Magazines

બે કટ્ટર મુસ્લિમોના કારણે એક્સ મુસ્લિમ સલીમ વાસ્તિક મર્ડર કેસમાં 31 વર્ષે પકડાયો

By GS TEAM
30 May 20264 mins read
બે કટ્ટર મુસ્લિમોના કારણે એક્સ મુસ્લિમ સલીમ વાસ્તિક મર્ડર કેસમાં 31 વર્ષે પકડાયો

- એક્સ મુસ્લિમ સલીમ નામની યુટયૂબ ચેનલ બનાવીને પોપ્યુલર થવા મુસ્લિમો વિરૂદ્ધ બોલતો હતો

- મર્ડરના ગુનામાં આજીવન કારાવાસ મળ્યા બાદ ફરાર થઈને પોતાને મૃત જાહેર કરી દીધો હતો : નામ બદલીને અલગ અલગ રાજ્યોમાં પરિવાર સાથે રહેતો હતો

- સલીમ વાસ્તિક પોડકાસ્ટમાં ઈન્ટરવ્યૂ આપવા માંડયો હતો, થોડા સમય પહેલાં કટ્ટરવાદીઓએ હુમલો કર્યો હોવાથી ચર્ચામાં આવ્યો હતો : પોપ્યુલારિટીના કારણે જ આખરે ઝડપાઈ ગયો

- 13 વર્ષના કિશોરનું અપહરણ અને મર્ડર કરનારા ફરાર ગુનેગારને યુટયૂબમાં એક કરોડ લોકોએ જોયો, દિલ્હી પોલીસના ધ્યાનમાં ન આવ્યો!

કોણ છે સલીમ વાસ્તિક?

સલીમ વાસ્તિક 'એક્સ મુસ્લિમ સલીમ' નામની એક યુટયૂબ ચેનલ ચલાવતો હતો. એમાં તે મુસ્લિમ ધર્મની વિરૂદ્ધમાં બોલતો હતો અને તેના કારણે ઘણો લોકપ્રિય થયો હતો. યુટયૂબર તરીકે જાણીતો થયેલો સલીમ વાસ્તિક ઘણાં પોડકાસ્ટમાં ઈન્ટરવ્યૂ પણ આપવા લાગ્યો હતો. મુસ્લિમ સમાજમાં ચાલતી રૂઢીઓ વિશે બોલીને તે લોકપ્રિયતા મેળવતો હતો. દિલ્હી-યુપીની હદ પાસે ગાઝિયાબાદમાં તે રહેતો હતો. બે-અઢી મહિના પહેલાં તેના પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો અને તેના કારણે તે વધારે લાઈમલાઈટમાં આવ્યો. એટલે સુધી કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેના પર થયેલા હુમલા પછી કહેલું કે હુમલાખોરો સામે કાર્યવાહી થશે.

સલીમની વાસ્તવિકતા જુદી હતી

સલીમ વાસ્તિકનું અસલી નામ સલીમ ખાન હતું. તે ઉત્તર પ્રદેશના શામલીનો મૂળ વતની છે. દિલ્હીના દરિયાગંજમાં આવેલી રામજસ સ્કૂલમાં તે માર્શલ આર્ટનો ટ્રેનર હતો. ૨૦ જાન્યુઆરી, ૧૯૯૫માં દિલ્હીમાં ૧૩ વર્ષના સંદીપ બંસલ નામના કિશોરનું અપહરણ કર્યું હતું અને છોડવાના બદલામાં ૩૦ હજાર રૂપિયાની ખંડણી માંગી. સંદીપના પિતા વેપારી હતા. ખંડણી આપવાની વાટાઘાટો ચાલતી હતી ત્યારે તેણે સંદીપની હત્યા કરી નાખી હતી. એ વખતે પોલીસે તેને પકડી લીધો હતો. કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટે આજીવન કારાવાસની સજા આપી હતી. ૨૦૦૦ના વર્ષમાં તે જામીન પર છૂટયો હતો અને પછી ફરાર થઈ ગયો હતો.

પોલીસે સલીમ ખાનની તપાસ શરૂ કરી

ફરાર હત્યારાને યુટયૂબમાં કરોડો લોકોએ જોયો, પણ પોલીસને ખબર ન પડી. પરંતુ એના પર હુમલો થયો તે વખતે દિલ્હી પોલીસને શંકા ગઈ. શક્ય છે કે કોઈ બાતમીદારે પોલીસને બાતમી આપી હોય. એ પછી પોલીસે સલીમ ખાનના વતન શામલીમાં તપાસ કરી તો સલીમનું ડેથ સર્ટિફિકેટ ન મળ્યું. પોલીસે સ્થાનિક લોકોની, તેના સગાં-સંબંધીઓની તપાસ કરી તો તેમણે કહ્યું કે ગાઝિયાબાદના લોનીમાં રહેતો એક્સ મુસ્લિમ સલીમ જ સલીમ ખાન છે. એ હવે સલીમ વાસ્તિક નામથી ઓળખાય છે. એ પછી પોલીસે બંનેની કડી શોધી કાઢી. ગુનેગાર સલીમ ખાનની ફ્રિંગરપ્રિન્ટ સાથે સલીમ વાસ્તિકની ફ્રિંગરપ્રિન્ટ તપાસી. આધારકાર્ડમાં સલીમ વાસ્તિકના પિતાનું નામ નૂર હસન હતું. સલીમ ખાનના પિતાનું નામ પણ નૂર હસન જ છે. એ જાણકારી મેચ થઈ પછી ગાઝિયાબાદમાંથી સલીમની ધરપકડ કરી. 

ગાઝિયાબાદમાં નવા ઘરમાં પરિવાર સાથે રહેતો હતો

દિલ્હી-ગાઝિયાબાદ સીમા પાસે લોનીમાં અશોક વિહાર નામનો વિસ્તાર છે. ત્યાં તેણે એક ઘર ખરીદ્યું હતું. તેની પત્ની અફસાના કે જેનું નામ તેણે બદલ્યું ન હતું તે અને તેના દીકરા-દીકરી સાથે તે ઘરમાં રહેતો હતો. સલીમ એક તરફ ઈસ્લામ વિરૂદ્ધ બોલતો હતો, બીજી તરફ તેની પત્ની નમાઝ પઢવા જતી હતી અને આસપાસની મહિલાઓની પતિ સલીમ ધર્મવિરોધી બોલે છે તેની ફરિયાદ પણ કરતી હતી. તેનો દીકરો પણ નમાઝ પઢતો હતો. તેનો આખો પરિવાર મુસ્લિમ ધર્મ પાળતો હતો.

 સલીમે યુટયૂબ ચેનલ શરૂ કરી

સલીમ વાસ્તિક પોતાને એક્સ મુસ્લિમ ગણાવવા લાગ્યો અને એ નામથી યુટયૂબ ચેનલ પણ બનાવી. એ ચેનલમાં મુસ્લિમ ધર્મ સામે સવાલો ઉઠાવવા લાગ્યો એટલે પોપ્યુલર થઈ ગયો. સલીમ સોશિયલ મીડિયામાં એટલો જાણીતો બની ગયો કે બીજા યુટયૂબર્સ એને પોડકાસ્ટમાં બોલાવવા લાગ્યા. તેણે મુસ્લિમ ધર્મ, કુરાન, મુસ્લિમોની પરંપરા વિશે એટલું બધું બોલવા માંડયું કે તેનાથી ઉશ્કેરાયેલા બે ભાઈઓ ગુલફામ અને જીશાને તેને મારી નાખવાનું ષડયંત્ર ઘડયું. તેના પર હુમલો થયો પણ એ બચી ગયો. પછીના દિવસોમાં યુપી પોલીસે એન્કાઉન્ટરમાં ગુલફામ અને જીશાન નામના બે ભાઈઓને ઠાર કર્યા. સલીમે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાંથી હુમલાનું કાવતરું ઘડાયું હતું. તે મુસ્લિમો પર બોલે છે એટલે તેને કેટલાય સમયથી ધમકીઓ મળે છે. એ અરસામાં પોલીસે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા ગાર્ડ્સ આપ્યા હતા.

નામ બદલીને સલીમ અહેમદ બન્યો

સલીમ ખાને ફરાર થયા પછી પોલીસથી બચવા નામ બદલીને સલીમ અહેમદ કરી દીધું. તે મેરઠ, મુઝફ્ફરનગર જેવા શહેરોમાં સલીમ અહેમદ બનીને રહ્યો. થોડો વખત હરિયાણામાં પણ રહેતો હતો. તેણે મદરેસામાં રહીને ઈસ્લામનું વ્યવસ્થિત શિક્ષણ લીધું. એ જ અરસામાં દિલ્હી-ગાઝિયાબાદ સીમા પાસે નસબંદી કોલોનીના નામથી ઓળખાતા વિસ્તારમાં તેણે લેડીઝ કપડાની દુકાન ખોલી.  થોડા વર્ષ તેણે આ ઓળખથી કાઢ્યા પછી આખરે સલીમ વાસ્તિક નામ રાખ્યું અને પરિવાર સાથે ગાઝિયાબાદમાં રહેવા લાગ્યો. તેણે એવી જાહેરાત કરી દીધી કે તે હવે મુસ્લિમ નથી.

અમદાવાદમાં ૩૪ વર્ષે મર્ડરનો ભેદ ખુલ્યો

સલીમની ઘટના જેવી જ ઘટના અમદાવાદમાં પણ બની હતી. નાટયાત્મક રીતે સંદીપ બંસલ નામના કિશોરની હત્યા કરનારો સલીમ ૩૧ વર્ષે પકડાયો તેમ અમદાવાદમાં પત્નીની હત્યા કરનારો પતિ અને પતિનો મોટોભાઈ ૩૪ વર્ષે પકડાયા. ૧૯૯૨માં અમદાવાદના વટવા વિસ્તારમાં ફરજાના નામની યુવતીની હત્યા તેના પતિ, જેઠ, પતિનો મિત્ર સહિત એક પરિચિત મહિલાએ મળીને કરી હતી. હત્યા કરીને મૃતદેહ ઘરમાં ૨૦ ફૂટ ઊંડે  દફન કરી દીધો હતો. કંકાલના ડીએનએ ફરજાના ભાઈ સાથે મેચ થતાં આખું રહસ્ય ખુલ્યું હતું.  ફરજાનાના પતિ સમસુદ્દીન ખેડાવાળા અને ઈકબાલ ખેડાવાલાની ધરપકડ કરી હતી. આ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓનું મૃત્યુ થઈ ગયું હતું.