સવાસો વર્ષ જૂની હોરર સ્ટોરી અને આજની 10000% પ્રોફિટ કરતી ઓબ્સેશન ફિલ્મનો જાદુ!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- જેન ઝીમાં ગ્લોબલ ક્રેઝ બનેલી સાધારણ લાગતી ઓબ્સેશન ફિલ્મ શા માટે આટલી પોપ્યુલર થઇ? એ જેની અસરમાં બની છે એ ક્લાસિક અંગ્રેજી સ્ટોરી ગુજરાતીમાં આખી વાંચો!
૧૯ ૮૨માં સ્ટીવન સ્પીલબર્ગની 'ઈટી' ફિલ્મે અમેરિકામાં એવો રેકોર્ડ કરેલો કે ફિલ્મના ઓપનિંગ કરતા પછીના એક પછી એક વીકમાં કમાણી અનેકગણી વધી ગઈ હોય. આ વર્ષે યુટયુબ વિડીયો જેવી અદામાં એકદમ ટાઈટ બજેટમાં ગુજરાતી ફિલ્મની જેમ માત્ર ૨૬ વર્ષના લબરમૂછિયા જુવાનિયા કરી બાર્કરે એક જેનઝી જેનઆલ્ફા હોરર ફિલ્મ બનાવી 'ઓબ્સેશન'. અને એમાં પણ એવું જ થયું. સાડા સાત કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ ૨૨૦૦ કરોડ રૂપિયા મેળવી લીધા છે ! આપણી ગુજરાતી ફિલ્મ લાલોની જેમ ચક્રવૃદ્ધિ વ્યાજને પણ લાજ કાઢવી પડે એવું ત્રણસો ગણું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ થયું છે, અને ફાઈનાન્સ ટર્મમાં ૧૦૦૦૦%થી પ્રોફિટ !
યુદ્ધ અને મંદીના ઓછાયા વચ્ચે એણે અમેરિકામાં ૧૫૦૦ કરોડની કમાણી કરી અને બાકીની દુનિયામાં બીજા ૭૦૦ કરોડ. અરે, ભારતમાં કોઈ મોટી પબ્લિસિટી વિના સાવ ઓછું બજેટ ને નવીં જ સ્ટારકાસ્ટ છતાં ચાલીસેક કરોડ રૂપિયાની કમાણી કરી ને હજુ સ્ટ્રોંગ રનમાં છે. બ્લેર વિચ પ્રોજેક્ટ, પેરાનોર્મલ એક્ટીવિટી અને ગેટ આઉટ (ત્રણે હોરર ફિલ્મો ) એવી હતી કે ઓછા બજેટ છતાં સફળ થઇ હોય. પણ એ અમેરિકામાં. ઓબ્સેશન તો ગ્લોબલ બ્લોકબસ્ટર તરીકે અત્યારની પેઢીમાં ખાસ કરીને મોબાઈલમચડુ યુવા વર્ગમાં છવાઈ ગઈ છે.
શું છે એનો પ્લોટ ? સ્પોઈલરને બદલે માત્ર ટ્રેલરમાં આવે એટલો કથાસાર આપીએ. કન્ઝયુમર સ્ટોરમાં કામ કરતો ને બિલાડી જોડે એકલો રહેતો યુવાન બેઅર (માઈકલ જોનસ્ટન) એની જોડે કામ કરતી સોહામણી નિક્કી ( આખી ફિલ્મ પોતાના નાજુક ખભા પર ઊંચકી સ્ટાર બની ગયેલી ઈન્ડી નેવેરાટ્ટે , જેને ફિક્સ માત્ર ૬૭૦૦ ડોલર ટેક્સ કાપ્યા પછી મળેલા આ માટે, પણ હવે કમાશે એ) ને મનોમન ચાહવા લાગે છે. પણ નિક્કી એને ભાવ નથી દેતી. જોડે કામ કરતો દોસ્ત બનેલો ઇઆન પણ નિક્કીને પસંદ કરે છે અને એક સારાહ છે એ પણ ફ્રેન્ડ બની ગઈ છે. એમાં એક દુકાનમાં 'વન વિશ વિલો' લખેલી એક ચીજ આપણા આમ સાવ પોચટ હીરો(?)ભાઈ ખરીદે છે. સેલ્સગર્લ કહે છે કે એની ફરિયાદો આવે છે એમ છતાં. જેમાં એને તોડીને એક વિશ અને ઈચ્છા માંગવાની હોય છે. ખોખા પર એ રિવર્સ થશે કે એકમ એની ચોખવટ નથી. એક નંબર છે. એટ્રેકશનમાં ઇન્સિકયોર્ડ બેઅર વરદાનની જેમ વિશ માંગે છે કે નિક્કી એને પ્રેમ કરે અને.... નિક્કી સાચે જ એના પ્રેેમમાં પાગલ બની જાય છે. ટોટલી હેડ ઓવર હીલ્સ ઓબ્સેસ્ડ થઇ જાય છે. પહેલા તો બહુ મજા આવે છે પણ કોઈ એકધારું બસ ચાહ્યા જ કરે ને ઘડી ઘડી ખ્યાલ રાખીને પોતાનાથી દૂર જ ના કરે તો પછી કેવી ઘૂટન થાય ? ને એમાંથી હવે છટકવું કેમ?ને નિક્કીનું વળગણ તો કાતિલ રીતે વધતું જ જાય છે...
