Magazines

દરેક છોકરીને 'મે અપની ફેવરિટ હૂં..' એટીટયુડ શીખવાડનારી 'જબ વી મેટ'

By GS TEAM
11 Jun 20267 mins read
દરેક છોકરીને 'મે અપની ફેવરિટ હૂં..' એટીટયુડ શીખવાડનારી 'જબ વી મેટ'

- દાસ્તાન-એ-સિનેમા

- સેલ્ફ-લવ એટલે શું? આ કોન્સેપ્ટ ઈંગ્લિશ બુક્સમાં તો મળી રહે. પરંતુ, તેનો હિંદી-ગુજરાતી ભાવાનુવાદ ક્યારેય મળ્યો નહીં. પરંતુ, એક દિવસ અચાનક ઈમ્તિયાઝ અલીને 'જબ વી મેટ' આવી, અને યંગ ગર્લ્સને સેલ્ફ-લવ વિશે એક પરફેક્ટ ક્લાસ મળી. તેમને પહેલા 'લેટ ગો' કરતા શીખવાડવામાં આવતું ત્યારે, ગીતના રુપમાં તેમને એક એવી છોકરી મળી કે જેણે તેમને પોતાનો અવાજ બુલંદ કરતા શીખવાડયું. ટોક્સિક લવમાંથી બહાર આવવા માટે ગીત બનવું જરૂરી છે તે કદાચ આ ફિલ્મમાં શીખવા મળ્યું. આ ફિલ્મ પછી 'મે અપની ફેવરિટ હૂં..' ઘણી છોકરીઓની ઓળખ બની.

મિર્ઝા ગાલિબ કહેતા કે, 'હોના હૈ જો હોના હૈ, વો હોકર રહેગા, તદબીર સે તકદીર કો કોઈ મોડ નહીં સકતા'. 'તદબીર' અરબી શબ્દ છે અને તેનો મતલબ થાય, પ્રયત્ન. તેઓ કહેવા માંગે છે કે, ગમે તેટલા પ્રયત્ન કરો નસીબમાં જે હશે તો મળશે. પ્રયત્નથી નસીબ નથી બદલી શકાતું. એટલે, પોઝિટિવ રીતે જુઓ તો કહી શકાય કે, હંમેશા પ્રયત્ન કરવા પણ ફળની અપેક્ષા ન રાખવી. નસીબમાં હશે તો કોઈ તમારી મહેનતનું ફળ નહીં ખાઈ શકે. અને નેગેટિવ રીતે જુઓ તો કહી શકાય કે, ગમે તેટલા પ્રયત્ન કરો, જે નથી મળવા તે નથી જ મળવાનું. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોઝિટીવ અને નેગેટિવ બંનેના દાખલા હાજરાહજૂર છે. પરંતુ, આજે વાત નેગેટિવની. એ નેગેટિવ કે જે છેવટે પોઝિટિવ ઠર્યું.

વાત જાણે એમ છે કે, બોબી દેઓલનો તાજેતરમાં ઈન્ટરવ્યુ સામે આવ્યો. સામાન્ય રીતે, કોઈ વિવાદાસ્પદ નિવેદન ન આપનારા બોબીનું દિલ છલકાયું. એણે કહ્યું કે, મને એ વાતનું દુ:ખ છે કે, એક ફિલ્મ માટે પ્રોડયુસર, ડિરેક્ટર, એક્ટર્સથી લઈને દરેક જણને ભેગા મે કર્યા અને મને જ ફિલ્મમાં ન લીધો. આ તો એવું થયું કે, કોઈએ જાત્રા માટે બસ, હોટલ, સ્થળો બુક કરાવ્યા. બધાને વ્હોટ્સએપ પર ભેગા કરવાની જહેમત ઉઠાવી અને જાત્રાએ જવાનું આવ્યું ત્યારે તેને જ ના લઈ ગયા. બિચારો બોબી જે ફિલ્મની વાત કરી રહ્યો હતો એ હતી, 'જબ વી મેટ'. ભલે, બોબીને લાગ્યું કે, તેને ફિલ્મમાં લીધો હોત તો સારું પરંતુ, ના લીધો તે જ સારું કર્યું. કદાચ, બોબી સાથેની ફિલ્મમાં આવો ઈમ્પેક્ટ ન આવ્યો હોત. અને બોબીને કહીએ જીવનમાં આવી ઘણી બસો છૂટી જાય તે જ સારું છે. કારણ કે, જે બસમાં બેસી જાય છે તે પણ ક્યારેક મુકામે નથી પહોંચતા.

