બંડખોર .

- રેખાબા સરવૈયા
- માએ પ્રચંડ આવેગ સાથે ધસી જઈને દીકરીને છાતીસરસી ચાંપી દીધી. માતાની છાતીની પોલી ખીણમાં, દીકરીનું આજ લગી દબાવેલું રુદન ધોધ બનીને ધૂધવી રહ્યું...
ફૂ લની પાંખડીથીય કોમળ એવા, આંખોનાં પોપચાંને ઊંચકવામાં પણ, જાણે કે કોઈ ભાર ઊંચક્યાનો થાક એ અનુભવી રહી. આંખો ઊઘડી એ સાથે જ એની નજર, સામેની દીવાલ પર લગાડેલી ઘડિયાળ પર સ્થિર થઈ. કાચના આવરણની આરપાર દેખાતા કાંટાઓ જાણે કે એની દ્રષ્ટિની આરપાર થઈ ગયા હોય અને એ વીંધાઈ ગઈ હોય એમ એણે પોતાની આંખો મીંચી દીધી.
એ સાથે જ નજર સમક્ષ આવેલા અંધકારમાં ઝબકોળાયેલો પ્રશ્ન એના માનસપટ પર ગુંજી રહ્યો...
ઘડિયાળોમાં કેદ કરીને રાખી મૂકેલો વખત ખરેખર વીતી જાય છે કે પછી વિતાડી જાય છે? - એના મગજમાં હજુય જાણે કે તમરાનો તીણો અવાજ માથું પટકી રહ્યો હતો કે જેના સણકા એના કાનમાં સીટીની જેમ ગુંજી રહ્યા હતા.
શું આ ભ્રમણા હતી?
કે પછી સર્જરી પછીની બેહોશીમાંથી સામાન્ય કરતાં, વધુ સમય રહીને, બહાર આવી વિચાર આગળ ગતિ કરી શકે એમ હતો, પરંતુ એનું મન જાણે કે કંઈ વિચારવા માંગતું નહોતું. મનની અંદર બહુ ઊંડા ઊતરવાના બદલે એણે કાંઠાના પગથારે બેસવાનું રાખ્યું આસપાસના વાતાવરણ સાથે સહજતાથી પોતાને સાંકળવા ચાહી - પણ એની આંખોને બધું અજાણ્યું લાગ્યું. તેમ છતાંય એ અનુમાન કરવામાં સફળ રહી કે એ કોઈ હોસ્પિટલની રૂમમાં હતી. એની ઇન્દ્રિયોએ સક્રિય થઈને જે અનુભવ્યું તે કંઈક આવું હતું... આત્મીયતાની હૂંફ વિનાનો રૂમ, ધોળીધબ્બ દીવાલો પર ગરોળીની જેમ રેંગતો સમય, આંખોને ઉદાસ કરી મૂકે એવા ભૂખરા રાખોડી રંગનાં બારી-દરવાજા અને પરદા- વાતાવરણને વીંટળાઈ વળેલી પરિચિત ફિનાઇલની તીવ્ર ગંધ, હરતી-ફરતી શિસ્તબદ્ધ ચુપકીદી! બાવડાં ફરતે કચકચાવીને બીપી માપવાના સાધનનો પટ્ટો બાંધી રહેલી - ભાવશૂન્ય ચહેરાવાળી નર્સ અને એના વ્યાવસાયિક - ઔપચારિકતાભર્યા વ્યવહારથી ઉબાઈ ગયેલી નજર, પલંગની પાંગત પકડીને ઊભેલી બે સજળ આંખોમાં જઈને અટકી કહો કે... એ બે ખારી-ગરમ જળથી ભરી-ભરી તળાવડીમાં રીતસરની કૂદી જ પડી. જાણે કે કોઈ ગ્રામ્યબાળક, ધોમધખતી વેળાએ, પોતાના પાદરસ્થિત પરિચિત તળાવડાના શીતળ જળમાં જળક્રીડા અર્થે બેફિકરાઈથી કૂદી પડે અને એ પાણી એના શરીરનાં તાપને શોષીને અપૂર્વ ઠારક આપે એવી જ કોઈ લાગણી એના મનને થઈ!
એ નજરના ભૂસકાથી વૃદ્ધ માતાની આંખોની તળાવડી છલકાઈ ગઈ. જીવન-મરણનો જંગ ખેલીને લાંબા સમયે ભાનમાં આવેલી દીકરી - મા માટે ઈશ્વરના ચમત્કારથી જરાય ઓછી ઊતરતી નહોતી.
દીકરી પોતાનાં આંસુ ન જોઈ જાય એની સભાનતા રાખીને એ વારંવાર આંખો પટપટાવીને ઊમટી રહેલાં આંસુઓને વિખેરીને અંદર ધકેલતી.
પથારીમાં કોણીઓ ભરાવીને બેઠા થવાનો પ્રયાસ કરી રહેલી દીકરી પાસે ત્વરિત પહોંચીને માતાએ પોતાનો હાથ દીકરીની પીઠ હેઠળ સહુકાવી બીજા હાથથી દીકરીનો પંજો પકડીને બેઠા થવામાં મદદ કરી.
દીકરીએ અશક્ત હાથ વડે માની હથેળી પકડી લીધી. વળતી ક્ષણે માએ દીકરીનું માથું પોતાની છાતી સાથે દાબી દીધું. કાંઈ જ શબ્દ વગરનો એ સંવાદ આંખમાંથી વહીને, છાતી પાછળ ધબકતા હૃદય સુધી પહોંચી રહ્યો.
યુ આર અ બેવ લેડી! ''લેડી ડોક્ટરે યુવતીના કાંડાની નાડી તપાસી - 'ને માડી!' તમારી પ્રાર્થના પણ ફળી; તમારી દીકરી જીવી ગઈ.'' - જવાબમાં વૃદ્ધાએ કૃતજ્ઞાતાપૂર્વક ડોક્ટરને હાથ જોડયા. એ કંઈક કહેવા મથ્યા પણ 'તારી સર્જરી બહુ કોમ્પ્લીકેટેડ હતી. અહીં આવ્યા ત્યાં સુધીમાં તો એટલું બ્લીડિંગ થઈ ચૂક્યું હતું કે ઓપરેશન ટેબલ પર તો મનેય એવું લાગ્યું...'- ડોક્ટરના વાક્યને ઝીલી લેતી હોય એમ હળવા સ્વરે યુવતીએ ઉમેર્યું : 'કે હું મરી જઈશ એમ જ ને!' અને અસંગતપણે એ હસી પડી પછી મા તરફ નજર નાખીને કહ્યું, 'પણ હું એટલી જલદી મરી જાઉં એમ નથી... પૂછો મારી માને!' - એટલું કહીને એ ફરી હસવા તો ગઈ પણ કોઈ પીડાના મેળવણે એના સ્મિતને ફાડીને ખાટા-ખાટા ફોદામાં ફેરવી દીધું. આ ક્ષણને સાચવી લેતા માએ પાણીનો પ્યાલો દીકરીના મોંએ ધર્યો. પોતાને કશુંક કહેવા માટે મનોમન શબ્દો ગોઠવવાની ડોક્ટરની મૂંઝવણને વાંચી લીધી હોય એમ એ બોલી: 'ડોક્ટર ડોન્ટ ફીલ હેસીટેશન પ્લીઝ. આઈ નો વેરી વેલ આઈ જસ્ટ લોસ્ટ માય ચાઇલ્ડ... પેટથી ઉપરના ભાગ પરના મારા શરીરે એનેસ્થેસિયાની અસર નહોતી થઈ એટલે મેં તમારી ધોળી-ટ્રેમાં મુકાયેલો મારો જ અંશ; એવો માંસનો લોચો નજરોનજર જોઈ લીધો.'