આપણી આરજીવી ફેક્ટરીમાં વર્ષો પહેલા ઉર્મિલા અને ફરદીનને લઈને સ્ત્રી પાગલ ઝનુનમાં ફેટલ એટ્રેક્શન અનુભવી વિલન થાય એની ફિલ્મ 'પ્યાર તુને ક્યા કિયા' આવી ગઈ એમ તો. પોઈઝન આઈવી જેવી પ્રેમમાં પઝેસીવ થઇ ઝેરીલી બનતી નાયિકાનો પ્લોટ સાવ નવો નથી. પણ ટિકટોક અને ભારતમાં જેને જમાવવા એ બંધ કરી દેવાયું એ ઇન્સ્ટાગ્રામમાં વાઈરલ થઇ ગયું આ ફિલ્મ. અદ્દલ 'સૈયારા'ની માફક ! પછી એ જોવું એક ટ્રેન્ડ એક ક્રેઝ બની ગયો. આપણા નેશનલ કેન્સર બોર્ડ યાને નોનસેન્સ સેન્સર બોર્ડે એમાં પણ કાતર ફેરવી છે પણ બંદાએ તો આયર્લેન્ડમાં જોયું.
એવું ઓહોહો ના લાગ્યું પણ જેમ સૈય્યારામાં બલિદાન આપતો સાહિત્યિક પ્રેમ આજની ઝાઝું વાંચતી ના હોય ને બધું રેટ્રો સમજી લેતી હોય એ જવાન જનરેશનને ચકિત કરી ગયો, એમ જ ઓબ્સેશનમાં પણ થયું છે. રિલેશનશિપમાં કમિટમેન્ટ ફોબિયા અનુભવતી પેઢીને તો કોઈ ઓનલાઈન હળીને, પછી ઓફલાઈન મળીને પાછળ પડી જાય ભવોભવના બંધન માટે એનો જ ડર લાગે છે અને ગમતું પાત્ર સેક્સ કરવા જતા પછીથી ટોક્સિક નીકળશે તો લાઈફની વાટ લાગી જશે એ ભય એમનું લાઈફ હોરર છે ! સતત સાત્વિક ઉપદેશોના ઓવરડોઝમાં જીવતા વડીલોને તો આ કશ્મકશ શેર પણ નથી થઇ શકતી. ને આસપાસનું ફ્રેન્ડ સર્કલ મેચ્યોર નથી હોતું ! એડોલસન્સ ટીવી સિરીઝમાં જે 'ઇન્સેલ' જનરેશનની વાત હતી એના ડેટિંગ ફીઅર જોરદાર હોય છે. ને એ હેન્ડલ કરવાની પરિપકવતા સાવ કાચી. એમાં ઈચ્છાપૂર્તિ કરવા જતા ક્રાઈમના માર્ગે લપસીને પસ્તાવો કરવો પડે છે.
