Magazines

બજારની વાત .

By GS TEAM
9 Nov 20253 mins read
બજારની વાત                          .

વજન ઉતારવાની દવા મોંજારોનું સૌથી વધુ વેચાણ

ભારતમાં વજન ઉતારવાની દવાઓની બોલબાલા છે. એલી લીલીસ કંપનીની વજન ઉતારવાની દવા મોંજારો અને જીએસકે કંપનીની એન્ટી બાયોટીક ઓગમેન્ટિન વચ્ચે વેચાણની સ્પર્ધા જોવા મળી રહી છે. ટાઇપ ટુ ડાયાબીટીસ માટે વપરાતી મોંજારો બ્રાન્ડ નેમ છે જે ટિર્ઝેપેટાઇલ્ડ ઇન્જેક્શનના વાપરવામાં આવે છે. વજન ઉતારવાની દવા તરીકે તે બહુ જાણીતી બની છે. અમેરિકાની કંપની એલી લીલીસે એક અબજ રૂપિયાનું વેચાણ ઓક્ટોબર મહિનામાં કર્યું હતું જ્યારે ઓગમેન્ટિનનું વેચાણ ૮૦૦ મિલીયન ડોલરનું હતું. બજારના જાણકારો કહે છે કે વજન ઉતારવાની દવાઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.


ઇ બસો ખરીદવાનું ટેન્ડર ફરી એકવાર પાછું ઠેલાયું

બેંગલુરૂ, હૈદ્રાબાદ, સુરત,અમદાવાદ અને દિલ્હી સહીતના નવ શહેરો માટે ઇ બસો ખરીદવા માટેનું ટેન્ડર વધુ એકવાર પાછું ઠેલાયું છે. તેની હવેની તારીખ ૧૪ નવેમ્બર આવી છે. ૧૪,૦૨૮ કરોડના ખર્ચે પીએમ ઇ ડ્રાઇવ સ્કીમ હેઠળ ટેન્ડર મંગાવાયા છે. ટેન્ડરમાં કંપનીઓ પાસેથી જેટલા કિલોમીટર બસ ચાલે તે આધારે ભાવ મંગાવાયા છે. ટાટા મોટર્સ,જેબીએમ ઓટો,પીએમઆઇ ઇલેક્ટ્રો,ઇકેએ મોબીલીટી, સ્વિચ મોબીલીટી જેવી કંપનીઓેએ બસો સપ્લાય કરવા રસ બતાવ્યો છે. બજારના વર્તુળો કહે છેકે આ સૈાથી મોટું ટેન્ડર કહી શકાય કેમકે તેમાં ટેકનીકલ, ફાયનાન્સીયલ અને ઓપરેશનલ વિગતોને મહત્વ અપાયું છે.


બચત કરી શકાય તેવા કેટલાક હાથવગા મુદ્દા

કેટલાક ખર્ચા એવા હોય છે કે જેના પર કાબુ રાખવામાં આવે તો નોંધપાત્ર બચત કરી શકાય છે. મહિને ૨૦થી ૩૦ ટકાનો ખર્ચ ઘટાડી શકાય છે. એટલેકે ૧૦ હજાર બચાવી શકાય છે. ૧..અખબારોના કે મેગેઝીનો કે ઓટીટી સબસ્ક્રીપશન પ્લાન દર મહિને ઓટોમેટીક ખાતામાંથી કપાય છે. આ સિસ્ટમ બંધ કરીને તમારી ઇચ્છા થાય ત્યારે તે ભરવું જોઇએ. ૨.. બહારથી મંગાવાતા ફૂડ પેકેટની સંખ્યા ઘટાડીને તેની ડિલીવરીનો ખર્ચ બચાવી શકાય.૩..યુપીઆઇ કે ઇકોમર્સ વગેરે પર મળતી કેશ બેક ઓફર વગેરેનો ઉપયોગ કરવો જોઇએ.૪...બીનજરૂરી ખરીદી ટાળો, લોકો વારંવાર તૈયાર કપડાં ખરીદે છે જે પડી રહેતા હોય છે.


