Magazines

TV TALK .

By GS TEAM
4 Jun 20263 mins read
TV TALK                                                            .

કરિશ્મા તન્નાઃ ખોળો ભરવાનો પ્રસંગ દક્ષિણ ભારતીય ઢબે

ટીવીની દુનિયામાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. કરિશ્મા તન્ના મા બનવાની છે. કરિશ્માની ખોળો ભરવાની વિધિ દક્ષિણ ભારતીય ઢબે કરવામાં આવી હતી. કરિશ્મા અને તેનાપતિએ તેમની આ વિધિનો વિડિયો સોશ્યલ મિડિયા પર શેર કર્યો છે. કરિશ્મા અને તેના પતિ વરૂણે પોતાના ઘરે જ ખોળો ભરવાની વિધિનું આયોજન કર્યું હતું. આ પ્રસંગની વિવિધ તસવીરો અને વિડિયો સોશ્યલ મિડિયા પર શેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને જણાંના પરિવારજનોએ વિધિમાં સામેલ થઇ તેમને આશિર્વાદ આપ્યા હતા. 

કરિશ્માએ તેની ખોળો ભરવાની વિધિ દક્ષિણ ભારતીય ઢબે કરી હતી. જેમાં તેણે પારંપરિક વસ્ત્રો ધારણ કર્યા હતા. તેનો પતિ વરૂણ પણ પરંપરાગત કુર્તા પાયજામામાં દેખાયો હતો. ઘરમાં આ પ્રસંગે ફૂલોની ખાસ સજાવટ કરવામાં આવી હતી. બંને જણાં એ તેમની તસવીરો સોશ્યલ મિડિયા પર મુકી તે સાથે ચાહકો તે જોઇને ખુશ થઇ ગયા હતા. 

ગીતા કપૂરઃ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન ફાઇવની જજ

રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન ફાઇવ શરૂ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. આ શોમાં કોરિયાગ્રાફર ગીતા કપૂર એક જજ તરીકે જોવા મળશે. ગીતા કપૂરે પોતાની કારકિર્દીની સંઘર્ષકથા કહેતાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જ્યારે અમે પહેલીવાર ટીવી પર આવ્યા ત્યારે સોશ્યલ મિડિયાનો વ્યાપ આટલો બધો નહોતો. પણ એ જમાનામાં પણ હેટ મેઇલ આવતી રહેતી હતી. શરૂઆતમાં મને આ પ્રકારની મેઇલથી ખરાબ લાગતું હતું. તેમાં લોકો જાતજાતની કોમેન્ટ કરતાં,જેમ કે તુમ મોટી હો, તુમ ખુદ કો ડાન્સર કૈસે કહ સકતી હો? હું એકદમ ફીટ અને દેખાવડા બે પુરૂષોની વચ્ચે બેસતી હતી. મારા હિસાબે હું ફીટ હતી પણ દરેક જણનું પોતપોતાનું મંતવ્ય હોય છે. 

ગીતા કપૂરે ઉમેર્યું હતું કે શરૂઆતમાં તો મને આવી કોમેન્ટ્સથી ખૂબ લાગી આવતું પણ પછી મારી ટીમ અને મારી માતાએ મને સલાહ આપી કે જ્યારે તું લોકો સમક્ષ જાહેરમાં રજૂ થાય છે તો લોકો પોતાનો અભિપ્રાય આપવાના જ છે. અને સાચું કહું તો હું પણ મંચ પર બેસીને લોકોના ડાન્સ વિશે અભિપ્રાય જ આપતી હતી, તેમની ટીકા કરતી હતી અને આમ જુઓ તો મને જજ કરવાનો લોકોને પણ અધિકાર હતો. 

દીપિકાસિંહઃ ક્રિકેટરના ગેટઅપમાં ધૂમ મચાવી 

 ટીવી પર અભિનેત્રી દિપિકાસિંહ એક જાણીતો ચહેરો છે. તે એક્ટિંગ કરવાની સાથે સાથે સોશ્યલ મિડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની અપડેટ શેર કરવા માટે ઇન્સ્ટાનો ઉપયોગ કરે છે. તાજેતરમાં તેણે પોતાનો એક વિડિયો ઇન્સ્ટા પર શેર કર્યો હતો. આ વિડિયોમાં દિપિકા સિંહ એક ક્રિકેટરના ગેટ અપમાં દેખાય છે. તેણે મેદાન પર બેટિંગ અને બોલિંગ બંને કરી બતાવ્યા છે. વિડિયોની નીચે કેપ્શનમાં દિપિકાએ લખ્યું છે, મંગલ કા નયા અંદાજ, મંદીપ પાજી કા સ્વેગ, બોલો તારારારા...રાત મેં લગેગી આગ. દિપિકાના ચાહકોને આ વિડિયો ગમી ગયો છે. એક ચાહકે કોમેન્ટમાં લખ્યું છે કે તારો લુક ક્રિકેટર અર્શદીપ સિંહ જેવો છે. ક્યુટ સરદારજી. અન્ય ચાહકે લખ્યું છે, અબ તક કી સબસે ક્યુટ સરદાર, મેરી મંગલ કિતની ક્યુટ લગ રહી હૈ. અન્ય એક ચાહકે લખ્યું હતું, ફૂલેલો અર્શદીપસિંહ!