બેડમેન ગુલશન ગ્રોવર મટકા કિંગ બન્યો .

- ગુલશન ગ્રોવરે પોતાનાં ખલનાયકનાં પાત્રોને ભારે અસરકારક બનાવવા જાતજાતના પહેરવેશ પહેર્યા. ચહેરા પર બિહામણા લાગે તેવાં ચિતરામણ કર્યાં.
ગુલશન ગ્રોવર. બોલીવુડનો બેડમેન. બોલીવુડના સુપરહીટ નિર્માતા -દિગ્દર્શક સુભાષ ઘઇની સુપરહીટ ફિલ્મ રામ લખન(૧૯૮૯)નો કેસરિયા વિલાયતી નામનો બેડમેન. એક તબક્કે અતિ વ્યસ્ત ગણાતો ગુલશન ગ્રોવર ઘણા લાંબા સમય બાદ મટકા કિંગ નામની ટેલિવિઝન સિરિઝમાં મટકા કિંગની ભૂમિકા કરી રહ્યો છે.
દિગ્દર્શક નાગરાજ મંજુલેની આ ટીવી સિરિઝમાં ગુલશન ગ્રોવર સાથે વિજય વર્મા, સાઇ તામ્હણકર, સિદ્ધાર્થ જાધવ, કૃતિકા કામરા વગેરે કલાકારો છે. ગુલશન ગ્રોવર મટકા કિંગનું પાત્ર ભજવી રહ્યો છે. મટકા કિંગ ટીવી સિરિઝની કથા એવી છે કે લાલજી ભાઇ નામનો રૂ (કોટન) નો વેપારી મુંબઇમાં મટકા નામના જુગારની રમત શરૂ કરે છે. મટકાના જુગારની રમત જબરી જામે છે. સમય જતાં લાલજી ભાઇ આખા મુંબઇમાં મટકા કિંગ તરીકે જાણીતો થઇ જાય છે. મુંબઇનો પૈસાદાર આદમી બની જાય છે.
આ ટીવી સિરિઝમાં ગુલશન ગ્રોવરે મટકા કિંગ લાલજી ભાઇનું પાત્ર બહુ અસરકારક રીતે ભજવ્યું છે. આમ પણ ગુલશન ગ્રોવરે તેની ફિલ્મી કારકિર્દીમાં ખલનાયકનાં ઘણાં પાત્રોને બહુ વિશિષ્ટ રીતે રજૂ કર્યાં છે. આમ તો હિન્દી ફિલ્મ જગતમાં પ્રાણ, અજિત, મદનપુરી, કે.એન. સિંગ, રંજિત, પ્રેમ ચોપરા, ડેની ડેન્ઝોન્ગપા, અમરીશ પુરી, અમજદ અલી ખાન, શક્તિ કપૂર વગેરે જેવા ઘણા પ્રતિભાશાળી ખલનાયકોએ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. સિનેમા ગૃહોમાં દર્શકોનાં મનમાં ભયનું લખલખું ફરી વળે તેવાં ખોફનાક પાત્રો ભજવ્યાં છે.
આ બધા વિલનોની હરોળમાં ગુલશન ગ્રોવરે પણ પોતાની ખલનાયકીને જરા જુદા અને વિશિષ્ટ અંદાજમાં રજૂ કરીને પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી છે.
મટકા કિંગ ટીવી સિરિઝમાં પણ ગુલશન ગ્રોવરે લાલજી ભાઇ નામના મટકા કિંગનું પાત્ર ભારે અસરકારક રીતે ભજવ્યું હોવાના અહેવાલ ફિલ્મ મેગેઝીનોમાં પ્રસિદ્ધ થયા છે.