'ઓહ!' ડોક્ટરનો ધીમો ઉદ્ગાર! આખરે એ પણ સ્ત્રી હતી અને ઓપરેશન થિયેટરનું બારણું બંધ કરતાં પહેલાં એના હાથ પકડીને, યુવતીની માએ ધ્રુસકાભેર રડીને જણાવેલું કે લગ્નના ઘણા બધા સમય બાદ, દીકરીને આ ગર્ભ રહ્યો હતો. એ વૃદ્ધાની લાચાર આંખોમાં એવું કંઈક હતું કે ડોક્ટર કોઈ અદીઠ તંતુથી વીંટળાઈ ગયા હતા. એ જ કારણથી એણે યુવતીને બચાવી લેવા સારુ પોતાની તમામ કાબેલિયત કામે લગાડી હતી. દીકરીને સમયસર અહીં લઈ આવવા બદલ સહાનુભૂતિપૂર્વક વૃદ્ધાને બિરદાવી પણ હતી.
'બટ, સ્ટીલ આઇમ હેપી ડોક્ટર!' -કોઈ ગેબી ગુફામાંથી વહી આવતા હોય એવા સ્વરે યુવતીએ વાક્ય પૂરું કર્યું. ડોક્ટરના હૃદયમાં કશુંક દ્રવી ગયું... પોતાનું પ્રથમ જ ગર્ભસ્થ શિશુ અને એ પણ સહજીવનના કેટલા વખત બાદ! ગુમાવીને આ યુવતી 'હેપી' કઈ રીતે હોઈ શકે? સામાજિક ઢાંચામાં પણ સ્ત્રીની પરિપૂર્ણતાનો પર્યાય માતૃત્વ જ હોય ત્યારે એ પરંપરામાં કેવડું મોટું ગાબડું પાડી રહી હતી આ યુવતી?આજ સુધી જોયેલી-જાણેલી ઓપરેટ કરેલી, કોઈ જ સ્ત્રી આવું બોલ્યાનું એને યાદ નથી. ડોક્ટરે હવે પોતાના વ્યાવસાયિક દિમાગને કામે લગાડયું: મે બી આને આઘાતને લીધે ડીપ-ડિપ્રેશન કે સન્નિપાતની અસર થઈ રહી હોય! અને પછી કંઈ ન સૂઝતાં યુવતીના ખભાને થપથપાવીને બોલ્યાં, 'તું હવે આરામ કર આડુંઅવળું કંઈ વિચારમા..!' - પ્રત્યુત્તર અણધાર્યો આવ્યો યુવતીએ કહ્યું: 'હું એક ડોક્ટર અને ઉપરથી એક સ્ત્રી તરીકે હું મારી જિંદગીની અત્યંત મહત્ત્વપૂર્ણ ચર્ચા આપની સાથે કરવા માગું છું, ડોક્ટર શું મને આપની વ્યસ્તતામાંથી થોડીક મિનિટ્સ આપી શકશો?'
દિવસભર પતંગિયાની જેમ ઊડતી રહેતી, ચકલીની જેમ ચહેકતી રહેતી દીકરી માને વળગીને જ્યારે નિરાંતવી ઊંઘી જતી ત્યારે મા એનાં પોપચાં હેઠળ તરતી સપનાંની માછલીઓને જોઈ રહેતી દીકરીના શરીરમાંથી ઊઠતી ગંધ એને જુવાનીના પ્રદેશમાં પહોંચાડતી હતી. જોકે મા-બાપના એકમાત્ર સંતાન તરીકે થયેલા ઉછેરને લીધે જ દીકરીએ પોતાના મનની વાત એ વિશ્વાસથી જ માને નિ:સંકોચપણે જણાવી દીધી, જાણે કે પોતાના વિધર્મી સહ-અધ્યાયી સાથે જીવન જોડવામાં મા કે બાપ તરફથી કોઈ નકાર આવવાનો જ ન હોય!