એની વે, પણ ડબલિનના સૂમસામ રસ્તાઓ પર મધરાતે ફિલ્મ જોઇને એકલા ચાલતા ચાલતા દિવંગત પપ્પાએ સંભળાવેલી બ્રિટીશ હોરર હ્યુમર રાઈટર ડબ્લ્યુ ડબ્લ્યુ જેકોબ્સની ગુજરાતીમાં પણ ભાષાંતર થયેલી ૧૯૦૨ની શોર્ટ સ્ટોરી 'મંકીઝ પો' યાને 'વાંદરાનો પંજો' યાદ આવી ગઈ ! (આવા બાપ પણ હોવા જોઈએ ને સંતાનોને અવનવી વિશ્વસાહિત્યની વાર્તાઓની સૃષ્ટિમાં લટાર મરાવવા લઇ જતા !) ઓબ્સેશન એની નકલ નથી. પણ એની સોર્સ ફાઈલ જરૂર આ વાર્તા છે. સવાસો વર્ષ જૂની આ અંગ્રેજી વાર્તામાં તો ભારત પણ આવે છે, ને એનો ખરો મર્મ ત્યાં જ છે. વાંચો એનું થોડા સમજાય એવા મામુલી ફેરફારો સાથેનો ગુજરાતી અનુવાદ.
***
બહાર રાતનો સમય હતો. કડકડતી ઠંડી હતી અને ભારે વરસાદ પડી રહ્યો હતો. પવન એટલો તેજ હતો કે જાણે બારીઓ તોડી નાખશે. પરંતુ 'લેબર્નમ વિલા' નામના નાના પણ સુંદર મકાનના ડ્રોઇંગ રૂમમાં આગ સળગી રહી હતી અને વાતાવરણ એકદમ હૂંફાળું હતું. મિસ્ટર વ્હાઇટ અને તેમનો એકનો એક યુવાન દીકરો હર્બર્ટ ચેસ રમી રહ્યા હતા. મિસ્ટર વ્હાઇટ રમતમાં એક મોટી ભૂલ કરી બેઠા અને તે છુપાવવા માટે તેમણે બહારના ખરાબ હવામાનની વાત કાઢી. પાસે જ તાપણાની નજીક બેઠેલાં તેમનાં પત્ની મિસિસ વ્હાઇટ આરામથી સ્વેટર ગૂંથી રહ્યાં હતાં. નાનકડો પણ હર્યોભર્યો સુખી પરિવાર હતો.
ત્યાં જ ઘરના મુખ્ય દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. મિસ્ટર વ્હાઇટ દરવાજો ખોલવા ગયા અને એક મજબૂત બાંધાના, લાલ ચહેરાવાળા વ્યક્તિને અંદર લઈ આવ્યા. તેમણે ઓળખાણ કરાવતાં કહ્યું, 'આ સાર્જન્ટ-મેજર મોરિસ છે.' મોરિસ િ્રબ્રટિશ લશ્કરમાં હતા અને છેલ્લા ૨૧ વર્ષથી ભારતમાં ફરજ બજાવી રહ્યા હતા. બધા ટાઢોડામાં હૂંફ મેળવવા ફાયર પ્લેસ પાસે આગ સામે ગોઠવાયા. થોડો દારૂ પીધા પછી, મોરિસે ભારતના જંગલો, ત્યાંના રહસ્યમય મંદિરો અને જંતરમંતરના રોમાંચક કિસ્સાઓ કહેવાનું શરૂ કર્યું.
વાતો-વાતોમાં મિસ્ટર વ્હાઇટને કંઈક યાદ આવ્યું. તેમણે પૂછયું, 'મોરિસ, તમે મને પહેલાં કોઈ 'વાંદરાના પંજા' વિશે વાત કરી હતી, એ શું હતું?' મોરિસે વાત ટાળવાનો પ્રયાસ કરતા કહ્યું, 'એ કંઈ ખાસ નથી. બસ એક નાનો એવો જાદુ છે.' પણ બધાના આગ્રહ પછી તેમણે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો, સૂકાયેલો વાંદરાનો પંજો બહાર કાઢયો. મિસિસ વ્હાઇટ ડરીને પાછળ હટી ગયાં, પણ હર્બર્ટે તેને હાથમાં લઈને ધ્યાનથી જોયો.