સુનિલ દત્તના દિગ્દર્શનમાં બનેલી રોકી(૧૯૮૧) ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનારો ગુલશન ગ્રોવરે સમય જતાં અવતાર(૧૯૮૩) ફિલ્મમાં બદમાશ અને પૈસા-અમીરી વૈભવના પ્રભાવમાં અવળા રસ્તે ચડી ગયેલા દીકરાનું પાત્ર ભજવ્યું. જોકે ગુલશન ગ્રોવરને નૂર ફિલ્મમાં વિલન તરીકે પહેલી સફળતા મળી. ત્યારબાદ સાહની મહિવાલ (૧૯૮૪), સદમા વગેરે ફિલ્મોમાં પણ ખલનાયકની ભૂમિકા ભજવીને બોલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું.પોતાની અભિનય પ્રતિભા પણ પૂરવાર કરી. ગુલશન ગ્રોવરમાંનો બેડમેન સુભાષ ઘઇની સુપરહીટ ફિલ્મ રામ લખન(૧૯૮૧)માં પૂરી શક્તિથી ફિલ્મના પડદા પર રજૂ થયો. ફોડ પાડીને કહીએ તો રામ લખન ફિલ્મમાં ગુલશન ગ્રોવરે કેસરિયા વિલાયતી નામના ખૂંખાર વિલનનું પાત્ર ભજવ્યું. ફિલ્મના સંવાદોમાં કેસરિયા વિલાયતી વારંવાર પોતાને બેડમેન કહે છે. રામ લખનના બેડમેનને ઘણી પ્રશંસા મળી. બોલીવુડનાં જાણકાર સૂત્રોના કહેવા મુજબ ગુલશન ગ્રોવરનાં વિલનનાં પાત્રોનું સૌથી મહત્વનું અને મજબુત પાસું છે તેનો ગેટ અપ . ઉદાહરણરૂપે ગુલશન ગ્રોવરે રામ લખન ફિલ્મમાં કેસરિયા વિલાયતી નામના બેડમેનના પાત્રને વેધક બનાવવા માટે માથે ટોપી અને હાથમાં કુહાડી રાખી. સર ફિલ્મના છપ્પન ટીકલીની ભૂમિકા માટે ચહેરા પર સફેદ રંગનાં નાનાં નાનાં ટપકાં કર્યાં . શોલા ઔર શબનમ ફિલ્મના કાલી શંકર( કાલી બાબા) ના પાત્રમાં પોતે યુવાન હોવા છતાં ૮૦ -૯૦ વર્ષનો વૃદ્ધ લાગે તેવો પહેરવેશ પહેર્યો. મોહરા ફિલ્મના કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા ટાયસનની ભૂમિકામાં બ્લેઝર્સ, ઓપન કોલર્ડ શર્ટ્સ, લેધર જેકેટ્સ પહેર્યાં, સાથોસાથ માથાના લાંબાવાળ રાખ્યા.
હેરાફેરી ફિલ્મના કબીરાના પાત્રમાં પોતે હેન્ડસમ લાગે તે માટે જેકેટ, ટી - શર્ટ, જીન્સ પહેર્યાં. જાણે કે પોતે હોલીવુડનો સિલ્વેસ્ટર સ્ટેલોન હોય.ઉપરાંત, એક યુવતીનું અપહરણ કરરીને તેનાં માતાપિતા પાસેથી રૂપિયા લેવા : કબીરા સ્પિકિંગ : નો ડાયલોગ બોલે છે. ૧૬, ડિસેમ્બર ફિલ્મના પાકિસ્તાનના ભારતમાં છૂપાયેલા ઝેરીલા ઉગ્રવાદી દોસ્ત ખાનની ભૂમિકામાં કયારેક સામાન્ય માનવી પહેરે તેવાં, તો કોઇક વખત ચોક્કસ પ્રકારનો યુનિફોર્મ પહેર્યો.
કહેવાનો અર્થ એ છે કે ગુલશન ગ્રોવરે પોતાનાં ખલનાયકનાં પાત્રોને ભારે અસરકારક બનાવવા જાતજાતના પહેરવેશ પહેર્યા. ચહેરા પર બિહામણા લાગે તેવાં ચિતરામણ કર્યાં. એટલે જ તો જાણીતા કવિ જીગર મુરાદાબાદી કહે છે, કાંટે ખીલે હૈ ગુલશન ગુલશન, લેકીન અપના અપના દામન.