પરંતુ -આટલા વરસોથી જેનું પડખું સેવ્યું હતું એ ધણીની નસ-નસથી વાકેફ માને ધ્રાસકો પડી ગયો હતો; દીકરીની વાત સાંભળીને, કારણ કે... ધણી પૂરેપૂરા પરંપરાવાદી પરંતુ દીકરીની જીદ પણ બાપને આંટે એવી..! જેની સાથે જીવન જોડવા થનગની રહી હતી એની જીવનપર્યંત સાથ નિભાવવાની પરિપક્વતા તો પરથમથી કેમ પ્રમાણી શકાય? અને જેટલું જાણ્યું હતું એ તો દીકરીની કહો કે પ્રેમિકાની નજરથી જાણેલું: દીકરી પ્રત્યે પ્રેમ, દીકરીની કલારુચિથી વાકેફ, દીકરીની પ્રતિભાથી પ્રભાવિત અને સર્વાંગી વિકાસ માટે એક સાથી તરીકે સદા દીકરીના શબ્દોમાં- પર્સનલ સ્પેસ આપે એવો યુવક!
દીકરીની પસંદગી ઉપર મહોર મારવા માટે માએ બાપ-દીકરી વચ્ચે મધ્યસ્થ બનવા સારુ પોતાની સઘળી કોઠાસૂઝ વાપરી પરંતુ પિતાનું આ રૂપ દીકરીની કલ્પના બહારનું હતું! એને મન તો પિતાજીએ એની બધી જ 'હા'માં 'હા' મિલાવનાર જો એમ ન થાય તો બંડ પોકારી પોતાનું ધાર્યું કરાવનાર દીકરી માટે પિતાજીની કરડાકીભરી 'ના' એટલે પોતાના મનગમતા રમકડાનો ભાંગીને ભૂક્કો થયેલો ભંગાર...!
પિતા અને પ્રેમી વચ્ચે લોલકની જેમ આજ લગી અથડાતું મન હવે એક જ ધ્રુવ પર અટકી જવા માટે અધીરું બન્યું હતું અને અંતે- રડતી માનાં આંસુ માથે ચડાવીને એણે ઘર, કુટુંબ, સમાજ અને જ્ઞાાતિનો ઉંબરો ઓળંગી દીધો. સદાને માટે પ્રેમીની બાંહોમાં પનાહ પામવા સારું!
'ડોક્ટર! થોડા દિવસ તો લાગ્યું કે દરેક સપનાં હકીકતમાં પરિવર્તીત થશે... પણ એક વાત વીસરી ગઈ - આવેગ અને આત્મીયતામાં પણ ઓટ આવી શકે. કોઈ પણ ભરતી કાયમી નથી હોતી! મારી મા કહેતી એમ કે, માણસ કંઈ બકાલુ છે કે એને ચાખીને લઈ શકીએ?બાપુનું પરિમાણ એથીય ચડિયાતું... પાક્યા વગરનાં કાચા માટલામાં પાણી ભરો ને, તો ફસકી જ પડે! કોઈ પણ સહજીવનમાં નાની નાની વાતો થકી જ માણસનું મન વ્યક્ત થતું હોય છે ને! મને કે મારા પ્રેમને પામવાને બદલે, મને પ્રાપ્ત કરી લીધાની મગરૂરી બહુ મજબૂત નીકળી ડોક્ટર! હું જાણે કે એના થકી જિતાયેલી - દુર્લભ ટ્રોફી હોઉં!' પછી તો પીડાઓની પરંપરા-યુવતીના ગળે ખરજ બાઝી ગઈ. એની આંખમાં ખારાશ તરવરી...
'તું તારા મા-બાપનું એકમાત્ર સંતાન ભલે રહી પણ મરતા સુધી તારો બાપ તને માફ ન કરી શક્યો ને! આટલા વખતમાં ક્યારેય તારી ખબર કાઢી એણે? એને મન તો તું વધારાની જ હતી એવો વળમાં રહ્યો! સગી દીકરી સામે આવો વટ રાખે એ બાપના મર્યા ઉપર વળી રોવાનું શું હોય? તારી પસંદ પ્રત્યે આટલી નફરત મનમાં લઈને ગયો એનો સીધો અર્થ તો એ જ થયો ને કે એ મારા દીકરાને પણ ધિક્કારતો હતો!' - સાસુનાં આ વેણ...
અખબારી નોંધમાંથી પિતાજીના દેહાંતના ખબર વાંચીને યુવતી બધું ભૂલીને મા પાસે દોડી ગઈ. સંતાનને માફ ન કરી શકનાર બાપના અહમની ગાંઠ એનું આયુષ્ય ભરખીને માને એકલતાથી ભરી ગઈ. પિતૃશોકથી તપ્ત મનને એક અવલંબનની ખાસ જરૂર હતી ત્યારે સાસુના આવા શબ્દોને પણ નજરઅંદાઝ કરી દઈને એ આવતાવેંત જ પતિને વળગી પડી.
પત્નીને બાથમાં લઈ છાતીસરસી ચાંપવાને બદલે એ પત્નીને અળગી કરતાં, સપાટ સ્વરે બોલ્યો : 'માન કે તું બધું છોડીને મારી પાસે આવી, પણ મને પૂછયા વગર એ ઘરે ગઈ શા માટે જે લોકોએ તને મરેલી માની લીધી હોય એમ આજ લગી તારો ભાવ નથી પૂછયો ને તું!' ઝેરી સર્પના સ્પર્શ અને ડંશ જેવો પતિનો સ્પર્શ અને શબ્દો! (કોણ બોલી રહ્યું છે આ? જેને પ્રેમ કર્યો એ તો આ પુરુષ નથી!!- સાસુનાં વેણ ગળી ગઈ હતી પણ આ વેણ તો કંઠમાં જ રાખવાં પડશે નીલકંઠની જેમ. જેની પાસેથી આશ્વાસનની અપેક્ષા હતી એ તો...
'આટલો વખત તારા વિશે જુદું વિચારતો રહ્યો હું પણ મને હવે લાગે છે મારા વિચારો બદલવા પડશે બહુ સ્વતંત્રતા આપી દીધી તને મેં. અમ્મી સાચું કહેતી'તી ઘરનો ઉંબરો મૂકેલી ઔરત આસમાનમાંય ન સમાય! ડોક્ટર-ફોક્ટરેટ બધું પડતું મૂક! લેક્ચરરશીપ માટે ક્યાંય જવાનું નથી તારે ... અને આ વુમન-એમ્પાવર્ડની લતને પડતી મૂક...! રેડિયો-ટીવી કે મેગેઝિનમાં લખવાની છૂટ શું આપી! પોતાને શું સમજી બેઠી!'
-તો છેવટે સાસુ અને નણંદની કાન ભંભેરણી રંગ લાવી હતી. ધીરે-ધીરે ભેગું થયેલું ઝેર પતિની નસોમાં ફરી વળ્યું હતું એનામાંનો પ્રેમી વટલાઈ ગયો હતો! કળા કરેલા સુંદર મોરને મુગ્ધ નજરે જોઈ રહેલી નજરોએ અચાનક જ જાણે મોરનું પછવાડું ન ભાળી લીધું હોય! મોહભંગ થયાની તીવ્ર લાગણીએ એના સંવેદનતંત્રને લકવાગ્રસ્ત કરી મૂક્યું.
અવિરત અવહેલનાના ખારા પટ્ટ સમુદ્રમાં ડૂબકા ખાતી એ યુવતીએ જીવવાની કોશિશ સતત ચાલુ રાખી, ખારી-ખારી ભીનાશથી ઉબકી જાય ત્યારે હાથ-પગ વીંઝતી'કને એ એક ટાપુ ઉપર ફસડાઈ પડતી અને આ ટાપુનું નામ મા હતું..!
જોકે જે લોકોની હારે એ જીવતી હતી એમને મન મા પાસે એનું આમ દોડી જવું બંડખોર કૃત્ય હતું. પણ પોતપોતાની જિંદગીની એકલતામાં સામાપૂરે તરતા મા-દીકરી માટે તો આ એક તરાપો હતો. કહો કે સંસારસર્પની લડાઈ લડતાં નોળવેલ સૂંઘવા જેવું.
