લો હવે A.I.નો પણ ધર્મગુરૂઓ જોડે સત્સંગ

- અમેરિકાના સિલિકોન વેલીના ટેક્નોક્રેટસની એ.આઈ.નો આત્મા કરુણાસભર બને તે માટેની કવાયત
- હોરાઈઝન-ભવેન કચ્છી
- એ. આઈ. માં વેદાંતનું તત્ત્વજ્ઞાન પણ સામેલ કરાશે જેમ કે 'હું કોણ છું? ક્યાંથી આવ્યો? મારો હેતુ શું?'
સિ લિકોન વેલી અત્યાર સુધી એક જ ભાષા સમજતી હતી- કોડની ભાષા. કોઈ સમસ્યા ઊભી થાય તો તેના ઉકેલ માટે વધુ સારા એન્જિનિયર, વધુ શક્તિશાળી કમ્પ્યુટર, વધુ ડેટા અને વધુ ઝડપી અલ્ગોરિધમ શોધવામાં આવતા. પરંતુ હવે કૃત્રિમ બુદ્ધિની દુનિયામાં એક એવો પ્રશ્ન ઊભો થયો છે, જેનો જવાબ કદાચ માત્ર કોડથી મળી શકે તેમ નથી. પ્રશ્ન છે- મશીનને બુદ્ધિશાળી તો બનાવી શકાય, પરંતુ તેને સારા-નરસાનો વિવેક, કરુણા, સંવેદનશીલતા અને નૈતિકતા કેવી રીતે શીખવવી?
એ. આઈ. ની ચેતના
આ પ્રશ્ન એટલો ગંભીર બન્યો છે કે અમેરિકાની અગ્રણી એ. આઈ. કંપની Anthropicએ ધર્મશાસ્ત્રીઓ, ફિલસૂફો અને વિવિધ ધર્મોની જ્ઞાનપરંપરાના પ્રતિનિધિઓને સાથે બેસાડયા. તેમાં ભારતના અદ્વૈત વેદાંતના વિદ્વાન અને વેદાંત સોસાયટી ઑફ ન્યૂયોર્કના વડા સ્વામી સર્વપ્રિયાનંદ પણ સામેલ હતા. સ્વામીજીને સાન ફ્રાન્સિસ્કો સ્થિત Anthropicના મથક પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. ચર્ચાનો વિષય માત્ર ધર્મ નહોતો; સવાલ હતો- આગામી પેઢીની એ. આઈ. કેવી રીતે વર્તે, તેના મૂલ્યો શું હોય અને જો ક્યારેક એ. આઈ.માં ચેતના હોવાની શક્યતા ઊભી થાય તો તેને આપણે કેવી રીતે સમજવી?
આ સમાચારને સપ્ટેમ્બર ૨૦૨૬માં 'ધ ન્યુ યોર્ક ટાઈમ્સ'એ વિસ્તૃત રીતે રજૂ કર્યા પછી દુનિયાનું ધ્યાન આ અનોખા પ્રયોગ તરફ ગયું. અખબારના રિપોર્ટ અનુસાર Anthropicએ ઘણા મહિનાઓ સુધી હિન્દુ, કેથોલિક, યહૂદી, શીખ, ઇવેન્જેલિકલ, આફ્રિકન પરંપરાના જ્ઞાન અને અન્ય ધાર્મિક દાર્શનિક પરંપરાઓ સાથે સંકળાયેલા લોકોને મળવા બોલાવ્યા હતા. આ બેઠકોને કંપનીએ 'wisdom tradition circles' તરીકે ઓળખાવ્યાં. કેટલાક સંવાદો શરૂઆતમાં ગોપનીય રાખવામાં આવ્યા હતા.
ધર્મ અને તત્ત્વજ્ઞાન
આ ઘટના પોતાના કરતાં પણ મોટી એક વાતનો સંકેત આપે છે. માનવજાતે બનાવેલી સૌથી શક્તિશાળી ટેક્નોલોજીને હવે માનવજાતના સૌથી જૂના પ્રશ્નો પૂછવા માટે ફરીથી ધર્મ, ફિલસૂફી અને આધ્યાત્મિક પરંપરાઓ તરફ જોવું પડી રહ્યું છે.
વિજ્ઞાન આપણને કહી શકે છે કે મગજ કેવી રીતે કામ કરે છે. કમ્પ્યુટર વિજ્ઞાન કહી શકે છે કે મશીન કેવી રીતે શીખે છે. અલ્ગોરિધમ કહી શકે છે કે આગામી શબ્દ કયો હોઈ શકે. પરંતુ 'મારે શું કરવું જોઈએ?'-આ પ્રશ્ન ગણિતનો નથી. 'બીજાને નુકસાન ન થાય તે માટે મારી શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો?' - આ પ્રશ્ન કોડનો નથી. 'સાચું શું છે?' અને 'સારા જીવનનો અર્થ શું છે?' આ પ્રશ્નો હજારો વર્ષથી ધર્મ, દર્શન અને માનવ સંસ્કૃતિ પૂછતી આવી છે.