તમારી કેરીયર એ તમારી જીંદગી નથી

તમારી ઓળખ એ તમારી કેરીયર નથી  એ કોન્સેપ્ટ આજકાલ સોશ્યલ નેટવર્ક પર ચર્ચાસ્પદ બન્યો છે. હું પત્રકાર છું, કે હું ડિઝાઇનર છું તેવી ઓળખ એ તમારી જીંદગી નથી તે સમજી લેવું જોઇએ. આર્થિક ઉપાર્જન માટે તમે જે વ્યવસાય કરતા હોય તે તમારી ઓળખ ના હોવી જોઇએ. ચર્ચા એવી છેકે તમારી કેરીયર એ આવક ઉભી કરવાનું માત્ર એક ટૂલ (સાધન)છે. માત્ર તમારી જોબ સાથે ઓળખ હોય તેના બદલે તમારા સ્વભાવ, તમારી ફેમિલી વેલ્યૂસ, તમારી ઘાર્મિક ભાવના, લોકો સાથેનો તમારો એપ્રોચ વગેરે કેરિયર કરતા વધુ મહત્વના સાબિત થાય છે.


બેંગલુરૂમાં ભાડે મકાન માટે તગડી ડિપોઝીટ

બેંગલુરૂમાં મકાનો ભાડે મેળવવા બહુ મુશ્કેલ ભર્યું બનતું જાય છે. અહીં જોબ મેળવવા આવતા લોકોને સૌથી મોટી સમસ્યા રહેવાની હોય છે. કેટલીક કંપનીઓ પાસે સ્ટાફ માટે પોતાના ફ્લેટ હોય છે પરંતુ દરેક માટે તેવી સવલતો નથી હોતી. બેંગલુરૂમાં ફ્લેટ ભાડે મેળવવાનું બહુ કપરૂં બની ગયું છે. ભાડા ઉપરાંત અહીં ભાડે લેનાર પાસે તગડી ડિપોઝીટ પણ લેવાય છે. આ ડિપોઝીટ જ્યારે મકાન ખાલી કરાય ત્યારે ઘર ચોખ્ખું કરીને પરત અપાય ત્યારે પાછી અપાય છે. તેેના પર મકાન માલિક કોઇ વ્યાજ પણ નથી આપતા. તાજેતરમાં બેંગલુરૂની એક વ્યક્તિએ સોશ્યલ નેટવર્ક પર લખ્યું છેકે તેણે લીધેલા  ટુ બીચકે ફ્લેટનું ભાડું ૨૦,૦૦૦ રૂપિયા છે જ્યારે તે માટે ૩૦ લાખ રૂપિયાની ડિપોઝીટ માંગવામાં આવી છે.


૩૦,૦૦૦ વૃક્ષો રોપનાર જંગલ મેન

ભુવનેશ ઓઝાને રાજસ્થાનના જંગલમેન તરીકે ઓળખવામાં  આવે છે. તેમણે રાજસ્થાનના સખત ગરમી અને રેતાળ વિસ્તારમાં ૩૦,૦૦૦ વૃક્ષો વાવ્યા નથી પણ ઉછેર્યા છે. તેમણે શરૂ કરેલા પુકાર ફાઉન્ડેશન મારફતે વેરાન જમીનમાં વૃક્ષો ઉછેરીને સમગ્ર વિસ્તારને નવપલ્લીત કરી નાખ્યો છે. તેમણે સાબિત કરી દીધું છે કે જમીન ગમે તેવી હોય પણ જો ઉછેર સંભાળપૂવર્ક કરાય તો ચમત્કારીક પરિણામ મળી શકે છે. તેમણે વરસાદી પાણીના સંગ્રહ માટે વિશેષ વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ તૈયાર કરીને તે માટે ૬૦૦ કિસાનોને તૈયાર કર્યા છે. તેમના ફાઉન્ડેશનમાં ૮૦૦ જેટલા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે.