દાવત : સોયાબીનની ટેસ્ટી વાનગીઓ

સોયા બ્રિંજલ
સામગ્રી : ૨૫૦ ગ્રામ નાનાં રીંગણ, બે ટુકડામાં સમારેલાં, એક કપ સોયા ગ્રેનુ અલ અથવા બાફીને માવો કરેલા, બે મોટી ડુંગળી ઝીણી સમારેલી, ૩ ટમેટાં ઝીણાં સમારેલાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી જીરું, ૧ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ લીંબુનો રસ, લીલાં મરચાં અને આદું ઝીણું સમારેલું, મીઠું સ્વાદ મુજબ.
રીત : કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરું શેકો. આદું અને મરચાં સાંતળો. પછી ડુંગળી સાંતળો. બધાં મસાલા મિક્સ કરી બે મિનિટ સુધી સાંતળો. હવે એમાં ઝીણાં સમારેલાં ટામેટાં નાખી સોયાનો માવો, રીંગણના ટુકડા અને મીઠું મિક્સ કરી ચઢી જાય ત્યાં સુધી રાંધો.નોંધ : રીંગણ સમારીને એના ટુકડા મીઠું નાખેલા પાણીમાં મૂકવાથી કાળા નહીં થાય.
સોયા ફ્રાઇડ રાઇસ
સામગ્રી : ૨ કપ બાફેલા ચોખા (ભાત), ૧/૨ કપ બાફેલા વટાણા, ૧ કપ બટાટા તળેલાં, ૧/૨ કપ પનીર નાના ટુકડામાં સમારેલા, ૧/૨ કપ ડુંગળી ઝીણી સમારેલી, ૧/૨ કપ ઝીણી સમારેલી કોબીજ, ૩/૪ બાફેલા સોયાબીનનો માવો, ૩-૪ લવિંગ, ૩-૪ કાળામરી, ૧/૨ ચમચી આમચૂર, ૧ ચમચી જીરું, મીઠું, લાલમરચું, ગરમ મસાલો સ્વાદ મુજબ.
રીત : ૩/૪ સોયાબીન ખીમાને હૂંફાળા પાણીમાં ૧૫-૨૦ મિનિટ પલાળીને રાખો. તે પછી સાદા પાણીથી ધોઈ લો. એક કઢાઈમાં બે-ત્રણ ચમચા ઘી નાખી એમાં જીરું, લવિંગ અને કાળામરી નાખો.તેમાં ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. બધા શાક અને સોયાબીન ખીમો નાખી બે-ત્રણ મિનિટ સાંતળો. ભાત અને આમચૂર નાખી બરાબર મિક્સ કરો.
સોયા પનીર ખીમા
સામગ્રી : ૧૧/૨ કપ સોયા, ગ્રેનુઅલ અને બાફેલા સોયાનો માવો, ૧ કપ પનીર મેશ કરેલું, ૧ કપ વટાણા બાફેલા, ૨ ડુંગળી ઝીણી સમારેલી, ૨ મોટાં ટામેટાં, ૧/૪ કપ ટોમેટો પ્યુરી, થોડું આદું ્ને લીલાં મરચાં પીસેલાં, ૪ લવિંગ, ૪ કાળામરી, ૧ મોટી એલચી, ૨ ચમચી સૂકા ધાણા, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી જીરું, ૧/૨ લાલ મરચું, ૧/૨ લીંબુનો રસ થોડી કોથમીર સમારેલી, મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ.
રીત : કઢાઈમાં ઘી ગરમ કરો. જીરું નાખો. ડુંગળી સાંતળો, ડુંગળી સાંતળ્યા પછી લવિંગ, કાળામરી અને વાટેલી એલચી નાખી અડધી મિનિટ સાંતળો. ટામેટાં સમારીને મિક્સ કરો અને બધાં મસાલા નાખી બે મિનિટ સુધી બરાબર સાંતળો. બાફેલા વટાણા, પનીર અને બાફેલા સોયાનો માવો મિક્સ કરો. મીઠું નાખી દસ મિનિટ સુધી ધીમા તાપ પર ચઢવા દો. ગેસ બંધ કર્યા પછી લીંબુનો રસ અને કોથમીર નાખીને રોટલી અથવા પરોઠાં સાથે સર્વ કરો.
