'અભિનેતા તરીકે મિડલક્લાસનો વાસ્તવવાદ મને ફાવી ગયો છે

- અભિનેતાએ ભૂલવાની, શીખવાની અને શીખેલું ફરી ભૂલવાની પ્રક્રિયા કરવી પડે: વિક્રાન્ત મેસી
- 'હું અને મારી પત્ની શીતલ પહેલાં 400 ચોરસફૂટના ઘરમાં રહેતાં હતાં અને હવે 4,000 ચોરસ ફૂટના ઘરમાં રહીએ છીએ, પણ અમારી વચ્ચે કશું બદલાયું નથી.'
હિન્દી ફિલ્મોમાં કોમનમેનનું પાત્ર ભજવવાની ગજબની હથોટી ધરાવતો એક્ટર એટલે વિક્રાન્ત મેસી. આદર્શવાદી સરકારી અમલદાર, દ્વિધામાં સપડાયેલો નિષ્ફળ યુવાન અને ટીવી કેમેરામેન એમ આપણી વચ્ચેના મધ્યમ વર્ગની સામાન્ય માણસની ભૂમિકાઓ આધારભૂત રીતે કરી જાણતો વિક્રાન્ત મેસી એક્ટિંગની પોતાની રીત વિશે ખૂલીને વાત કરે ત્યારે તેમાંથી ઘણું શીખવાનું મળે તે સહજ છે. વિક્રાન્ત મેસી એક્ટિંગ વિશે....
એક એકટર તરીકે વાસ્તવવાદ મને માફક આવે છે. સ્ટોરી અનેક રીતે કહી શકાય અને તેમાં સાચી ખોટી રીત હોતી નથી. હું સામાન્ય જીવનમાંથી જે શીખું છું તે મારા પરફોર્મન્સમાં ઉતારવાનો પ્રયાસ કરતો હોઉં છું. મારી આ રીતની શરૂઆત સોળ વર્ષ અગાઉ રજૂ થયેલી ફિલ્મ બાલિકાબધૂથી થઇ હતી. લોકો હજી મને આ ફિલ્મના પાત્ર શ્યામ ભાઇસા તરીકે ઓળખે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારતના લોકો મને શ્યામ ભાઇસા ગણે છે. હું એ સમયે માત્ર ૨૧ કે ૨૨ વર્ષનો હતો છતાં મેં વાસ્તવિક રહેવાનો પ્રયાસ કર્યો હતો. આ એક સોશ્યો પોલિટિકલ સ્ટોરી હતી.મને લાગે છે કે દર્શકો હવે એવી અપેક્ષા રાખતાં થઇ ગયા છે કે મારા ભજવેલાં પાત્ર વાસ્તવિક અને તેમની આકાંક્ષાઓનો પડઘો પાડનારાં હશે.
હું એક તાલીમબદ્ધ કે થિયેટરનો એક્ટર નથી એટલે મારી કોઇ નિશ્ચિત રીત નથી. હું એક્ટિંગ કરવાની આવી કોઇ રીત હોય તેમ માનતો નથી. મારા કામમાંથી ઉદાહરણ આપી વાત કરૂ તો ટ્વેલ્થ ફેઇલમાં મેં જે કર્યું હતું તે હું સેક્ટર ૩૬માં ન કરી શકું. જ્યારે મારા પાત્રો અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવતાં હોય ત્યારે તે ભજવવાનો મારો અભિગમ એક જ કેવી રીતે હોઇ શકે? તેમની દુનિયાને જોવાની રીત જ તદ્દન જુદી જુદી હોય. હું મારું પાત્ર પ્રમાણભૂત બની રહે તે માટે સભાનપણે પ્રયાસ કરું છું. પણ હું જ્યારે પ્રમાણભૂતતાની વાત કરું ત્યારે મારો હેતુ અલગ તરી આવવાનો હોતો નથી. ઉલટાનું સામાન્ય ભીડમાં મારું પાત્ર સહજતાથી ભળી જાય તેવો મારો પ્રયાસ હોય છે.સિનેમા એ એક પ્રચલિત પણ માન્યામાં ન આવે તેવી જબરદસ્ત તાકાત ધરાવતું માધ્યમ છે. આજે મારી ફિલ્મ દેશની સો કરોડની જનતા સુધી પહોંચે છે તે એક વિશેષાધિકાર છે. હું આ લોકોનો અવાજ બનવા માંગું છું. હું મધ્યમ વર્ગના માણસનો પ્રતિનિધિ બનવા માંગું છું. હું પોતે મધ્યમ વર્ગમાંંથી આવું છું અને આ વર્ગના લોકોની સામાજિક અને આર્થિક હાલતથી હું સુપેરે વાકેફ છું. મેં દારૂણ ગરીબી પણ જોઇ છે. આપણાં દેશના ૮૦ ટકા લોકો મધ્યમ વર્ગમાંથી આવે છે. જો હું આ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકતો હોઉં તો તેમાં ખોટું શું છે?
