બાજુબંધ: પરંપરાગત ઘરેણું નવા-જુના ક્લેવરમાં

ભારતીય સંસ્કૃતિમાં અલંકારોનું પણ આગવું મહત્ત્વ છે. રાજા-મહારાજાઓના સમયથી આપણા દેશમાં અસંખ્ય ડિઝાઈનના આભૂષણો જોવા મળે છે. દાગીનાની ડિઝાઈનમાં પશુ-પક્ષીઓ, પ્રકૃતિ, મંદિરો તેમ જ દેવી-દેવતાઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. માથાની દામડીથી લઈને પગના વીંછિયા સુધીના અનેકવિધ ઘરેણાંમાંનું એક એટલે બાજુબંધ. જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે બાજુબંધ માનુનીઓમાં હમેશાં માનીતું રહ્યું છે. એક સમયમાં મહિલાઓ રોજિંદા ઘરેણાં તરીકે બાજુબંદ પહેરતી. પણ હવે માત્ર પ્રસંગોપાત આ ઘરેણું પહેરવામાં આવે છે. પ્રૌઢ સ્ત્રીઓ આજે પરંપરાગત ડિઝાઈનના બાજુબંધ ધારણ કરે છે. પરંતુ જુવાન કન્યાઓ આધુનિક ડિઝાઈનના બાજુબંધ પહેરીને મહાલે છે. તેઓ વધુમાં કહે છે....
બાજુબંધ ડિઝાઈન કરવા અમે પરંપરાગત ડિઝાઈનને આધુનિક સ્પર્શ આપીને નાવીન્ય સાથે બજારુમાં મૂકીએ છીએ. ખરેખર તો અગાનની ડિઝાઈનો કાલાતીત છે. તેમાં થોડો ફેરફાર કરીને આધુનિક ડિઝાઈનનો સ્પર્શ આવાથી યુવાન કન્યાઓને તે ખૂબ પસંદ પડે છે.
નવવધૂઓ માટે તો બાજુબંધ ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. અન્ય દાગીના સાથે હાથ પર પહેરેલું બાજુબંધ ખૂબ જચે છે. કેટલીક વખત બ્લાઉઝની બાંયમાં કરેલા ગોલ્ડન વર્ક સાથે તે મિક્સ એન્ડ મેચ થઈ જાય છે. જો બ્લાઉઝની બાંયમાં માત્ર બોર્ડર વર્ક હોય તો બાંયના પ્લેન હિસ્સામાં બાજુબંધ એકદમ ઉઠી આવે છે.
બાજુબંધની ડિઝાઈનની વાત કરીએ તો તેમાં ટેમ્પલ ડિઝાઈન મોસ્ટ ફેવરિટ ગણાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતીયો ઘરેણામાં ટેમ્પલ ડિઝાઈન વદુ પસંદ કરે છે. સ્વાભાવિક રીતે જ તેમના બાજુબંધમાં પણ આ ડિઝાઈન લોકપ્રિય છે. ખાસ કરીને મંદિરના શિખર જેવી ડિઝાઈન અને તેના પટ્ટામાં મોરની કોતરણી ખૂબ જચે છે.
સામાન્ય રીતે બાજુબંધ સોના, ચાંદી, તેમ જ કિંમતી ધાતુઓમાંથી ઘડવામાં આવે છે. જેમને સોનાના બાજુબંધ ખરીદવાનું ન પોસાય તેઓ ચાંદીના બાજુબંધ પર સોનાનો ઢોળ ચડાવડાવીને પહેરે છે.
કિંમતી અથવા અર્ધકિંમતી રત્નોથી જડેલા બાજુબાંધ ખાસ આકર્ષણ પેદા કરે છે. વિવાહ કે તેને લગતાં મહેંદી ્ને સંગીત જેવા કાર્યક્રમોમાં, ખાસ કરીને લહંગા સાતે રત્નજડિત બાજુબંધ રંગ જમાવે છે.
પરંપરાગત રીતે પહેરાતાં બાજુબંધની વાત કરીએ તો ગુજરાતી મહિલાઓ સુવર્ણમાંથી ઘડેલા બાજુબંધ સૌથી વધુ પસંદ કરે છે. તેમાંત રાતા, ઘેરા જાંબુડી, ઘેરા ગુલાબી, બોટલ ગ્રીન જેવા બ્લાઉઝ પર સોનાના બાજુબંધની ચમક જોવા જેવી હોય છે. અલબત્ત, કોલેજ ગર્લ્સ કે યુવાન સ્ત્રીઓ સ્લીવલેસ ટોપ અથવા બ્લાઉઝ સાથે પરંપરાગત અને આધુનિક ડિઝાઈનના કોમ્બિનેશન ધરાવતાં બાજુબંધ પર પસંદગી ઉતારે છે. જ્યારે ચાળીસીમાં રહેલી કે ચાળીસી વટાવી ચૂકેલી મહિલાઓ મોર, પોપટ, ફૂલ-પાન વેલ,ે દેવી દેવતાઓ ઈત્યાદિની ડિઝાઈન ધરાવતાં બાજુબંધ પહેરવાનું પસંદ કરે છે. મહારાષ્ટ્રીયન મહિલાઓની વાત કરીએ તો તેઓ પણ તેમની પરંપરાગત પૈઠણી સાડી સાથે ટ્રેડિશનલ ડિઝાઈનના બાજુબંધ ધારણ કરે છે.
રાજસ્થાની સ્ત્રીઓને હમેશાંથી કુંદનના ઘરેણાં વધુ પસંદ પડે છે. સ્વાભાવિક રીતે જ બાજુબંધમાં પણ તેઓ કુંદન વર્ક કરાવે. તેઓ ખાસ કરીને પ્રસંગોએ ભરચક ભરતકામ કરેલા લહંગા-ચોલી સાથે કુંદન વર્ક કરેલા બાજુબંધ પહેરે છે.
જોકે આજની તારીખમાં અન્ય આર્ટિફિશ્યલ જ્વેલરીની જેમ બાજુબંધમાં પણ એક એકથી ચડિયાતી ડિઝાઈન સહેલાઈથી મળી રહેતી હોવાથી ઘણી યુવતીઓ એકાદ-બે વખત આ ઘરેણું પહેરવા કિંમતી ધાતુમાં રોકાણ કરવાનું પસંદ નથી કરતી. તેના સ્થાને તેઓ આર્ટિફિશ્યલ બાજુબંધ પહેરીને જ કામ ચલાવી લે છે.
- વૈશાલી ઠક્કર








