Scoial સર્કલ .

ધૂરંધર વિકાસ
એક ફિલ્મ હિટ થાય એટલે તેની સાથે સંકળાયેલા તમામ કલાકાર-કસબીઓ રાજાપાઠમાં આવી જાય. તેમાં કશું ખોટું નથી. 'ધુરંધર' વન એન્ડ ટુને જે કક્ષાની સફળતા મળી છે તે સાચા અર્થમાં અભૂતપૂર્વ છે. રાઇટર-ડિરેક્ટ-પ્રોડયુસર આદિત્ય ધરે આજકાલ કેમેરા પાછળના પોતાના કસબીઓને સોશિયલ મીડિયા પર ભરપૂર વખાણી રહ્યા છે. 'ધૂરંધર' સિરીઝના સિનેમેટોગ્રાફરની જ વાત કરો. ધરસાહેબ એક લાંબી ઇન્સ્ટા-પોસ્ટ લખી છે, જેમાં કહ્યું છે કે-
'તો આ છે વિકાસ નવલખા - 'ધૂરંધર'ની આંખ, અંત:સ્ફૂરણા અને આત્મા. વિકાસ અમારી ટીમમાં જોઇન થનારા સૌથી છેલ્લા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા. 'ધૂરંધર'નું શૂટિંગ શરૂ થયું એના થોડાક જ દિવસ પહેલાં એ જોડાયા હતા. હવે લાગે છે કે તે દિવસે સિનેમેટોગ્રાફર નહીં, પણ અમારું કિસ્મત ટીમમાં જોડાયું હતું. મને હજુય યાદ છે, સ્ક્રિપ્ટ વાંચીને વિકાસે કહેલું, 'હું ત્રીસ વર્ષથી આ પ્રકારની ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. હું 'ધૂરંધર'માં મારો જીવ
રેડી દઈશ.'
એવું જ થયું.
'ધૂરંધર'નાં શિડયુલ બહુ જ આકરા હતા, જરાય મેનેજ થાય એવાં નહોતાં, કારણ કે એક ફિલ્મના બજેટમાં અને સમયમાં અમારે બે ફિલ્મો બનાવવાની હતી. વિકાસ અમારા શેડયુલને કેન્દ્રમાં હતા અને એ ખડકની જેમ ઊભા હતા... હું જાણું છું કે 'ધૂરંધર' તો માત્ર શરુઆત છે. મારે અને વિકાસે ભવિષ્યમાં સાથે કેટલુંય કામ
કરવાનું છે.'
ટૂંકમાં, આદિત્ય ધરની આગલી ફિલ્મમાં - પછી એ અશ્વત્થામા' હોય કે 'ધૂરંધર-થ્રી' કે બીજી કોઈ પણ - બીજા કોઈનો ચાન્સ લાગે કે ન લાગે, પણ વિકાસ નવલખાની નોકરી પાક્કી છે!
સોનમ કપૂર: નો, થેન્ક્સ!
સાચ્ચે, થેન્ક્યુ-થેન્ક્યુ કહેવાની સિઝન પૂરબહારમાં ખીલી છે. સોનમ કપૂર તાજેતરમાં બીજી વાર મમ્મી બની. એણે બીજા પુત્રરત્નને જન્મ આપ્યો. ઇન્સ્ટાગ્રામ પર એણે નવજાત શિશુ સાથેની પોતાની તસવીર શેર કરી અને ભેગી એક પોસ્ટ લખી. તસવીર તો આંખ ઠારે છે, પણ પોસ્ટ વાંચીને આંખો પહોળી થઈ જાય છે. જ્યાં એની ડિલિવરી થઈ તે બ્રાન્ડેડ-કોર્પોરેટ હોસ્પિટલના આખા સ્ટાફ પર સોનમ બોલિવુડ-બોલિવુડ ઓવારી ગઈ છે. આહા, અહીંના ડોક્ટર... ઓહો, અહીંનો નર્સો... વાહ વાહ, અહીંનો પીઆર સ્ટાફ... ખમ્મા, અહીંનો સિક્યોરિટી સ્ટાફ! સોનમે પોતાની થેન્ક્યુ નોટમાં ૧૩ ડોક્ટરો, ૬ નર્સ, હાઉસકીપિંગ સ્ટાફ, હોસ્પિટલના શેફ સહિત ૩૫ લોકોનાં નામોનું આખું લિસ્ટ ઠઠાડી દીધું છે. આપણને થાય કે સોનમે એક બાળકને જન્મ આપ્યો છે કે આખી સેનાને? દીકરાના જન્મ જેવા શુભ અવસરનો હરખ શેર કરતી વખતે ય જાણે બ્રાન્ડ કોલોબોરેશન કે ટાઇ-અપ કર્યું હોય એવી ગંધ આવે ત્યારે આપણને અસુખ તો થાય જ. સોનમને કહેવાનું થાય કે હવે આવનારા દિવસોમાં બાળોતિયાં ને રમકડાં ને બેબી ફૂડ વગેરે વગેરે બનાવતી કંપનીઓનાં અધિકારીગણનાં લાંબા લપસિંદર જેવાં લિસ્ટ અમારાં માથાં પર ન મારતી, પ્લીઝ.









