Magazines

આપણા સ્વાતંત્ર્ય નાયકો : મહાવીરસિંહ

By GS TEAM
20 Feb 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : મહાવીરસિંહ

- 1933માં મહાવીરસિંહને આંદામાનની જેલમાં મોકલી આપવામાં આવ્યા. એ વખતે લોકો આંદામાનની જેલનું નામ સાંભળતાં જ ધૂ્રજી ઊઠતા. પશુથી પણ બદતર વ્યવહાર ત્યાં કરવામાં આવતો. જેલના આ અમાનવીય અત્યાચાર સામે ક્રાંતિકારીઓ ઉપવાસ ઉપર ઊતર્યા.

યતીન્દ્રનાથ દાસની માફક જેલમાં ભૂખ હડતાલ પર ઊતરીને શહીદ થયેલા મહાવીરસિંહ ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના કાસજગંજનાં વતની હતા. ઠાકુરપણાની તેમનામાં પૂરી ઠસક હતી. એ વખતે કાનપુરની ડી.એ.વી. કોલેજ ક્રાંતિકારી વિચારોનું શિક્ષણ આપતી કોલેજ ગણાતી. મહાવીરસિંહ તેમાં અભ્યાસ કરતા હતા. આ કોલેજમાં ક્રાંતિકારી શિવ વર્મા પણ ભણતા હતા. મહાવીરસિંહ તેમના સંપર્કમાં આવતાં બંને મિત્રો બની ગયા. હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના સભ્ય પણ બન્યા.

દળનાં આહવાન પર તેઓ શિક્ષણ અધૂરું મૂકીને લાહોર પહોંચી ગયા. ત્યાં તેમને મોટર ચલાવવાની તાલીમ આપવામાં આવી. થોડા જ દિવસમાં તેઓ એક સારા ડ્રાઈવર બની ગયા. ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર દ્વારા સાંડર્સની હત્યા કરાઈ ત્યારે મહાવીરસિંહે જ એમને ગાડીમાં બેસાડી સુરક્ષિત સ્થલે પહોંચાડયા. સાંડર્સની હત્યાના થોડા દિવસ પછી ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કર્યો. ક્રાંતિકારીઓ દ્વારા ઉપરાઉપરી થયેલા આ પરાક્રમથી અંગ્રેજ સરકાર સમસમી ઉઠી. હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના સૈનિકોને વીણી વીણીને લાહોરની જેલમાં પૂરવા માંડયા. તેમના પર દ્ધિતીય લાહોર ષડયંત્ર નામથી કેસ ચલાવવામાં આવ્યો. જેલમાં આવતાંની સાથે મહાવીરસિંહે જેલના નિયમોનું ઉલ્લંઘન કરીને પરાક્રમ બતાવવા માંડયું. અધિકારીઓ તેમની મારપીટ કરવામાં કશું બાકી ન રાખતા. પરંતુ તગડા શરીરના આ માણસને એની કશી અસર ન થતી. કેસનો ફેંસલો આવ્યો ત્યારે તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી.

થોડા દિવસ પંજાબની જેલમાં રાખીને પછી મૈસુરની જેલમાં મોકલી આપ્યા. મૈસુરની જેલમાં પણ તેમણે પોતાનું પરાક્રમ બતાવ્યું. જેલના સુપ્રીન્ટેડન્ડન્ટ સાથે ઝઘડો કરવા બદલ ચાબુકના ત્રીસ ફટકા હસતે મોઢે ખાધા. ૧૯૩૩માં તેમને આંદામાનની જેલમાં મોકલી આપવામાં આવ્યા. એ વખતે લોકો આંદામાનની જેલનું નામ સાંભળતાં જ ધૂ્રજી ઊઠતા. પશુથી પણ બદતર વ્યવહાર ત્યાં કરવામાં આવતો. જેલના આ અમાનવીય અત્યાચાર સામે ક્રાંતિકારીઓ ઉપવાસ ઉપર ઊતર્યા. જેલમાં ક્રૂર અધિકારીઓને એમ હતું કે ક્રાંતિકારીઓના ઉપવાસની વાત આંદામાન બહાર ક્યાં પહોંચવાની હતી ?

આ વિચારે એમણે કશી પરવા ન કરી. કેટલાક ક્રાંતિકારીઓ જ્યારે મોતની સાવ નજીક પહોંચી ગયા ત્યારે આ અધિકારીઓની આંખ ઊઘડી. બળપૂર્વક દૂધ પિવડાવીને ઉપવાસ તોડાવવા માંડયા. પહેલવાન મહાવીરસિંહ પર બળપ્રયોગ કેવી રીતે કરવો ? જેલનો પુરો સ્ટાફ એમના ઉપવાસ તોડાવવા કામે વળગ્યો. આઠ દસ જણાએ તેમના હાથ પગ પકડી રાખ્યા. ડૉક્ટરે છાતી પર ચડી ગળામાં બળપૂર્વક નળી ઘુસાડી દૂધ રેડવા માંડયું. પરંતુ આ દૂધ અન્નનળીમાં ન જતાં ફેફસામાં ગયું. મહાવિરસિંહ તરફડિયાં મારવા લાગ્યા. ઉલટી થવા માંડી એ જ હાલતમાં તેમને દવાખાને લઈ જવાયા. દવાખાને પહોંચતા જ તેમણે શ્વાસ છોડી દીધો.

- જિતેન્દ્ર પટેલ