Magazines

રાંઝણા ફિલ્મનો અંત બદલી તમિલમાં નવેેસરથી રજૂ કરાતા વિવાદ

By GS Team
14 Aug 20253 mins read
This article was originally published on 14 Aug 2025
રાંઝણા ફિલ્મનો અંત બદલી તમિલમાં નવેેસરથી રજૂ કરાતા વિવાદ

- AIને કર દિયા કમાલ

- ફિલ્મના લેખક-દિગ્દર્શક અને નિર્માતા આમને સામને આવી ગયા છે. બાર વર્ષ બાદ તમિલનાડુમાં 'અંબિકાપતિ' નામે રજૂ થયેલી આ ફિલ્મ વિવાદનાં વમળો સર્જી રહી છે 

સમરથ કો નહીં દોષ ગુંસાઇ... એમ તુલસીદાસ કહી ગયા છે. આજના એઆઇ જમાનામાં પણ એ એટલું જ સાચું છે. બાર વર્ષ અગાઉ હિન્દીમાં રજૂ થયેલી વરૂણ ગ્રોવર લિખિત અને આનંદ એલ. રાય નિર્દેશિત હિન્દી ફિલ્મ રાંઝણા હીટ નીવડી હતી. હવે ફિલ્મની પ્રોડકશન કંપની  કલર યલો અને ઇરોઝ દ્વારા આ ફિલ્મનું તમિલ વર્ઝન બાર વર્ષ બાદ રજૂ થઇ રહ્યું છે તે એક ઉજવણીનો અવસર છે, પણ આ ફિલ્મમાં એઆઇ દ્વારા તેનો અંત બદલવામાં આવ્યો હોઇ આ ફિલ્મની સફળતાની ઉજવણી હવે વિવાદમાં ફેરવાઇ ગઇ છે. 

વારાણસી અને દિલ્હીમાં આકાર લેતી આ ફિલ્મની કથા હિન્દુ યુવક કુંદન અને મુસ્લિમ યુવતી ઝોયા વચ્ચેની લવસ્ટોરી છે. રાજકારણ અને પ્રેમકારણમાં એવી ગરબડ થાય છે કે ફિલ્મના હીરો કુંદનનું મોત થવા સાથે ફિલ્મનો કરૂણ અંત આવે છે. રાંઝણામાં ધનુષનું પાત્ર મૃત્યુ પામે છે પણ તમિલ વર્ઝન અંબિકાપતિમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા નવકલ્પિત અંતમાં ધનુષને જીવતો રાખવામાં આવ્યો છે. હવે ફિલ્મના બદલાયેલાં અંતને કારણે ફિલ્મના નિર્માતા અને ફિલ્મના લેખક-દિગ્દર્શક વચ્ચે આ મામલે વિવાદ થયો છે. નિર્માણ કંપનીનું કહેવું છે કે તેમને ફિલ્મમાં આ પ્રકારના ફેરફાર કરવાનો અધિકાર છે, જ્યારે લેખક અને નિર્દેશકનું કહેવું છે કે આ યોગ્ય નથી. સોફ્ટવેર દ્વારા કથાના હાર્દ સાથે ચેડા કરવામાં આવે તે યોગ્ય નથી. દિગ્દર્શક આનંદ એલ. રાયના મતે આ માત્ર કળાત્મક હેતુનો જ નહીંં ફિલ્મની સમગ્રતાનો પણ સવાલ છે. રાંઝણાનો અંતએ ફિલ્મની સમગ્રતાનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. 

નિર્દેશક આનંદ એલ.રાયે એક સામયિકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાંઝણાની એઆઇ દ્વારા સુધારાવધારા સાથેની તમિલ રિ-રિલીઝની જાહેરાત ફિલ્મના લેખક અને નિર્દેશકની જાણ અને સંમતિ વિના જ કરી નાંખવામાં આવી તેને કારણે એક ખોટો દાખલો બેઠો છે. 

બીજી તરફ ઇરોઝ ગુ્રપના સીઇઓ પ્રદીપ દ્વિવેદીએ કંપનીના નિર્ણયનો જોરદાર બચાવ કરતા જણાવ્યું છે કે કંપનીએ તેના કાનૂની અધિકારનો ઉપયોગ કરી સર્જનાત્મક નાવિન્ય દાખવ્યુ છે. આ એક આદરપૂર્વક કરવામાં આવેલું કથાનું  પુન: અર્થઘટન છે. અમે માનીએ છીએે કે ફિલ્મનો આત્મા પ્રતિકારમાં નહીં, પણ તેના નવીનીકરણમાં રહેલો હોય છે. એ પછી સ્ટુડિયોએ દિગ્દર્શક આનંદ એલ. રાયની વિશ્વસનીયતા અને હેતુ સામે સીધાં જ સવાલ કરતાં જણાવ્યું હતું કે અમે આનંદ એલ. રાય દ્વારા કરવામાં આવેલી બિનપાયેદાર અને સનસનાટી ઉભી કરવામાં આવેલી ટિપ્પણીને સ્પષ્ટપણે નકારી કાઢી તેની સામે જોરદાર વાંધો લઇએ છીએ. અત્રે એ પણ નોંધવું જોઇએ કે ઇરોઝ સ્ટુડિયો દ્વારા ફિલ્મ બનાવવામાં આવી રહી હતી ત્યારે દિગ્દર્શકે તમામ અધિકારો લેખિતમાં જતાં કરેલા છે. ઇરોઝ સ્ટુડિયોના જણાવ્યા અનુસાર એઆઇની સહાયથી સંવર્ધિત તમિલ વર્ઝન તો પૂરક આવૃત્તિ છે. આ રીતે અન્ય ફિલ્મોને પણ ફરી રજૂ કરવા માટે ઇરોઝ સ્ટુડિયોમાં  વિચારણા થઇ રહી છે. 

કથાના મૂળ લેખકોની પરવાનગી વિના જ એઆઇ દ્વારા કથામાં સુધારાવધારા કરવાના ફિલ્મ નિર્માતાના વિવાદિત અધિકારને કારણે કાનૂની જંગ માટે તખ્તો તૈયાર થઇ ચૂક્યો છે.એઆઇના આગમન સાથે લેખકના  ફિલ્મની કથા પરના અધિકારો અને નિર્માતાના ફિલ્મમાં ફેરબદલ કરવાના અધિકારો તથા ફિલ્મના ભાવિ વિશે નવેસરથી વિચારણા કરવાનો સમય પાકી ગયો છે. આ મામલે આનંદ એલ.રાય હોલિવુડના લેખકો દ્વારા કરવામાં આવેલાં આંદોલનનો હવાલો આપી કહે છે તેમણે આ મામલે સ્ટુડિયો સાથે બાખડીને તેમના અધિકારો સુરક્ષિત કરાવ્યા છે. ભારતમાં પણ હવે સર્જનાત્મક સમુદાયે સ્ટુડિયો કે કંપની કલ્ચર સામે તેંમના અધિકારો સુરક્ષિત કરાવવાનો સમય પાકી ગયો છે. સવાલ એ છે કે હોલિવૂડના લેખકો અને એક્ટર્સની જેમ ભારતીય લેખકો-નિર્દેશકો એકતા બતાવી તેમના અધિકારાના રક્ષણ માટે કંપનીઓ સામે લડત આપી શકશે ખરા? ફિંગર્સ ક્રોસ્ડ !