Magazines

કુર્તા-કુર્તીની ફૅશન : નવા રંગ-રૂપમાં ખીલી ઊઠે છે

By GS TEAM
22 Jun 20264 mins read
કુર્તા-કુર્તીની ફૅશન : નવા રંગ-રૂપમાં ખીલી ઊઠે છે

આજકાલ ફેશન ડિઝાઈનરો કુર્તા-કુર્તીની વિવિધ ડિઝાઈનીંગ રેન્જ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. કુર્તા પહેરવાથી તમારુ વ્યક્તિત્વ તો નીખરે જ છે સાથે જ તમારી ભારતીયતા પણ ખીલી ઉઠે છે. આંતરરાષ્ટ્રીય ફેશન-શોમાં સમર-સ્પેશીયલમાં ખાસ કુર્તા-કુર્તીનો શો રાખવામાં આવ્યો હતો અને પાશ્ચાત્ય ફેશનની દુનિયામાં કુર્તાએ ધૂમ મચાવી દીધી હતી. ઈન્ડી-પોપ, ઈન્ડી-કુઝીન અને હવે ઈન્ડી-કોચર શબ્દ ખૂબ જ પ્રખ્યાત બની ગયો છે. જો તમારા વોર્ડરોબમાં ડિઝાઈનર કુર્તા કે કુર્તી ન હોય તો તે અધૂરો ગણવામાં આવે છે. લગભગ બધી જ જાણીતી હસ્તીઓ જેમ કે વિજય માલ્યા, કરન જોહર, ફરાહ અખ્તર, રેહા પીલ્લઈ, પૂનમ ઢીલ્લોન વગેરે કુર્તાના દિવાના છે. દિગ્દર્શક કરન જોહર અને ફરાહ અખ્તર તો કુર્તામાં જોવા મળે છે.

સ્થૂળ કે પાતળું શરીર ધરાવતી પ્રત્યેક વ્યક્તિને કુર્તા સારા લાગે છે. હાલમાં કુર્તા શર્ટના રૂપમાં ખૂબ જ પ્રચલિત બન્યા છે. ૧૯૯૦ની શરૂઆતમાં ગોવાના ડિઝાઈનર વિન્ડલ રોડરીક્સે કુર્તાને કંઈક નવું સ્વરૂપ આપવાનો વિચાર કર્યો હતો. તેમણે કુર્તામાંથી બટન કાઢી લીધા અને આગળથી તેને થોડો ખુલ્લો જ રાખ્યો. લંબાઈ ટૂંકી કરી, કફના બટન કાઢી નાખીને કુર્તા-શર્ટને તૈયાર કર્યું. કુર્તાની સરખામણીએ લોકોને આ વધુ આ વ્યવસ્થિત  અને આરામદાયક લાગ્યું. બટન બંધ  કરવાની પણ કોઈ ઝંઝટ નહીં. થોડા વર્ષો બાદ અન્ય ડિઝાઈનરોએ તેમની જેમ જ કુર્તા-શર્ટ બનાવવાના શરૂ કર્યાં. આજે તો લગભગ પ્રત્યેક કોેલેજિયન, એક્ઝિક્યુટીવ કે ઓફિસરના વોેર્ડરોબમાં કુર્તા-શર્ટ  હોય જ છે.

પુરુષોમાં કુર્તા તથા કુર્તા-શર્ટ જેમ લોકપ્રિય બન્યા છે તે જ પ્રમાણે મહિલાઓમાં શોેર્ટ-કુર્તીનું ચલણ વધ્યું છે. લાંબા કુર્તાની સરખામણીએ તે ખૂબ જ આરામદાયક છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શોર્ટ-કુર્તી પહેરવા ચોક્કસ પ્રકારની ફિગરની આવશ્યક્તા નથી.

'શોર્ટ ઈસ હોટ' સૂત્ર ખૂબ જ જાણીતું બન્યું છે. જો તમારા પગ  સુંદર હોય તો સેક્સી કુર્તી બનાવવામાં આવે છે કુર્તા જેવી દેખાતી, શર્ટના કપડામાંથી બનાવવામાં આવેલી નિતંબ સુધીની લંબાઈ ધરાવતી કુર્તી એકદમ સેક્સી અને આકર્ષક લાગે છે.

આ પ્રકારની ડિઝાઈનર કુર્તીને તમે લેસ કે એમ્બ્રોઈડરી મારફતે વધુ આકર્ષક બનાવી શકો છો.  જોે તમારુ ફિગર સારું હોય તો તમે ટાઈટ ફીટીંગની ડિઝાઈનર કુર્તી પહેરીને મનમોહક  દેખાઈ શકો છો.

આપણે ત્યાં વર્ષોથી માન્યતા છે કે કુર્તા હંમેશા સમાજસેવક, શિક્ષક,  નેતા, તત્ત્વજ્ઞાાનીઓ તથા સાધુ-મહાત્માઓ જ પહેરે છે. પરંતુ ૧૯૬૦ બાદ ધીરે ધીરે આ માન્યતામાં ફેરફાર આવ્યો છે. હવે  ફેશન ડિઝાઈનરોએ ડિઝાઈનર કુર્તા-કુર્તી બનાવીને તેને જનસામાન્યમાં પ્રચલિત  બનાવી દીધા છે. લખનૌ ચીકનનો કુર્તો, જીન્સ પેન્ટ અને કોલ્હાપુરી ચપ્પલ તમારા ઉન્નત વિચારોની ઝાંખી દર્શાવે છે.

