Magazines

બજારની વાત .

By GS Team
17 Aug 20254 mins read
This article was originally published on 17 Aug 2025
બજારની વાત                          .

મહિને બે લાખથી ઓછું કમાનારા માટે મુબંઇ નથી

જોબ કરવા અને રહેવા માટે મુંબઇ સારૂં કે હૈદ્રાબાદ? તે બાબતે એક આઇટી એન્જીન્યરે સોશ્યલ નેટવર્ક પર મુકેલી પોસ્ટે સાચી વાતને સપાટી પર મુકી છે. મુંબઇમાં ભરચક ટ્રેનો, વન બીએચકે ફ્લેટ દોઢ કરોડમાં મળે જ્યારે હૈદ્રાબાદમાં જીવન સરળ અને રહેવાનું મુંબઇની સરખામણીમાં અનેક ગણું સસ્તું. જોકે બિઝનેસની તક મુબંઇમાં વધારે મળે છે. લોકો ભાગદોડવાળી જીંદગી સાથે વણાઇ ગયા હોય એમ લાગે છે. મુંબઇ કે નાગુપરમાં રહેનારાઓને મુંબઇ સિવાય ક્યાંય સેટ થતું નથી. વિદેશથી કે અન્ય રાજ્યમાંથી મુંબઇ રહેવા આવેલાને ક્યારેય ભાગદોડ ફાવતી નથી તેમના માટે શાંત હૈદ્રાબાદ ગમે છે. હકીકત એ  છે કે મહિને બે લાખથી ઓછું કમાનારા માટે મુંબઇમાં રહેવું થોડું આકરૂં પડે છે.


પૂણેના આઇટી પાર્કમાં મહિને 1.65 કરોડનું ભાડું

ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ ભારેખમ ભાડાં ચૂકવી રહી છે. અમેરિકા સ્થિત ઇટોન કોર્પોરેશને પૂણેના બેનરના આઇટી પાર્કમાં દોઢ લાખ સ્કેવર ફૂટની ઓફિસ દશ વર્ષના ભાડા પટ્ટે લીધી છે. તેનું મહિનાનું ભાડું ૧.૬૫ કરોડ રૂપિયા છે. તે માટે કંપનીએ ૯.૯ કરોડ રૂપિયા ડિપોઝીટ સિક્યોરીટી પેટે ચૂકવ્યા છે. કંપની અહીં ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર શરૂ કરવા માંગે છે. પૂણેના આઇટી પાર્કનો આ  સૌથી મોટો સોદો ગણાય છે. એક અહેવાલ અનુસાર ૫૩ ટકા જેટલા ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર ભારતની બહાર ઓેપરેટ કરે છે. ભારત GCCS ના૧૭૦૦ સેન્ટર સાથે ગ્લોબલ હબ બની ગયું છે જ્યારે અન્ય ૩૨૦૦ સેન્ટર વિશ્વભરમાં પ્રસરેલા છે.


માઇક્રોસોફ્ટની ઓફિસમાં જલસા

હૈદ્રાબાદ ખાતેની માઇક્રોસોફ્ટની ઓફિસમાં કામ કરતા લોકો કેવા જલસાં કરે છે તેની વિગતો સોશ્યલ નેટવર્ક પર એક વ્યક્તિએ વિડીયો મુકીને બતાવી છે. જેમાં સ્ટાફ ખાતા પીતા કામ કરતા જોવા મળે છે.  વિડીયોમાં મોડર્ન ટેકનોલોજી સાથે સંકળાયેલી ઓફિસોમાં એડલ્ટ ડે કેર પણ છે. સવારે નવ વાગે ઓફિસમાં પહોંચવાનું, ૯.૩૦ વાગે બ્રેકફાસ્ટ, દરમ્યાન ચીટ ચેટ ચાલુ રહે છે. પછી લંચ બ્રેક પડે છે. પછી સ્નેક બ્રેક પડે છે. તે દરમ્યાન કોઇ ફ્રેશ થવા ઇચ્છે તો ગેમીંગ ઝોેનમાં જઇ શકે છે.  વિડીયો મુકનારે તેમાં કાફેટેરીયા, ચેટીંગ કરવાના કોર્નર વગેરેના ફોટા પણ સમાવ્યા છે. વિશ્વની અન્ય ૪ મોટી આઇટી કંપનીઓમાં ગુગલ,મેટા,એમેઝોન અને એપલમાં પણ સ્ટાફ માટે આવી જ સવલતો છે. જોકે વિડીયોની પ્રશંસા કરતાં ટીકા વધારે થઇ છે.


