Magazines

આનંદયાત્રીની નિરુદ્દેશ શબ્દસફર

By GS Team
27 Mar 20237 mins read
This article was originally published on 27 Mar 2023
આનંદયાત્રીની નિરુદ્દેશ શબ્દસફર

- અંતર - રક્ષા શુક્લ

તારું ને મારું છે એક જ આકાશ!

પણ મને આથમતો સૂર્ય ગમે છે, 

ને તને ઉગતો...

એ તારા સ્મિત જેવો ઉજાસ લઈને આવે છે

ને હું પેલા થાકેલા સૂરજની જેમ ,

અસ્ત થવાની રાહ જોતી...

મને અંધારું ગમે છે, મારા જેવું,  ઘેરું...

ના ગમતી ઘટનાઓને 

એના અંધકાર માં ઢાંકતું...

તને પણ ગમે છે ને એ અંધારું?

જે તારા માટે નવી કલ્પના/ 

નવા સપના લઈને આવતું ..!

તને ગમે છે ઘેરાયેલું આકાશ

ભીંજાવા ને ભીંજવવાની 

શક્યતા વાળું આકાશ !

ને મારું આકાશ છે ચોખ્ખું ચટ, કોરું કટ...

આપણું આકાશ એક જ છે ?

                                     - જીજ્ઞા વ્હોરા

જ્ઞાનપીઠ એ આપણા દેશનો સાહિત્યના ક્ષેત્રમાં અપાતો સર્વોેચ્ચ પુરસ્કાર છે. જે ૧૯૪૪ થી સ્થાપિત ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાય છે જે સાહિત્ય-સંસ્કારનું જતન કરી એને પ્રોત્સાહિત કરનાર સંસ્થા છે. ઉદ્યોગપતિ શાંતિપ્રસાદ જૈનની સ્મૃતિમાં ભારત જ્ઞાનપીઠ તરફથી દર વર્ષે શાંતિપ્રસાદે કહેલું, 'વિરલ પ્રાચીન ભારતીય ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું તેમજ સમકાલીન ભારતીય ભાષાના મૌલિક સર્જનાત્મક વાઙ્મયને લોકોદય માટે ઉત્તેજન આપવું.' સંસ્થાના સમગ્ર કાર્યો ચાર અલગ અલગ ક્ષેત્રોમાં વહેંચતા પ્રતિ વર્ષ ઉત્તમ સાહિત્યકૃતિના સર્જકને જ્ઞાનપીઠ અર્પણ કરાય છે.

મુખ્યતઃ વાર્તા  લેખિકા એવા કૃષ્ણા સોબતીને સાહિત્યની ૬૭ વર્ષની અવિરત સાધના પછી ૨૦૧૭માં ૯૨ વર્ષની ઉંમરે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા, ત્યારે કૃષ્ણા સોબતીની ભાવુકતા પ્રથમ કૃતિના પ્રાગટય જેટલી જ હતી. એક લાજવાબ લિજેન્ડ લેડી તરીકે એમની કલમ કાલજયી રહેશે. સામ્પ્રતના સામા પ્રવાહે તરી અને પોતાનો એક દરિયો સર્જ્યો હતો. અનેક સન્માનપ્રાપ્ત કૃષ્ણાજીએ ૯૨ વર્ષે આત્મકથાનક ઉપન્યાસ 'ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન' (૨૦૧૭) પ્રગટ થતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઉંમરે આ સક્રિયતા!  એમાં કૃષ્ણાજી પોતાની જિંદગીના એવા એક ભાગને ઢાળે છે જ્યારે સભ્યતાના ભાગલા થયા હતા, માનવતા ઝાંખી પડી લોહીલુહાણ હતી. ખૂબ તકલીફ સાથે તેઓ લખે છે કે 'હવે તો અમે તેજ ધારવાળા ચાકુ છીએ. અમે પલીતો છીએ. અમે દુશ્મનોને ચીરી નાખનાર ગરમ હિંસા છીએ. અમે નવવધૂનાં હાથ કાપનાર દાતરડું  છીએ. અમે હવે 'અમે' નથી, હથિયાર છીએ.' હિન્દીના સૌથી ચિરયુવા અને નીડર લેખિકા હતા. હિન્દી સાહિત્ય અને સમાજનો હરતો ફરતો ઈતિહાસ છે. એમની પાસે બેસો તો એક વાચિક ઈતિહાસ શરુ થઈ જાય છે.