'લગનનાં આટલાં વરસે તો ચાર-પાંચ બચ્ચાં તમારું માથું ખાતા હોય એના બદલે આને તો સમ ખાવાનું એકેય ન દીધું! મારો ખોળો ભરવા ટાણે એ મારી સામે ન જોઈએ આ કહી રાખું તમને ને હા તમેય મારી નણંદની નજરોમાં તો હજીય છો હોં વિચાર હોય તો કે'જો'- નણંદે આંખ મિચકારીને ભાઈને કહ્યું. બેઉ જણની વાતો અનાયાસ જ યુવતીના કાને પડી. પ્રેમ પરખવાનું માંડી વાળી- પતિના ક્ષોભને લઈ એ પોતે જ માની તબિયતનું બહાનું કરીને એ પ્રસંગમાંથી ખસી ગઈ. એ રાત્રે પતિ એને લેવા આવ્યો. આંધળો માણસ હાથ ફંફોસીને રસ્તો ખોળે એમ એ રાત્રે એણે પતિના સહવાસમાંથી પ્રેમ ફંફોસવાની કોશિશ કરી. આગિયાના અજવાસને આસમાની તારો માન્યાનું ભાન ત્યારે થયું કે... આમ શારીરિક સમીપ આવવું એ એના મનમાં જન્મેલી ક્ષણિક અપરાધવૃત્તિનું નિર્મૂલન માત્ર હતું - પણ અગમ્ય આશાથી વ્યસ્ત, એના અંદરથી ખૂલી ગયેલા તનની અંદર કશુંક રોપાઈ ગયાનો એને અહેસાસ તો થયો જ...
આ સત્યની સાથોસાથ કેટલાક મહિનાઓ પછી જે સત્ય સામે આવ્યું એ વિસ્ફોટક નીવડયું!
વહેલી સવારે માનો ફોન આવતા- એ તરત નીકળી ગઈ. તાવમાં તરફડતી મા પાસે રોકાવું એટલા માટે શક્ય નહોતું કે ઘરમાં નણંદનાં દીકરાનું ઝભલું લઈને મહેમાનો આવ્યા હતા. બધાની રસોઈની જવાબદારી પોતાના પર હતી છતાંય - - 'વારે-વારે મા પાસે દોડી જવું ઓછું હતું કે આમ આજે આખી માને જ અહીં લાવી મૂકી?' રસોડાનો ખૂણો જગા આપે તો સમાઈ જવા જેવું થઈ આવ્યું યુવતીની માને!! પણ એણે તો સાસુની વાત સાંભળી જ ન હોય એમ માની તબિયતની વાતો કરતાંકને કામે વળગી ગઈ. એવામાં બહારથી પતિની બૂમ સંભળાઈ. નણંદની નણંદનાં દોઢ વરસના દીકરાએ દીવાનખાનામાં મૂકેલી ઘરનાં કપડાંની થપ્પી વેરવિખેર કરીને 'પોટી' કરીને ખરડી મૂકેલું -
એ સાફ કરવાની બૂમ હતી. એણે રસોડામાંથી પૂરી તળતાં-તળતાં જ ઊંચા સ્વરે જવાબ આપ્યો: 'મારા હાથ રોકાયેલા છે, અમ્મી ત્યાં જ બેઠાં હશે- એને કહો સાફ કરે!' - એની તરફથી આ વાત ત્યાં પૂરી થઈ ગઈ હતી પણ મહેમાનોની વિદાય પછી અચાનક જ એના વાળને મૂળમાંથી પકડીને ધક્કો મારતા પતિએ શરૂ કર્યું: 'તારી તે જાતની' હેબતાઈ જઈને યુવતી દીવાલ સાથે અફળાઈ પડી. તાવથી એક ખૂણે તરફડતી મા આ જોઈ, ફફડી ઊઠી. ભર્યા માણસમાં પોતાને 'ગૂ' સાફ કરવાનું કહેનાર વહુ વિરુદ્ધ દીકરાને ઉકસાવી રહેલી સાસુ વિકરાળ ભાસી રહી હતી. પોતાના કંટ્રોલની બહાર