એક કોફીની તાકાત

કોફી વિશે બધાના અલગ અલગ વિચાર. કોઈને થાય અમારી ચા, ભલી. કોઈને કોફીમાં પણ ખાસ પ્રકારની હોય તો જ ભાવે. કોઈ ઘરે ખાંડના ગાંગડા કોફીમાં ડૂબાડે અને ચાસણીથી તરબતર કોફી પીવે પણ બહાર કહે કે, 'નો સુગર પ્લીઝ'. આ બધા વચ્ચે એક વાત સાચી કે, કોફીની તાકાત તેની ફ્લેવરમાં નહીં પરંતુ, તમને કંપની કોઈ આપી રહ્યું છે તેમાં છે. જો કંપની સારી તો ગમે તેવી કોફી ફાયદો કરાવવાની. હવે, તેનું એક એક્ઝામ્પલ. ઈમ્તિયાઝ અલી એક મિત્રને આવી જ રીતે કોફી પર મળ્યા. બંનેએ સાથે બેસીને એક સ્ટોરી પર કામ શરૂ કર્યું. ફ્રેન્ડે કહ્યું કે, એવા માણસ પર સ્ટોરી લખો કે, જે આત્મહત્યા કરવા માંગે છે. ત્યારે, ઈમ્તિયાઝને વિચાર આવ્યો કે, એક એવી છોકરીની સ્ટોરી કે જે કંટાળીને ટ્રેનમાં નીકળી પડી છે. બસ, ખાલી આટલો વિચાર અને તેમની કોફી મિટિંગ પૂરી થઈ. આ વિચાર, એક વિચાર જ રહી ગયો. આગળ ન વધી શક્યો. પરંતુ, એક દિવસ અચાનક જ ઈમ્તિયાઝ બેઠા અને આખી 'જબ વી મેટ' લખાઈ ગઈ. એટલે, હા.. કોફી અને કંપનીનું કોમ્બિનેશન પરફેક્ટ રાખશો તો હંમેશા ફાયદામાં રહેશો.

સ્ટોરી કે જે સૌથી વધુ રિજેક્ટ કરાઈ

ઈમ્તિયાઝ અલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ તેમના જીવનની સૌથી વધુ રિજેક્ટ થયેલી ફિલ્મ છે. ઘણા એ તો આ ફિલ્મની કહાણી સાંભળ્યા પહેલા જ રિજેક્ટ કરી તો કોઈએ સાંભળીને તેને મજાક ગણી. જ્યારે, પ્રીતિ ઝિંટા સ્ટોરી સંભળાવી ત્યારે, તે હસી પડી. ઈમ્તિયાઝને થયું કે તે મજાક ઉડાવી રહી છે પરંતુ, પ્રીતિએ કહ્યું કે, ના... ના..આ તો સાચે ફ્ની સ્ટોરી છે. જે સાંભળીને ઈમ્તિયાઝને પોતાને પણ સ્ક્રિપ્ટ સામે સવાલો થવા લાગ્યા હતા. પરંતુ, તેમણે કામ કર્યું અને એવું કે, યંગ, કોલેજમાં ભણતી છોકરીઓને ગીત ધિલ્લોન બનવાની ઈચ્છા જાગી.