મોરિસે ગંભીરતાથી કહ્યું, 'આ કોઈ સામાન્ય પંજો નથી. ભારતના એક બહુ મોટા અને પવિત્ર સાધુએ આના પર મંત્ર ફૂંક્યો છે. તેઓ સાબિત કરવા માંગતા હતા કે માણસનું નસીબ (એના કર્મોના આધાર) પહેલેથી જ લખાયેલું હોય છે, અને જે લોકો લલાટે લખાયેલા એ ભાગ્ય સાથે ચેડાં કરે છે તેમને મોટું નુકસાન ભોગવવું પડે છે. તેમણે આ પંજામાં એવો જાદૂ કર્યો છે કે ત્રણ માણસો આ પંજા પાસે પોતાની ત્રણ ઈચ્છાઓ માંગી શકે છે.'
હર્બર્ટે પૂછયું, 'તો શું તમે તમારી ત્રણ ઈચ્છાઓ માંગી લીધી છે?' મોરિસે ધીમા અવાજે જવાબ આપ્યો, 'હા... મેં માંગી લીધી છે.' તેમના ચહેરા પરથી લાગતું હતું કે એ ઈચ્છાઓનું પરિણામ ભયાનક હતું. 'તમારા પહેલાં કોઈએ ઈચ્છા માંગી હતી?' મિસિસ વ્હાઇટે પૂછયું.
'હા,' મોરિસે કહ્યું, 'પહેલા માણસે પણ ત્રણ ઈચ્છાઓ માંગી હતી. મને ખબર નથી કે તેની પહેલી બે ઈચ્છાઓ કઈ હતી, પણ તેની ત્રીજી અને છેલ્લી ઈચ્છા 'મૃત્યુ' હતી! અને એટલે જ આ પંજો મને મળ્યો.'
આટલું કહીને મોરિસ અચાનક ઉભા થયા અને તેમણે એ પંજો સળગતી આગમાં ફેંકી દીધો! મિસ્ટર વ્હાઇટે તરત જ આગમાં હાથ નાખીને પંજો બહાર કાઢી લીધો. મોરિસે તેમને રોકતા કહ્યું, 'તેને સળગી જવા દો. જો તમે તેને રાખશો, તો જે કંઈ પણ ખરાબ થશે તેનો દોષ મને ન આપતા. મારી માનો તો તેને પાછો આગમાં નાખી દો.'
પણ મિસ્ટર વ્હાઇટે પંજો પોતાની પાસે રાખી લીધો અને મોરિસ પાસેથી ઈચ્છા માંગવાની રીત શીખી લીધી. થોડીવાર પછી મોરિસ ત્યાંથી વિદાય લઈ ગયા. તેમના ગયા પછી, હર્બર્ટે મજાકમાં કહ્યું, 'પિતાજી, જો આ ખરેખર જાદુઈ હોય, તો આપણે સમ્રાટ બની જઈએ! અથવા એક કામ કરો, આપણા આ ઘરનું બેંકનું દેવું ચૂકવવા માટે પાંચ લાખ રૂપિયા બાકી છે, તો કમ સે કમ એટલા માંગી જુઓ.'
મિસ્ટર વ્હાઇટે હસતાં હસતાં પંજાને પોતાના જમણા હાથમાં પકડયો અને કહ્યુ: 'હું પાંચ લાખની રકમ માંગુ છું.' તરત જ મિસ્ટર વ્હાઇટના મોંમાંથી એક ડરામણી ચીસ નીકળી ગઈ અને પંજો જમીન પર પડી ગયો. 'તે હલ્યો!' મિસ્ટર વ્હાઇટે ધૂ્રજતાં ધૂ્રજતાં કહ્યું. 'જ્યારે મેં ઈચ્છા માંગી, ત્યારે તે સાપની જેમ મારા હાથમાં વળી ગયો હતો!' બધાના ચહેરા પર ડર હતો, પણ ઘરમાં ક્યાંય પૈસા દેખાયા નહીં. તેઓએ નક્કી કર્યું કે આ બધો તેમનો વહેમ હતો અને તેઓ સૂવા ચાલ્યા ગયા.
