Magazines

કઠપૂતળીનો ખેલ .

By GS TEAM
24 Apr 20263 mins read
કઠપૂતળીનો ખેલ                                   .

- રાજસ્થાનના મહેલ જોઈને બચ્ચાઓએ સિંહરાજાને પૂછયું- 'તમારે કેમ આવો મહેલ નથી?' સિંહરાજા હસીને બોલ્યા- 'મને તો નાનાં નાનાં બચ્ચાઓ સાથે રહેવું ગમે છે. મારા માટે તો આખુ જંગલ જ મારો મહેલ છે!'

- ડૉ. પ્રીતિ ત્રિભોવનદાસ કોટેચા

સુંદરપુર વનમાં સસલા, સિંહ, રીંછ વગેરે પ્રાણીઓ સંપીને રહેતાં હતાં. હવે બચ્ચાઓને વેકેશન પડયું એટલે બધાં બચ્ચાં સિંહરાજાને મળવા ગયાં અને કહેવા લાગ્યા-

'સિંહરાજા, વેકેશન પડયું,

ચાલો ફરવા, વેકેશન પડયું!'

સિંહરાજા વિચારમાં પડી ગયા. બચ્ચાંની વાત તો સાચી છે. તેમને ક્યાંક ફરવા લઈ જવા જોઈએ. પણ ક્યાં લઈ જવાં? તેમને પોતાના મિત્ર ઊંટભાઈનો લેટર યાદ આવ્યો. 'ચાલો, બધાને રાજસ્થાન લઈ જઈએ!' એમ વિચારી તેમણે તરત જ સભા ભરી. 

સિંહરાજાએ કહ્યું- 'બધાં બચ્ચાઓ, તૈયાર થઈ જાઓ. આપણે રાજસ્થાન જઈશું. મારા મિત્ર ઊંટભાઈ આપણને ત્યાં ફરવા લઈ જશે.'

બચ્ચાં તો ગેલમાં આવીને ગાવા લાગ્યાં - 

'વેકેશનમાં ફરવા જઈશું,

રાજસ્થાન ફરવા જઈશું,

કઠપૂતળીનો ખેલ જોઈશું,

મજા કરીશું, મજા કરીશું!'

પ્રવાસની તૈયારી શરૂ થઈ. સિંહરાજાએ બચ્ચાઓને ફરી બોલાવ્યા અને પ્રેમથી કહ્યું- 'જુઓ, ફરવા જવું મજાની વાત છે, પણ થોડું ધ્યાન રાખવું પણ જરૂરી છે.'

બચ્ચાઓ ઉત્સુક બનીને સાંભળવા લાગ્યાં. સિંહરાજા કહે- 'પ્રવાસમાં બધાએ સાથે જ રહેવું, કોઈપણે એકલા જવું નહીં.'

હાથીમામા બોલ્યા-  'સમયસર પાણી પીવું અને ખાવાનું લેવું.'

શિયાળભાઈએ ઉમેર્યું - 'મોટાઓની વાત સાંભળવી અને અજાણ્યા સાથે વાત ન કરવી.'

વનું વાંદરો બોલ્યા- 'જ્યાં જઈએ ત્યાં કચરો ન ફેંકવો, સ્વચ્છતા રાખવી.'

બચ્ચાઓએ એકસાથે કહ્યું-  'હા, અમે બધું ધ્યાન રાખીશું!'

બીજે દિવસે સરસ મજાની ગાડી આવી. બધાં બચ્ચાં ગાડીમાં ગોઠવાયાં. બચ્ચાનું ધ્યાન રાખવા એમની સાથે હાથીમામા અને શિયાળભાઈ સાથે ગયા. સિંહરાજા તો ખરા જ. બચ્ચાઓ ગીત ગાતા મોજ કરતાં હતાં-

'ચાલો ફરવા, ચાલો ફરવા,

રાજસ્થાન ચાલો ફરવા,

કઠપૂતળીનો ખેલ જોવા,

દોસ્તો સાથે મોજ કરવા!'

બધા રાજસ્થાન પહોંચ્યા. ઊંટભાઈએ સૌનું સ્વાગત કર્યું. ભોજન પછી તેઓને જયપુરનો મહેલ જોવા લઈ ગયા.

રાજસ્થાનના મહેલ જોઈને બચ્ચાઓએ સિંહરાજાને પૂછયું- 'તમારે કેમ આવો મહેલ નથી?'

સિંહરાજા હસીને બોલ્યા-  'મને તો નાનાં નાનાં બચ્ચાઓ સાથે રહેવું ગમે છે. મારા માટે તો આખુ જંગલ જ મારો મહેલ છે!'

બચ્ચાઆને મજા પડી ગઈ. સાંજ પડતાં રસ્તા પર એક તંબુ દેખાયો, જેની બહાર લખેલું હતું -  'કઠપૂતળીનો શોધ'.

બચ્ચાં બોલ્યાં -  'અમારે આ ખેલ જોવો છે!'

પણ તંબુ નાનો હતો. બધા માટે અંદર જવું શક્ય નહોતું. ઊંટભાઈ બોલ્યા- 'ચાલો, મારી પીઠ પર બેસી જાઓ!' હાથીભાઈએ પણ કહ્યું- 'થોડાક બચ્ચાં મારી પીઠ પર બેસે!'

બન્નેની મદદથી ઘણાં બચ્ચાઓએ ઊંચેથી કઠપૂતળીનો ખેલ જોયો. દોરડાથી બાંધેલા પૂતળા જીવંત લાગતા હતા. એક કઠપૂતળી આવી અને એણે સંદેશો આપ્યો- 'જંગલ આપણું ઘર છે, એને બચાવો અને સ્વચ્છ રાખો.'

બચ્ચાઓ ખુશ થઈને તાળી પાડી ગાવા લાગ્યાં-

'જંગલ તો અમારું ઘર,

સ્વચ્છ રાખીશું એને સૌ,

જંગલને બચાવીશું,

સૌને અમે ભણાવીશું!'

થોડા દિવસ રાજસ્થાન ફરી બધાં બચ્ચાં જંગલ પાછા આવ્યા. તેમણે માત્ર મજા જ નહોતી કરી, પણ શિસ્ત અને સારા નિયમો પણ શીખ્યા હતા.

બચ્ચાઓ જંગલમાં ફરીને બધાને કહેવા લાગ્યાં-  'ફરવા જાઓ ત્યારે સમજદારી રાખવી, સાથે રહેવું, સ્વચ્છતા જાળવવી અને નિયમોનું પાલન કરવું.'

આમ, બાળકોએ કઠપૂતળીનો સંદેશો આખા જંગલમાં ફેલાવી દીધો.