Magazines

આઈવરી -વાઈટ-બીજ કલર આઉટ રાતો-જાંબુડી-સોનેરી-શ્યામ રંગ ઈન

By GS TEAM
15 Dec 20253 mins read
આઈવરી -વાઈટ-બીજ કલર આઉટ રાતો-જાંબુડી-સોનેરી-શ્યામ રંગ ઈન

- નવા જમાનાના વરની શેરવાનીમાંથી

વિવાહ માટે  ખરીદી કરવાની  વાત આવે ત્યારે  વરથી પહેલા વધૂનો જ વિચાર આવે.  બજારમાં  પણ નવોઢાઓ  માટે સેંકડો  રંગ-ડિઝાઈનના પોશાક સહેલાઈથી  ઉપલબ્ધ થઈ જાય.  પરંતુ વર વિશે  વિચાર પણ સહેજ મોડો આવે અને તેના પરિધાનમાં   પણ મર્યાદિત  વિકલ્પો જડે.  જો કે લગ્નના માંડવે બેસતો યુવક સૌથી પહેલા શેરવાની પર પસંદગી ઉતારતો જોવા મળે છે.  અત્યાર સુધી   શેરવાનીમાં મોટાભાગે  આઈવરી  કલર ઓલ ટાઈમ ફેવરીટ ગણાતો.  તેના સિવાય  વાઈટ,  લાઈટ ગ્રે, બીજ  જેવા  હળવા રંગોની શેરવાનીને  પ્રાથમિકતા  આપવામાં આવતી.  પણ હવે પુરુષો  પણ લાઈટ કલરના સ્થાને  ઘેર રંગો  ખરીદવા તરફ ઢળી રહ્યાં છે. આજે  આપણે આધુનિક  યુવકોમાં પ્રિય થઈ પડેલી વિવિધ રંગોની શેરવાની વિશે વાત કરીશું.

જેવી  રીતે નવવધૂઓમાં  રાતો રંગ સર્વાધિક  પ્રિય રહ્યો છે તેવી રીતે હવે યુવકો પણ પોતાના લગ્ન  વખતે લાલ રંગની  શેરવાની ખરીદવા  તરફ વળ્યાં  છે. મહત્ત્વની  વાત એ છે કે રૂધિરરંગી  શેરવાની  ગૌર વર્ણથી  લઈને ઘઉંવર્ણા  કે  શ્યામ ત્વચા ધરાવતા  યુવકોને પણ  શોભે છે.  વળી ભારતીય   પરંપરામાં  આ રંગ  હમેશાંથી   પવિત્ર  માનવામાં આવે છે.

ફેશન ડિઝાઈનરો કહે ચે કે હળવા લાલ રંગના કુરતા-ચુડીદાર  પર સહેજ ડાર્ક રેડ કલરના સ્ટેન્ડ  કોલર કોટ પર કરેલી હેન્ડ  એમ્બ્રોઈડરી  વરના વ્યક્તિત્વને  ગજબનો નિખાર આપશે.   તે ચાહે તો કુરતાની  બટનપટ્ટીની  આસપાસ પણ ભરતકામ કરાવી શકે.  અથવા માત્ર  સુંદર બટનની  સજાવટ  પણ જચે  છે. અને જો  કુરતો પ્લેન  રાખવા માગતા હો તો ગળામાં  આકર્ષક  પેન્ડન્ટવાળી  માળા પણ પહેરી શકાય.

તેઓ  વધુમાં  કહે છે કે એ સમય વિતી ગયો  જ્યારે  પુરુષો  જાંબુડી  કલર પહેરવાનો  વિચાર પણ  ભાગ્યે જ કરતાં. આજની તારીખમાં  યુવકો ઘેરા જાંબુડી  રંગની બ્રોકેડની  શેરવાની  તરફ આકર્ષાઈ  રહ્યાં છે. તેની સાથે  એવા જ રંગનું  ટાઈટ ચુડીદાર  અને ગળામાં  જાંબુડી  રત્નજડિત  ગોલ્ડન  પેન્ડન્ટવાલી સાત  સેરની  મોતીની  માળા ખૂબ જચે છે.

લાઈટ ગોલ્ડન  શેરવાનીમાં  ઘેરા  સોનેરી રંગનું  ભરચક  ભરતકામ  ગજબનો ઉઠાવ આપે છે.  આવી શેરવાનીમાં  બોર્ડર પર  ભરતકામ કરેલો દુપટ્ટો  શોલની  જેમ પાછળથી  આગળ  તરફ પહેરો.  સાથે સાથે  એવા જ રંગની  પાઘડી પર  ગોલ્ડન બ્રોચ લગાવો. અને ગળામં ત્રણ  કે પાંચ સેરની  સોનાની માળા પહેરો.  આ પરિધાનમાં   જે તે વર કોઈ રાજકુમારથી ઓોછો સોહામણો  નહીં લાગે.

સામાન્ય  રીતે લગ્ન પ્રસંગે લોકો શ્યામ વસ્ત્રો  પહેરવાનું ટાળે છે.  આ પરંપરા  પાછળ ચોક્કસ  માન્યતાઓ  રહેલી છે એ વાત પણ માનવી રહી. પરંતુ આધુનિક  યુવાનો રિસેપ્શનમાં   બ્લેક કલરની શેરવાની  પહેરવામાં કંઈ ખોટું નથી માનતા.  તેઓ  કુરતા   અને દુપટ્ટામાં  આકર્ષક  ગોલ્ડન  એમ્બ્રોઈડરી  કરેલી  શેરવાની પહેરવાનું પસંદ કરી રહ્યાં છે.

ફેશન  ડિઝાઈનરો  કહે છે કે શેરવાનીમાં  તમે  જે ચાહો  તે કલર ખરીદી શકો છો.   હા, તેની સાથે  પાઘડી પહેરવી કે કેમ તે તમારી ચોઈસ  પર આધાર રાખે છે.  પરંતુ એક્સેસરીઝમાં  ગળામાં માળા,  આંગળીઓમાં વીંટી અને પગમાં  મોજડી (જૂતી) અચૂક હોવી જોઈએ.

-  વૈશાલી ઠક્કર