બીજે દિવસે સવારે સૂર્યનો તેજસ્વી પ્રકાશ રૂમમાં આવી રહ્યો હતો. રાતનો ડર હવે હાસ્યાસ્પદ લાગતો હતો. પંજો એક ટેબલ પર ફેંકી દેવાયેલો પડયો હતો. હર્બર્ટ રાતની વાત પર મજાક કરતો કરતો હંમેશની જેમ એની ફેક્ટરીમાં કામ પર જવા નીકળી ગયો.
બપોરનો સમય થયો. મિસિસ વ્હાઇટ બારીમાંથી બહાર જોઈ રહ્યાં હતાં. તેમણે એક સૂટ-બૂટ પહેરેલા અજાણ્યા માણસને ઘરની બહાર ખચકાટ સાથે ઉભેલો જોયો. થોડીવાર પછી તે માણસ અંદર આવ્યો. તેણે પોતાનો પરિચય આપતા કહ્યું કે તે હર્બર્ટની કંપની તરફથી આવ્યો છે. મિસિસ વ્હાઇટના ધબકારા વધી ગયા. તેમણે ગભરાઈને પૂછયું, 'શું થયું છે? મારા દીકરા હર્બર્ટને કંઈ થયું તો નથી ને?'
પેલા માણસે નજર ઝુકાવીને કહ્યું, 'મને બહુ દુ:ખ છે... હર્બર્ટને અકસ્માત થયો છે. તે મશીનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો...લોહીલુહાણ થઇ ગયો ને બહુ દર્દ થયું. પણ દુર્ભાગ્યે એનું મૃત્યુ થયું છે !'
આ સાંભળીને બિચારા વૃદ્ધ દંપતી પર આભ તૂટી પડયું. એમણે પોક મૂકી. પેલા માણસે ખચકાતાં ખચકાતાં આગળ કહ્યું, 'આમ તો કંપની આ અકસ્માત માટે પોતાની કોઈ જવાબદારી સ્વીકારતી નથી, પરંતુ તમારા દીકરાએ કંપનીમાં જે સેવાઓ
આપી છે, ને ફરજ પર મૃત્યુ પામ્યો તેના બદલામાં કંપની તમને સહાનુભૂતિ રૂપે થોડું વળતર આપવા માંગે છે. જેની રકમ પાંચ લાખ છે. હું કાગળો અહીં મુકતો જાઉં છું. પછી સહી કરી મોકલજો.'
મિસિસ વ્હાઇટના મોંમાંથી એક હૃદયભેદી ચીસ નીકળી ગઈ, અને મિસ્ટર વ્હાઇટ બેભાન થઈને જમીન પર ફસડાઈ પડયા. પૈસા તો મળી ગયા હતા, પણ કિંમતમાં તેમણે પોતાનો એકનો એક દીકરો ગુમાવી દીધો હતો. પંજાની પહેલી ઈચ્છા અત્યંત ભયાનક રીતે પૂરી થઈ હતી. રૂપિયા આવ્યા પણ ઘરનો વારસ જ ભરખી લીધો એ માટે !
વિશાળ અને સૂમસામ કબ્રસ્તાનમાં હર્બર્ટની લાશને દફનાવવામાં આવી. વ્હાઇટ પરિવારના ઘરમાં હવે સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. દિવસો પસાર થતા ગયા પણ દુ:ખ ઓછું થતું નહોતું. લગભગ એક અઠવાડિયા પછી, અડધી રાત્રે મિસિસ વ્હાઇટ અચાનક રડતાં-રડતાં જાગી ગયાં. અચાનક તેમના મગજમાં એક વિચાર ઝબક્યો. તેઓ પાગલની જેમ બોલી ઉઠયા, 'પંજો! વાંદરાનો પંજો ક્યાં છે?'
મિસ્ટર વ્હાઇટ ગભરાઈ ગયા. 'શું થયું? તું શું શોધી રહી છે?' 'આપણી પાસે હજુ બે ઈચ્છાઓ બાકી છે!' પત્નીએ આંખો પહોળી કરીને કહ્યું, 'આપણે તો માત્ર એક જ વાપરી છે. જલ્દી જાઓ, પંજો લાવો અને ઈચ્છા માંગો કે મારો દીકરો પાછો જીવતો થઈ જાય!'