પણ વાસ્તવિક એક્ટિંગ કરવાનું એક ભયસ્થાન એ છે કે પાત્ર તમારી પર કબજો જમાવી દઇ શકે છે. મારી સાથે આવું અવારનવાર બને છે. એ ડેથ ઇન ધ ગંજ, લવ હોસ્ટેલ અને ટ્વેલ્થ ફેઇલમાં પણ કઇંક અંશે મારી સાથે આવું બન્યું હતું. એ ડેથ ઇન ધ ગંજ ફિલ્મનું શૂટિંગ પુરૂ કરી હું એક સાંજે ઘેર પહોંચ્યો ત્યારે મારી માતાએ દરવાજો ખોલી તરત જ મને પૂછયું, તારી તબિયત તો ઠીક છેને? તેને મારા ચહેરા પર કશુંક કળાયું હશે. એ વખતે મને ભાન થયું કે શુતુ હજી મારી બહાર નીકળ્યો નથી. તેને મારામાંથી બહાર કાઢવામાં મને સમય લાગ્યો હતો. આ સમયે મેં પહેલીવાર ગંભીર રીતે થેરેપી લેવાની શરૂઆત કરી. તેના કારણે મને ઘણી વસ્તુઓ વિશેજાણવામળ્યું અને સમય વીતવા સાથે મારું મન પણ રૂઝાયું.
નોંધપાત્ર બાબત એ છે કે એ ડેથ ઇન ધ ગંજ કરતી વખતે મને મારી એ બાજુઓ વિશે પણ મળ્યું જેનાથી હું વાકેફ નહોતો. ફિલ્મમાં એક સીનમાં શુતુ ઉંઘમાં ચાલતો ચાલતો કબાટ અને દિવાલની વચ્ચે ફસાઇ જાય છે. જે તેની માનસિક સ્થિતિ દર્શાવે છે. મારી પણ આ જ હાલત હતી.મારા બાળપણના આઘાતોમાંથી બહાર આવવામાં થેરેપી મને સહાયરૂપ બની છે. એક્ટિંગ કરવાથી ઘણીવાર તમને સુંદર બાબતો જડી આવે છે તો ઘણીવાર મુશ્કેલ સ્થિતિનો પણ સામનો કરવો પડે છે. પણ આ રૂઢ થઇ ગયેલી બાબતો જડી આવવાની પ્રક્રિયા રસપ્રદ હોય છે. એક્ટિંગ બહારથી ગ્લેમરસ લાગે છે પણ તે કરવાનું કામ કપરૂ છે. લોકો બે કલાકની ફિલ્મ જુએ છે અને ખુશ થઇ જાય છે. પણ આ ફિલ્મ બનાવવામાં ઘણાં લોકો સાથે મળીને રોજ બાર બાર કલાક કામ કરે ત્યારે બે મહિને એક ફિલ્મ બનતી હોય છે. એક એક્ટર તરીકે તમારે સતત શીખવું, ફરી શીખવું અને ભૂલી જવું પણ પડે છે. આ એક થકવી નાંખે તેવી પણ ઉંડો સંતોષ આપતી પ્રક્રિયા છે.
આમ છતાં એક એક્ટર હોવું એ ખુશકિસ્મતીની વાત છે. તાજેતરમાં હું હિમાલયના પહાડોની મોજ માણતો લેન્ડોરમાં બેઠો હતો. મારો નિર્દેશક અને હું બંને વાત કરી રહ્યા હતા કે આપણે કેટલા ખુશકિસ્મત છીએ કે આપણે રોજ એક જ ટેબલ પર જઇ દરરોજ એકસમાન કામ કરવું પડતું નથી. અમારી ઓફિસ તો દર અઠવાડિયે બદલાય છે. અમને દુનિયામાં સૌથી રળિયામણાં સ્થળો પર કામ કરવાની તક મળે છે. અમને રોજ સો-બસો નવા માણસો સાથે મળવાની તક મળેૈ છે. અને જ્યારે લોકો એમ કહે કે તમારો આભાર. તમે અમારા માટે પ્રેરણાદાયી છો ત્યારે એક એક્ટર તરીકે મને સૌથી સરસ સંતોષની લાગણી થાય છે.
હું સફળતા અને નિષ્ફળતાને બહું ગંભીરતાથી લેતો નથી. હું અને મારી પત્ની શીતલ ૪૦૦ ચોરસફૂટના ઘરમાં રહેતા હતા અને હવે ૪૦૦૦ ચોરસ ફૂટના ઘરમાં રહીએ છીએ પણ અમારી વચ્ચે કશું બદલાયું નથી. અમે એકમેકને યાદ કરાવતાં રહીએ છીએ કે અમે પ્રથમ અમારી જાતને અને પછી અમારા પરિવારને ઉત્તરદાયી છીએ. અમારા માટે પરિવાર સૌથી મહત્વની બાબત છે. બાકી બધું તો ચાલ્યા કરે. ચલતી કા નામ ગાડી!








