Magazines

બિટ્ટુનાં શૂઝ .

By GS Team
23 Aug 20253 mins read
This article was originally published on 23 Aug 2025
બિટ્ટુનાં શૂઝ                                    .

- ગોવિંદ દરજી 'દેવાંશુ'

બિટ્ટુએ હઠ પકડી. રંગીન શૂઝ લેવાની જીદ કરી. મમ્મીએ કહ્યું, 'રજાઓ પછી શૂઝ લાવીશું.'

પણ ના, બિટ્ટુ એકનો બે ના થયો.

તેણે મનગમતાં કલરફુલ શૂઝ ખરીદ્યાં. ચારેક દિવસ બાદ લાંબી રજાઓ પડવાની હતી. સૌ તેમના વતન ગામ હરવા ફરવા જવાના હતા.

બિટ્ટુના ઘરમાં આગળ લાંબી ઓસરી હતી. ત્યાં દીવાલ પર એક લાકડાનું પાટીયું લગાવવામાં આવ્યું હતું. બિટ્ટુના પપ્પા પોતાનાં શૂઝ એ પાટીયા ઉપર મૂકતા. 

રજાઓ પડી. આગલી રાતે બધો સામાન તૈયાર કરી નાખ્યો. 

સવારે નીકળતી વખતે પપ્પાએ બિટ્ટુને ખાસ કહ્યું, 'બેટા, તારાં નવા શૂઝ પહેરી લે.'

'પપ્પા, ના હું નહીં પહેરું,' બિટ્ટુએ કહ્યું. 

'કેમ નહીં પહેરે?' સહેજ ગુસ્સે થઇને પપ્પાએ પ્રશ્ન કર્યો, 'જીદ કરીને શૂઝ લેવડાવ્યા છે ને પાછો ના પાડે છે?'

બિટ્ટુએ મક્કમતાથી કહ્યું, 'પપ્પા, આવતા મહિને અંકલના ઘરનું વાસ્તુ છે. હું ત્યારે આ મારાં કલરફુલ નવાં શૂઝ પહેરીશ. ગામડે લઈ જઈશ તો બગડી જશે.' 

મમ્મીએ સમજાવાની કોશિશ કરી, પરંતુ બિટ્ટુએ તો નન્નો જ ભણ્યો. 

આખરે પપ્પાએ બિટ્ટુના નવાનક્કોર શૂઝને પોતાનાં જૂનાં શૂઝ નજીક પાટીયા પર મૂકી દીધાં.

સૌ ગામડે જવા નીકળ્યા. ગામડે બધાને બહુ ગમતું. અહીં ખૂબ શાંતિ હોય. હવામાન પણ સરસ હોય.  

આ બાજુ, બિટ્ટુભાઈનું ઘર બંધ. બન્યું એવું કે ચકલીઓ માળો બાંધવાની યોગ્ય જગ્યા શોધતી હતી... ને એમને જગ્યા મળી ગઈ! ખૂબ જ સલામત જગ્યા. પપ્પા અને બિટ્ટુનાં શૂઝમાં ચકલીઓ માળો બાંધવા લાગી. થોડા દિવસમાં તો માળો તૈયાર. ચકલીબાઈએ તો એમાં ઇંડાં પણ મૂક્યાં. 

રજાઓ પૂરી થઈ એટલે બિટ્ટ અને મમ્મી-પપ્પા ઘરે પાછાં ફર્યાં. 

બિટ્ટુની નજર સૌથી પહેલાં પોતાનાં શૂઝ પર પડી. એણે જોયું કે શૂઝમાં તો ચકલીનો માળો છે. સારું એવું સૂકું ઘાસ છે. 

પપ્પાએ કહ્યું, 'બોલ બિટ્ટુ, હવે શું કરીશું? જોને આપણા શૂઝમાં તો ચકલીબાઈએ જમાવટ કરી છે!' 

'પપ્પા, છો ને માળો બાંધ્યો. ચકલીબાઈના બચ્ચાં મોટાં થઈને ઊડી જાય પછી તે શૂઝ નીચે ઉતારીશું!' બિટ્ટુએ જવાબ આપ્યો. 

મમ્મી-પપ્પાને નવાઈ લાગી.

થોડા સમયમાં અંકલના ઘરે વાસ્તુનો પ્રસંગ આવ્યો. મમ્મીએ પ્રશ્ન કર્યો, 'બેટા બિટ્ટુ, તું શૂઝ વગર શું કરીશ?'

'મમ્મી, મારી પાસે જૂનાં શૂઝ તો છે જ ને!' બિટ્ટુએ કહ્યું. 

આમ, બિટ્ટુએ અંકલના વાસ્તુ પ્રસંગે જૂનાં શૂઝ પહેર્યા. અંકલના દીકરાનું નામ ધ્રુવ. એણે બિટ્ટુને પ્રશ્ન કર્યો, 'બિટ્ટુ, તું પેલા મસ્ત કલરફુલ શૂઝ લાવ્યો હતો તે કેમ પહેયાંર્ નથી?' 

બિટ્ટુ તો હસી પડયો. મમ્મીએ ધ્રુવને બધી વાત કરી.

દિવસો વીત્યા. ચકલીનાં ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવ્યાં. તેઓ ઝીણું ઝીણું બોલ્યા કરતાં. એનો અવાજ સાંભળીને બિટ્ટુ આનંદમાં આવી જતો. 

ચકલીનાં બચ્ચાં ધીમે ધીમે મોટાં થતાં ગયાં ને આખરે ઊડી ગયાં.

બિટ્ટુ કહે, 'પપ્પા, હવે મારાં નવાં શૂઝ નીચે ઉતારો!'

પપ્પાએ બિટ્ટુનાં નવાં શૂઝ ઉતાર્યાં. કપડા અને પાણી વડે સાફ કરી આપ્યા. બિટ્ટુ તો નવાં શૂઝ પહેરીને નાચવા લાગ્યો.  

મમ્મીએ પૂછ્યું, 'બિટ્ટુ, તેં નવાં શૂઝ પહેરવામાં આટલી બધી રાહ કેમ જોઈ?'

બિટ્ટુ કહે, 'મમ્મી, આ ફક્ત શૂઝ નથી, આ તો ચકલીનાં બચ્ચાંનું ઘર પણ હતું. જેમ મને મારું ઘર વહાલું છે એમ ચકલીનાં બચ્ચાંને પણ એનું ઘર વહાલું હોય ને! એટલે એ પોતાનું ઘર ખાલી ન કરે ત્યાં સુધી મેં રાહ જોઈ...'

બિટ્ટુનો જવાબ સાંભળીને મમ્મી-પપ્પા ખૂબ રાજી થયાં. તેમણે બિટ્ટુને ખૂબ વહાલ કર્યું.