શ્ શ્ શ્.... કોઈ હૈ! .

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- સાયન્સ ફિક્શન તો સ્ટીવન સ્પીલબર્ગનો ફેવરિટ પ્રકાર છે. સવાલ એ છે કે સિનેમાનો એવો કયો પ્રકાર છે, જેના પર સ્પીલબર્ગની માસ્ટરી નથી? શું એમની લેટેસ્ટ 'ડિસ્ક્લોઝર ડે' એમની આગલી એલિયન ફિલ્મો જેવી ધમાલ મચાવી શકશે?
યો ગાનુયોગ જુઓ. અમેરિકાની ટ્રમ્પ સરકારે થોડા સમય પહેલાં ઉડતી રકાબી (યુએફઓ - અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ) અથવા તો પરગ્રહવાસીઓના અસ્તિત્ત્વ તરફ આંગળી ચીંધી શકે તેવી ભેદભરમથી ભરપૂર ગતિવિધિઓ (યુએપી- અનઆઇડેન્ટિફાઇડ એનોમેલસ ફિનોમિના) સંબંધિત જે કંઈ ગુપ્ત દસ્તાવેજો, વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ્સ હતાં, તેનો અમુક ભાગ જાહેર કર્યો. અમેરિકાની સરકારો છેક ૧૯૪૦ના દાયકાથી આ પ્રકારનો ડેટા એકઠી કરતી આવી છે. એ વાત અલગ છે કે ટ્રમ્પ સરકારે જે કંઈ કોન્ટેન્ટ જાહેર જનતા સામે મૂક્યું એમાં એવું કશું નહોતું કે જેના આધારે છાતી ઠોકીને કહી શકાય કે હા, હા... એલિયન્સ (પરગ્રહવાસીઓ)નું અસ્તિત્ત્વ છે, અને સકળ બ્રહ્માંડમાં માણસજાત એકલી નથી, નથી ને નથી જ!
કટ ટુ, બારમી જૂન.
માત્ર હોલિવુડના જ નહીં, વિશ્વના શ્રેષ્ઠતમ ફિલ્મમેકરોમાં જેની ગણના થાય છે તેવા સ્ટીવન સ્પીલબર્ગની લેટેસ્ટ ફિલ્મ ગયા શુક્રવારે રિલીઝ થઈ. તેનું ટાઇટલ છે, 'ડિસ્ક્લોઝર ડે'. આમાં એલિયન્સની જ વાત છે. સ્ટોરી એવી છે કે અમેરિકાની સરકાર પાસે એલિયન્સના અસ્તિત્ત્વ વિશે પાક્કી માહિતી છે, પણ તેણે આ વાત દુનિયાથી છૂપાવીને રાખી છે. ફિલ્મમાં પ્રેસિડન્ટ નહીં, પણ હીરો-હિરોઈન એલિયન્સની કુંડળી છતી કરી નાખે છે.
અલબત્ત, સ્ટીવન સ્પીલબર્ગે આ કંઈ પહેલી વાર પરગ્રહવાસીઓ વિશે ફિલ્મ બનાવી નથી. ભૂતકાળમાં એમણે એલિયન્સને કેન્દ્રમાં રાખીને 'ક્લોઝ એન્કાઉન્ટર ઓફ ધ થર્ડ કાઇન્ડ' (૧૯૭૭), 'ઇટી' (૧૯૮૨, જેના પરથી રાકેશ રોશનને સીધી ઉઠાંતરી કરીને 'કોઈ મિલ ગયા' બનાવી હતી) અને 'વોર ઓફ ધ વર્લ્ડ્ઝ' (૨૦૦૫) જેવી ફાંકડી ફિલ્મો બનાવી જ છે. સાયન્સ ફિક્શન પર આમેય સ્પીલબર્ગની માસ્ટરી છે. (સવાલ એ છે કે સિનેમાનો એવો કયો પ્રકાર છે, જેના પર સ્પીલબર્ગની માસ્ટરી નથી?)