AI હવે આ જ વળાંક પર આવી પહોંચી છે.
દેશ જેવું બંધારણ
Anthropicએ પોતાના AI મોડેલ Claude માટે એક વિગતવાર “Constitution” જાહેર કર્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ દસ્તાવેજ Claudeના મૂલ્યો અને વર્તન ઘડવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં AI ને માત્ર મદદરૂપ કે આજ્ઞાકારી બનાવવાની વાત નથીત તેમાં સત્યનિષ્ઠા, સલામતી, નૈતિકતા, સમજદારી, સંવેદનશીલતા અને માનવીય હિત જેવા ગુણો વિશે માર્ગદર્શન છે. કંપની તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે 'તેનો હેતુ Claudeને સારો, સમજદાર અને સદ્ગુણી એજન્ટ બનાવવાનો છે.'
મશીનમાં આત્મા
અહીંથી એક રસપ્રદ વિરોધાભાસ ઊભો થાય છે.
આપણે અત્યાર સુધી મશીનને 'મશીન' જ માનતા આવ્યા છીએ. મશીન પાસે લાગણી નથી, આત્મા નથી, અંતઃકરણ નથી- એવું માનવું સહેલું હતું. પરંતુ હવે મશીન જ્યારે માણસની જેમ વાત કરે છે, માણસની સમસ્યા સમજે છે, કવિતા લખે છે, તર્ક કરે છે, સલાહ આપે છે અને ક્યારેક માણસ કરતાં પણ વધુ ધીરજથી સાંભળે છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આપણે તેને માત્ર એક સાધન તરીકે જ જોઈ શકીશું?
અહીં વેદાંતની આગવી મહત્તા સમજાય છે.
અદ્વૈત વેદાંતનો મૂળ પ્રશ્ન છે- 'હું કોણ?' શરીર? મન? વિચારો? સ્મૃતિ? કે આ બધાથી પર કંઈક? પશ્ચિમના એ. આઈ. સંશોધકો આજે મશીનને લઈને પૂછે છે- 'શું એ. આઈ. પોતાને ઓળખે છે?', 'શું તેને ચેતના હોઈ શકે?', 'શું તે માત્ર ભાષાની નકલ કરે છે કે ખરેખર કંઈક અનુભવે છે?' વેદાંત હજારો વર્ષથી માનવીને પોતાના જ 'હું' વિશે આ પ્રકારના પ્રશ્નો પૂછતો આવ્યો છે.
એટલે જ કદાચ સિલિકોન વેલી માટે વેદાંતની મુલાકાત માત્ર ધાર્મિક મુલાકાત નથી. તે ચેતનાના પ્રશ્નને બીજી બાજુથી જોવાનો પ્રયાસ છે.
સ્વામી સર્વપ્રિયાનંદે પોતાની જાહેર વાતચીતમાં જણાવ્યું હતું કે Anthropic સાથેની મુલાકાત એ. આઈ.માં સર્વેધર્મના સારા પાસા ઉમેરવામાં આવે તે પ્રોજેક્ટ માટે હતી. કેમ કે માણસનું વર્તન તેના સંસ્કાર અને ધર્મના અર્થઘટન પ્રમાણે હોય છે તેમ એ. આઈ. પણ તેને જે આપવામાં આવ્યું છે તે જ વિશ્વને પીરસતું હોય છે.
માનવ જોડે સામ્યતા
આ આખી ઘટના વાંચતાં આપણે એક દ્રશ્ય કલ્પી શકીએ 'એક બાજુ સિલિકોન વેલીના કમ્પ્યુટર વૈજ્ઞાનિકો, બીજી બાજુ સદીઓ જૂની આધ્યાત્મિક પરંપરાઓના પ્રતિનિધિઓ. એક તરફ મસ્તિષ્ક જેવી કૃત્રિમ રચના અને નેટવર્ક તો બીજી તરફ ઉપનિષદો. એક તરફ ગણતરી કે વિશ્લેષણ કરવાની ગજબની ક્ષમતા તો બીજી તરફ આત્મવિચાર. અને બંને વચ્ચે એક જ સવાલ- શક્તિ મળ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ પ્રશ્ન એ. આઈ.પૂરતો મર્યાદિત નથી.
પરમાણુ ઊર્જા શોધાઈ ત્યારે પણ માનવજાત સામે આ જ પ્રશ્ન હતો. વિજ્ઞાન આપણને પરમાણુને વિભાજિત કરવાનું શીખવે છે; પરંતુ તે જ્ઞાનનો ઉપયોગ વીજળી માટે કરવો કે વિનાશ માટે- તે વિજ્ઞાન નક્કી કરતું નથી. ટેક્નોલોજી શક્તિ આપે છે; તેનો ઉપયોગ કેવો કરવો તે મૂલ્યો નક્કી કરે છે.