મિસ્ટર વ્હાઇટ ડરના માર્યા ધૂ્રજી ઉઠયા. 'તું પાગલ થઈ ગઈ છે! એવું ક્યારેય ન કરાય. તેને મર્યે દિવસો થઈ ગયા છે. મેં તેની લાશ જોઈ હતી... તે મશીનમાં એટલી હદે છૂંદાઈ ગયો હતો કે હું તેને માત્ર તેના કપડાં પરથી જ ઓળખી શક્યો હતો. હવે ક્યાંથી જીવતો થાય?'
પરંતુ એક માતાના દુ:ખ અને જીદ સામે પતિનું કંઈ ચાલ્યું નહીં. પત્નીએ બૂમો પાડીને કહ્યું, 'મને પંજો લાવી આપો અને અત્યારે જ ઈચ્છા માંગો!' અંધારા રૂમમાં મિસ્ટર વ્હાઇટે નીચે જઈને વાંદરાનો પંજો શોધ્યો. તેઓ બેડરૂમમાં પાછા આવ્યા. તેમના હાથ ધૂ્રજી રહ્યા હતા. પત્ની તેમને એકીટશે જોઈ રહી હતી.
'માંગો!' પત્નીએ આદેશ આપ્યો. મિસ્ટર વ્હાઇટે ધૂ્રજતા અવાજે બીજી ઈચ્છા માંગી : 'હું ઈચ્છું છું કે મારો દીકરો પાછો જીવતો થઈ જાય.' પંજો તેમના હાથમાંથી નીચે પડયો. બંને પતિ-પત્ની શ્વાસ રોકીને રાહ જોવા લાગ્યા. એક મિનિટ... બે મિનિટ... કલાક વીતી ગયો. કંઈ જ ન થયું. આખરે નિરાશ થઈને તેઓ ફરીથી પથારીમાં સૂઈ ગયા. બહાર એકદમ શાંતિ હતી. અચાનક, વાવાઝોડા જેવું વાતાવરણ થઇ ગયું અને ઘરના નીચેના મુખ્ય દરવાજે કોઈએ ધીમેથી ટકોરો માર્ર્યો...
ખટ...બંને જણા પથારીમાં બેઠા થઈ ગયા. ફરીથી અવાજ આવ્યો... ખટ... ખટ... મિસિસ વ્હાઇટ ખુશીથી પાગલ થઈને બૂમ પાડી ઉઠયાં, 'તે હર્બર્ટ છે! મારો દીકરો પાછો આવી ગયો!' તેઓ દરવાજો ખોલવા નીચે તરફ દોડયા. મિસ્ટર વ્હાઇટે તેમને પકડવાનો પ્રયાસ કર્યો અને બૂમ પાડી, 'ભગવાનને ખાતર દરવાજો ના ખોલતી. મને વિચિત્ર લાગે છે બધું.'
'તમે મને રોકો નહીં, એ મારો દીકરો છે!' મિસિસ વ્હાઇટે પોતાનો હાથ છોડાવ્યો અને નીચે દોડયાં. દરવાજા પરના ટકોરા હવે જોરદાર અને સતત થઈ ગયા હતા... ખટ! ખટ! ખટ! મિસિસ વ્હાઇટ દરવાજા પાસે પહોંચી ગયાં અને તેનો ભારે આગળો ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યા. 'હર્બર્ટ, હું આવી! હું દરવાજો ખોલું છું!'
ઉપર બેડરૂમમાં મિસ્ટર વ્હાઇટ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેમને ખબર હતી કે દરવાજાની બહાર કબરની માટીથી ખરડાયેલી, દસ દિવસ જૂની, છૂંદાઈ ગયેલી એક સડેલી લાશ ઉભી છે! તેમણે અંધારામાં જમીન પર ફાંફા મારવા શરૂ કર્યા... વાંદરાનો પંજો ક્યાં છે? નીચે દરવાજાનો આગળો અડધો ખૂલી ગયો હતો.
અને બરાબર તે જ સમયે મિસ્ટર વ્હાઇટના હાથમાં પંજો આવી ગયો. તેમણે ઉતાવળમાં પોતાની ત્રીજી અને છેલ્લી ઈચ્છા માંગી લીધી : તેમણે ઈચ્છા માંગી કે દરવાજાની બહાર જે કંઈ પણ છે, તે શાંતિથી પોતાની કબરમાં પાછું જતું રહે. તરત જ દરવાજા પરના ટકોરા અટકી ગયા! એકદમ સન્નાટો છવાઈ ગયો.
