મોના સિંહઃ 'જસ્સી' અને 'મામા' પછી બબલી દીદી તરીકે પણ એટલી જ દમદાર

- ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 'સુબેદાર'નું કાસ્ટિંગ દર્શકોને ચોંકાવી રહ્યું છે. આ ફિલ્મમાં મોના સિંહ બબલી દીદી નામનું ખૂંખાર પાત્ર ભજવ્યું છે
- 'પ્રત્યેક માધ્યમનો પોતાનો એક લય હોય છે, પોતાની એક ભાષા હોય છે...
મોના સિંહ બહુમુખી પ્રતિભાનું જવલંત ઉદાહરણ છે. 'કોહરા સીઝન ટુ', 'હેપી પટેલઃ ખતરનાક જાસૂસ', 'મેડ ઈન હેવન સીઝન ટુ', 'કાલા પાની' અને અનેક અન્ય પ્રોજેક્ટ્સમાં પોતાના કામ માટે સમીક્ષકોની પ્રશંસા મેળવનારી મોના એવાં પાત્રોને પડદા પર જીવંત કરે છે જે વિભિન્ન શૈલી અને માધ્યમોમાં અત્યંત સહજતા સાથે ભળી જાય છે. તેની સફર એ વાતની સાક્ષી પૂરે છે કે તેણે કામની અનિશ્ચિતતાઓ, વાર્તા કહેવાની બદલાતી શૈલીઓ અને ઊભરતા અવસરો વચ્ચે કેટલી ગરિમા અને નજાકત સાથે પોતાનો પથ કંડાર્યો છે. આ તેની અસાધારણ અનુકૂલન ક્ષમતા અને વિકાસ દર્શાવે છે, અને આ તમામ વચ્ચે પણ તેણે પોતાનાં મૂલ્યો સાથે ક્યારેય સમાધાન નથી કર્યું.
મોના પણ પોતાનાં તમામ પાત્રમાં એક ખાસ પોતીકાપણુ અને ભાવનાત્મક સમજ લઈને આવે છે. 'મેડ ઈન હેવન' વેબશો માટે તેને પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો. મોના કહે છે કે આ અનુભવ અત્યંત સંતોષજનક હતો. તેને આ ઉદ્યોગમાં વર્ષોની મહેનત પછી આ એક એક શાંતિથી આવેલી કદર હતી. એક મહિલા તરીકે કોઈ પણ કારકિર્દી પર આગળ વધવા અનેક અવરોધો પાર કરવા પડતા હોય છે. મોનાના મતે આ બાબત 'કોહરા-ટુ'ની ધનવંત સાથે વધુ મેળ ખાય છે, જેણે પુરુષપ્રધાન સમાજમાં એક પોલીસ અધિકારી તરીકે પોતાની કાબેલિયત વારંવાર સાબિત કરવી પડી છે. મોનાને અહેસાસ થઈ ગયો કે પ્રત્યેક માધ્યમમાં પોતાની એક લય અને પોતાની એક ભાષા હોય છે, છતાં ખરી વાર્તા કહેવાનો અંદાજ જ આખરે કાયમ રહી જાય છે અને પોતાની ખરી જગ્યા બનાવી લે છે. મોનાને તેનો આ અભિગમ ઓટીટી પર વ્યાપક રીતે ફળ્યો છે. ૨૦૧૮માં 'યહ હૈ મેરી ફેમિલી', ૨૦૨૩માં 'કાલા પાની', ૨૦૨૫માં 'થોડે દૂર થોડે પાસ' અને હવે 'સુબેદાર' સાથે મોના તેની કાબેલિયત ફરી સાબિત કરી રહી છે.
ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 'સુબેદાર' પોતાની કાસ્ટિંગ સાથે જ દર્શકોને ચોંકાવી રહી છે. આ ફિલ્મમાં મોના સિંહ બબલી દીદીનું પાત્ર નિભાવી રહી છે, જે જેલના સળિયા પાછળ રહીને ગેરકાયદે રેત ખનનનું મોટુ સામ્રાજ્ય ચલાવે છે. આ પાત્ર શક્તિશાળી હોવા ઉપરાંત અત્યંત રહસ્યમયી પણ છે અને દેશની માટી સાથે જોડાયેલું પણ છે. વાર્તામાં તે સુબેદાર અર્જુન મૌર્ય સામે એક મોટો પડકાર બનીને ઊભરે છે.
ફિલ્મમાં 'સુબેદાર' અર્જુન મૌર્યનું પાત્ર અગ્રણી અભિનેતા અનિલ કપૂર નિભાવે છે. તેની સામે મોના સિંહનો આ નેગેટીવ રોલવાળો રોલ જોરદાર ટક્કર આપશે. રસપ્રદ બાબત છે કે બબલી દીદી જેલમાં રહીને જ પોતાના નેટવર્ક અને પ્રભાવના બળે સમગ્ર વિસ્તારમાં પોતાની આણ જાળવી રાખે છે. તેના નિર્ણયો, તેની વ્યૂહરચના અને તેનો અંદાજ વાર્તાને એક અલગ વળાંક આપે છે.
મોનાસિંહે પોતે આ પાત્ર બાબતે પોતાનું પ્રથમ મંતવ્ય શેર કર્યું છે. તેણે જણાવ્યું કે જ્યારે નિર્દેશક સુરેશ ત્રિવેણીનો ફોન આવ્યો અને તેને સ્ક્રીપ્ટ સંભળાવવામાં આવી, ત્યારે તેનું પ્રથમ રિએક્શન હતું, 'અરે બાપ રે, આ કેવો રોલ મને ઓફર કર્યો છે?'
તેના માટે આ રોલ પૂરી રીતે નવો અને અજાણ્યો હતો. અત્યાર સુધી તેણે મોટાભાગે સંવેદનશીલ, સકારાત્મક અને હળવાં પાત્રો નિભાવ્યાં હતાં, પણ બબલી દીદીના પાત્રના અનેક સ્તર છે. આ પડકારે જ તેને આ રોલ સ્વીકારી લેવા તૈયાર કરી.
આ રોલ માટે મોનાએ ખાસ તૈયારી કરવી પડી. તેણે હાર્ટલેન્ડની દેશી બોલી શીખવી પડી અને એક ગૂંડી દીદીના વ્યક્તિત્વને આત્મસાત કરવું પડયું. તેણે રમૂજી અંદાજમાં જણાવ્યું કે સમગ્ર ફિલ્મમાં તેણે સૂબેદારને પરેશાન કર્યો છે અને તેના જ કારણે વાર્તામાં ભરપૂર એક્શન જોવા મળે છે.
અનેક વાર આ પાત્રએ એટલા તો પડકાર ઊભા કર્યા કે મોનાની ઊંઘ હરામ થઈ ગઈ હતી, પણ એક કલાકાર તરીકે તેને આ પાત્ર નિભાવવામાં ભરપૂર આનંદ પણ મળ્યો.
સુબેદારનું પ્રીમિયર ઓટીટી પર હિન્દી, તમિલ અને તેલુુગુ ભાષાઓમાં થઈ ગયું. રસપ્રદ બાબત છે કે મોના સિંહનું આ અત્યાર સુધીનું સૌથી સશક્ત અને અત્યાર સુધી જોવા ન મળ્યો હોય તેવું સ્વરૂપ માનવામાં આવે છે. તો શું બબલી દીદીના રૂપમાં તેનો આ ખતરનાક, દેશી અને દબંગ અંદાજ ઊંડી છાપ છોડી જાય છે?તમે જ કહો.








