Magazines

મલાઈકા અરોરાઃ જીવનમાં ઘટનાઓ બનતી રહેવી જોઈએ

By GS TEAM
16 Oct 20252 mins read
મલાઈકા અરોરાઃ જીવનમાં ઘટનાઓ બનતી રહેવી જોઈએ

તાજેતરમાં મલાઈકા અરોરા અને રાજસ્થાન રોયલ્સના પૂર્વ મુખ્ય કોચ કુમાર સંગકારાની આરઆર ડગઆઉટની તસવીરો ઓનલાઈન વાઇરલ થઈ કે તરત જ બંને ડેટ કરી રહ્યાં હોવાની ગુસપુસ શરૂ થઈ ગઈ.

ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વર્સેસ ચેન્નઈ સુપર કિંગ્સ મેચ માણી રહેલી મલાઈકા અરોરાની એક તસવીરે ધૂમ મચાવી દીધી છે. આ તસવીરમાં તેની સાથે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સના પૂર્વ મુખ્ય કોચ કુમાર સંગકારા પણ નજરે પડે છે. કહેવાની જરૂર નથી કે કુમાર સંગકારા હમણાં તેના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.

આ મેચના મલાઈકાના રાજસ્થાન રોયલ્સની જર્સીમાં સજ્જ સંખ્યાબંધ સ્ક્રીનશોટ્સ વાયરલ થઈ જતાં નેટિઝનોમાં રોયલ્સના ડગઆઉટમાં મલાઈકાની મોજૂદગી અંગે ઉત્સુકતા ચરમ પર છે. નેટિઝનોએ જરાસરખો પણ સમય બગાડયા વિના અટકળો લગાવવાનું શરૂ કરી દીધું. કેટલાંક લોકોએ એમ પૂછ્યું કે શું આ ટીમ સાથે મલાઈકાનો કોઈ સંબંધ છે?

દરમિયાન મલાઈકા અને કુમાર સંગકારાનો એક વીડિયો પણ ચર્ચાના ચકડોળે ચડયો છે. નેટિઝનો લાગતું જ પૂછી રહ્યાં છે કે શું બંને વચ્ચે કશું રંધાઈ રહ્યું છે? મલાઈકા કુમાર સંગકારા સાથે ડગઆઉટમાં શા માટે બેઠી છે? જોકે કોઈકે એમ પણ લખ્યું કે મલાઈકાને આરઆર સાથે કોઈ સંબંધ હોય એમ નથી લાગતું.

જોકે આ બધી વાતોમાં કેટલું તથ્ય છે તે કહેવું મુશ્કેલ છે. મલાઈકાની નિકટનાં સૂત્રોએ સ્પષ્ટ કહ્યું હતું કે બે જણ બાજુ-બાજુમાં બેઠાં છે તેનો અર્થ એવો નથી કે બંને વચ્ચે કશુંક છે. લોકોને પાયાવિહોણી વાતો ન કરવી જોઈએ.

અહીં એ વાતની નોંધ લેવી રહી કે મલાઈકાના એક સમયના પ્રેમી અર્જુન કપૂરે એક કાર્યક્રમ દરમિયાન પોતે સિંગલ હોવાનું જણાવ્યું તેના થોડાં મહિના પછી મોડેલ-ડાન્સર મલાઈકાનું નામ કુમાર સંગકારા સાથે સાંકળવામાં આવ્યું છે. મલાઈકા અને અર્જુન ૨૦૧૮થી ડેટિંગ કરતાં હતાં. ગયા વર્ષે ઓેક્ટોબર માસમાં પોતાની ફિલ્મ 'સિંઘમ અગેન'ના પ્રમોશનલ ઈવેન્ટ વખતે અર્જુને પોતે સિંગલ હોવાની જાહેરાત કરી હતી.

જોકે પ્રૌઢાવસ્થામાં પ્રવેશી હોવા છતાં મલાઈકાનું સૌંદર્ય અને ફિટનેસ જુવાનજોધ અભિનેત્રીઓને શરમાવે એવાં છે. તેના ડાન્સ નંબર્સ પર આજે પણ આબાલવૃધ્ધો ઓવારી જાય છે. અને ટૂંક સમયમાં રજૂ થનારી ફિલ્મ 'થામા'માં મલાઈકાએ કરેલા ડાન્સ નંબરની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ સિનેમામાં એક ડાન્સ નંબર આપવા મલાઈકાએ તગડી ફી વસૂલી છે. જો સૂત્રોની વાત સાચી માનીએ તો તેણે માત્ર એક ગીત માટે આ ફિલ્મના સર્જકો પાસેથી બે કરોડ રૂપિયા વસૂલ્યા છે.

એવું નથી કે મલાઈકા માત્ર અચ્છી પ્રોફેશનલ છે. તે વ્યવહાર સાચવવામાં પણ પાવરધી છે. પોતાના પૂર્વપતિ અરબાઝ ખાન સાથેના તેના ૧૭ વર્ષના વિવાહિત જીવનનો વર્ષ ૨૦૧૭ના અંત આવ્યો ત્યાર પછી પણ તે પોતાના પુત્રના ઉછેરમાં અરબાઝનો સાથ લઈ રહી છે. એટલું જ નહીં, તાજેતરમાં અરબાઝ ખાનની બીજી પત્ની શૂરાનો ખોળો ભરાયો ત્યારે પણ મલાઈકા નિઃસંકોચપણે આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી.