Magazines

રસોડાની રમ્ય સજાવટની રીત .

By GS TEAM
27 Apr 20263 mins read
રસોડાની રમ્ય સજાવટની રીત                            .

એક ગૃહિણી  તેના ઘરમાં સૌથી વધારે સમય રસોડામાં વિતાવે છે. તેથી રસોડાનું મહત્ત્વ ઘરમાં કેટલું છે તે આપણે સમજી શકીએ. રસોડા વગરના ઘરની કલ્પના પણ ન કરી શકાય. એ તો બધાની જરૂરિયાત છે. રસોેડામાં કામ કરવું એ પણ મહેનત માગી લે એવું છે.  પણ જો ઘરનું ડિઝાઈનીંગ કરતી વખતે રસોડાનું પ્લાનિંગ વ્યવસ્થિત રીતે કરવામાં આવે  તો ઘણી મુશ્કેલીઓ નિવારી શકાય. રસોડું નાનું હોય કે મોટું પણ અમુક વસ્તુઓ જેવી કે ફ્રિજ અને સ્ટોરેજ, શાકભાજી - કઠોળ રાખવા, ધોવા અને સમારવા માટેની જગ્યા, મરી મસાલા પીસવા,  રાંધવા, બેકિંગ, વાસણો અને માઈક્રોવેવ વગેરેને રાખવાની જગ્યાઓ તો જોઈએ જ. તેથી આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને રસોડું ડિઝાઈન કરવું જેથી તમારો સમય અને શક્તિ બંને બચી શકે. સામાન્ય રીતે એક રસોડાની સાઈઝ આઠ બાય દસ ફૂટ  હોવી જોઈએ. પરંતુ ધ્યાન રાખવું કે રસોડામાં કોઈ જ્વલનશીલ પદાર્થ ન રહે. રસોડામાં હમેશાં તાજી હવાની અવરજવર થતી રહે એવું હોવું જોઈએ. સિંકમાં પાણીની વ્યવસ્થા પણ બરાબર હોવી જોઈએ. ડિઝાઈનીંગ ઈન્સ્ટિટયૂટમાં જણાવ્યા અનુસાર રસોડામાં એક કાલ્પનિક ત્રિકોણ હોય છે. ઉપર જણાવ્યા પ્રમાણે બધી વસ્તુઓ એ રીતે ગોઠવાવી જોઈએ. પ્રિપેરીંગ, કુકીંગ અને સ્ટોરેજ વાળી જગ્યાઓ વચ્ચે એ ત્રિકોણ તૈયાર જવો જોઈએ. હવે ફ્રિજ, સિંક અને રસોઈ બનાવવાના કાઉન્ટરને ત્રિકોણમાં રહે એ રીતે રાખવા. સાથે જ  માઈક્રોવેવ અને બ્લેન્ડર માટે જગ્યા રાખવાનું ભૂલવું નહીં સામેની દિવાલમાં લોટ અને મસાલા રાખવા માટે અલગ કેબિનેટ બનાવવા.

રસોડાને વધારે સુંદરતા આપવી હોય તો નાની નાની કાચની કે પ્લાસ્ટિકની શીશીઓમાં મસાલા ભરીને તેને મસાલાવાળા રેકમાં કતારબંધ સૌથી ઉપર તરફ રાખી શકાય.

જો તમે ઈટાલિયન વાનગીઓના શોખીન છો, તો તમારે ત્યાં મોટાં પોટ તેમ જ સિરામિક જાર જરૂર હશે જેના ઉપર ઈટાલિક લેબલ લગાડીને ગોઠવી શકાય. તમારું રસોડું દેખાવમાં ચકાચક છે પણ કામ કરતી વખતે તમને મુશ્કેલી થાય તો બધું જ નકામું છે તેથી યાદ રાખો કે રસોડામાં કોઈપણ નકામી વસ્તુઓ મૂકો નહીં. જો વધારે જગ્યા હોય ત્યાં એક કાઉન્ટર અથવા ડાયનિંગ ટેબલ જરૂર મૂકી શકાય.

કુકીંગ રેંજની સાથે એક બાજુ કાઉન્ટર અને પાછળની બાજુ નાસ્તા માટે નાનું ટેબલ રાખી શકાય. જેથી ડિશ તૈયાર કરતી વખતે સહેલાઈથી પીરસી પણ શકાય. રસોડામાં નાના નાના કબાટોને સારી રીતે ડિઝાઈન કરી શકાય. તેમાં તમે સરસ કારપેટ પાથરી શકો. પણ તેને કુકીંગ રેન્જથી દૂર રાખો કારણ  કે તે જલદી આગ પકડી શકે છે.

આ નાના કબાટોમાં તમે ખાસ વાસણો, ડિશો તેમ જ અન્ય વાસણો મૂકી શકો. શાકભાજી, કોથમીર, કાંદા વગેરે સમારવા માટે ચોપિંગ બોર્ડ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. રસોડાનું પ્લાનિંગ કરતી વખતે કેટલીક  જગ્યા એવી વસ્તુઓ માટે પણ રાખો જે આવનારા દિવસોમાં તમારા રસોડાનો હિસ્સો બનવાની છે. બસ તો હવે કોની રાહ જુઓ છો?  થઈ જાઓ તૈયાર તમારા રસોડામાં રાજ કરવા માટે!