બજારની વાત .

ટીનેજર્સના આર્થિક પ્લાન
ભારતના ટીનેજર્સ(૧૩થી ૧૯વર્ષ) પૈકીના ૧૦માંથી ૭ પૈસા કેવી રીતે કમાવવા તે વિચારે છે, જ્યારે ૧૦માંથી ૩ પોતાને મળતા પોકેટ ખર્ચમાંથી પૈસા કેવી રીતે બચાવવા તે વિચારે છે. દેશના ટીનેજર્સ પૈસાને કેવી રીતે સમજે છે તે પર અભ્યાસ કરાયો છે. ૧૭ ટકા ટીનેજર્સ પૈસો હાથમાં આવે તે સાથેજ તેનો ક્યાં ખર્ચ કરવો તેનું વિચારે છે. દેશના ટીનેજર્સ પૈસા વાપરવા માટે ડિજીટલ સિસ્ટમનો ઉપયોગ વધુ કરે છે. જે ફેમિલીમાં રોજીંદા ખર્ચના બજેટની વાત સંતાનોને સાથે રાખીને થાય છે ત્યાં સંતાનો પોતાના પોકેટ ખર્ચમાંથી બચત કરે છે અને બચતનું મહત્વ પણ સમજે છે. તને ગમે તે લઇ આવ એવું જ્યારે પેરન્ટ્સ ટીનેજર્સને કહે છે ત્યારે તે વધુ સાવચેતી ભરી અને પૈસા બચે તે રીતે ખરીદી કરે છે. ૩૧ ટકા જેટલા ટીનેજર્સ ભાગ્યેજ આડેધડ પૈસા વાપરે છે.

અલ્ટ્રાટેકનું ઉત્પાદન વધારાયું
અલ્ટ્રાટેક સિમેન્ટે ભારતમાં વર્ષે ૨૦૦ મિલીયન ટન સિમેન્ટ ઉત્પાદન કરવાની ક્ષમતા ઉભી કરી દીધી છે. આદિત્ય ગૃપના કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે નાણા વર્ષ ૨૦૨૮ સુધીમાં આ ક્ષમતા ૨૪૦ મિલીયન ટન સુધીની થઇ જશે. ગયા શુક્રવારે ૮.૭ મેટ્રીક ટનનું ઉત્પાદન કરી શકે એવા ત્રણ નવા સિમેન્ટ ગ્રાઇન્ડર યુનિટ ઉભા કરાયા છે. જેમાં ઉત્તરપ્રદેશના શાહજહાપુર, જારખંડના પતરાતુ અને આન્દ્ર પ્રદેશના વિઝાગનો સમાવેશ થાય છે. પ્રાદેશિક સ્તરે સપ્લાય નજીકમાં પડે તે આશયથી વિવિધ રાજ્યો પસંદ કરાયા છે.

ગોદરેજમાં ઉત્તરાધિકારીનો પ્લાન
ગોદરેજ કંપનીએ તેનો ઉત્તરાધિકારીનો પ્લાન તૈયાર કરી લીધો છે. નાદિર ગોદરેજ આગામી ઓગષ્ટમાં નિવૃત્ત થઇ રહ્યા છે. તેમની જગ્યા પિરોજશા ગોદરેજ સંભાળશે. નાદિર ગોદરેજ હવે ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ગોદરેજ પ્રોપર્ટીમાંથી પણ નિવૃત્તિ લઇ રહ્યા છે. પિરોજશા ગોદરેજ ચેરપર્સન ડેઝિગ્નેટેડ છે. તે ૧૪ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ હવાલો સંભાળશે. નવી પેઢીને સુકાન આપવાની પરંપરા ગોદરેજે જાળવી રાખી છે. નાદિર ગોદરેજ ઓગષ્ટમાં ૭૫ વર્ષના થઇ રહ્યા છે ત્યારે તે નિવૃત્તિ લઇને નવી પેઢીને હવાલો સોંપી રહ્યા છે. પિરોજશા ગોદરેજે કહ્યું હતું કે હવે મારી જવાબદારી વધશે અને અમારા પરિવારમાં બધું પરંપરા પ્રમાણે ચાલી રહ્યું છે.