નીચે મિસિસ વ્હાઇટે દરવાજો ખોલ્યો. તેમણે જોયું તો દરવાજાની બહાર કોઈ જ નહોતું... શેરીની સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ રોડ પર પડી રહ્યો હતો, પવન ફૂંકાઈ રહ્યો હતો, અને રસ્તો એકદમ સૂમસામ અને ખાલીખમ હતો. માની આંખોમાં નિરાશા અને બાપની આંખમાં સંતાપ હતો. વાંદરાના પંજાનો જાદુ પૂરો થઈ ગયો હતો.
***
મંકીઝ પો પરથી પણ ઘણી ફિલ્મો કે ટીવી એપિસોડ બન્યા. (ઝી હોરર શોમાં રામસેએ તાવીઝ નામનો એપિસોડ બનાવેલો) પણ સવાસો વર્ષ પછી એનું એક વર્ઝન આવ્યું ઓબ્સેશન જેણે ગ્લોબલ ઝંડા નાખી દીધા. મૂળ વાર્તામાં આપણી આધ્યાત્મિક ફિલસૂફીનું દર્શન હતું, કે વિધિના લેખ સાથે ઈચ્છાઓ પૂરી કરવા માટે ચેડાં કરો તો માઠા ફળ મળે એના કરતા રામ રાખે તેમ રહેવું ને ઠાકર કરે એ ઠીક. નવી ફિલ્મમાં ધારદાર રીતે પરાણે પ્રેમ મેળવવા જવાના જોખમો પર લાલ લીટી કરવામાં આવી છે. હેરી પોટરમાં યાદ છે લવ પોશન ? ગરીબ જાદુગરણી મેરોપી ગ્રાન્ટને અમીર મગલૂ ટોમ રિડલ ગમી જતા એના પર પ્રેમનો જાદૂ કરે છે. પેલો એને એ સંમોહનમાં પરણી જાય છે ને મેરોપી પ્રેગ્નન્ટ થતાં વિચારે છે કે હવે તો એ મારા પ્રેમમાં છે ને જાદૂની જરૂર નથી. પણ જેવો એ લવ સ્પેલ ખતમ કરે છે કે પતિ સંબંધ કાપી જતો રહે છે ને એની અસરમાં જ કન્સીવ થયેલો વોલ્ડેમોર્ટ પ્રેમ શું છે એ સમજી જ શકતો નથી એટલે ખતરનાક ખલનાયક બને છે. કારણ કે હાફ બ્લડ પ્રિન્સમાં જેમ કહેવાયું છે એમ જાદૂ કે કોઈ બીજી જાતના તંત્ર કે ખેલથી કોઈને થોડા સમય માટે મોહિત કરો એ રિયલ લવ નથી આકર્ષણ ને વળગણ છે. કૃત્રિમ છે. એ તૂટે પછી ઉલટી વધુ ખરાબ સ્થિતિમાં મુકાઈ જવું પડે છે.
ઈશ્ક પોતે એક મેજિક છે, પણ કુદરતી રીતે થાય તો. આકર્ષણ પેદા કરવા જતા કોઈના આક્રમણમાં ગૂંગળાઈ જવું પડે તો અંજામ ડેન્જરસ આવી શકે છે. અને પ્રેમ પણ માપમાં હોય ત્યાં સુધી ગમે, એના નામે સતત મેસેજ, કાળજી કે કોઈને જોડે ને જોડે રહેવાના બીજા સાથે વાત કે સમય પણ ના આપવાના આગ્રહોના બંધનમાં મૂકી દેવાથી લવના પણ ઉબકા આવવા લાગે !
ફાસ્ટ ફોરવર્ડ
'હું તને પલકવાર પુરતી વીંટળાઈ જતી પવનની લહેરખી બનવા માંગું છું. મારી નોંધ પણ ના લેવાય એવી સહજ અદ્રશ્ય પણ, છતાં મારા વિના જીવી પણ ના શકાય એવી અનિવાર્ય !'
(નોબેલ પ્રાઈઝ વિનર માર્ગારેટ એટવુડ)








