કર્સ્ટન ડન્સ્ટ: રમૂજમાં કરેલી ઈચ્છા પણ ફળી શકે છે!

ગયા ઉનાળામાં કર્સ્ટન ડન્સ્ટે રમૂજમાં સંકેત આપ્યો હતો કે તેને બ્લોકબસ્ટર ફિલ્મ 'માઈનક્રાફ્ટ'ની સીક્વલમાં જોડાવવાની ઈચ્છા છે. હવે તેની આ રમતિયાળ ઈચ્છા વાસ્તવિકતા બની ગઈ છે. કર્સ્ટને અતિ અપેક્ષિત ફિલ્મ સત્તાવાર રીતે જોડાવાની જાહેરાત કરી છે.
મૂળ ફિલ્મે ૨૦૨૫માં રજૂ થતાં જ તેણે વૈશ્વિક બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો હતો. એકલા અમેરિકામાં તેણે ૪૨૪ મિલિયન ડોલરની કમાણી કરી. વૈશ્વિક આવક તો એક અબજ ડોલરના સીમાચિહ્નને પણ પાર કરી ગઈ, જે વિશ્વસ્તરે અતિશય લોકપ્રિય વીડિયો ગેમ માઈનક્રાફ્ટ પર આધારીત ફિલ્મની લોકપ્રિયતા સાબિત કરે છે.
સિક્વલ બનાવવાની આગેવાની દિગ્દર્શક જેરેડ હેસને સોંપવામાં આવી છે. ફિલ્મસર્જકોએ પ્લોટની વિગતો ગોપનીય રાખીને કર્સ્ટનનું પાત્ર અત્યંત રહસ્યમય હોવાનો ઈશારો કર્યો છે, પણ ચાહકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. સ્ટુડિયોએ ફિલ્મની રિલીઝ તારીખ ૨૩ જુલાઈ, ૨૦૨૭ની જાહેરાત પણ કરી દીધી.
કાસ્ટમાં કર્સ્ટનના ઉમેરાથી ફિલ્મનો સ્ટારપાવર વધુ બળવત્તર બન્યો છે. કર્સ્ટન 'ધી વર્જિન સુસાઈડ્સ', 'મેરી એન્ટોનેટ' અને 'ધી બીગીલ્ડ' જેવી ફિલ્મોમાં પોતાની અભિનયક્ષમતા સાબિત કરી ચૂકી છે. સોફિયા કોપોલા સાથેના તેના સહયોગે એક ગંભીર પરફોર્મર તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. સાથે જ, તેણે 'બ્રિન્ગ ઈટ ઓન' અને 'સ્પાઈડર મેન' ટ્રિલોજી જેવી મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાં પણ યાદગાર પરફોર્મન્સીસ આપ્યાં છે.
તાજેતરમાં જ કર્સ્ટને 'ધી પાવર ઓફ ધી ડોગ'માં તેના રોલ દ્વારા વ્યાપક પ્રશંસા હાંસલ કરી અને તેને તેને પહેલી વાર ઓસ્કર નોમિનેશન પણ મળ્યું હતું. ઉપરાંત તે 'સિવિલ વોર' જેવા પ્રોજેક્ટમાં પણ દેખાઈ હતી. આગામી સમયમાં તે 'એન્ટરટેનમેન્ટ સિસ્ટમ ઈસ ડાઉન' તેમજ 'રેપ્ટિલિયા' અને 'સેલ્ફ હેલ્પ' જેવા પ્રોજેક્ટમાં પણ દેખાશે.