મેટ્રો સિટીમાં Hobosexuality...

મોટા શહેરોમાં જેમ વર્ક કલ્ચર બદલાઇ રહ્યું છે એમ સાથે રહેવાની સિસ્ટમ પણ બદલાઇ રહી છે. એકજ શહેરમાં નોકરી કરતાં બે જણા પ્રેમમાં પડે કે અણીના સમયે આર્થિક મદદ કરી હોય કે સાથે રહેવાની ઓફર કરી હોય ત્યારે ધીરે ધીરે તેમના વચ્ચે  લાગણીના સંબંધો ઉભા થાય છે. જે બાદમાં પ્રેમના સંબંધોમાં પરિણમે છે. પછી આ બંને સાથે રહેવા થોડું મોટું ઘર લે છે. જેમાં બંનેને સવલત રહે  છે. કોઇ ઓબ્લીગેશન નહીં કે કોઇ આર્થિક અપેક્ષા કે નહીં કોઇ ઉપરવટ થવાની ભાવના. હોબોસેક્સ્યુલીટી પશ્ચિમના ઇન્ટરનેટનું કલ્ચર છે.  દિલ્હી, બેંગલુરૂ જેવા શહેરોમાં મકાનના ભાડા બહુ ઉંચા છે. મોટાભાગે મહિલાઓ તે માટે પહેલ કરતી હોય છે. તેને Hobosexuality કહે છે.


કોલાબાની સ્કુલમાં ઓનલાઇન શિક્ષણ સામે નારાજગી

મુંબઇમાં કોલાબાની મ્યુનિસિપલ સ્કુલોએ સલામતીના કારણો સર વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેતાં વાલીઓ છંછેડાયા છે. તેમનું કહેવું છેકે ઓછી આવક ધરાવતા લોકો સમાર્ટફોન અને રીચાર્જના પૈસા કેવી રીતે ભરી શકે? તેમજ સ્કુલોમાં બાળકોને રમવા મળતું હતું તેનું શું? બૃહદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટે બે સ્કુલોના મકાનોને અસલામત કહ્યા છે. જેમાં ભણતા ૨૮૦૦માંથી ૧૫૦૦ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પર શિફ્ટ કર્યા છે. આવા વિદ્યાર્થીઓ પાસે ઘેર બેસીને ઓનલાઇન શિક્ષણ લેવાની કોઇ સવલતો નથી. જો એક કુટુંબના બે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનું હોય તો તેમણે બે સ્માર્ટ ફોન ખરીદવા પડે. વિવાદ લાંબો ચાલે એમ છે.


મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે .પર કુલ 470 કરોડનો દંડ

સીક્સ લેનમાં મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે સૌથી મોંધો નેશનલ હાઇવે છે. તેના પર આર્ટિફિશ્યલ કેમેરા (AI) ફીટ કરેલા છે. જુલાઇ ૨૦૨૪ સુધીમાં એઆઇ કેમેરાએ પકડેલા વાહન ચાલકોને ૪૭૦ કરોડનો દંડ ફટકાર્યો હતો. આ દંડ પૈકી માત્ર ૫૧ કરોડ જ વસૂલાયા છે. ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ હેઠળના AI કેમેરાએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ને ૨૭.૭૬ લાખ ઇ ચલાન મોકલ્યા હતા. સૌથી વધુ ચલાન કાર ચાલકોના હતા. લોનાવાલા અને ખાલપુર વચ્ચે સ્પીડ લીમીટ કાર માટે ૬૦ અને ટ્રક માટે ૪૦ કિલોમીટરની સ્પીડ નક્કી કરાઇ છે. પરંતુ બહુ ઓછા લોકો તેનું પાલન કરતા હોય છે. સત્તાવાળાઓ દંડ ફટકારે છે પરંતુ તે વસૂલ કરવામાં આળસ બતાવે છે.