Magazines

એમિલિયા ક્લાર્ક : રીલ લાઈફની નિડર રાણીનો રિયલ લાઈફમાં હેમરેજ સામે સંઘર્ષ

By GS TEAM
28 May 20264 mins read
એમિલિયા ક્લાર્ક : રીલ લાઈફની નિડર રાણીનો રિયલ લાઈફમાં  હેમરેજ સામે સંઘર્ષ

- હવે ક્લાર્કની પોતાના અનુભવ વિશેની નિખાલસતાએ તેને વિશ્વભરમાંથી પ્રશંસા અપાવી છે. તેની વાર્તા તેની પ્રસિદ્ધ કારકિર્દી પાછળ રહેલી અડગતા ઉજાગર કરવા ઉપરાંત ગંભીર તબીબી આઘાતમાંથી બચી ગયેલાએ સામનો કરવા પડતા ગંભીર ભાવનાત્મક સંઘર્ષોની પણ જાણકારી આપી

- 'ગેમ ઓફ થ્રોન્સ'માં ડેનેરીસ ટાર્ગારીનના ચિત્રણ માટે વિશ્વપ્રસિદ્ધ એમિલિયા ક્લાર્કે તાજેતરમાં વૈશ્વિક સ્તરે સફળ સીરીઝના શૂટ દરમ્યાન બે વાર જીવલેણ બ્રેન એનુરીસમ્સમાંથી બચી જવાની પીડાદાયક કહાની શેર કરી. 'હાઉ ટુ ફેલ વિથ એલિઝાબેથ  ડે' પોડકાસ્ટ પર નિખાલસપણે વાત કરતા ક્લાર્કે પડદા પાછળ તેણે સહન કરવા પડેલો તીવ્ર શારીરિક અને ભાવનાત્મક સંઘર્ષ વિશે વાત કરી જ્યારે દર્શકો પડદા પર શક્તિશાળી 'મધર ઓફ ડ્રેગન્સ' તરીકે તેના ઉદ્ભવને જોયો હતો.

ક્લાર્કે જણાવ્યું કે તેને પ્રથમવાર બ્રેન હેમરેજ 'ગેમ ઓફ થ્રોન્સ'ની પ્રથમ સીઝન સમાપ્ત થયા પછી ટૂંક સમયમાં જ થયું હતું. ક્લાર્ક યાદ કરે છે કે આ ઘટના બની તેની આગલી રાત્રે તેને સખત માથુ દુખ્યું હતંી અને અસાધારણ રીતે તણાવ થયો હતો. બીજા દિવસે જીમમાં કસરત કરતી વખતે તેને અચાનક માથામાં અસહ્ય ઝણઝણાટી થઈ, જાણે તેના મગજની આસપાસ કોઈએ ઈલાસ્ટીકનું બેન્ડ વીંટાળી દીધું  હોય. તે પીડાથી પડી ગઈ, વારંવાર ઉલટી કરવા લાગી અને તેને તાત્કાલિક અહેસાસ થયો કે કંઈક ખોટુ થયું છે.

કહેવાય છે કે પ્રારંભમાં ડોક્ટરોએ તેના લક્ષણો વિશે ગેરસમજ કરી અને તેણે ડ્રગનું સેવન કર્યું હોવાનો શક પણ વ્યક્ત કર્યો. ક્લાર્કના મતે ઘણા યુવા સ્ટ્રોકના પીડિતો સાથે આવી ભૂલ થતી હોય છે. પણ સદ્નસીબે, એક નર્સે તેના લક્ષણોને સંભવિત મગજની ઈજા તરીકે ઓળખી કાઢ્યા અને તાત્કાલિક બ્રેન સ્કેનની વ્યવસ્થા કરી, જેમાં એનુરીસમ થયાની જાણકારી મળી.

ભયાનક નિદાન અને મુશ્કેલ સારવાર છતાં  ક્લાર્ક કામ ચાલુ રાખવા પ્રતિબદ્ધ હતી. તેણે શરમ આવતી હોવાનું કબૂલ કર્યું અને સાથે ભય પણ હતો કે તેના પ્રોડયુસરો તેને નબળી અથવા અવિશ્વસનીય માનશે. વ્યાવસાયિક જવાબદારીને કારણે શોના સંચાલકોને સિવાય તેણે પોતાની આરોગ્યની સ્થિતિ ગુપ્ત જ રાખી. નોંધપાત્ર છે કે હેમરેજમાં પીડાયાના થોડા અઠવાડિયામાં જ તેણે સીરીઝ માટે આંતરરાષ્ટ્રીય પ્રેસ ટૂરની માગણી શરૂ કરી દીધી,  જ્યારે હજી તે સારવાર હેઠળ હતી અને મોરફિન દવાના પ્રભાવ હેઠળ હતી.