વર્તન કરનાર પત્નીએ અજાણતાં જ પુરુષની પૂંછડી કચરી દીધી જાણે! એનું મગજ બહેરું થવા પર હતું. પ્રતિકાર તો દૂર સ્વરક્ષણ પણ શક્ય નહોતું કેમ કે કો' અજબ ઝનૂનથી પતિ એના પર તૂટી પડયો હતો. થપાટ-ગડદા-પાટુ-હડસેલા-ધક્કા અને અંતિમ પ્રહાર જમીન પર ફંગોળાતી દીવાલમાં અથડાતી એક ચીજની મર્મભેદી ચીસ... રગદોળાઈને ધ્વસ્ત થતું દીકરીનું સ્વાભિમાન અને બે સાથળ વચ્ચેથી દદડી આવેલો ઊનો રક્તપ્રવાહ..! મા તરફ મંડાયેલી-અર્ધ બીડાયેલી લાચાર આંખો.. માતાની એ બેબાકળી દોટ... અને બોલતાં-બોલતાં શ્રમિત થયેલી યુવતીએ શરીરને ઢીલું છોડીને પથારીમાં લાંબું કરી દીધું, બીડાયેલાં પોપચાંમાંથી આછી ખારી રેખા ઓશીકાને ભીંજવી ગઈ. અને ડોક્ટરના હૃદયને પણ. મૌનની ભારેખમ પળો અવઢવમાં આળોટી રહી અને પછી સ્વસ્થ સ્વરે એણે કહ્યું: 'એક ડોક્ટર તરીકે આપની મદદ ચાહું છું, આઈ વોન્ટ ટૂ ચાઈલ્ડ વાયા ટેસ્ટટયુબ - આઈ. વી. એફ મેથડ, બટ... આઈ હેવ ટૂ ડીસાઇડ કે... મારા ઉદરમાં જે ગર્ભ આપ આરોપો એ વીર્ય કોઈ અજાણ્યા પુરુષનું હોય!' ડોક્ટર અને યુવતીની માતા અવાક! ક્ષણાર્ધ પછી યુવતીના શબ્દો બંને જણ સુધી પહોંચ્યા : 'કેમકે હું એ બાબતે દ્રઢ છું કે મારાં લોહી-માંસથી સિંચીત એ બાળક બધાના માટે પ્રેમનું વાહક બને અને એટલે જ હું ન ઇચ્છું કે મારા ભાવિ સંતાનનો પિતા મારો આ પ્રેમી..' ને પછી જાણે જીભ કચરાઈ ગઈ હોય એવી પીડા સાથે સુધાર્યું,'આ પતિ હોય!' - દીકરીની વ્યથાથી વીંધાયેલી માની વાચા જ હણાઈ ગઈ! એની નજરોમાં સીધી નજર નોંધીને યુવતીએ કહ્યું : 'ના મા તારી સલાહ માનીને હું એનાથી અલગ તો નહીં થાઉં કેમ કે એક વાર કોચલું તોડીને બહાર આવેલા બચ્ચા પાસે ફરીથી ઇંડામાં જવાનો વિકલ્પ ક્યાં હોય જ છે? એક છત નીચે, એની પત્ની તરીકેની તમામ સામાજિક ફરજો બજાવીશ પણ... આજ પછી આ દેહ પર એનો કોઈ જ અધિકાર હું સ્થાપિત થવા નહીં દઉં, એટલું તો નક્કી.' દીકરીની આંખમાંથી રેલાતી ખારાશથી ચમકતી ચહેરાની ત્વચામાં ઊપસી રહેલી અપૂર્વ દ્રઢતાને ડોક્ટર જોઈ રહ્યા.
માએ પ્રચંડ આવેગ સાથે ધસી જઈને દીકરીને છાતીસરસી ચાંપી દીધી. માતાની છાતીની પોલી ખીણમાં, દીકરીનું આજ લગી દબાવેલું રુદન ધોધ બનીને ધૂધવી રહ્યું. માના અંતરની ભૂમિ પર રચાતા વાત્સલ્યનાં વમળમાં, આ દીકરી માટે અન્ય લોકો દ્વારા વારંવાર સંબોધાયેલો 'બંડખોર' શબ્દ ઘૂમરાઈ રહ્યો...








