Magazines

જમાનો છે યુનિસેક્સ સ્ટાઈલનો .

By GS TEAM
18 Aug 20256 mins read
જમાનો છે યુનિસેક્સ સ્ટાઈલનો                           .

''મમ્મી, મારું ટી-શર્ટ ક્યાં છે, બધે જોયું, પરંતુ ક્યાંય મળતું નથી.'' કહીને હીરેને તેની મમ્મી પાસે જઈને ટી-શર્ટ માગ્યું.

''બેટા, તને ક્યું ટી-શર્ટ નથી મળતું?'' મમ્મીએ પૂછયું તો હીરેને કહ્યું, ''ગયા અઠવાડિયે બજારમાંથી મેં બ્લેક કલરનું ટી-શર્ટ ખરીદ્યું હતું એ જોઈએ છે.''

''અરે, એ તો રીકી પહેરીને જતી રહી. એ ટી-શર્ટ તેને પણ સરસ લાગતું હતું. આજે તું કોઈ બીજું પહેરી લે ને.'' કહીને હીરેનની મમ્મી કિચનમાં જતી રહી, પરંતુ હીરેન ત્યાં ઊભો રહીને વિચારવા લાગ્યો, ''હું શા માટે આવું ટી-શર્ટ લઈ આવ્યો જે રીકી પણ પહેરી શકે? સાંજે હું પણ તેના સેન્ડલ પહેરી રમવા જઈશ ત્યારે બહુ મજા પડશે.'' બબડતો-બબડતો હીરેન તૈયાર થઈને કોલેજ ગયો.

હા, આ છે યુનિસ્ટાઈલની કમાલ છે તમે એકબીજાનાં કપડાંની અદલાબદલી કરીને પહેરી શકો છો. આધુનિક જમાનામાં રહેણી-કરણી તથા ખાવાપીવાની રીતભાત ઝડપથી બદલાઈ રહી છે તો બીજી બાજુ એવાં વસ્ત્રો બજારમાં મળતાં થયાં છે જેને પહેરીને યુવક-યુવતીઓ આધુનિક અને આકર્ષક દેખાતાં હોય છે. આને જ યુનિસેક્સ સ્ટાઈલ કહેવાય છે.

ખરેખર તો, યુનિસેક્સ સ્ટાઈલનો સીધોસાદો અર્થ થાય છે એવાં વસ્ત્રો જેનો ઉપયોગ યુવક-યુવતીઓ બન્ને એક સરખી રીતે કરતાં હોય. ફેશનને લગતી યુવાનોની માગને ધ્યાનમાં રાખીને આજે બજારમાં એવાં વસ્ત્રો મળે છે જેનો ઉપયોગ યુનિયૂઝર હોય. એટલે કે છોકરા-છોકરી બન્ને તેનો ઉપયોગ કરી શકે.

એક જમાનો હતો કે જ્યારે સ્પોર્ટ્સ ડ્રેસ કે શૂઝ એવાં હતાં કે જે મહિલા તથા પુરુષ ખેલાડીઓમાં સરખા જોવાં મળતાં હતાં. પ્રાચીનકાળથી દરેક સ્ત્રીઓનો પોશાક પુરુષો કરતાં તદ્દન જુદો હતો. જોકે આપણા દેશમાં તો આજે પણ મોટાભાગના મધ્યમ વર્ગના કુુટંબમાં છોકરીઓનાં કપડાં તેમના ફિગરને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે સમયની સાથે-સાથે જમાનો પણ બદલાયો છે અને આ જ કુટુંબની છોકરીઓએ પણ પુરુષની જેમ પેન્ટ-શર્ટ પહેરવાનું શરૂ કરી દીધું છે. ત્યાર પછી જેમ જેમ આધુનિકતા આવતી ગઈ તેમ આ ચલણ સામાન્ય બનતું ગયું. છોકરીઓએ વારાફરતી બધી ફેશન અપનાવીને સંપૂર્ણપણે આત્મસાત કરી લીધી. આજના જમાનાની આ યુનિસ્ટાઈલ ફેશન આવી બધી બાબતોનું પરિણામ છે.

નેહા અને નરેશ બન્ને જોડિયા ભાઈબહેન હતાં. તે બન્નેની હાઈટ અને ફિટનેસ એકસરખી હોવાથી નેહા અવારનવાર નરેશનું શર્ટ પહેરી લેતી તેથી નરેશ તેની સાથે ઝઘડો કરતાં કહેતો, ''હું તો તારાં કપડાં પહેરતો નથી તો પછી તું શા માટે મારાં કપડાં પહેરીને ફર્યા કરે છે.''

નરેશની ફરિયાદ સાંભળીને નેહા તેને ચીડવતી.'' તને ગમતુંહોય તો તું પણ મારા સલવાર-કમીઝ કે સ્કર્ટ પહેરી શકે છે, પરંતુ એ પહેરવાથી તું કેવો લાગીશ તેની તને ખબર છે.''

બસ, આટલું કહેતાંની સાથે બન્ને વચ્ચે ઝઘડો થઈ જતો અને બન્ને ઘણી વાર મારામારી ર ઊતરી આવતાં. આવા સંજોગોમાં તેમની મમ્મીની મુશ્કેલી વધી જતી કારણ કે તે બેમાંથી એકેયને સમજાવી શકતી નહોતી.

કપડાંની બાબતમાં બન્ને ભાઈબહેન વચ્ચે ઘણી વાર બોલચાલ થઈ જતી, પરંતુ થોડા વખત પહેલાં બન્નેએ પોતાના જન્મદિવસ પર નવાં કપડાં ખરીદ્યાં ત્યારે નેહાએ ખરીદેલું નોન ડેનિમ શર્ટ અને ટ્રાઉઝર નરેશને બહુ ગમ્યું. મોકો જોઈને તેણે નેહાનો નવો ડ્રેસ પહેરી લીધો અને કોલેજ ગયો. કોલેજમાં તેના ભાઈબંધોએ તેના ડ્રેસનાં ખૂબ વખાણ કર્યા તેથી તે ખુશ થઈને ઘેર ગયો અને નેહાને ચીડવવા લાગ્યો.

એકબીજાનાં કપડાં પહેરવાની બાબતમાંસહજતા અનેએકબીજાની પસંદગી સારી લાગવાને કારણે નરેશ અને નેહા વચ્ચે તરત સમાધાન થઈ ગયું અને બન્ને એકબીજાનાં કપડાંની અદલાબદલી કરીને પહેરવા લાગ્યાં. બન્નેને આધુનિકતા ગમતીહોવાથી ધીમે ધીમેબન્નેએકબીજાનાં જીન્સ, શર્ટ, ટી-શર્ટ, શૂઝ વગેરે પહેરવા લાગ્યા.

યુનિસ્ટાઈલ ફેશનને કારણે નરેશ અને નેહામાં વિવિધતામાં એકતા જોવા મળી. યુનિસેક્સ સ્ટાઈલની આ જ દેણ છે જેનો કોઈ પણ વ્યક્તિ ફાયદો ઉઠાવી શકે છે.

આજકાલ ઘણી કંપનીઓ એવી ટાઈપના કપડાં અને પ્રસાધનો બનાવે છે જેનો યુવકયુવતી બન્ને સહજતાથી ઉપયોગ કરી શકે.

યુનિસેક્સ ફૂટવેર:

થોડા સમય પહેલાં છોકરીઓ ફક્ત એક અંગૂઠાવાળાં ચપ્પલ કે સેન્ડલ પહેરતી હતી. બહુ-બહુ તો તેના પર થોડું ઘણું ફેન્સીવર્ક જોવા મળતું હતું. હજુ પણ આપણા દેશના નાનાં-નાનાં ઘણાં શહેરો તથા ગામડાંઓમાં લોકો ચપ્પલ ખરીદતી વખતે એ બાબત ધ્યાનમાં રાખતા હોય છે કે અમુક ચપ્પલ છોકરીઓ માટે છે અને અમુક છોકરાઓ માટે. જ્યારે મોટાં શહેરો, મહાનગરોની સ્ત્રીઓ સાધારણ સ્લીપર અને સેન્ડલથી ઘણી આગળ નીકળી ગઈ છે. આજે તેમની પાસે પહેરવા માટે બ્લોક હીલ, લેધર શૂઝ, વિવિધ આકર્ષક ડિઝાઈનોવાળાં સેન્ડલ અને મોજડી જેવા જાતજાતના ટકાઉ તથા આરામદાયક ફૂટવેર હોય છે, જે આધુનિક ફેશન સાથે સાથે તેમનું વ્યક્તિત્વ પણ નિખારે છે.

ઉપરાંત ચામડાના સુંદર અને ટકાઉ કોલ્હાપુરી ચપ્પલ પણ આજકાલનાં સ્ત્રી પુરુષોના મનપસંદ ફૂટવેર છે. આજકાલ જીન્સ તથા કુરતાપાયજામા સાથે આવી ચપ્પલ પહેરવાની ખૂબ ફેશન છે. તેને આધુનિક યુવકયુવતીઓની સાથે-સાથે દરેક વર્ગનાં સ્ત્રીપુરુષોની પસંદગી ગણવામાં આવે છે. 

બાંધણી તથા બાટિકની વિવિધરંગી સાડીઓ અને ચાદરો ખૂબ લોકપ્રિય બની છે. હવે એ જ બાંધણી તથા બાટિક કલાનો ઉપયોગ કરીને આકર્ષક શર્ટ તથા ટીશર્ટ બનાવવામાંઆવે છે. જે તેની ઓછી કિંમત તથા ફેશનને કારણે યુવાનોને આકર્ષિત કરે છે.