'ડિસ્ક્લોઝર ડે'નું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે તેનો એક શોટ જોઈને તમારા મનમાં તરત એમ. નાઇટ શ્યામલનની 'સાઇન્સ' (૨૦૦૨) ફિલ્મ ઝબકી ગઈ હશે. એમાં એવી કથા છે કે અમેરિકાના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં નાયક મેલ ગિબ્સનનો પરિવાર રહે છે. એક રાત્રે અચાનક ખેતરના ઊભા પાકનો કચ્ચરઘાણ વળી જાય છે અને વિરાટ વર્તુળ જેવી ભેદી પેટર્ન બની જાય છે. આ પરગ્રહવાસીઓની હાજરીનો સંકેત હતો. સ્પીલબર્ગની 'ડિસ્ક્લોઝર ડે'માં એલિયન્સ ઉપરાંત રહસ્યમય વર્તુળો પણ છે. ફિલ્મનો હીરો જોશ ઓ' કોનોર એક સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે. એને પુરાવા મળે છે કે એલિયન્સ કેટલાંય વર્ષોથી નહીં, બલ્કે દાયકાઓથી પૃથ્વી પર આવ-જા કરે છે. બીજી તરફ, હિરોઈન એમિલી બ્લન્ટ ટીવી પર તાપમાનનો વર્તારો રજૂ કરતી પ્રેઝન્ટર છે. એને અચાનક ગેબી અને રહસ્યમય અનુભૂતિઓ થવા લાગે છે, જેનો સંબંધ કદાચ એલિયન્સ સાથે છે. ધીમે ધીમે બંનેની કથાઓ એકબીજા સાથે જોડાય છે. પછી શું થાય છે તે તમે, શક્ય છે કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઓલરેડી થિયેટરમાં જઈને જોઈ લીધું હશે. ન જોયું હોય તો - અને તમે જો સાયન્સ ફિક્શનના રસિયા ને સ્ટીવન સ્પીલબર્ગના ફેન હો તો - જોઈ લેવું જોઈએ.
સ્ટીવન સ્પીલબર્ગની વાત આવે એટલે 'રંગીલા' ફિલ્મનો પેલો સીન યાદ આવ્યા વગર ન રહે. 'રંગીલા' (૧૯૯૫)માં નવી નવાઈનો ફિલ્મ ડિરેક્ટર બનેલો ગુલશન ગ્રોવર છાતી ફુલાવીને કહે છે: 'મારી કોમ્પિટિશન અહીંના ડિરેક્ટરો સાથે થોડી છે? મારી કોમ્પિટિશન તો હોલિવુડના ડિરેક્ટરો સાથે છે!' ગુલશન ગ્રોવરના કિરદારનું નામ પાડવામાં આવ્યું હતું, સ્ટીવન કપૂર, એટલે કે શેખર કપૂર વત્તા સ્ટીવન સ્પીલબર્ગ! એકત્રીસ વર્ષ પહેલાં સ્ટીવન સ્પીલબર્ગ હોલિવુડમાં બાપ માણસ ગણાતા હતા. આજની તારીખે પણ સ્ટીવન સ્પીલબર્ગ હોલિવુડમાં બાપ માણસ ગણાય છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?
આ લેખની શરૂઆત આપણે ડોનાલ્ડ ટ્રમ્પથી કરી હતી. આ સંદર્ભમાં ઔર એક વાત યાદ આવે છે. ૨૦૧૭ના ડિસેમ્બરમાં સ્પીલબર્ગની એક મસ્ત ફિલ્મ આવી હતી - 'ધ પોસ્ટ'. તે વખતે પણ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ હતા. ટ્રમ્પ પર આ વખતની બીજી ટર્મમાં પેલી ભરમાળી એબ્સ્ટીન ફાઇલ્સ જાહેર કરવા માટે ખાસ્સું દબાણ આવ્યું હતું. વાંચતા શું, ફક્ત નજર ફેરવતાં જ હાંફી જવાય એટલી પ્રચુર માત્રામાં એબ્સ્ટીન કૌભાંડની સામગ્રી પબ્લિક ડોમેઇનમાં વહેતી કરવામાં આવી હતી. સ્પીલબર્ગની 'ધ પોસ્ટ'માં પણ કૌભાંડની જ વાત છે. 'ધ પોસ્ટ' એટલે 'ધ વોશિંગ્ટન પોસ્ટ' - અમેરિકાનાં સૌથી સફળ અને વગદાર અખબારોમાંનું એક. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત પોલિટિકલ-કમ-જર્નલિસ્ટિક ડ્રામા છે.