ભારતીય સાહિત્યના સર્વાેચ્ચ એવોર્ડ 'જ્ઞાનપીઠ'ની વાત નીકળતા ગુજરાતના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહ પણ હૈયે ચડે. સ્વાતંર્ત્ય પછી ગુજરાતી કવિતાને એક નવો વળાંક આપનાર પ્રમુખ કવિ છે જેને ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે. રાજેન્દ્ર શાહ ૧૯૧૩માં કપડવંજમાં જન્મેલા. તેમના વકીલ પિતા કેશવલાલ તો રાજેન્દ્ર બે વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. માતા તો મમતાળુ હોય જ પણ સાથે એટલી જ આદર્શવાદી આચાર વિચાર ધરાવનાર અને મક્કમ હોય તો બાળકમાં નોખી જ પ્રતિભા વિકસે છે. માતા લલિતાબહેને રાજેન્દ્રને બાલ્યાવસ્થાથી જ જીવનમાં હિંમતપૂર્વક આગળ વધવાની તાલીમ આપવા કહેતા કે 'આપણ તો સિંહબાળ'. સ્વાતંર્ત્યની ચળવળ ૧૯૩૦માં ઉગ્ર બનતા માતા-પુત્ર બંને તેમાં સક્રિય બન્યા. એકવાર તો એવું બન્યું કે કપડવંજના ટાવર પર લહેરાઈ રહેલા ત્રિરંગાને ઉતારી લેવા પોલીસ આગળ વધી ત્યારે રાષ્ટ્રધ્વજની ગરિમા અને શાન જાળવવા જોશીલા યુવાન રાજેન્દ્રે ટાવર પાસે પહોંચીને સડસડાટ ઉપર પહોંચીને રાષ્ટ્રધ્વજને છાતીસરસો ચાંપી ટાવર પરથી નીચે કૂદકો માર્યો. આટલે ઉંચેથી નીચે પટકાતા તેમને લાંબો સમય પથારીમાં રહેવું પડયું હતું. પણ શરીર વ્યાયામથી કસાયેલું હોવાથી બહુ તકલીફ ન પડી. ૧૯૩૦માં અભ્યાસ છોડી તેઓ અસહકારની લડતમાં જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૪૫માં અમદાવાદની કરિયાણાની દુકાન છોડી મુંબઇ ગયા જ્યાં એક લાકડાના વેપારીને ત્યાં કામ કરતાં થાણાના જંગલોમાં ઘણો સમય પસાર થતા તેઓ પ્રકૃતિની ખૂબ નજીક આવ્યા. એટલે જ તેમના સર્જનમાં મુખ્યત્વે પ્રકૃતિનું સૌંદર્ય વધુ ઉભરાઈને આવતું. વળી સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાયની વાતો પણ તેમની સંવેદનામાં વણાઈને કાગળ પર ઢોળાતી. 

૧૯૮૨ સુધી જ્ઞાનપીઠ પુરસ્કાર લેખકની એકલ શ્રેષ્ઠ કૃતિ માટે અપાતો હતો પરંતુ એ પછી ભારતીય સાહિત્યમાં લેખકના સંપૂર્ણ યોગદાનને કેન્દ્રસ્થાને રાખી અપાવા લાગ્યું. રાજેન્દ્ર શાહે ૨૦ કરતા વધુ કાવ્ય અને ગીતના સંગ્રહો આપેલ છે. ૨૦૦૧માં તેમને જ્ઞાનપીઠથી પુરસ્કૃત કરતા સમિતિએ નોંધ કરી છે કે 'તેમની લાગણીની તીવ્રતા, સંશોધન અને અભિવ્યક્તિ તેમને મહાન કવિ તરીકે અલગ પાડે છે. તેમના કાવ્યોમાં રહેલો ભેદી મર્મ મહાન મધ્યયુગીન કવિઓ નરસિંહ મહેતા, કબીર અને અખા જેવો છે.'વિધ વિધવ્યવસાયોના અનુભવી રાજેન્દ્ર શાહ પાસે પ્રકાશનનો પણ હાથવગો અનુભવ હતો આથી તેમણે ૧૯૫૧માં મુંબઈમાં પ્રિંટિગ પ્રેસની શરૂઆત કરી. ૧૯૫૭માં દ્વિમાસિક સામાયિક 'કવિલોક' શરુ કર્યું. જે આજે પણ પ્રગટ થાય છે. આ પ્રકાશન કેન્દ્ર ગુજરાતી કવિઓ માટે દર રવિવારે કાવ્યગોષ્ઠી માટેનું મહત્વનું સ્થાન બની ગયું જેમાંથી પ્રેરણા મળતા ઘણા કવિઓ ઘડાયા. ૧૯૭૧માં પ્રિંટિગ પ્રેસમાં આગ લાગતાં પુત્રને કામકાજ સોંપી કપડવંજ પરત આવ્યા. પત્ની મંજુલા સાથેનું એમનું દામ્પત્યજીવન પ્રસન્ન અને કુટુંબજીવન પરિતૃપ્ત હતું.

રાજેન્દ્ર શાહ કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીની ગુજરાતી સલાહકાર સમિતિના સભ્ય રહી ચૂક્યા હતા. ૧૯૯૩માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ વરાયેલા રાજેન્દ્ર શાહ 'કવિલોક ટ્રસ્ટ'ના મનેજિંગ ટ્રસ્ટી પણ રહ્યા. ૯૩ વર્ષે પણ તેઓ સર્જનપ્રવૃત્ત હતા. અનુગાંધી યુગના સ્તંભ સમા તેઓ અત્યંત પ્રતિભાશાળી કવિ ગણી શકાય જે ઉગતી યુવા પેઢી માટે દીવાદાંડી સમાન હતા. કવિતાના બધા પ્રકારોમાં રાજેન્દ્ર શાહનું બહોળું પ્રદાન છે. તેમની કાવ્યરાશિ વિપુલ તેમ જ સત્ત્વશાળી પણ છે. એમના કાવ્યોમાં માધુુર્યનું પ્રાધાન્ય  છે. ઉચિત પ્રતીક-કલ્પનોનો વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ- અલંકારલય - પ્રાસ આદિનું અદભુત સૂઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પોત એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે. પ્રણય, પ્રકૃતિ, જીવનચિંતન અને આધ્યાત્મભાવ એમની પદ્યસમૃદ્ધિના મુખ્ય વિષયો છે. જીવનમાં સુખદુઃખની આવન-જાવનને રાજેન્દ્ર શાહ સમભાવથી જોતા. એ માટેનું મનોબળ તેમને શ્રેયસાધક ગુરુ ઉપેન્દ્રાચાર્યના સાનિધ્યથી પ્રાપ્ત થયું. એમની સમગ્ર કવિતાનો પ્રધાન સૂર જીવનમાંગલ્યનો છે. જીવનસાધકથી શરુ થયેલી યાત્રાએ તેમને શબ્દસાધક બનવા તરફ દોરી ગઈ. 'હરપળ પ્રસન્ન રહેવું' એ તેમનો જીવનમંત્ર હતો. એટલે જ તેમણે લખ્યું કે 'ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર...? ન્હાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર...'

'બોલીએ ના કંઈ,

આપણું હૃદય ખોલીએ ના કંઈ,

વેણને રહેવું ચૂપત

નેણ ભરીને જોઈ લે, વીરા !

વ્હેણનાં પાણી ઝીલનારું

તે સાગર છે વા કૂપ !'

'ચૂપ' શબ્દ બોલતા હોઠ જાણે મૌન રહેવાનું પ્રણ લઈને બેઠા હોય તેમ ચપોચપ બીડાઈને કવિની સોનેરી શિખામણને સૌ પ્રથમ પોતે જ અનુસરીને બતાવે છે. અહીં જ કવિત્વ ઝળહળે છે જે રાજેન્દ્ર શાહ અનેક કાવ્યોમાં સ્ફૂટ થાય છે. માતા સાથે કાતક અને ફાલ્ગુન માસમાં થતા ઉત્સવોમાં ભાગ લેવાનું બનતા તેમના ચિત્તમાં એ ગીત-સંગીત ચૂંટાયા કરતા. તેના લય, પ્રાસ અને ભાવોમની બળકટતાથી તેઓ ગીતસર્જન તરફ વધુુ ખેંચાયા. કવિતાની લગની લાગતાં તેમણે સૌપ્રથમ ન્હાનાલાલને વાંચ્યા. કવિતાની કેડી તેમને સુન્દરમ્, ઉમાશંકર, દેશળજી પરમાર, ઇન્દુલાલ ગાંધી અને કૃષ્ણલાલ શ્રીધરાણી જેવા મહાન કવિઓને વાંચતા ખૂબ પ્રભાવિત થયા. 'કુમાર'ની 'બુધસભાદમાં પ્રવેશ થયો ભવિષ્યના એક અદભુત કવિનો. તેમની સાદી સરળ કાવ્યબાની એમના સર્જક તરીકેના વ્યક્તિત્વની મોટી ઓળખ બની રહી.

સાહિત્યકાર ધીરુ પરીખ કહે છે કે 'અલંકારબાહુલ્યની સાથે સાથે કલ્પનપ્રતીકની સુચારુ અને સાર્થક પ્રયુક્તિથી એમનાં કાવ્યો પ્રશંસાયાં અને પુરસ્કારાયાં. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ જેવા સનાતન વિષયોની તેમના કવનમાં નૂતન અભિવ્યક્તિ છે. ભાવોમની સાથે સાથે ચિંતનોમનું સબળ અને સફળ નિરૂપણ એમની સકલ કવિતાનો સાદ્યંત વિશેષ રહ્યો છે. 

એમનાં કાવ્યોમાં વ્યક્ત થતું એમનું જીવનદર્શન પ્રસન્નતા અને ખુમારીનું છે, શ્રદ્ધા અને પ્રજ્ઞાનું છે.'તેમની કવિતાઓમાં તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યોે હતો જે રવિન્દ્રનાથ ટાગોર વડે પ્રભાવિત હતો. 

તેમની સિગ્નેચર કવિતા 'નિરુદ્દેશે' ૧૯૭૩ સુધીની તેમની પોતાની જ કવિતાનું ચયન છે. કવિ નિરપેક્ષ ભાવે સંસારમાં ભ્રમણા તો કરે છે પણ તેઓની મુગ્ધતા અકબંધ છે. કાવ્યમાં તેઓ પ્રારંભમાં જ લખે છે...

નિરુદ્દેશે

સંસારે મુજ મુગ્ધ ભ્રમણ

પાંશુ-મલિન વેશે.

તેઓ શબ્દસાદગી તેમની અભિવ્યક્તિમાં પણ ઊંચાઈ સાથે પ્રવેશે છે. 'પાંશુમલિન' વેશ તેઓને સ્વીકાર્ય છે. ધૂળથી ખરડાયેલ દેહ સાથે જ તેઓ ભ્રમણ કરવા માગે છે. અમેરિકન પત્રકાર અને કોલમિસ્ટ ડગ લાર્સન તો કહે છે કે‘Spring is when you feel like whistling, even with a shoe full of slush.’  વસંતનું આગમન માણસને સંઘર્ષોે વચ્ચે પણ હયાતી ઉજવવાનું ઇજન આપે છે. આમ પણ મંઝિલની મજા ક્યાં સુધી ટકે ? ખરી મજા તો પ્રવાસની છે જ્યાં પહાડો, નદીઓ, વૃક્ષો સાદ પાડી અજંપ કરે. સતત બોલાવે.

'રામ વૃંદાવની' તખલ્લુસથી ગઝલો લખતા રાજેન્દ્ર શાહને ૧૯૪૭માં કુમાર ચન્દ્રક, ૧૯૫૬માં ગુજરાતીનો પ્રથિતયશ 'રણજિતરામ સુવર્ણ ચંદ્રક', ૧૯૬૪માં સાહિત્ય એકેડેમી એવોર્ડ, ૧૯૬૯માં ન્હાનાલાલ પારિતોષિક, ૧૯૭૩માં નર્મદ ચન્દ્રક, ૧૯૮૫માં ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર, ૧૯૯૩માં ગુજરાત સાહિત્ય પરિષદનો એવોર્ડ, ૧૯૯૪માં નરસિંહ મહેતા એવોર્ડ (મેળવનાર પ્રથમ કવિ), ૨૦૦૧ જ્ઞાનપીઠ એવોર્ડ, દિલ્હી એવોર્ડ (મેળવનાર ત્રીજા ગુજરાતી સાહિત્યકાર) જેવા અનેક સન્માનો અને એવોર્ડ્સ પ્રાપ્ત થયેલા છે. એમની કવિપ્રતિભાનું પ્રથમ, પ્રખર અને પરમ શિખર એટલે ૧૯૫૧માં પ્રકાશિત કાવ્યસંગ્રહ 'ધ્વનિ', જેના આગમને ગુજરાતી કવિતાના વાતાવરણમાં નવો પવન ફૂંકાયો. આમ ગાંધી યુગ પછીના અગ્રણી અને નવી કવિ પેઢીને સબળ નેતૃત્વ પૂરું પાડનારા સર્વોેત્તમ કવિ રાજેન્દ્ર શાહે ૨૦૧૦માં સાથે પૂરી સ્વસ્થતા સાથે 'આ ખોળિયું બદલવાનો ઉત્સવ છે માટે શોક ન કરતા' કહેતાં ચિરવિદાય લીધી.

ઇતિ 

સાચી વ્યક્તિ પર અવિશ્વાસ ધીમી હત્યા છે.

-ટેનિસન