Magazines

વેકેશન વિડિયોઝનો રંગબેરંગી રસથાળ! .

By GS TEAM
7 Jun 202610 mins read
વેકેશન વિડિયોઝનો રંગબેરંગી રસથાળ!                          .

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- મ્યુઝિક, ડાન્સ, મોટિવેશન ટોકથી માંડીને નોલેજ, પોડકાસ્ટ, સ્ટેન્ડ અપ કોમેડીથી લઈને ક્લાસિકલ સંગીત સુધીના વિડિયોઝનો મજેદાર ખજાનો

(૧) ડિયર રીડર, ટેલર સ્વિફ્ટ : 

સુપર પોપસ્ટાર તરીકે માઇકલ જેકસનની વર્તમાન ઉત્તરાધિકારી ટેલર હમણાં જ અમેરિકાના ટોચના ૩૦ જીવિત ગીતકારોમાં આવી. એ સારું નાચે ને ગાય છે એમ લખે ને કંપોઝ પણ કરે છે. આ ગીત તો સાંભળો એટલે શબ્દો સમજ્યા વગર પણ સીધું મનમાં મધ ઘોળાય એેવી રીતે ગાયું છે ને ધૂન પણ એવી છે. શબ્દો સર્ચ કરી વાંચજો. આત્મીયભાવે જેન ઝીને જીવી લેવાનું સારું શેરિંગ છે. 

https://youtu.be/X0Jti9F-oQA?si=3VHu18U5B6WbbdQ4

(૨) શેખર ટુનાઇટ : એકાદ એપિસોડ નહી, આખી ચેનલ જ ફોલો કરવા જેવી છે. અમેરિકાના લેટ નાઇટ કૉમેડી શોઝ જેમ જોક્સ, મ્યુઝિક ને કોઈ ગેસ્ટ સાથે હળવા મૂડમાં ભારે વાતો હોય એ ફોર્મેટ જ ભારતમાં શેખર સુમને મૂવર્સ એન્ડ શેકર્સથી શરૂ કરેલું. હજુ તો નીતિન ગડકરી, બોબી દેઓલ અને અલી ફઝલના ત્રણ એપિસોડ આવ્યા છે પણ શેખરે આજકાલ ટ્રોલિયાઓના ત્રાસને લીધે મોટા ભાગની સેલિબ્રિટીઓ બોલતા ડરે છે એવી રીતે સત્તા અને રાજકારણની છોલી છે એ કાબિલે દાદ છે. કોઈ સાઇડ લીધા વિના અને પર્સનલ થયા વિના સાચા સેટાયર. ઓરિજિનલ જલસો. 

https://youtu.be/g4INof5RVM4?si=-3kRqjkMqwhP3gcf

(૩) રાજકમલ ડાયલોગ :  ગુલઝાર, જાવેદ અખ્તર અને પુરુષોત્તમ અગ્રવાલ જેવા કાયમ સાંભળો તો કશુંક જડે એવા અભ્યાસુ અને વાચાળ વિદ્વાનો ઋષિતુલ્ય ગણાય ને એમની વાતો સાંભળવી એ ઉપનિષદ જેવું કાર્ય ગણાય. આ સંવાદમાં અનાથાશ્રમથી જગત જોવાની યાત્રા કરી ચૂકેલા લેખક અધ્યાપક સુનિલકુમાર લવટે પણ ભળ્યા છે સંચાલક અતુલ તિવારી બોલે એ વધારાનું લાગે એવો ભારત અમે મનુષ્યની ખરી સમજ આપતો ઉત્તમ સંવાદ. 

https://youtu.be/H6b5ZoR39H4?si=Lc1gRSD6Th-1-WpM

(૪) કર લે પ્યાર કર લે : આશા ભોંસલે ગયા ને સુમન કલ્યાણપૂર પણ ગયા. પણ બડી દીદી લતાના ઓછાયાનો આશાએ કેવી રીતે રીતે મુકાબલો કર્યો એની સિગ્નેચર સાહેદી એટલે રાજેન્દ્રકુમારની 'પ્રાચીન' સ્પાય થ્રિલર 'તલાશ'નું આ ગીત હેલનનો ડાન્સ તો જોવા જેવો છે જ. પણ એમાં છેક નીચેથી ઊંચે સુધી આશાએ જે ગાયકીના પલટા માર્યા છે એ વિરાટ કોહલીની આરસીબીના આ વખતના આઇપીએલ રન જેવા છે. ખુદ હી ચેક કર લીજીયે ના. 