સાદા કટ, નાની-કટવાળી નેકલાઈન તથા બટનની ઝંઝટ વગરના કુર્તા, પ્રીન્ટ કે એમ્બ્રોઈડરી કરેલા ખૂબ જ આકર્ષક લાગે છે.  કુર્તાથી ઉનાળાની ગરમીમાં ઠંડક પણ મળે છે તથા તે શરીર ઉપર ચીપકી જતા ન હોવાથી આરામદાયક પણ લાગે છે. શુભપ્રસંગોમાં ધોતી-કુર્તાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જ્યારે કેઝ્યુઅલ વેરમાં કુર્તા-કુર્તીની ફેશન ચાલે છે. અક્ષયકુમાર અને શાહરૂખ પણ કુર્તાના દિવાના છે.

ભારતીય મહિલાઓ ચુડીદાર અને સલવાર કમીઝ જેવા એથનીક પરિધાનો પાછળ ઘેલી છે. તેમાં કુર્તી આવતા પૂર્વ-પશ્ચિમનો સુભગ સુમેળ સર્જાયો છે. કારણ કે મોટેભાગે આ કુર્તીઓ પેન્ટ ઉપર પહેરવામાં આવે છે. ટ્રાઉઝર કે જીન્સ ઉપર શિફોન, સિલ્ક કે જ્યોર્જટના કુર્તા ખૂબ જ શોભે છે.

કુર્તા-શર્ટના આગમન બાદ પુરુષો અને સ્ત્રીઓની વચ્ચેના રંગની પસંદગીની ભેદરેખાનો છેદ ઊડી ગયો છે. પુરુષો પણ લાલ, ભૂરા, પીળા કે કેસરી રંગના તથા બાંધણીની ડિઝાઈનવાળા કુર્તા-શર્ટ પસંદ કરે છે. ઈવનીંગ પાર્ટીમાં આવા રંગના એમ્બ્રોઈડરી કરેલા કોલર કુર્તા પહેરવામાં આવે છે. ખાસ પ્રસંગો માટે કાશ્મીરી ભરત ભરેલા અંગરખા કુર્તા અને ફોેર્મલ વેરમાં રીગલ કુર્તા સાથે શાલ અથવા કુડો રાખવામાં આવે છે.  હવે કેટલાક ડિઝાઈનરો સ્લીમ લાઈન કુર્તા બનાવે છે તે ઉપરાંત તેઓ કહે છે કે એમ્બ્રોઈડરી અને પ્લેટ વગરના સ્ટાઈલીશ કુર્તાની ફેશન હવે શરૂ થઈ છે.

કુર્તા-કુર્તીની ફેશન શરૂ થવાથી ઘણા ફેશન ડિઝાઈનરોએ હાશકારો કર્યોે છે. તેઓ કહે છે કે અમેરિકાના વિદ્યાર્થીઓ જેમ જીન્સ અને ટી-શર્ટ પહેરે છે તેવી જ રીતે કુર્તા અને જીન્સ ભારતીય વિદ્યાર્થીનો  યુનિફોેર્મ બની ગયા છે. ડેનીમ અને જીન્સના કાઉબોય કલ્ચરથી હવે છૂટકારો થતા ભારતીય પરિધાનોનો ચાહકવર્ગ તેજીમાં આવી ગયો છે.

સફેદ ચુડીદાર ઉપર સફેદ રંગનો ચીકનનો લાંબો કુર્તો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ પહેરવાથી તમારુ આખુ વ્યક્તિત્ત્વ ખીલી ઉઠે છે. કોલેજથી લઈને ક્લબમાં પહેરી શકાય એવા બંને બાજુ પીન ટક્સવાળી પીળા કે આછા લીલા જેવા રંગના શોર્ટ કુર્તા બ્રાઉન જીન્સ ઉપર શોેભે છે. ઘેરા રંગની સ્ટ્રાઈપવળા કોેલર કુર્તા અને ખાદીના ઢીલા પેન્ટની જોડી ખૂબ જ આકર્ષક લાગે છે. ભારતીય અને પશ્ચિમના સુમેળ સમો હેન્ડલૂમનો પીળી સ્ટ્રાઈપ ધરાવતો કેસરી લાંબો કુર્તો અને ભૂરા રંગની જીન્સ પેન્ટ લગભગ બધા જ વયજૂથમાં ખૂબ જ પ્રિય છે. ક્રીન્કલડ બ્લેક કુર્તામાં નીચેના ભાગમાં ઝીગ-ઝેગ એમ્બ્રોઈડરી અને તેની નીચે નાની ચોેકડી ધરાવતા કપડામાંથી બનાવેલો પાયજામો પહેરવાથી તમે એલીગન્ટ્ દેખાશો. હવે તો શેડના મિશ્રણવાળા શેડેડ કુર્તા-શર્ટની ફેશન ઈનથીંગ ગણવામાં આવે છે.  જ્યારે ફોર્મલ કે શુભપ્રસંગે પહેરવાના કુર્તા-ચુડીદાર માટે મટકા સિલ્કનું મટીરીયલ ખૂબ જ ચાલી રહ્યું છે. આવા કુર્તા-ચુડીદાર ઉપર જેકાર્ડનો દુપટ્ટો રાખવામાં આવે છે.

કોલેજિયનોમાં જ્યોર્જટની લહેરિયા ડિઝાઈનની કુર્તીની ફેશન ચાલી રહી છે જ્યારે સિલ્કની કુર્તીમાં નેકલાઈન અને નીચે બોટમમાં એમ્બ્રોઈડરી કરવામાં આવે છે.