Magazines

હાથી શીખવે ધૂળિયા પાઠ!

By GS Team
3 Jan 20202 mins read
This article was originally published on 3 Jan 2020
હાથી શીખવે ધૂળિયા પાઠ!

શીખવા જેવા પાઠ શિખજો, રોજે રોજના દિને,

યાદ રાખજો પાઠ સદાયે, દરેક દરેક શુભ દિને.

પાંડવો તથા કૌરવો.

ગુરુ દ્રોણના આશ્રમમાં સાથે જ ભણે. ગુરુ એકતાની અને સંપની ઘણી ઘણી વાતો શીખવે. વર્ગમાં હોય ત્યારે એ એકસો પાંચ ભાઈઓ હકારામાં માથાં હલાવે,પણ વર્ગની બહાર નીકળતાં જ એકસો તથા પાંચ છૂટા પડી જાય.

એક વાર પાંડવ-કૌરવમાં જબરો વિવાદ પડયો.

પાંચ પાંડવ કહે: 'અમે મોટા. અમે ઝડપની વિદ્યા ગ્રહણ કરીએ છીએ. અમે શીઘ્રતાથી જ્ઞાાન પ્રાપ્ત કરીએ છીએ, તમારે ખાતર જ અમારે ખેંચાવું ઘસડાવું પડે છે.' 

સો કૌરવો કહે : 'મોટા તો અમે જ. સંખ્યામાં આટલા હોવા છતાં બધા એક સાથે રહીએ છીએ. એક સાથે જ્ઞાાન પ્રાપ્ત કરીએ છીએ. પછી જ આગળ વધીએ છીએ. તમારી જેમ એકલપટા નથી કે આપણને આવડતાં જ દોટ મૂકીએ.'

'અમે મોટા...'

'નહિ અમે મોટા...'

એવો વિવાદ વારંવાર ચાલ્યા જ કરે.

એક વાર તો ગુરુ દ્રોણે પણ આ વાત જોઈ. ત્યારે નદીકિનારે કેટલાક હાથી સ્નાન કરતા હતા.

હાથીઓ પાણીમાં ખૂબ નહાયા. સૂંઢ વડે પાણીની છાલક મારી મારીને ચોખ્ખા બન્યા.

પછી બહાર આવી જે ચોખ્ખા દેહ ઉપર ધૂળ ઉડાડવા લાગ્યા. જેવી રીતે પાણી છાંટતા હતા તેવી જ રીતે ધૂળ અને રેતી ઉડાડવા લાગ્યા.

ગુરુ દ્રોણ કહે: 'તમે બધાં આ હાથી જેવા છો.'

શિષ્યો વિચારમાં પડયા, ગુરુજીએ આપણને હાથી કેમ કહ્યા?

અંતમાં કોઈને ન સમજાયું ત્યારે ગુરુ કહે: 'મારા શિષ્ય મિત્રો! હાથી પાણીમાં નહાય છે, શીતળતા તથા આહ્લાદ અનુભવે છે, પણ બહાર આવી પાછા ચોખ્ખા દેહ પર ધૂળ-માટી ઉડાડે છે. તમે પણ એમ જ કરો છો. વર્ગના વારિમાં તો સ્નાનની શીતળતા માણો છો. જ્ઞાાનસરિતામાં હો છો ત્યારે તમારી ચોખ્ખાઈ અને શ્રદ્ધાનો પાર હોતો નથી પણ બહાર આવતાં જ ધૂળ ઉડાડવા મંડી પડો છો; અજ્ઞાાનની અને ઈર્ષાની ધૂળ.'

ગુરુજી આગળ કહે: 'અરે હાથીઓ તો સારા કે તેઓ પોતાના દેહ ઉપર ધૂળ ઉડાડે છે, જ્યારે તમે તો એકબીજાના દેહ ઉપર ધૂળ ઉડાડો છો.'

શિષ્યો શાંત રહ્યા ત્યારે ગુરુજી કહે: 'સંપનો અર્થ અંદરોઅંદર સંપ રાખવાનો જ નથી, એકબીજા સાથે પણ સંપ રાખવાનો છે. તો જ એ સંપ સાચો સંપ કહેવાય છે.'

કૌરવો તથા પાંડવો એ વાત સાંભળી રહ્યા. સામે હાથીઓ પાણીની બહાર આવી પોતાના દેહ ઉપર રેતી છાંટતા રહ્યા!

- હરીશ નાયક