https://youtu.be/sdsMk6DtuRc?si=CnredvhOBKHZxgGh

(૫) ગટ હેલ્થ સેક્સ કનેક્શન: અગાઉ ભાખેલું એમ રાજ શમાણી તો નાની ઉંમરે પોડકાસ્ટની દુનિયાના બચ્ચન બની ગયા છે ! આ ગેસ્ટને આપણે તો અગાઉ જાણતા ન્હોતા. પણ આ નિષ્ણાત ગેસ્ટ અનંત  અગ્રવાલની વાતો કમાલની છે. હવાઈ નથી. સાયન્ટિફીક છે. સેક્સ બાબતે નાકનું ટીચકું ચડાવતા ચોખલિયાઓને રોકડો મેસેજ છે કે હોર્ની હોવું કે કામુકતા અનુભવવી એ સારી હેલ્થની નિશાની છે. એ સિવાય પણ પ્રોટીનથી લઈ બોડી એન્ડ માઇન્ડ સુધીની મજેદાર વાતો છે આમાં. 

https://youtu.be/x3qyh9XpqAk?si=AQQOF8q7UzOBjuBU

(૬) સ્ત્રી કી ક્ષમતા, ઓશો : ઓશો કંઈ પણ કહે એ સાંભળવાની મજા જ આવે. સહમત ન થાવ તો પણ વિચારતા થઈ જાવ. સ્ત્રી વિશેની આ વાતો પુરુષ માટે પણ ઉપયોગી છે. ફેમિનાઇન બીઇંગ સમજો તો મેચ્યોર બનીને આકર્ષણ ઊભું કરી શકો. 

https://youtu.be/eRGcrOBTztE?si=LgeC5ojdm7jIv-4E

(૭) સક્સેસ વિધાઉટ કોન્ફિડન્સ  : ગ્રીસના એથેન્સમાં યોજાયેલ ટેડેઅકસમાં આ ફૂટડી યુવતી ઈવી પોમ્પુરાસે માત્ર પંદર મિનિટમાં જે વૈભવ સૂર્યવંશી જેવી સટાસટી બોલાવી છે મોટીવેશન બાબતે, એ રિયાલિસ્ટિક અને આલાતરીન છે. સફળતાના આંબાઆંબલી બતાવવાની ફેક્ટરીને બદલે એ સમજદારીની વાત કરીને પ્રેરિત કરે છે. મસ્ટ સી. 

https://youtu.be/DCh3N2ulmJY?si=vAPMMDuPqk09qxGP

(૮) લેસ્લી ગો : ગયા વર્ષની ઉત્તમોત્તમ ફિલ્મ 'સીનર્સ'નું આ સોંગ એવી સિચ્યુએશનમાં આવે છે, જ્યાં લોહીતરસ્યા વેમ્પાયર્સ ટોળી જમાવી નાચતા અન્યોને જોડાઈ જવા આમંત્રણ આપે છે. પણ ગીત જ એવું કમાલ છે કે માણસ માદ્રી ને સ્પર્શ કરવા ખેંચાયેલા પાંડુની જેમ મરવા માટે પણ દોડતો જવા તૈયાર થઈ જાય ! સ્કોટિશ કવિ રોબર્ટ ટાન્નાહીલે ૨૦૦ વર્ષ પહેલા રચેલું છે, એ માન્યામાં નહીં આવે. સાંભળો, સંગીતનું સંમોહન સમજાઈ જશે.

