Magazines

રામાયણનું અદ્ભુત પાત્ર: કેવટ

By GS Team
30 Sep 20262 mins read
રામાયણનું અદ્ભુત પાત્ર: કેવટ

આપણા સુપ્રસિદ્ધ ગ્રંથ 'રામચરિત માનસ'ના અયોધ્યા કાંડમાં કેવટનો પ્રસંગ અદ્ભુત છે. કેવટ એ છેવટનો માણસ છે. પ્રભુ શ્રી રામે છેવાડાના માણસો પ્રત્યે પ્રેમ, સહાનુભૂતિ અને કૃપા વરસાવી છે. પ્રભુ શ્રી રામ અને કેવટ બન્નેનું કાર્ય એક જ છે. કેવટ નદી પાર કરાવે છે તો શ્રી રામ ભવસાગર પાર કરાવે છે. પ્રભુ શ્રીરામને કેવટે ઋણી રાખ્યા છે.
અયોધ્યાના રાજા દશરથની સૂચના પ્રમાણે શ્રી રામ વનમાં જાય છે સાથે સીતાજી અને લક્ષ્મણ પણ હોય છે. રામચંદ્રજીએ વનમાં સાથે આવેલ સુમંતને પાછા અયોધ્યા જવા માટે વળાવ્યા. ગંગા પાર કરવા માટે ત્યાં રહેલા નાવિક કેવટ પાસે શ્રીરામે નાવ લાવવા વિનંતી કરી. કેવટ શ્રી રામને ગંગા પાર કરાવવા માટે નાવ લાવતો નથી અને કહે છે કે 'આપના ચરણ કમળોની ધુળ મનુષ્ય માટે જડીબુટ્ટી સમાન છે. આપનાં ચરણોનાં સ્પર્શથી શીલા સુંદર સ્ત્રી બની ગઈ. જો આપનાં સ્પર્શથી મારી નાવ પણ સ્ત્રી બની જશે તો હું શું કરીશ ? મારી આજીવિકા ઝૂંટવાઈ જશે. મારી નાવ જ મારું ભરણ પોષણ કરે છે. મારે તો આપના ચરણ પખાળવા છે.' કેવટ શ્રી રામને કહે છે કે આપનાં ચરણ ધોયા પછી જ હું ગંગા પાર કરાવીશ. મારે ઉતરાઈ પણ જોઈતી નથી. વામન અવતારમાં પ્રભુએ ત્રણ પગલાંમાં જગતને માપી લીધું હતું. એ જ ભગવાન રામજી સ્વરૂપે કેવટને આજીજી કરે છે. પ્રભુની વિનંતી પછી કેવટ લાકડાંની કથરોટ (પાત્ર) લાવે છે અને શ્રીરામનાં પગ પખાળે છે. લાકડાનાં પાત્રમાં પાણી જલ્દી સુકાતું નથી તેથી જ કથરોટમાં પગ પખાળ્યા હતા. કેવટ કહે છે કે હું કેવો નસીબદાર છું. મારા પુણ્યનો ભંડાર ખુલી ગયો છે. ચરણોદકનું પાન કરીને કેવટ શ્રીરામને ગંગા પાર કરાવે છે. ગંગા પાર કર્યા પછી કેવટ ઉતરાઈ લેવાની ના પાડે છે. સીતાજી પણ રત્નજડિત વીંટી કેવટને આપે છે પરંતુ કેવટ તે પણ લેવાની ના પાડે છે. રામજી નિર્મળ ભક્તિનું વરદાન આપીને કેવટને વિદાય કરે છે.
આપણે ત્યાં એક જ ખૂબ જાણીતું ભજન પણ છે. 'પગ મને ધોવા દ્યો રઘુરાય. પ્રભુનાં ચરણનો સ્પર્શ થવાથી કેવટ ધન્ય થયો છે. કેવટ જ્ઞાતિનો ભીલ હતો પરંતુ તેનામાં અદમ્ય ઉત્સાહ હતો અને નિરાભીમાની પણ હતો. ભગવાન શ્રીરામનાં ચરણ સ્પર્શથી તેનું જીવન ધન્ય થઈ ગયું. રામાયણનાં આ અદ્ભુત પાત્રને અંત:કરણ પૂર્વકનાં વંદન.

  • ભરત અંજારિયા