'ધ પોસ્ટ' ફિલ્મમાં પેન્ટાગોન પેપર્સ તરીકે કુખ્યાત થયેલા અને અમેરિકન સરકારે કરેલી ભયંકર ભૂલો, છબરડા તેમજ જૂઠાણાં વિશે વટાણા વેરી નાખતા હજારો પાનાંમાં ફેલાયેલાં અત્યંત ખાનગી ડોકયુમેન્ટ્સ કેન્દ્રમાં છે. આ ફિલ્મનું કાસ્ટિંગ તો જુઓ - મેઇન હીરો ટોમ હેન્ક્સ અને હિરોઇન, મેરિલ સ્ટ્રીપ! 'ધ પોસ્ટ' અગાઉ સ્પીલબર્ગ અને ટોમ હેન્ક્સ ચાર ફ્લ્મિોમાં સાથે કામ કરી ચૂકયા હતા ('સેવિંગ પ્રાઇવેટ રાયન', 'ધ ટમનલ', 'કેચ મી ઇફ યુ કેન', 'બ્રિજ ઓફ્ સ્પાઇઝ'), પણ સ્પીલબર્ગ અને મેરીલ સ્ટ્રીપે કયારેય સાથે કામ નહોતું કર્યું. તે જ પ્રમાણે, ટોમ હેન્ક્સ અને મેરીલ સ્ટ્રીપ પણ કયારેય સ્ક્રીન પર સાથે દેખાયાં નહોતાં. આ ત્રણેય મહારથીઓએ સાથે મળીને અત્યાર સુધીમાં ટોટલ આઠ ઓસ્કર એવોર્ડ્ઝ ઘર ભેગા કરી નાખ્યા છે. સ્પીલબર્ગ અને મેરિલના ત્રણ-ત્રણ અને ટોમ હેન્ક્સના બે. આ ઉપરાંત ત્રણેયના મળીને કુલ ૪૦ ઓસ્કર નોમિનેશન્સ તો લટકામાં! (૨૦૨૬માં આ આંકડો ૪૪ પર પહોંચી ચૂક્યો છે.) સ્પીલબર્ગ-ટોમ-મેરીલનું ખતરનાક કોમ્બિનેશન જોઈને સિનેમાના રસિયાઓના થનગનાટનો પાર નહોતો રહૃાો. મજાની વાત એ છે કે આ ફિલ્મ અપેક્ષા અને હાઇપ બંનેને સંતોષી શકી હતી.
શું હતું 'ધ પોસ્ટ'માં? ૧૯૫૫થી ૧૯૭૫ સુધી ચાલેલા વિયેતનામ વોરમાં ૫૮ હજાર કરતાં વધારે અમેરિકન સૈનિકોએ જીવ ખોયો હતો. જો અમેરિકા વટમાં રહૃાું ન હોત, પોતાને જ તમાચા મારીને ગાલ લાલ રાખવાની નીતિને વેળાસર તિલાંજલિ આપી દીધી હોત તો કેટલાય સૈનિકોનો જીવ બચી ગયો અને દેશની તિજોરી પર ઓછા ઘા થયા હોત. અમેરિકન પ્રશાસને આ વર્ષો દરમિયાન જે કંઈ ગોબાચારી કરી હતી એનું વિગતે વર્ણન કરતા અતિ સંવેદનશીલ અને કોન્ફિડેન્શિયલ ડોકયુમેન્ટ્સ સૌથી પહેલાં 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' અને પછી 'ધ વોશિંગ્ટન પોસ્ટ' અખબારના હાથમાં આવ્યા હતા.
