Magazines

ટ્રેન મોડી પડે તો એકસ્ટ્રા ટ્રાઈમ બેસવાનો વધારાનો ચાર્જ

By GS TEAM
28 Dec 20253 mins read
ટ્રેન મોડી પડે તો એકસ્ટ્રા ટ્રાઈમ બેસવાનો વધારાનો ચાર્જ

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- મોંઘી ટિકિટવાળાને પાંચ દિવસે ધોવાયેલી, સસ્તી ટિકિટ વાળાને પંદર દિવસે ધોવાયેલી ચાદરો આપીશું 

રેલવે ભાડામાં લેટેસ્ટ વધારો જાહેર કરી દીધા બાદ અધિકારીઓ ઘડીક પોરો ખાવા બેઠા. ત્યાં એક અધિકારીએ મમરો મૂૂક્યો, 'આમ ભાડાં વધારો કરવાની મજા નથી આવતી.'

ત્યાં બીજા અધિકારીઓ એમના પર ધસી ગયા. 'પાકિસ્તાનમાં જેમ આપણા એજન્ટો ઘૂસી જાય છે તેમ રેલવે  ખાતામાં તમે વિપક્ષમાંથી કે પછી ગ્રાહક સંગઠનના એજન્ટ તરીકે ઘૂસી ગયા છો કે શું?' 

પેલા અધિકારી હેબતાઈને કહે, 'અરે ભાઈસાબ, મારી આખી વાત તો સાંભળો પહેલાં. હું તો એમ કહેવા  માગતો હતો કે અમુક ટ્રેનોમાં તમુક કિલોમીટર પછી આટલા પૈસા ને એક્સપ્રેસ ટ્રેનોમાં કિમી દીઠ તેટલા પૈસા એમ બોરિંગ રીતે ભાડાં વધારવામાં હવે બહુ મઝા નથી આવતી. '

એક અધિકારી સંમત થયા. 'હા. જુઓને, આપણે ભાડાં વધારી દીધાં પણ પ્રજામાં કાંઈ ખાસ ચર્ચા જ નથી. '

બીજા અધિકારી કહે, 'ક્યાંથી હોય? પબ્લિકને ખબર છે કે ગમે તેટલાં ભાડાં વધાર્યા પછી ટ્રેનો ભલે બે-પાંચ કે દસ કલાક મોડી પણ મોડી આવે તો છે. જાતભાતની ફી લેતી ફલાઈટોનાં આજકાલ તો જુઓને ક્યાં ઠેકાણાં જ છે. '

પેલા મમરો મૂકનારા અધિકારી કહે, 'આપણે ફલાઈટો પરથી પ્રેરણા લેવી જોઈએ.'

એક અધિકારીએ પૂછ્યું, 'એટલે? આપણે પણ ફલાઈટો જેમ રોજની ૨૦૦-૩૦૦ ટ્રેન કેન્સલ કરવાની છે?'

પેલા અધિકારી કહે, 'અરે યાર, હું તો જાતભાતની ફી અને ભાડાંની રીતે કહું છું. આપણે ભાડાં વધારવાના ક્રિએટિવ આઇડિયા લાવીએ. જેમકે,  ટ્રેનમાં પ્રવાસીઓ પ્રવાસ કરવાના પૈસા આપે છે પણ પાછું ટ્રેનનું ટોઈલેટ મફતમાં વાપરે છે. તેને બદલે આપણે અમુક જગ્યાએ ટોઈલેટમાં  હોય છે તેમ ફી વસૂલીએ. એક વાર યુરીનલના ઉપયોગ માટે પાંચ  રુપિયા, પણ ટોઈલેટમાં પાંચ મિનીટ બેસવાના ૧૦ રુપિયા. પૈસા બચાવવા હોય તો ટ્રેનમાં બેસતાં પહેલાં જ પેટ ખાલી કરીને આવવાનું. '

બીજા અધિકારી તાળી આપતાં કહે,'આ ખાવાની વાત પરથી મને સૂઝ્યું. આપણે પબ્લિકને ટ્રેનની બર્થ બેસવા કે સૂવા માટે આપીએ છીએ, ડાઈનિંગ ટેબલ તરીકે વાપરવાનો અલગ ચાર્જ લઈએ. ટ્રેનમાં બેસીને જે ડબ્બા કે ફૂડપેકેટ ખોલે તેનો અલગ સફાઈ ચાર્જ આપવાનો.'

ત્રીજા અધિકારી કહે, 'લોકો ટ્રેનમાં આરામથી પછેડી પ્રમાણે સોડ તાણીને સૂઈ જાય છે. એમાં પણ ભાડાં વધારવાનો સ્કોપ છે. જુઓ, સાવ સસ્તા રેટમાં પંદર દિવસે એકવાર ધોવાતી ચાદર આપીશું, સ્હેજ  મોંઘા ભાવે દસ દિવસે એકવાર ધોવાતી ચાદર અને સૌથી હાઈએસ્ટ રેટ  માટે પાંચ દિવસે ધોવાતી ચાદર આપીએ.'

ચોથા અધિકારી કહે, 'જુઓ, ટ્રેન મોડી પડે તો એટલા કલાક ટ્રેનમાં વધારે બેસવા મળે છે તેનો પણ અલગથી  એકસ્ટ્રા ચાર્જ લેવાવો જોઈએ. હું તો કહું છું કે પ્રવાસીઓ ટ્રેનમાં બેઠા પછી મોબાઈલ-લેપટોપ ચાર્જ કર્યા જ કરે છે તો ચાર્જિંગ સોકેટ વાપરવાના પણ મિનિટ દીઠ પૈસા લઈએ.'

પાંચમાં અધિકારી રાજી થયા. 'વાહ! આવા જાતભાતના ચાર્જીસ શરુ કર્યા પછી આપણી રેલવેની આવકમાં કેવો જબ્બર વધારો થશે, નહીં? '

બોસ નિસાસો નાખતાં કહે, 'આવક? અરે ભાઈ, હવે આપણે આપણા પ્રોજેક્ટ્સ અને નવી નવી ટ્રેનોની રીલ બનાવીને કેટલો બધો પ્રચાર કરવો પડે છે. આ બધા વધારાના પૈસા એમાં જ ખર્ચાવાના છે. તમતમારે હજુય ભાડાંવધારાના આઇડિયાની ગાડી  દોડાવો.'

ફરી બધા અધિકારીઓ વિચારે ચઢી ગયા. 

સ્માઈલ ટિપ 

બાહ્ય દેખાવ કરતાં ભીતરની સુંદરતા વધારે મહત્વની છે... આવાં ફાલતુ સૂત્રોમાં રેલવેવાળા નથી માનતા.