https://youtu.be/4xh5bhmU8X8?si=TaU4sgR6z8CwQs6U

(૯) કૌશિકી ચક્રવર્તી, તલગાજરડા: પ્રિય મોરારિબાપુના સાંનિધ્ય થકી દાયકાઓથી ભારતીય સંગીતના ઉત્તમોત્તમ અને ખ્યાતનામ કલાકારોને હનુમાનજીના ચરણે બેસીને પ્રસ્તુતિ કરતા સાંભળવા જોવાનો લ્હાવો દરેક ગ્રામવાસીને પણ મળે. આ વર્ષે ત્યાં સન્માનિત અને અત્યારે નવી પેઢીમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પહોંચાડવામાં શિરમોર કહી શકાય એવું નામ પંડિત અજય ચક્રવર્તીના સુપુત્રી કૌશિકી ચક્રવર્તી. પણ આ વર્ષે એમણે સમર્પિત ભાવથી જે ગાયું છે, જે ગાયું છે આહાહા. 

https://www.youtube.com/live/Zx0wsxpb3pI?si=E6tkRgUEn12QY6_y

(૧૦)  રંગારા : સૌમ્ય જોશી, આદિત્ય ગઢવી, અંચિત ઠક્કર ('સ્કેમ' ફેમ. યાદ આવે છે?) આ ત્રિદેવ થકી તો ગોતી લો જેવું બ્લોકબસ્ટર ખલાસી સોંગ કોક સ્ટુડિયોમાં સર્જાયેલું. હવે એ બધા ભેગા થઈને ફાલ્ગુની પાઠકનો ઉમેરો કરીને આ કમાલ ધમાલ ગીત ગુજરાતીઓ માટે લઈ આવ્યા છે. ગુજરાતની અસલી ને નવતર ઓળખનું રાજ્યગીત છે આ તો. 

https://youtu.be/Qha-iogk0Jw?si=Wdd8Ki_UCn9VeKFd

(૧૧) હબીબા: અક્ષય ખન્નાને લીધે ધુરંધરમાં બહેરીનનું મ્યુઝિક જામી ગયું તો બીજા ભાગમાં ખાલિદનું સુખ્યાત દીદી આવી ગયું. પણ આ વાઇરલ દૌરમાં અરબી છાંટ વાળું ઓરિજિનલ આપણા બપ્પીદાએ બનાવેલું એ તો ભૂલાઈ જ ગયું ! એની કેસેટ આવેલી ને દૂરદર્શન પર નવા વર્ષના પ્રોગ્રામમાં જાવેદ જાફરીનો બ્રેકડાન્સ નજરે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પર જોયેલો. હવે ક્લરમાં યુટયુબ પર જુઓ. 

https://youtu.be/ZXsZwUEjaK4?si=mFMC6UeIX_TzNhyA

(૧૨) ફોર્ટી સેન્ટ કોફી :  માત્ર ત્રણ મિનિટનો એઆઈ ઇમેજથી બનાવાયેલો નેરેશન વિડિઓ જે બિઝનેસની મોટી ફોર્મ્યુલા ને માનવસ્વભાવ સમજાવી જાય છે !

https://youtu.be/yX4X3Rs2hZE?si=-yl296CBJwCkngur

(૧૩) ઇલોન મસ્ક નિખિલ કામથ : અંગ્રેજીમાં થયેલી વાતચીત હવે હિન્દીમાં સાંભળી શકાય છે, એ પણ એ આઇના આશીર્વાદ ! જોરદાર જવાબો છે દુનિયાના નંબર વન કુબેરપતિના. દિમાગના દરવાજા ખોલી દે એવા જો સરખું સાંભળો તો! 

https://youtu.be/5k7sagWYWYA?si=L2gkskk55OshZG-_

(૧૪) મેરે ગાંવ આઓગે : જશ્ને રેખ્તામાં ગિટાર લઈને રાહગીર ગાય પણ જે શિદ્દત ને મહોબ્બત ટપકે એમાંથી. લાજવાબ. શબ્દો, ગાયકી ને ભીતર આરપાર ઊતરી જતું ગીત. 

https://youtu.be/yUDlxXTAun4?si=K53C25rESNgLcE9_

(૧૫)  યુનિટ્રી રોબોટ લીવ:

આમ તો સ્પર્ધા છે. જોવા બેઠેલા જજ પણ જોવા જેવા છે. પણ રોબોટ ડાન્સ શરૂ થશે પછી મોજ પડી જશે. 

https://youtu.be/y7ojRmPxqNg?si=JRg1PMExZQkfbiF8

(૧૬) મિર્ઝા ગાલિબ, કાદર ખાન : કાદર ખાનના લખેલા કૉમેડી  કે સિરિયસ ડાયલોગ સાંભળો તો પણ એમની ડેપ્થ ને નોલેજ ખબર પડે. ફિલોસોફીની ધાર આવે એમાં. કોઈ સાઉથની રિમેકમાં મૂળ ફિલ્મોમાં એ સમયે નાટકો સહિત આવતી ને લોકો હસી કાઢતા કારણ કે લાગણી દુભાવવાનો પ્રોજેક્ટેડ બ્રેઇન વોશિંગવાળો ગૃહઉદ્યોગ ત્યારે નહોતો. એવો કોઈ ભજવેલો સેનનો કટકો કાપીને માણસની રેન્જ માપનારા ઉલ્લુલલ્લુઓને ખબર ન પડે હોશિયારી કોને કહેવાય. કાદર ખાનનું છેલ્લું કામ કુરાનના મૌલવીઓએ ત્રાસવાદીઓ પેદા કરે એવા અર્થો કાઢયા એની સામે માનવતાવાદી અર્થઘટનનું હતું જે અધુરું રહી ગયું. પણ સ્કોલર સ્પીચ કોને કહેવાય એ સાંભળવી હોય તો કુવૈતમાં મિર્ઝા ગાલિબ પર એમના ગરજતા અવાજમાં આપેલું આ લેક્ચર સાંભળો. બેહતરીન ઇનસાઇટસનો ખજાનો મળશે. 

https://youtu.be/vcFRB7dfm-0?si=SCDjXZM5jB8mC2CH

(૧૭)  ઇવી એકચ્યુઅલી ગ્રીન? : એક સમયના પાડોશી કટારચી એવા જાણકાર જિજ્ઞાાસુ ને પ્રવાસ સાયન્સના રસિયા હર્ષલ પુષ્કર્ણાની ચેનલ આમ પણ વાતોના વિડિઓમાં ગ્રાફિક્સ કેવા સુંદર મૂકી શકાય એની તાલીમ માટે જોવા જેવી હોય છે. પણ અત્યારે પેટ્રોલ બચાવવા જે ઈવી યાને ઇલેક્ટ્રિક બેટરી સંચાલિત કારની હિમાયત બધે થાય છે, એની બેટરી વાસ્તવમાં વૈજ્ઞાાનિક રીતે એટલી જ મોંઘી પડે છે એનો સચોટ ચિતાર આ વીડિયોમાં છે. 

https://youtu.be/KqbINCYDaOM?si=LerrItoHljAzWqpB

(૧૮) યુ આર નોટ એલોન, એમજે: માઇકલ જેક્સનની બાયોપિક જેવી બની હોય એવી, એણે ધ્યાન ખેંચ્યું કે માઇકલ જેક્સન હજુ પણ ધીંગી  ને ધીકતી બ્રાન્ડ છે. ન ભૂતો ન ભવિષ્યતિ. આ ગીત તો સુંદર છે જ. માઇકલના લખેલા શબ્દો થકી ઓર જાદૂઈ લાગે છે. પણ એના આ મ્યુઝિક વીડિયોમાં લિઝા મેરી પ્રેસ્લી એની એક્સ વાઇફ ને એવા જ મ્યુઝિકલ આઇકન એલ્વિસ પ્રેસ્લીની દીકરી પણ દેખાય છે. એ રીતે પણ જોવા જેવો. 

https://youtu.be/Ib6TQTbheyY?si=i_0JsOuYkJcjx560

(૧૯) સિધ્ધાર્થ કન્નન મુદસ્સર અઝીઝ : આ યુવા ફિલ્મ ડાયરેક્ટરની ફિલ્મોમાં મનોરંજન સાથે મેસેજ હોય છે બાસુ ચેટરજીનું હાઈ ટેક વર્ઝન. સુધીર મિશ્રાના શિષ્ય રહી ચૂકેલા સાઉથ બોમ્બેમાં ડોક્ટરના દીકરા એવા પતિ  પત્ની ઔર દો વાળા અઝીઝભાઇનો ઈન્ટરવ્યુ પણ ઘણી ઇનસાઇટવાળો છે. અને કન્નનકુમારને ચૂપ રહીને સામે વાળાને ખુલવા દેવાની હથોટી છે આમ પણ. 