ફ્લ્મિની સ્ટોરી એવી છે કે 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ની પ્રકાશક કેથરિન ગ્રેહામ (મેરીલ સ્ટ્રીપ) ધર્મસંકટમાં મૂકાઈ ગઈ છે. એ છાપાની માલિકણ ખરી, પણ એની પાસે નથી પત્રકારત્વનો મિજાજ કે નથી એવી કોઈ તાલીમ. 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના બાહોશ એડિટર-ઇન-ચીફ બેન બ્રેડલી (ટોમ હેન્ક્સ) પણ એ ખાસ્સી આધારિત રહે છે. એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) લાવીને કંપનીને આથક રીતે પગભગ બનાવવાની તજવીજ કરી રહી હતી ત્યાં પેન્ટાગોન પેપર્સની મોકાણ શરૂ થઈ. કેથરિને નિર્ણય લેવાનો છે કે પેન્ટાગોન પેપર્સ વિશેનો સનસનાટીપૂર્ણ અહેવાલ પોતાના છાપામાં છાપવો કે ન છાપવો? અહેવાલ છપાય તો અમેરિકામાં ધમાલ મચી જાય તે નિશ્ચિત છે. તત્કાલીન પ્રેસિડન્ટ નિક્સને 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ને ઓલરેડી ચૂપ કરી નાખ્યું હતું. પત્રકારત્વનો ધર્મ કહે છે કે સરકારે કરેલી ગોબાચારીની વિગતો જનતા સામે આવવી જ જોઈએ, પણ ધારો કે કોર્ટમાં પહોંચી ચૂકેલા આ કેસનો ચુકાદો અખબારોની વિરુદ્ધ આવ્યો તો જેલભેગા થવંુ પડે ને કેથરિનની આખી કંપની પડી ભાંગે. કેથરિન આખરે નીડર બનીને નિર્ણય લે છે: સ્ટોરી છાપો. પછી ભલે જે થવું હોય તે થાય! છાપાના ફ્રન્ટ પેજ પર સ્ટોરી છપાય છે અને જોરદાર તરંગો સર્જાઈ જાય છે. સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે: 'ધ વોશિંગ્ટન પોસ્ટ' છાપાએ કોઈ ગેરકાનૂની કૃત્ય કર્યું નથી! પેન્ટાગોન પેપર્સની સ્ટોરી 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ને એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી દે છે. પછી તો બહુ જ વગોવાયેલું વોટરગેટ કૌભાંડ પણ આ જ અખબાર બહાર પાડે છે, જેના પરિણામે પ્રેસિડન્ટ નિકસને રાજીનામું આપવું પડે છે.
બોક્સ ઓફિસ પર સફળ નીવડેલી 'ધ પોસ્ટ' ફિલ્મને બેસ્ટ પિક્ચરનો અને મેરિલ સ્ટ્રીપને બેસ્ટ એક્ટ્રેસનંબ ઓસ્કર નોમિનેશન મળ્યું હતું. ખૂબ બધી ફિલ્મો બનાવતા સ્ટીવન સ્પીલબર્ગનો સુવર્ણકાળ આમ તો ૧૯૭૦ના દાયકાના મધ્યભાગથી માંડીને ૨૦૦૦ના દાયકાના પ્રારંભિક વર્ષો સુધીનો અંતરાલ ગણી શકાય. છેલ્લાં દસ વર્ષમાં સ્પીલબર્ગે નિષ્ફળતા પણ સહેવી પડી છે. જોઈએ, 'ડિસ્ક્લોઝર ડે' સ્પીલબર્ગને કેવીક ફળે છે!
શો સ્ટોપર
જિંદગીમાં મેં ક્યારેય હલકી કક્ષાની પબ્લિસિટીનો સહારો લીધો નથી. મને માત્ર સારું કામ કરવામાં અને ચુપચાપ આગળ વધતાં રહેવામાં રસ છે.
- યમી ગૌતમ








