Magazines

વાતાવરણ શુદ્ધ થશે જ !

By GS Team
29 Nov 20192 mins read
This article was originally published on 29 Nov 2019
વાતાવરણ શુદ્ધ થશે જ !

મોટા શહેરોમાં તો શુદ્ધ હવા પણ મળતી નથી. ઓક્સિજન માસ્ક પહેરવા પડે તેવો સમય આવી રહ્યો છે. ફેફસાના રોગે માણસને ઘેરી લીધો છે. પ્રદૂષિત વાતાવરણથી વરસાદ પણ અનિયમિત બનતા સમગ્ર માનવજાતને ખતરો ઊભો થયો છે.'

પાંચમાં ધોરણમાં ભણતો પાર્થ આજ રવિવાર હોવાથી તેના મમ્મી પપ્પા સાથે સાંજે બગીચામાં બેઠો હતો. ઉનાળાની ગરમીમાં બગીચામાં ફરવાની પાર્થને બહુ મઝા આવતી હતી. તેનું ધ્યાન આકાશમાં જતા તેના પપ્પાને કહે કે, ''પપ્પા આ વખતે વરસાદ વહેલો આવે એવું લાગે છે. જૂઓને આકાશમાં કાળા વાદળો પણ દેખાવા લાગ્યા.''

નિરાશ વદને પંકજભાઈ કહે, 'બેટા આ વાદળો નથી. આ તો પ્રદૂષણના ધૂમાડાનું પડ છે. જે વાદળ જેવું દેખાય છે. હકીકતમાં તે બહુ નુકશાનકારક છે.'

'પણ તે કેવી રીતે નુકશાન કરે?' પાર્થ બોલ્યો. અરે! બેટા તું બહુ નાનો છે, તને થોડુંક સમજાવું. 'કારખાનાનો ઝેરી વાયુ હવામાં ભળતા ઘણા બધા રોગો થાય છે. મોટા શહેરોમાં તો શુદ્ધ હવા પણ મળતી નથી. ઓક્સિજન માસ્ક પહેરવા પડે તેવો સમય આવી રહ્યો છે. ફેફસાના રોગે માણસને ઘેરી લીધો છે. પ્રદૂષિત વાતાવરણથી વરસાદ પણ અનિયમિત બનતા સમગ્ર માનવજાતને ખતરો ઊભો થયો છે.' પંકજભાઈ ગંભીર થઈને એકીશ્વાસે બોલી ગયા.

બે ચાર દિવસ પાર્થ વિચાર કરતો રહ્યો કે આ સમસ્યાને કેમ ઓછી કરવી? તેના મિત્ર પરેશને વાત કરતા પરેશે કહ્યું કે, 'આપણે આપણા વિજ્ઞાાનના શિક્ષકને પૂછીએ તે આપણને સમજાવશે.'

શનિવારે બાલસભામાં વિકાસસાહેબને વિનંતી કરતા કહ્યું કે, 'વાયુનું પ્રદૂષણ કેમ થાય છે? અને તેનાથી છૂટકારો કેમ મેળવી શકાય? તે સમજાવો ને?'

વાતની શરૂઆત કરતા વિકાસસાહેબ કહે કે, 'વાયુનું પ્રદૂષણ સંપૂર્ણ દૂર કરવું હાલના તબક્કે બહુ અઘરું છે, પણ પ્રદૂષણ ઓછું થાય અને પર્યાવરણ જળવાઈ રહે તેવા ઉપાય હું તમને સમજાવું છું.'

'વધારે વૃક્ષો વાવીએ તો આ વૃક્ષો ઝેરી વાયુ શોષી લે. તમે દરેક તમારા જન્મદિવસે એક વૃક્ષ અવશ્ય વાવજો અને ઉછેરજો. બીજું શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવો. વધુમાં નજીક ક્યાંક જવું હોય તો ચાલીને અથવા ઈ બાઈકનો ઉપયોગ  કરવો. જો આ ત્રણેય બાબતો તમે દિલથી અપનાવશો તો ચોક્કસ વાતાવરણ શુદ્ધ થશે જ !' સરળ ભાષામાં વિકાસ સાહેબે સમજ આપી.

વિકાસ સાહેબની વા આખી શાળાના વિદ્યાર્થીઓને ગળે ઉતરી ગઈ. બધા વિદ્યાર્થીઓએ સાહેબને ખાતરી આપી કે, 'હવે અમે ચોક્કસ અમારા જન્મદિવસે વૃક્ષ વાવીને ઉછેરીશું જ. પપ્પાને ઓફિસ જવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું કહીશું. પ્રેમથી સમજાવીશું તો અમારા પપ્પા પણ અમારી વાત ટાળી નહિ શકે. મોટા ભાઈ કે બહેનને પણ ઇ-બાઇકનો ઉપયોગ

કરવા મનાવીશું.' બધા વિદ્યાર્થીઓની વાત સાંભળી વિકાસસાહેબ પણ હરખાતા બોલ્યાં કે, 'ભારતનું ભાવી તમારાથી ઉજળું છે. તમારા મનોબળથી વાતાવરણ શુદ્ધ થશે જ! તેમાં બેમત નથી.' વિકાસસાહેબના પ્રોત્સાહનથી બધા વિદ્યાર્થીઓ પણ આનંદિત થયા.

- પ્રકાશ ડી. કુબાવત