Magazines

સ્વીસ બેન્કોમાં ભારતીયોના પૈસા વધી ગયા... આ પણ કહેવાય વિકાસ

By GS TEAM
7 Jun 20263 mins read
સ્વીસ બેન્કોમાં ભારતીયોના પૈસા વધી ગયા... આ પણ કહેવાય વિકાસ

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- 15 વર્ષ પહેલાં જે બધું શરમમાં ગણાતું હતું તે બધું હવે સિદ્ધિમાં ગણવાનો જમાનો આવ્યો છે

'આનંદો..આનંદો...આંતરરાષ્ટ્રીય સ્તરે આપણને વધુ એક સિદ્ધિ મળી છે.'  એવી જાહેરાત બોસે કરી કે તરત જ બધા અધિકારીઓ હરખથી નાચવા લાગ્યા. 

બોસ મોટેથી કહે, 'લ્યા, તમારો હરખ સમજી શકાય છે પરંતુ સિદ્ધિ કઈ મળી તે સાંભળી તો લો.'

એક અધિકારી નાચતાં નાચતાં કહે,  એવી ક્યાં જરુર જ છે? આપણે તો હવે કાંઈ પણ કરીએ છીએ એ બધું સિદ્ધિમાં જ ગણાઈ જાય છે. વિદેશી નેતાઓ સાથે ફોટો સેશન, એક-બે  કરોડની વસતી ધરાવતા દેશો સાથે પણ આપણે સમજૂતી કરારો અને વ્યાપાર કરારો કરીએ, કોઈ વિદેશી રાષ્ટ્ર આપણને ક્યાંકથી આયાતની મંજૂરી આપે એવી બધી સિદ્ધિઓની યાદી લંબાતી જ જાય છે. '

બીજા અધિકારી કહે, 'અરે સિદ્ધિની  બાબતમાં વિકાસ તો એવો  છે કે પંદર વર્ષ પહેલાં આપણે જે વાતે શરમથી મોઢું છૂપાવતા હતા તેને પણ હવે સિદ્ધિમાં ખપાવી શકીએ છીએ. જુઓ પહેલાં રુપિયો ૬૦ની સપાટીએ પહોંચવા આવતો તો આપણને રડવું આવી જતું  હતું, હવે ૧૦૦એ પહોંચવા આવ્યો છે તો આપણે નાચીએ છીએ.'

બોસ આ અધિકારીને ઉમળકાભેર ભેટી પડયા. 'બંધુ, તમે એકદમ આપણા સૌની મન કી બાત કરી દીધી. આ હું જે સમાચાર લાવ્યો છું તેમાં એવું જ છે. વર્ષો પહેલાં  આપણે સ્વીસ બેન્કમાં ભારતીયોના પૈસા છે  તેને દેશની શરમ ગણાવતા હતા. પણ હવે એ આપણી સિદ્ધિ છે. લેટેસ્ટ રિપોર્ટ કહે છે કે સ્વીસ બેન્કમાં ૨૦૨૪માં આપણા  ભારતીયોનાં નાણાં ત્રણ ગણાં  વધીને ૩.૫૪ બિલિયન સ્વીસ   ફ્રાન્ક એટલે કે ૩૭૬૦૦ કરોડ થઈ ગયાં છે.આને પણ હવે વિકાસ ગણી લેવાનો છે. '

અધિકારીઓએ તાળીના ગડગડાટ કર્યા એટલે બોસ પોરસાઈને કહે,  કબૂલ કે થોડાં વર્ષો પહેલાં સ્વીસ બેન્કમાં ભારતીયોના પૈસા વધે તો એ દેશનું બ્લેક મની સ્વીસ બેન્કોમાં ધકેલાય છે એવી વાતો આપણે  જ કરતા હતા. પણ હવે દેશમાં પાછલાં થોડાક વર્ષોથી સતયુગ આવી રહ્યો છે. ચોમેર બસ પુણ્ય જ પુણ્ય થઈ રહ્યાં છે. અગાઉ કાળું નાણું સર્જનારા બધાને આપણે વોશિંગ મશીનમાં ધોઈને સ્વચ્છ કરી દીધા છે.  એટલે એ બધાએ પેદા કરેલો પૈસો પણ હવે કાળું નાણું નથી રહ્યો પરંતુ અતિશય પવિત્ર થઈ ગયો છે.  આ પવિત્ર વિકાસ એટલો ફાટફાટ થાય છે કે દેશ પાસે એને સાચવવાની જગ્યા નથી એટલે નવા પુણ્યશાળીઓ  એને સ્વીસ બેન્કમાં મોકલી રહ્યા છે. સ્વીસ બેન્કમાં આપણા પૈસા વધી રહ્યા છે એ આપણે વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બની રહ્યાનો પુરાવો છે. વિશ્વભરમાં આ રીતે આપણી આર્થિક સમૃદ્ધિનો જયજયકાર થઈ રહ્યો છે. '

કોઈ કાંઈ બોલે તે પહેલાં  એક યુવાન અધિકારી બોસ પાસે પહોંચ્યા અને પૂછ્યું. 'બોસ, વિકાસ ને સિદ્ધિ ને એ બધું તો બરાબર પણ આ સ્વીસ બેન્કમાં પૈસા વધ્યા તો પબ્લિક આપણને પેલા ૧૫-૧૫ લાખ મળવાના હતા એ વિશે પૂછશે તો શું કહેશું ? '

બોસ  હરખનાં આંસુુ સાથે કહે, 'આટલાં વર્ષોમાં આપણે પબ્લિકને સવાલો કરવાની ટેવ જ ભૂલાવી  દીધી છે...એ જ તો સૌથી મોટી સિદ્ધિ છે...'

પેલો અધિકારી પણ બોસની સાથે રડી પડયો...હરખથી જ....

સ્માઈલ ટીપ 

પહેલાં પૈસો હાથનો મેલ હતો. હવે સૌના સાથ, સૌના વિકાસનો ખેલ છે.