દિલ્હીનો ડોગ પ્રેમ
દિલ્હીના એરપોર્ટ પર લાંબા સમયથી રહેતા ધોલુ અને કડુ નામના બે ડોગથી સ્ટાફ અને પ્રવાસીએ બહુ પરિચિત હતા. પ્રવાસીઓ તેમની પીઠ થપથપાવીને રમતા પણ હતા. સ્ટાફને આ બંને ડોગ લાડ લડાવતા હતા. આ બંને ડોગ અચાનક દેખાતા બંધ થતાં પ્રાણી પ્રેમીઓએેે પ્રશ્ન ઉઠાવ્યા છે કે જ્યારે આ બંને કોઇને કરડતા નથી તો પછી તેમને શા માટે પકડાવી દેવાયા છે? પહેલાંતો એરપોર્ટના સત્તાવાળાઓએ બહુ ધ્યાન નહોતું આપ્યું પરંતુ સોશ્યલ મિડીયા પર ઉહાપોહ થતાંજ ખુલાસો કરવો પડયો હતો. તેમણે કહ્યું કે એરપોર્ટ પર ફરતા ડોગને અમે નિયમિત ખાવાનું આપીયે છીયે. પરંતુ ધોલુ અને કડુ હજુ ગુમ છે. જે લોકો એરપ્રવાસ કરે છે તેમણે પણ ધોલુ અને કડુ વિશેની ઝુંબેશમાં ભાગ લીધો છે. એરપોર્ટ સત્તાવાળાઓએે તેમને શોધવા ટીમ તૈયાર કરી છે.

શૂ બિઝનેસમાંથી એઆઇ પર શિફ્ટ
સાનફ્રાન્સિસ્કો સ્થિત કંપની ઓલ બર્ડસ શૂ બનાવવા સાથે સંકળાયેલી બ્રાન્ડ હતી. તેની કંપનીના સ્ટોકમાં સતત ધોવાણ જોવા મળતું હતું. પરંતુ તાજેતરમાં પોતાની કંપનીનું રીબ્રાન્ડીંગ કરીને તેનું નામ ન્યૂ બર્ડ એઆઇ કરીને જાહેરાત કરી હતી તે તે ક્ષેત્રે ઝંપલાવી રહી છે અને કહ્યું છે તેણે ૫૦ મિલીયન ડોલરનું ફંડ પણ મેળવી લીધું છે. તેની જાહેરાત સાથેજ કંપનીના શેરના ભાવમાં ૭૦૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. ઓલબર્ડ કંપની મંદીની ઝપટમાં આવી ગઇ હતી. ૨૦૨૨માં તેની માર્કેટ કેપ ૪ અબજ ડોલરની હતી જે ઘટીને ૨૨ મિલીયન ડોલર પર આવી ગઇ હતી. કંપની હવે ડેટા સેન્ટર્સ પણ ઉભા કરવા માંગે છે. કંપની હાલમાં શૂ બિઝનેસ ચાલુ રાખશે એમ મનાય છે.

હાયરોક્સ વર્કઆઉટ
લોકોને ફીટનેસ અને જીમના ઇવેન્ટમાં એટલો રસ હોય છે કે તેની સાથે સંકળાયેલી સ્પર્ધા વગેરેની રાહ જોતા હોય છે. ગયા અઠવાડિયે બેંગલુરૂ ખાતે હાયરોક્સ વર્કઆઉટ યોજાઇ હતી. જેમાં ૯૦૦૦ લોકોેેએ ભાગ લીધો હતો. તેમાં ભાગ લેવા વ્યક્તિ દીઠ ૯૩૨૫ રૂપિયાની ફી હતી. આયોજકે આ રીતે ૮.૩ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કર્યું હતું. આ અલ્ટ્રા મેરેથોન સ્પર્ધા હવે સ્ટેટસ સિમ્બોલ સમાન બની ગઇ છે. જેમાં થોડું અંતર દોડવાનું પછી વિવિધ વર્કઆઉટ કરવાનું ફરી પાછું દોડવાનું. તેમાં કોઇ પહેલો બીજોે નંબર નથી અપાતો પરંતુ આવું ફન ભાગ્યેજ જોવા મળે છે. કેટલાકે તેને ફીટનેસનું વેપારીકરણ પણ કહ્યું છે.હાયરોક્સ એ વર્લ્ડ સિરીઝ ઓફ ફીટનેસ રેસીંગનો એક ભાગ છે. વિશ્વમાં તે ૩૦ દેશોમાં યોજાઇ છે. અમદાવાદમાં તે જાન્યુઆરી ૨૦૨૭માં યોજાય એવી ધારણા છે.