વર્ષો પછી તેની સમક્ષ વધુ એક ગંભીર પડકાર સર્જાયો. એક રુટીન સ્કેન દરમ્યાન ડોક્ટરોને જાણ થઈ કે અગાઉ તેને થયેલું એનુરીસમ તેના મૂળ કદથી ત્રણ ગણુ વધી ગયું છે. ક્લાર્કને ખાતરી આપવામાં આવી કે તેની સારવાર માટે થનારી સર્જરી પ્રમાણમાં સરળ છે. પણ સર્જરી દરમ્યાન તેને જોરદાર રક્તસ્રાવ થતા સમગ્ર પ્રક્રિયા ગૂંચવાઈ ગઈ. ક્લાર્ક યાદ કરે છે કે ડોક્ટરોએ તેનો જીવ બચાવવા ઈમરજન્સી પગલા લેવા તેની મંજૂરી લેવા સર્જરીમાં અડધેથી ઉઠાડી હતી. આ આઘાતજનક અનુભવે તેના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાની ભાવના પર ગાઢ અસર કરી.

ક્લાર્કે કબૂલ કર્યું કે બીજા આઘાતમાંથી બચી જવા  છતાં તેને તાત્કાલિક રાહત અથવા સંતોષ નહોતો થયો. તેના સ્થાને તે ભાવનાત્મક રીતે નિરાશ થઈ ગઈ હતી અને તેને સતત ભય હતો તે ગેરવાજબી રીતે મૃત્યુથી છટકી ગઈ હતી અને હવે કોઈપણ ક્ષણે તેનું મોત થઈ શકે છે. તે પોતાની આસપાસના વિશ્વથી જાણે અલિપ્ત થઈ ગઈ અને તેનું શરીર તેમજ મગજ નિષ્ફળ ગયા હોવાથી તે જીવન માણી શકે તેમ નથી.

આ ભાવનાત્મક જખમો શારીરિક રિકવરી જેટલા જ મુશ્કેલ હતા અને તેને જ્યારે પણ થોડો માથાનો દુખાવો થતો તો તેને ફરી એનુરીસનો હુમલો થવાની આશંકા થતી. આવી જ એક ભયજનક પળ સર્જરીના માત્ર છ અઠવાડિયા પછી આવી જ્યારે તેણે ગેમ્સ ઓફ થ્રોન્સ પ્રમોટ કરવા સેન ડિયેગો કોમિક-કોનમાં હાજરી આપી હતી. ટીવી સાથે લાઈવ મુલાકાત અગાઉ જ ક્લાર્કને ફરી માથાનો દુઃખાવો થયો અને તેને ખાતરી થઈ ગઈ કે તે લાઈવ ટીવી પર તેનું મોત થશે. ભય અને ગભરાટે તેને પૂરી રીતે જકડી લીધી. જાહેરમાં આત્મવિશ્વાસ અને સફળતાની છબી જાળવી રાખતી ક્લાર્ક હજી અગાઉના માનસિક આઘાતને ભૂલી નહોતી.

હવે ક્લાર્કની પોતાના અનુભવ વિશેની નિખાલસતાએ તેને વિશ્વભરમાંથી પ્રશંસા અપાવી છે. તેની વાર્તા તેની પ્રસિદ્ધ કારકિર્દી પાછળ રહેલી અડગતા ઉજાગર કરવા ઉપરાંત ગંભીર તબીબી આઘાતમાંથી બચી ગયેલાએ સામનો કરવા પડતા ગંભીર ભાવનાત્મક સંઘર્ષોની પણ જાણકારી આપી. એક તરફ દર્શકો તેને વેસ્ટેરોસની નિર્ભિક ડ્રેગન રાણી તરીકે હજી યાદ કરે છે ત્યારે વાસ્તવિકતામાં અસ્તિત્વ જાળવી રાખવા તેના સંઘર્ષ તેને પ્રસિદ્ધિ અપાવનાર કાલ્પનિક લડાઈઓ કરતા વધુ રોમાંચક છે.