એ. આઈ. નો વિવેક
એ. આઈ. કેટલું બુદ્ધિશાળી છે?- કરતાં કદાચ વધુ મહત્વનો પ્રશ્ન - એ. આઈ. કેટલું વિવેકી છે?- તે ભવિષ્યમાં નિર્ણાયક બનશે.
અહીં ધર્મોનું જ્ઞાન રસપ્રદ બની જાય છે. બૌદ્ધ ધર્મ કરુણા અને જાગૃતિની વાત કરે છે. જૈન દર્શન અહિંસા અને અપરિગ્રહની વાત કરે છે. ખ્રિસ્તી પરંપરા ક્ષમા, પ્રેમ અને માનવ ગૌરવની વાત કરે છે. ઇસ્લામિક વિચારધારા ન્યાય, જવાબદારી અને દયા પર ભાર મૂકે છે. શીખ પરંપરા સેવા અને સમાનતાને મહત્વ આપે છે. આફ્રિકન પરંપરા વ્યક્તિને અન્ય મનુષ્યો સાથેના સંબંધમાં સમજાવે છે- 'હું છું કારણ કે આપણે છીએ.' અને વેદાંત અસ્તિત્વની આંતરિક એકતા તરફ ધ્યાન દોરે છે.
બંને વિકલ્પો
એ. આઈ. પાસે યુદ્ધ ન કરવું તે સલાહ પણ છે અને યુદ્ધ કરવું તે પણ તેના મગજમાં અવનવા તર્ક સાથે સંગ્રહ કરેલું છે. એ. આઈ. તેમાંથી શું નિર્ણય લે છે તે તેનું અંતઃ કરણ કહી શકાય. એ. આઈ. ને માનવ જગતની સુખ શાંતિ માટે કેવા નિર્ણયો લેવા જોઈએ તે રીતની એ. આઈ.ની રચના કરવી અને તેનું બંધારણ નક્કી કરવું તે દિશામાં કંપનીઓ કાર્ય કરી રહી છે. આ માટે જુદા જુદા ધર્મો અને તત્ત્વ જ્ઞાનના જ્ઞાનીઓ જોડે વાર્તાલાપના સેશન યોજાતા થયા છે.
ધર્મગુરુઓને એ. આઈ.ના વિકાસમાં જોડી દેવાથી એ. આઈ.આપોઆપ નૈતિક બની જશે એવું માનવું ભુલ ભરેલું છે. એ. આઈ.ના નિર્ણયો કોણ તપાસશે? કંપનીઓની જવાબદારી શું હશે? કાયદા શું કહેશે? ડેટા કોણ નિયંત્રિત કરશે? એ. આઈ.ના કારણે નોકરી ગુમાવનારની જવાબદારી કોની? એ. આઈ. દ્વારા થયેલા નુકસાન માટે જવાબદાર કોણ? આ પ્રશ્નોના જવાબ માટે માત્ર સંતો કે ફિલસૂફો પૂરતા નથી. તેમાં વૈજ્ઞાનિકો, કાયદાશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકો પણ જરૂરી છે.
આખરે તો મૂડીવાદ
સાથે એ વાત પર પણ ધ્યાન આપવું પડશે કે આપણે એ. આઈ.ને કરુણાસભર બનાવવાની વાત કરીએ છીએ, પરંતુ તેને બનાવતી કંપનીઓની સત્તા અને સંપત્તિ થોડા હાથમાં કેન્દ્રિત થાય તો તેઓની નૈતિકતા કોણ તપાસશે? મૂડીવાદીઓએ વર્તમાન વિશ્વની કેવી હાલત કરી છે તે આપણે જાણીએ છીએ.
જ્ઞાન પોસ્ટ
એ. આઈ.માણસની જેમ બોલી શકે છે. માણસની જેમ લખી શકે છે. કદાચ ભવિષ્યમાં માણસ કરતાં વધુ ઝડપથી વિચારતું પણ થશે પરંતુ માનવીયતા માત્ર ભાષા કે બુદ્ધિમાં નથી. માનવીયતા એટલે કોઈ બીજાના દુઃખને પોતાનું દુઃખ માનવાની ક્ષમતા, પોતાની શક્તિની મર્યાદા સ્વીકારવાની નમ્રતા, ભૂલ થઈ હોય તો ક્ષમા માગવાની તૈયારી અને શક્તિ હોવા છતાં અન્યાય ન કરવાની પસંદગી.
એક રીતે જોઈએ તો માત્ર શા અને તત્ત્વ જ્ઞાન વિશે બોલવામાં શુરા માણસો ઘણી વખત સામાન્ય માણસ કરતા પણ હીન વર્તન કરતા જોઈ શકાય છે. આવું વર્તન એ. આઈ. કરતું ન થાય તે માટેની કવાયત એ. આઈ. કંપનીઓ કરી રહી છે.શું એ. આઈ. પણ માનવીની જેમ જ દંભી બનશે?




