રૂ, ગારમેન્ટ, યાર્ન તથા ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં યુદ્ધની ઈમ્પેક્ટ વચ્ચે વધી રહેલો અજંપો

- ઊભી બજારે - દિલીપ શાહ
- કોટનની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવા અથવા તો નાબુદ કરવા દિલ્હીમાં શરૂ થયેલી ચહલપહલ પર બજાર તથા ઉદ્યોગની નજર
દેશમાં તથા રૂ બજાર તથા કાપડ અને યાર્ન બજારમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. વિશ્વબજારમાં વોર ઈફેકટના પગલે તાજેતરમાં ક્રૂડતેલના ભાવ વધી જતાં તેની ઈમ્પેક્ટ સિન્થેટીક યાર્ન બજાર પર દેખાઈ હતી અને તેના પગલે નેચરલ ફાઈબર ગણાતા કોટન તથા સૂતરના ભાવ પણ તાજેતરમાં ઉંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં એક મહિનાના ગાળામાં રૂના ભાવ આશરે ૧૧થી ૧૨ ટકા જેટલા વધ્યાના વાવડ મળ્યા હતા. ઘરઆંગણે પણ બજાર ભાવ પર તેની અસર દેખાઈ છે તથા ટેક્સટાઈલ ક્ષેત્રમાં વધતા ઉત્પાદન ખર્ચ સહિતના વિવિધ પડકારો ઉભા થયા છે. દેશમાં કોટનન સપ્લાય વધારવા તથા ભાવ જાળવવા સરકાર દેશમાં આયાત થતા રૂ પરની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવા અથવા તો નાબુદ કરવા આ લખાય છે ત્યારે વિચારણા કરી રહ્યાના વાવડ દિલ્હીથી મળ્યા હતા. ભારતથી ટેક્સટાઈલ નિકાસ પર અસર પડી છે ત્યારે સામે ઉત્પાદન ખર્ચમાં વૃધ્ધિ થઈ છે. જોકે સૂતર- કોટન યાર્નમાં ચીનની માગ વધ્યાના વાવડ પણ મળ્યા હતા. દેશમાં ઉત્પાદન ખર્ચમાં આશરે ૧૫થી ૨૦ ટકાની વૃધ્ધિનો સામનો ટેક્સટાઈલ ઉદ્યોગ કરી રહ્યો છે. આની અસર ગારમેન્ટ ક્ષેત્ર પર પણ પડી છે. કોટનના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ચીન પછી બીજા ક્રમાંક ભારત આવે છે. દરમિયાન, દિલ્હીથી મળતા સમાચાર મુજબ ભારતના કાપડ મંત્રાલય- ટેકસ્ટાઈલ મિનિસ્ટ્રી દ્વારા દેશમાં આયાત થતા કોટનની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવા અથવા તો નાબુદ કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. હવે આ દરખાસ્ત પર હવે કેન્દ્રની એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી તથા ફાર્મર્સ વેલફેર મંત્રાલય દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પર રૂ બજારના તથા કાપડ, યાર્ન અને ગારમેન્ટ બજારની નજર રહી છે. આ પ્રશ્ને ટેકસ્ટાઈલ મંત્રાલય તથા રેવેન્યુ મંત્રાલય વચ્ચે પણ વાતચીત તાજેતરમાં થઈ હતી. દેશમાં કોટનની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડાયા અથવા તો નાબુદ થાય તો આવી ડયુટી રાહત માત્ર કોટનની ઓફફ સિઝન પુરતી જ સિમિત રાખવામાં આવે એવી વાતચીત પણ આ પ્રસંગે કરવામાં આવી હોવાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા. આમ કરવામાં આવશે તો દેશના કોટન ઉગાડતા ખેડૂતોને પણ રાહતરૂપ નિવડશે એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, કેડૂતોના હિતનો સવાલ હોય છે તેવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા બહુ સાચવીને નિર્ણય કરવામાં આવે છે.
આ પ્રશ્ને કૃષી મંત્રાલયનો પ્રતિસાદ મહત્ત્વનો સાબીત થશે. વોર- ઈફેકટના પગલે દેશમાંથી ટેક્સ્ટાઈલ તથા ગારમેન્ટની નિકાસને અસર પડી છે તથા આવા માહોલમાં જો આયાતી રૂ આ ક્ષેત્રને ઓછા તથા રાહતના ભાવોએ ઉપલબ્ધ થશે તો આ ક્ષેત્રને રાહત થશે એવો અભિપ્રાય જાણકારો બતાવી રહ્યા હતા. આ પ્રશ્ને દેશના ગારમેન્ટ ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ ફાઈનાન્સ મંત્રાલયના ટોચના અધિકારીઓને તાજેતરમાં મળ્યા હતા. એપેરેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં રૂના ઉંચા જતા ભાવ વિશે નાણાંપ્રધાન સમક્ષ રજૂઆત તાજેતરમાં કરવામાં આવી છે. નોર્થ ઈન્ડિયામાં રૂની સપ્લાય ઘટી છે તથા જીનર્સ પાસે રૂનો સ્ટોક પણ ઘટયો છે. આવા માહોલમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરાતી રૂની સપ્લાય પર ટેક્સ્ટાઈલ ક્ષેત્રનો આધાર વધ્યો છે.
કોટન કોર્પેરેશન દ્વારા તાજેતરમાં રૂના ભાવમાં વૃધ્ધિ પણ કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા હતા. દેશમાં હવે ખેડૂતો પાસે હાથ પર કોટનનો સ્ટોક ખાસ સિલ્લક રહ્યો નથી અને હવે મોટાભાગનો સ્ટોક વેપારીઓના હાથમાં હોતાં સટ્ટારૂપી પ્રવૃત્તિમાં ભાવ વધે નહિં એ વિશે પણ સરકાર નજર રાખી રહી છે. દરમિયાન, કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ દેશમાં ૨૦૨૫- ૨૬ની વર્તમાન કોટન મોસમમાં રૂનો પાક ૩૨૦થી ૩૨૧ લાખ ગાંસડી આવવાનો અંદાજ તાજેતરમાં બતાવાયો હતો.