https://youtu.be/phcqJuXCBL4?si=t6fqGUe2fi6hOx6r

(૨૦) મિડલ ક્લાસ ટ્રેપ : ધુ્રવ રાઠીનું નામ પડે કે પક્ષ વિપક્ષ જેવા બે વિભાજન પડી જાય દર્શકોમાં. એના પોલિટિકલ સ્ટેન્ડને બાજુએ રાખો તો પણ જર્મની રહેતો બંદો મેધાવી તો છે. કોઈ મેગેઝિન આર્ટિકલની જેમ પુરાવાને વાર્તાની શૈલીમાં વણી લે ઇતિહાસની ફેક્ટના ઘણા સરસ વિડિઓઝ એણે બનાવ્યા છે. પણ રાજકારણ  કે ઇતિહાસ ઉપરાંત પણ એની જોડે વૈવિધ્ય કેટલું છે એનું એક સેમ્પલ એટલે આ વીડિયો. જે યુવાઓને લાગતું હોય કે ખોટી જગ્યાએ ભરાઈ પડયા છીએ ને નવું કંઈક કરવું જોઈએ. પણ જૂનું છોડવાનું સાહસ કરવું કે નહીં, એમને નકકર સાયન્ટિફીક ગાઇડન્સ મળશે આમાંથી. જરૂર જોવા જેવો. 

https://youtu.be/D7Y-nJ8uiEA?si=r6u6RaZwL-icUIiw

(૨૨) ભેળિયો, ઇશાની દવે :

બુલંદ અવાજના માણીગર પ્રફુલ્લ દવેની વિદેશમાં ભણી હોવા છતાં તળ ગુજરાતના ગીતો ગાતી તેજસ્વી દીકરી ઇશાની દવે પર અફઘાનિસ્તાનથી આવેલ નિરાશ્રિત તાલિબાનો જેવી સંકુચિત માનસિકતા ધરાવતા ધર્મજડસુ ટ્રોલિયાઓએ એવા વસ્ત્રપરિધાન માટે પરેશાન કરી જે ભારતની મૂળ સંસ્કૃતિમાં સાવ સહજ હતા ! પણ સંસ્કારનો ઠેકો લઈ બેઠેલા મર્કટચરકટ પોતે કોઈ પણ આધુનિક સ્ત્રી માટે અભદ્ર બોલબોલ કર્યા કરતા હોય છે. ઈશાનીના આ વીડિયો જુઓ કેવી સરસ રીતે અવાજ ને અભિવ્યક્તિથી આપણી માટીમાંથી માતાજીને એણે જીવંત કર્યા છે ! 

https://youtu.be/UtCoPWdmYmQ?si=wQJDFRYZo5S29i4s

(૨૩) અર્ઝ કિયા હૈ : કોક સ્ટુડિયો ઈન્ડિયાનું આ અનુવ જૈનનું સોંગ લેટેસ્ટ સેન્સેશન છે. યાદ આવી જાય સાંભળતા જ અલી હૈદરના વાઇબ્સ. ગમી જશે. 

https://youtu.be/EsHmKenpE8U?si=5aPxed4_cyC1TXZy

(૨૪) ગુલાબી સાંવરિયા :  દિવ્યા ખોસલા કુમાર કરોડપતિ ઘરાનાના ખુબસૂરત વહુ બનીને પછી હીરોઈન ડાયરેક્ટર બધા તરીકે ચમકી રહ્યા છે. આપણા ગુજરાતી ઉમેશ શુક્લની આ સ્વીટ બદલાની ડ્રામેટિક સ્ટોરીમાં આ ગુલાબી સાંવરિયા સોંગ કેચી છે સાંભળ્યા બાદ મનમાં હૂક આવી જશે. 

https://youtu.be/-mAXBdG61MY?si=i8bAZxgpCxM9M6pR

(૨૫)  લીવર ડોક, ઈન્ડિયા ટુડે :

