Get The App

NON-SENSE ! .

SENSEથી ચઢી જાય છે NON-SENSE SENSEથી જુદી જ વાત છે NON-SENSE !

Updated: Nov 29th, 2019

GS TEAM

Google News
Google News
NON-SENSE !             . 1 - image


અંગ્રેજીમાં એક ખૂબ જ જાણીતા બાળકવિ થઈ ગયા ; મિસ્ટર નોનસેન્સ. નામ તો એનું એડવર્ડ લિયર, પણ નોન્સેન્સ જોડકણાં લખવાના શોખીન. પહેલું જ નોન્સેન્સ પુસ્તક એક હજાર 'તોફાની તરકટો'નું પ્રગટ થયું. પાછા પોતે ચિત્રકાર. એટલે ફાવ્યું.

આપણે ત્યાં ભારતમાં હાસ્યકવિ કાકા હાથરસીની આવા તુક્કા - ટુક્કલો લખવામાં ખ્યાતિ છે.

આ 'મિસ્ટર નોનસેન્સ'ની કટાક્ષ-કાર તરીકે ભારે ખ્યાતિ. તેઓ સીધા રહી જ શકે નહિ.

એક વખત તેઓ લોર્ડ કાર્લીગફોર્ડને ત્યાં ગયા. આમંત્રણથી ગયા હતા, પણ બધાં એટલાં વાતોડિયાં કે મિ. નોન્સેન્સને બે શબ્દો બોલવાનોય મોકો જ ન મળ્યો. પાછાં બધાંનાં ચહેરા-મહોરા પોપટ જેવા હતા. તેમણે લખ્યું કંઈ નહિ. એક ચિત્ર તૈયાર કરીને મોકલ્યું. ચિત્રની નીચે આભાર માનતાં જણાવ્યું ;

મને નિ;શબ્દ બનાવી દેવા

બદલ આપ સહુનો આભાર

ઓછા શબ્દો, બલકે નિ;શબ્દ કહી શકાય તેવું ચિત્ર. પોપટ હંમેશા બોલબોલ કરે છે. બીજાની વાતો ઓછી સાંભળે છે. પોતાની વાતો, આવડત, સામાને જણાવવાનો આગ્રહ રાખે છે. પોપટનું ચિત્ર જ આમંત્રણ આપનાર યજમાનને અંજલિ છે.

ચિત્રમાં મિ. નોન્સેન્સ-શ્રીમાન એડવર્ડ લિયરે પોતાની સહી, ગામ, તારીખ, વર્ષ બધું જ લખી નાખ્યું હતું. ના, પોતાની ભાવના છુપાવવાની જરાય તકલીફ લીધી ન હતી. વધુમાં પોપટની ખાસિયત પણ જણાવી દીધી હતી.

પણ ખરી વાત હવે આવે છે. એ બેઠકમાં યજમાન લેડી વાલ્દગ્રેવના ભાઈ વાર્દ બ્રેહામ પણ હાજર હતા. તેઓ 'લોર્ડ ડર્મી'ને નામે 'નાઉઝી મેનેજરી' (KNOWSLEY MENAGERIE) 'બોલકણી-વંઠેલી - વડાઈ' લખવા માટે નામ ધરાવતા હતા. તેમણે પોતે જ 'નોનસેન્સ' એડવર્ડ લિયરનું ચિત્ર ઉપસાવી, સામે જવાબ આપ્યો, જેમાં લિયરને 'ઘુવડ'ના સ્વરૂપમાં રજૂ કરી એક બાજુ લખ્યું ; 'ચશ્મીશ ઘુવડ' (THE SPECTACLED OWLET) અને બીજી બાજુ લખ્યું  ; (JAVGON BIRD)  એટલે કે ; ખણખોદિયું પક્ષી

આ બધી કેટલી કડવાશભરી વાત છે, તે સમજી શકાય તેમ છે, પણ બંને પક્ષમાંથી કોઈએ ખોટું લગાડયું નહિ, અને ખેલદિલી તથા ખાનદાની સાથે આ આખું પ્રકરણ છપાવા દીધું. એડવર્ડ લિયરે તો 'નોનસેન્સ'ની પ્રસ્તાવનામાં જ આ ગંમત ઘટનાને સ્થાન આપી દીધું. એકદમ દિવસના ઘુવડના મૌન સાથે જણાવી દીધું, પોતાની જાતને જ ને! કે, શેરને માથે સવાશેર હોય છે જ.

- હરીશ નાયક

Tags :