દરેક યંગ ગર્લની આઈડલ, ગીત ધિલ્લોન

કોઈ ફિલ્મ, નવલકથા કે પછી અન્ય કોઈ કલા એટલે પોપ્યુલર થાય કારણ કે, તે ફિલ્મ જોનારને, વાર્તા વાંચનારને, કે કલાની સરાહના કરનારના હૃદય સુધી પહોચે છે. જે તે વ્યક્તિને પણ લાગે કે ના આમાં તો મારી વાત થઈ રહી છે અથવા એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે જે જરૂરી હતો. આ ફિલ્મમાં ગીત ધિલ્લોન નામની છોકરીના માધ્યમથી આવો જ એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આજકાલ ટ્રોફી બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના કિસ્સા વધુ જોવા મળતા હોય છે. કેટલાક કિસ્સામાં એવું જોવા મળે કે, વ્યક્તિ એવું પાત્ર કમને પસંદ કરે કે જે તેમના ફ્રેન્ડ સર્કલમાં ચાલે. આ ફ્રેન્ડ સર્કલને ખુશ કરવામાં પછી ભલે ને પોતાનું જ હાર્ટ તાર તાર થઈ જાય. ગીતનું કંઈક આવું જ. અંશુમાન નામનો પ્રેમી કે, જે ટોક્સિકની જીવતી જાગતી વ્યાખ્યા. ગીતને પસંદ પડે છે તેનું કારણ કદાચ ફ્રેન્ડ્સ-ફેમિલીનું પ્રેશર. કારણ કે, અંશુમાન વેલ ટુ ડુ ફેમિલીમાંથી. પાછું એનું સર્કલ પણ ઈમ્પ્રેસિવ. ફ્રેન્ડસ અને ફેમિલીમાં જરૂરી દરેક બોક્સમાં ફિટ બેસે. આવા કિસ્સાઓમાં નજીકના લોકો જ છોકરીઓને શીખવાડે કે, તારે કંઈ તો લેટ ગો કરવું જ પડે. અમે પણ કર્યું. આ લેટ ગોમાં આખી લાઈફ હાથમાંથી નીકળી જાય કોઈને ખબર શુધ્ધા ન પડે. પરંતુ, ગીત એવી નથી.

ગીત તેના ફ્રેન્ડ્સ-ફેમિલી સામે બળવો કરે છે. કહે છે કે, ભાઈ આ તો નહીં જ ચાલે. ભલે, તમારું લિસ્ટ રહ્યું કે, છોકરામાં આ ગુણો હોવા જોઈએ. અને તેમાં પછી ભલે ને અંશુમાન અવ્વલ આવતો પણ તે મને પ્રેમ નથી કરતો એટલે મારી ના છે. બીજી તરફ, ગીત એવા પાત્ર આદિત્યને પસંદ કરે છે જે સાચેમાં તેને પ્રેમ કરે છે. આ સાથે જ તે આજકાલની યુવા પેઢીને શીખવાડે છે કે, પ્રેમમાં લેટ ગો ન હોય. અને લગ્ન ફ્રેન્ડ્સ અને ફેમિલીને ખુશ કરવા માટે નહીં પોતાને દિલના અવાજને સાંભળીને કરવા. બાકી, બજારમાં જેટલી મોંધી મેટ્રોમોનિયલ સાઈટ્સ છે, એટલા જ મોંઘા છૂટાછેડાના વકીલો પણ હાજર જ છે. એટલે કોઈપણ પાત્રને પસંદ કરતા પહેલા પોતાને સવાલ પૂછવો કે, આ મારી પસંદ છે કે, મે મારા નજીકના લોકોની પસંદને મે મારી બનાવી છે.

ફિલ્મ માટે સામાન્ય એક્ટરની પસંદગી

આ ફિલ્મ માટે ૨૦૦૫માં જ બોબી દેઓલને સાઈન કરવામાં આવ્યો હતો. તે સમયે ફિલ્મના ઘણા કામચલાઉ ટાઈટલ પણ હતા. જેમાંનું એક ટાઈટલ 'ગીત' હતું. બોબીએ પ્રોડયુસર્સને ઈમ્તિયાઝ અલીને સાઈન કરવા કહ્યું. ત્યારબાદ, બોબીએ પ્રીતિ ઝિન્ટાનો કોન્ટેક્ટ કરવા કહ્યું. ઝિન્ટાએ કીધું કે, છ મહિના પછી આવજો. આ છ મહિનામાં જ બાજી બદલાઈ. પ્રોડયુસર્સે કરીનાને સાઈન કરી લીધી. બીજી તરફ, કરીનાએ શરત મૂકી કે, મારા બોયફ્રેન્ડ શાહિદને ફિલ્મમાં લો તો જ હું કામ કરું. અને જે પ્રોડયુસર્સને બોબી લાવ્યો હતો તેમણે જ બોબીનું પત્તુ કાપ્યું. આ ફિલ્મ પહેલા ઈમ્તિયાઝ, શાહિદને એક ભૂલી જવા જેવો એક્ટર માનતા પરંતુ, આ ફિલ્મ બાદ તેમના વિચાર બદલાયા.

લવ સ્ટોરીની અંદર એક લવ સ્ટોરી

આ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે કરીના અને શાહીદ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ, ફિલ્મ પૂરી થાય તે પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન ગજબનો વિરોધાભાસ જોવા મળ્યો. એક તરફ, કેમેરામાં પ્રેમના દ્રશ્યો ફિલમાવવામાં આવી રહ્યા હતા. બીજી તરફ, કરીના-શાહીદનો સંબંધ તૂટી રહ્યો હતો. ફિલ્મમાં છેલ્લો કિસિંગ સીન શૂટ કરવો સૌથી મુશ્કેલ હતો. એક તો બંનેના સંબંધો અને બીજી બાજુ કરીનાના માથાની બરાબર ઉપર મધપૂડો. રસપ્રદ વાત એ કે, મધમાખીઓએ કેટલાક ક્રૂ મેમ્બર્સને કરડી ખાધા. આ તો એવું થયું કે, બેના ઝધડામાં ત્રીજો ધોવાઈ ગયો.

ફિલ્મનું નામ પબ્લિક વોટિંગના આધારે

'જબ વી મેટ' નામ માટે વોટિંગ કરાવવામાં આવ્યું હતું. બાકી, ફિલ્મના નામની રેસમાં 'પંજાબ મેઈલ', 'ઈશ્ક વાયા ભટિંડા', 'ગીત' જેવા નામો હતા. શાહિદ કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જબ વી મેટ' ટાઈટલ તેના પિતા પંકજ કપૂરે સૂચવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હિંદી અંગ્રેજી ટાઈટલ મેટ્રો સિટી અને નાના શહેરોના દર્શકોને આકર્ષિત કરશે. અને થયું પણ એવું. ૧૫ કરોડના બજેટમાં બનાવવામાં આવેલી ફિલ્મે ૫૦ કરોડની કમાણી કરી. એટલે હા, ક્રિએટિવીટીમાં એક કા તીન શક્ય છે. બાકી, ભ્રામક જાહેરાતો.

ફિલ્મના ગીતો અને લોકેશન્સ

આ ફિલ્મ મુંબઈ, ભટિંડા અને શિમલામાં શૂટ કરવામાં આવી. 'આઓગે જબ તુમ' ગીત શિમલાના મોલ રોડ પર શૂટ કરવામાં આવ્યું હતું. ઈમ્તિયાઝ અલી અંદરના ખાલીપાને બતાવવા માટે લાંબા અને વાંકાચૂંકા રસ્તાઓ બતાવવા માંગતા હતા. આમાં પાછી મોલ રોડની ખાસિયત છે કે, અહીં ઈમરજન્સી સિવાયના વ્હીકલ્સને મંજૂરી નથી. જે ફિલ્મના પાત્રની પણ એક પ્રકારની ઈમરજન્સી દર્શાવે છે. 'યે ઈશ્ક હાય' સોંગ રોહતાંગ પાસ સહિતના લોકેશન્સ પર શૂટ કરવામાં આવ્યું હતું. 'આઓ મિલો ચલે..' સોંગ માટે રાજસ્થાનના માંડવા અને આસપાસના શહેરોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.