લીવર ડોક તરીકે સુખ્યાત.... પર એમનું રોકડું વૈજ્ઞાાનિક સત્ય ન પચાવી શકતા ચંપકચંબુઓ કેસ પણ કરે એટલી હદે ગિન્નાયેલા રહે છે. પણ એમની વાત માન્યતા આધારિત નહીં હકીકત ઉપર હોય છે. આયુર્વેદના નામે જે ધુપ્પલ ચાલે છે એની પોલ તો ખોલી જ છે. પણ શરાબ ઓછો હાનિકારક નથી, એનાથી સાવધાન રહેવા જેવું છે એવું પણ ખુલીને કહે છે. આખો ઈન્ટરવ્યુ ધ્યાન દઈને સાંભળવા જેવો. 

https://youtu.be/LfROQtTzJp4?si=dBCag7BNCbUhjkxG

(૨૬) ધ મેન કમ્સ એરાઉન્ડ : જોની કેશનું આ ગીત ગાય રિચીની જોવા જેવી વેબ સિરીઝ યંગ શેરલોકના ચોથા એપિસોડન છેડે વાગે છે. પહાડી અવાજ ને કન્ટ્રી મ્યુઝિકની શેડયકઢા દૂધ જેવી ફીલમાં પરોવાયેલા શબ્દો. 

https://youtu.be/k9IfHDi-2EA?si=KD1t9JWprbsN8Kw

(૨૭)  અંડા વેજ હૈ ? : ઈંડા જગત આખામાં વેજ ગણાય પણ ભારતમાં નોન વેજ ગણાય. હવે જગતના એક વર્ગમાં પાછું દૂધ પણ નોનવેજ લેવલ પર આવે, જે ભારતમાં પ્યાર વેજ જ  ગણાય ને છે જ. પણ સાયન્સની રીતે આજકાલ માર્કેટમાં મળતા ઇંડા એક કોયડો છે. એને નોન વેજ ગણવા કે કેમ. એના વિશે વાત વોટ્સએપના ગપાટાબંધ મેસેજ થકી ન થાય. મસાલા લેબ ચેનલમાં હિન્દીમાં સરસ જાણકારી વાળા વિડિઓ મુક્તા ક્રિશ અશોકની કિતાબની ભલામણ વર્ષો પહેલા કરેલી. હવે આ વીડિયોમાં એગ બાબતની ઘણી ગેરસમજોનો વૈજ્ઞાાનિક ખુલાસો છે. 

https://youtu.be/ltfFzjYGZLg?si=8V3ABMfurRzYWsiK

(૨૮)  મન કી દશા : કૃષ્ણાવતારમ ફિલ્મની સ્ક્રિપ્ટ ને માવજત નબળી લાગી પણ અમુક દ્રશ્યો ખૂબ સુંદર કંડારવામા આવ્યા છે. એમાં એના બે ગીતો છે. કૃષ્ણ રુક્મિણીના આ ગીતમાં ભાગ્યે જ કૃષ્ણનો પત્ની સાથે પ્રણય દેખાડાય એ છે. ને ક્રિષ્ના ગોવિંદા ગીત પણ એના ડાન્સ માટે જોવા જેવું. ફિલ્મમાં સત્યભામા તરીકે સંસ્કૃતિ જયનાનો અભિનય એના નામને સાર્થક કરે એવો. 

https://youtu.be/oCvNboQfmyk?si=o2ea5D-deSi4Igmw

(૨૯) રોઝ એન્ડ બુ્રનો માર્સ : ઇન્સ્ટાગ્રામમાં બીજીએમ તરીકે સાંભળતાં સાંભળતા આ મનમાં છપાઈ ગયેલું પેપો સોંગ ખાસ્સું દર્શનીય પણ છે ! પૂરી જલસા પાર્ટી. 

https://youtu.be/ekr2nIex040?si=tWuHXync6Crp9w6x

(૩૦)  બિલિવ : મોટીવેશનના એકદમ અલ્ટ્રા ડોઝ. અંગ્રેજી પણ સબટાઇટલ સાથે. 

https://youtu.be/uc-5Z0R-dxs?si=RYVpV-ZtIMT3LBCH

(૩૧) ડેમોક્રસી ડાયલોગ : શશી થરૂર અને પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચુડ સાહેબનો અનામત જેવા જ્વલનશીલ વિસ્ફોટક વિષય સહિત બંધારણ અને લોકશાહી પરનો સંવાદ એટલા માટે જોવા જેવો કે ચર્ચા ખરા વિદ્વાનો વચ્ચે કેવી રીતે એકમેકના આદર સહિત અલગ પડતા મતની થાય ! 

