એવી પ્રથમ ભારતીય ટપાલ ટીકીટો તો છેક ૧૮૫૪માં પ્રસિદ્ધ થઇ.

જે નેવી બ્લ્યુ, સ્કાય બ્લ્યુ, ગ્રીન અને રેડ, એમ ચાર જુદા-જુદા કલરમાં હાફ આના, એક આના, બે આના અને ચાર આનાની કિંમતવાળી હતી. આ ચારેય પ્રથમ ભારતીય ટીકીટો એક સાથે, એક જ કવર ઉપર મુંબઇથી ચાઇનાના કેન્ટોન શહેરમાં જતી ટપાલ ઉપર લગાવવામાં આવી હતી અને આ ટપાલ બીજા કોઇ ભારતીય કે ચીનના નામની નહીં, પરંતુ ગુજરાતી પારસી વેપારી બરજોરજી સોરાબજીના નામની હતી. ટપાલ રસિયાઓના જગતમાં આજે તો આ એક નાનકડા કવરની કિંમત અધધ રૂપિયામાં થાય છે. 

ચીનથી કુખ્યાત થયેલો પેલો કોરોના વાયરસ અતિ સૂક્ષ્મ છતાં કેટલાં હાનિકારક છે? એ જ રીતે સાવ જીર્ણશીર્ણ થઇ ગયેલા, નાનકડી હથેળીમાં સમાઇ જાય એટલાં, અને હાથમાં સ્હેજ જોરથી પકડો તો ફાટી જાય એવા આ ચાઇનીઝ કવરની કિંમત પણ કરોડો રૂપિયાને આંબે તેવી છે.