સ્ટફ ટીંડોરા
સામગ્રી : ૧/૨ કપ સોયાનો બાફીને કરેલો માવો, ૫૦ ગ્રામ પનીર, ૧ મોટી ડુંગળી, ૭-૮ મધ્યમ ટીંડોરાં , ૪ મોટા ટામેટાં, ૨ ચમચી સોસ, થોડું આદું, લીલાં મરચાં અને કોથમીર, ૧/૨ ચમચી આમચૂર, મીઠું સ્વાદ મુજબ.
રીત : ટીંડોરા ધોઈ લો. છાલ કાઢી ઉપરથી સમારી અંદરથી માવો કાઢી લો. એક પ્લેટમાં બાફેલા સોયાનો માવો, પનીર, આદું, લીલાં મરચા, કોથમીર મસાલો, મીઠું અને ટીંડોરાનો અંદરનો માવો બરાબર મિક્સ કરી. ટીંડોરાંમાં આ મિશ્રણ ભરી બંધ કરી દો. એક પેનમાં ઘી નાખો અને થોડું જીરું નાખી ટામેટાં બરાબર સાંતળો.
થોડું મીઠું અને ટામેટાનો સોસ મિક્સ કરો. હવે બેકિંગ બાઉલમાં પહેલાં ટામેટાંની ગ્રેવી નાખો. તેમાં ટીંડોરાં મૂકો. અગાઉથી ગરમ કરેલા ઓવનમાં ૨૫ મિનિટ બેક કરો અથવા ગેસ પર કૂકરમાં મૂકી રાંધી લો.
સોયા કસ્ટર્ડ
સામગ્રી : ૧ કપ સોયાની વડી, ૨ કપ, દૂધ, ૩/૪ મખાણા, ૩/૪ કપ ખાંડ ૧૧/૨ ચમચી કસ્ટર્ડ.
રીત : સૌ પ્રથમ સોયાની વડીને હૂંફાળા પાણીમાં ૨૦ મિનિટ પલાળી રાખો. તે પછી તાંજા પાણીથી ધોઈ લો. એક કઢાઈમાં માખણ સાંતળો અને મિક્સરમાં અધકચરાં વાટી લો. કઢાઈમાં દૂધ નાખો. ઊભરો આવ્યા પછી મખાણા નાખો. સોયાની વડીઓ નાખો. ખાંડ મિક્સ કરો. અડધા દૂધમાં કસ્ટર્ડ ઓગાળી નાખો. પાંચ મિનિટ સુધી હલાવો. ફ્રિજમાં ઠુંડું કરી સર્વ કરો.
મોગલાઈ પરોઠાં
સામગ્રી : ૧૧/૨ કપ મેંદો, ૧૧/૨ કપ સોજી, ૧૧/૨ કપ દહીં, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી ખાંડ, બે ચમચા તેલ અથવા ઘી.
રીત : અડધી વાટકી પાણીમાં ખાંડ ઓગળવા માટે મૂકો. મેંદો, સોજી અને સોડા ચાળીને મિક્સ કરી લો. હવે મેંદામાં ઘી અને મીઠું બરાબર મિક્સ કરો. પછી પાણી અને દહીંથી થોડો કઠણ લોટ બાંધી અડધો કલાક ઢાંકી રાખો.કઢાઈમાં ઘી ગરમ કરો. ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો, ફરી થોડું ઘી નાખી જીરું સાંતળો. બારીક સમારેલાં લીલાં મરચાં સાંતળી બાફેલા સોયાનો માવો નાખી થોડી વાર સાંતળો. બટાટા અને પનીર મેશ કરીને નાખો બધાં મસાલા નાખી સારી રીતે સાંતળો. ગેસ બંધ કરી કોથમીર નાખો, ઠંડું થવા માટે મૂકો. મેંદાની મોટી રોટલી વણીને ત્રિકોણકારમાં કાપા તૈયાર મિશ્રણ મૂકો. બંને બાજુથી રોટલી એ જ શેપમાં વાળી દો. નીચેથી પણ બંધ કરી દો. એક પેનમાં ઓછા ઘી અથવા રિફાઇન્ડમાં ફ્રાય કરી સોસ સાથે પીરસો.
ભરવા માટેની સામગ્રી : ૧/૨ કપ સોયા ખીમો અથવા બાફેલા સોયાનો માવો, ૧૦૦ ગ્રામ પનીર, ૨ બાફેલા બટાટા, ૨ ડુંગળી, થોડી સમારેલી કોથમીર, ૨ લીલાં મરચાં, ૧/૨ ચમચી જીરું, ૨ ચમચી આમચૂર, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૨ ચમચી ઘી, મીઠું સ્વાદ મુજબ.
- હિમાની