https://youtu.be/jNtsSdIGE3E?si=VHX7wcYk_H6RLHgy

(૩૨)  વોટ વુમન એકચ્યુઅલી વોન્ટ  : ભારત દેશમાં બે સ્ત્રીઓ છડેચોક બેસીને ઇન્ટિમસી પર, સેક્સ્યુઅલ પ્લેઝર પર વાતો કરે ? અરે ભારતમાં ન કરે તો ક્યાં કરે ? કામસૂત્રનો દેશ તો આ છે. ગુંજનના પોડકાસ્ટ આમે જોવા જેવા. ને અસીમ આનંદની વાતો કરતા સીમા આનંદ આમે સાંભળવા જેવા. ઢાંકેલા વિષયની ખુલ્લી ચર્ચા. 

https://youtu.be/6uUo9eulj-8?si=TwNAYL7gvOUpkfYi

(૩૩) ફ્યુચર : નાનકડી પાંચેક મિનિટની ઓલમોસ્ટ સાયલન્ટ શોર્ટ  ફિલ્મ છે. રાજકોટમાં બનેલી. પણ ખૂબ અગત્યનો મુદ્દો. નેશનલ લેવલ પર પહોંચાડવા જેવો. પ્રેમ ને ઉનાળાની ગરમી બેઉને લાગુ પડે એવો. 

https://youtu.be/mACPB2KqKIw?si=RL5vscCbwM8KK_ei

૩૪) સ્ટીલ એલાઈવ, સમય રૈના

દુનિયામાં બાઉન્સ બેક થવાના, પ્રતિકાર કરવાના અનેક રસ્તાઓ છે. દરેક વખતે તમારે યુદ્ધ જ લડવાનું હોય એવું જરૂરી નથી. દરેક વખતે ફિલ્મી સિચ્યુએશન થાય એવું પણ જરૂરી નથી. એક જ સિમ્પલ વાત છે: તમારી પાસે સ્માર્ટનેસ જોઈએ, ટેલેન્ટ જોઈએ અને હોશિયારી જોઈએ. જેમ શેક્સપિયરના નાટકમાં બુ્રટ્સસની સામે એની વાક્છટાનો પલટવાર કરીને એન્ટની છવાઈ જાય છે અને સીઝરની બાબતે પોતાનો કક્કો ખરો કરાવી લે છે - એવી જ રીતે સમયે પણ તલનું તાડ બનાવ્યા બાદ જબરદસ્ત કમબેક કર્યો છે. અક્કલ હોય ને બોલતા આવડે તો માત્ર દોઢ કલાકમાં સુપ્રીમ કોર્ટથી પણ ઉપરવટ જઈ શકાય એનો સબૂત. 

https://youtu.be/LhpZJwUboeI?si=mh2eM1CaoKr4DX5Q

(૩૫) દેશ બચા લો

વરુણ ગ્રોવરન કટાક્ષ તો જનોઇવઢ હોય છે. પણ બુદ્ધિનું સજ્જડ બેકિંગ હોય છે એટલે સમસમી ગયેલા લોકોએ પણ સ્વીકારવું પડે એનું અસ્તિત્વ. જેન ઝીને એકદમ ચત્તીપાટ કરી દેતી હ્યુમર સાથે આ લેટેસ્ટ વીડિયો જોઈને તો એણે પેલા લિયોનાલ મેસી પર બનાવેલા વીડિયોની માફ્ક રીતસર પેટ દુ:ખવા લાગશે. મોર પાવર ટુ વરુણ ગ્રોવર. 

https://youtu.be/OxEMHsCKTWo?si=2JlEzev6PvIW9_F2

ફાસ્ટ ફોરવર્ડ

परखना मत परखने में कोर्इ अपना नहीं रहता

किसी भी आइने में देर तक चेहरा नहीं रहता

बडे लोगों से मिलने में हमेशा फासला रखना

जहां दरिया समुंदर से मिला दरिया नहीं रहता

( बशीर ब)