આશાતાઈએ પોતાની સંગીતયાત્રાના દરેક દશકમાં કંઈક નવું આપ્યું

આશા ભોસલેની ગાયકી એટલી જોશીલી અને દમદાર હતી કે એમણે ૮૦ વરસની પોતાની સંગીત-યાત્રામાં દરેક દશકને યાદગાર બનાવી દીધો. તાઈએ આપેલા સંગીતમય દશકો (મ્યુઝિકલ ઈરાઝ) પર એક નજર નાખવા જેવી છે :
૧૯૫૦નો દાયકો
આશા ભોસલેએ પોતાના પિતા દીનાનાથ મંગેશકરના અવસાન બાદ ૧૯૪૦ના દાયકાના છેવાડે પાર્શ્વગાયનમાં પ્રવેશ કર્યો. ૧૯૫૦ના દશક સુધી એમને નાની ફિલ્મો માટે જ ગાવા મળતું. જ્યારે મોટા સ્ટાર્સની ફિલ્મો બીજી સિંગર્સના ફાળે જતી. છતાં હિંમત હાર્યા વિના તેઓ ફિલ્મ સંગીતમાં પોતાની હાજરી નોંધાવતા રહ્યા.
૧૯૬૦નો દાયકો
ગાયિકાના કરિઅરમાં આ દશક નિર્ણાયક બની રહ્યો. ઓ. પી. નય્યરે આશાજી પાસે પોતાની પશ્ચિમીના સંગીતથી પ્રભાવિત હેવી રિધમના ગીતો ગવડાવી એમને એક નોખી ઓળખ આપી. એમણે 'આઈયે મહેરબાન' અને 'યે હૈ રેશમી ઝુલ્કોં કા અંધેરા' જેવા જુદી લઢણુના ગીતો ગાઈ પોતાના માટે સ્પેસ બનાવી દીધી.
૧૯૭૦નો દશક :
આ દાયકાને આશાજીના કરિઅરનો કમર્સિયલી સૌથી સફળ તબક્કો ગણી શકાય. એમાં આર. ડી. બર્મનનો પણ ફાળો હતો. પછીથી પતિ-પત્ની બનેલી આ જોડીએ આપણને 'પિયા તું અબ તો આજા' અને 'દમ મારો દમ' જેવા લોકપ્રિય ગીતો આપ્યા. પંચમ અને આશાતાઈએ હિન્દી ફિલ્મ સંગીતને વધુ યૌવનસભર અને થનગનાટથી ભરપુર બનાવ્યું.
૧૯૮૦નો દાયકો
પોતાની ગાયકીમાં અવનવા પ્રયોગો કરવામાં સંકોચ ન કરતા આશાજીએ આ દાયકામાં સેમી-ક્લાસિકલ સોંગ્સ અને ગઝલો પર હાથ અજમાવ્યા. એની ફળશ્રુતિરૂપે ખય્યામની ધુનોથી મઢેલી મુઝફ્ફર અલીની ફિલ્મ 'ઉમરાવ જાન'ના ગીત 'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજિયે' માટે આશાજીને નેશનલ એવોર્ડની નવાજેશ થઈ.
૧૯૯૦નો દાયકો
આ સમયગાળામાં એ. આર. રહેમાન જેવા નવા સંગીતકારોનો પ્રાદુર્ભાવ થયો. એ તબક્કામાં પણ તાઈ 'તન્હા તન્હા' અને 'રંગીલા રે' (ફિલ્મ રંગીલા, ૧૯૯૫) જેવા નવી નજાકત સાથેના સોંગ્સ ગાઈ બદલાતા યુગને અનુરૂપ બની રહ્યા. સાથોસાથ એમણે બિગ ફિલ્મની અને પોપ મ્યુઝિક ઉપર પણ હાથ અજમાવ્યો.
૨૦૦૦થી ૨૦૧૦ની સાલ
લતા મંગેશકરના નાના બહેને આ ૧૦ વરસોમાં બહુ પસંદગીનું કામ કરવાનું મુનાસિબ માન્યું. આશાતાઈ એ દરમિયાન પોતાના કોન્સર્ટસ અને બીજા મ્યુઝિશ્યન્સ સાથેના કોલબરેશન્સમાં બિઝી રહ્યા. ક્વોનોઝ ક્વાર્ટેટ સાથેના એમના આલ્બમને ગ્રેમી એવોર્ડ્સ માટે નોમિનેશન મળ્યું.
૨૦૨૦નો અંતિમ દશક
આશા ભોસલેના જીવનનો એક જ મંત્ર હતો- 'શો મસ્ટ ગો ઓન.' એંસી અને નેવું વરસની જૈફ વયે પણ તેઓ લાઈવ કોન્સર્ટસમાં પરફોર્મ કરતા રહ્યા. પોતાના ૯૦મા બર્થડેની ઉજવણી એમણે દુબઈમાં એક સ્પેશ્યલ શોનું આયોજન કરીને કરી હતી.