યુનિસ્ટાઈલ ફેશનને લોકપ્રિય બનાવવામાં પાશ્ચાત્ય દેશોનો મુખ્ય ફાળો રહેલો છે. ખાસ કરીને ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવતા પોશાકો ધીમે-ધીમે આધુનિક ફેશનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. વિવિધ રમતો તથા ખેલાડીઓને કારણે પ્રચલિત થયેલાં આ વસ્ત્રોની માગ બજારમાં સતત વધતી રહી છે. એક બાજુ આધુનિક વસ્ત્રોનું ચલણ વધતું ગયું જ્યારે બીજી બાજુ નવી સદીના ગાર્મેન્ટ ઉત્પાદકોએ એવાં કપડાં બનાવવાની શરૂઆત કરી દીધી જેનો ઉપયોગ છોકરા-છોકરીઓ બન્ને સહજતાપૂર્વક કરી શકે.

હવે જાણીતા ડ્રેસ ડિઝાઈનરો દ્વારા ડિઝાઈન કરેલા યુનિસ્ટાઈલ કપડાંની માગ દિવસે-દિવસે વધતી જાય છે. મલ્ટીનેશનલ કંપનીઓ કેલ્વિન કીન, નાઈક, એડીડાસ વગેરે ડિઝાઈનર્સ ફેશન દ્વારા યુનિસેક્સ સ્ટાઈલને અપનાવીને વિવિધ જાતનાં વસ્ત્રો તૈયાર કર્યા છે. તેમાં ટી-શર્ટ, શર્ટ, ટ્રાઉઝર્સ, શોર્ટ્સ, કપ વગેરે મુખ્ય છે.

મિડિયાની ભૂમિકા

આધુનિક ફેશનનો પ્રચાર પ્રસાર કરવામાં મિડિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ફેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું શ્રેય ટી.વી.ને ફાળે જાય છે. ફિલ્મ તથા ટી.વી. સિરિયલમાં પાત્રોએ પહેરેલાં વસ્ત્રો પણ લોકોને આકર્ષિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટા ભાગે શો-રૂમ કે મોટી દુકાનો પર છોકરાછોકરીઓ શાહરૂખ તથા ઋત્વિકે પહેરેલા ટીશર્ટ તથા ઉર્મિલા તથા પ્રિયંકા ચોપરાએ પહેરેલી કેપરીઝની ફરમાઈશ કરતાં જોવા મળે છે.

છોકરીઓ માઈક્રોમિનીથી શરૂ કરીને પેન્ટ-શર્ટ તથા કેપરીઝથી માંડીને સ્પોર્ટ્સ વેર પહેરીને કોલેજ તથા ઓફિસે જવા માંડી છે. છોકરાઓ પણ તેમને રફ એન્ડ ટક લુક આપતાં આકર્ષક કપડાં વધુ પસંદ કરે છે.

યુનિસ્ટાઈલ ફેશને એ ટેન્શન તો દૂર કરી દીધું છે કે અમુક ટીશર્ટ તો જેન્ટ્સ માટેના છે અને તે મને શોભશે કે નહીં કે પછી અમુક શર્ટનો કલર ખૂબ સરસ છે પરંતુ હું તેને પહેરી ન શકું.

બજારમાં સહેલાઈથી મળી રહેતી અન્ય ચીજવસ્તુઓ કે જે યુનિસ્ટાઈલ ફેશનમાં ગણાય છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે. જેવી કે ખાખી કમ્ફર્ટ, લૂઝ કાર્ગોઝ, કોમવેન્ટ પેન્ટ, કાર્ગોઝ શોર્ટ્સ, શર્ટ એન્ડ ટીશર્ટ વીથ પોકેટ, ડ્રાસ્ટિંગ પેન્ટ, ડેનિમ જીન્સ, નોન-ડેનિયમ ટ્રાઉઝર્સ તથા શર્ટ, કેપરીઝ, ચાઈનીઝ કોલર શર્ટ, સ્લીવલેસ ટીશર્ટ, બર્મૂડા, બેલ્ટ, જેકેટ વગેરે. ઉપરાંત કેચ હેટ, પરફ્યૂમ, ડિઓડરન્ટ, શેમ્પુ, સનગ્લાસ, હેર કલર્સ વગેરે એવાં ઘણાં પ્રસાધનો છે જેનો ઉપયોગ છોકરા-છોકરીઓ બન્ને કરી શકે છે.

યુનિસેક્સ ફૂટવેરમાં સ્ટ્રેપ સેન્ડલ, ફોર રિંગ તથા ટુ રિંગ શૂઝ, હાઈ એન્કલ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, લેધર શૂઝ વગેરે તમને સંપૂર્ણપણે આધુનિક લુક પ્રદાન કરે છે. આવી બધી યુનિસ્ટાઈલ ચીજવસ્તુઓ તમે શો-રૂમમાંથી સહેલાઈથી મેળવી શકો છો.