અક્ષય કુમાર પ્રથમવાર એલિયન હોરર થ્રિલરમાં ધૂમ મચાવશે

- વિજ્ઞાન ફિક્શન અને એલિયન હોરરમાં વધુ વિસ્તૃત વિશ્વ રચના, ટેકનોલોજીકલ ચોકસાઈ અને દ્રશ્ય કલ્પનાની જરૂર પડે છે જે ક્ષેત્રો બોલીવૂડ વધુ ખર્ચ અને અનિશ્ચિત કમર્શિયલ વળતર માટે મોટાભાગે ટાળતું રહ્યું છે
ભારતીય સિનેમાએ વર્ષો દરમ્યાન અનેક વિજ્ઞાન આધારીત વાર્તા સાથે પ્રયોગો કર્યા છે, પણ એલિયન થ્રિલરો વિશે ભાગ્યે જ કોઈ ફિલ્મ બની છે. એક તરફ ફિલ્મ સર્જકોએ આધુનિક વિષયો, સુપરહીરોની કલ્પનાઓ અને પારલૌકિક વિશ્વો પર હાથ અજમાવ્યા છે, પણ આંતરરાષ્ટ્રીય સર્જનો સાથે ઊભા રહી શકે તેવા મોટા પાયાના પરગ્રહ અનુભવો કાયમ પડકારજનક રહ્યા છે.
જે સમયે સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને કમ્પ્યુટર આધારીત તસવીરો ફિલ્મસર્જનમાં પરિવર્તન લાવી રહી છે ત્યારે 'સામુક' સાથે આધુનિક ટેકનોલોજીને પરંપરાગત સિનેમેટીક કારીગરી સાથ જોડવાની પ્રતિબદ્ધતા દેખાઈ રહી છે. કનિષ્ક વર્મા દિગ્દર્શિત અને અક્ષય કુમાર તેમજ વિપુલ શાહ અને આસિન શાહ નિર્મિત આ ફિલ્મ સાથે લગભગ બાર વર્ષના ગાળા પછી અક્ષય અને વિપુલનું પુનર્મિલન થઈ રહ્યું છે. તેમના અગાઉના જોડાણે કમર્શિયલ સફળ મનોરંજન પૂરા પાડયા હતા અને હવે આ નવી ભાગીદારી સાથે ભારતીય મુખ્યપ્રવાહના સિનેમામાં સીમાઓ વિસ્તારવાનો સભાન પ્રયાસ થઈ રહ્યો હોવાનો સંકેત મળે છે. 'સામુક'ને ખાસ કરીને રસપ્રદ બનાવનારી બાબત છે પ્રોજેક્ટ સાથે સંકળાયેલી પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય કુશળતા. સર્જકોએ વિશ્વની સૌથી મોટી એક્શન ફ્રેન્ચાઈસીઓ સાથે કામ કરનાર હોલીવૂડના સ્ટન્ટ કોઓર્ડિનેટર લ્યુક ટમ્બરને જવાબદારી સોંપી છે.
અગાઉ રોયલ મરીન કમાન્ડો રહી ચુકેલા ટમ્બર વાસ્તવિક છતાં અદ્ભુત એક્શન દ્રશ્યો સર્જવા માટે જાણીતા છે જે અતિશય ડિજિટલ હેરફેર પર મદાર રાખવાની બદલે વાસ્તવિક અમલબજવણી પર નિર્ભર હોય છે. તેમની સમાવિષ્ટતાથી એવો સંકેત મળે છે કે 'સામુક' ની એક્શન ડિઝાઈનમાં મૌલિકતા અને તીવ્રતાનું લક્ષ્યાંક રાખવામાં આવશે.
પ્રોજેક્ટ વિશે વાત કરતા ટમ્બરે તેને આંતરરાષ્ટ્રીય સ્ટન્ટ નિપુણતા, વિઝનરી ફિલ્મસર્જન અને શક્તિશાળી કથાનકના ફ્યુઝન તરીકે વર્ણવ્યું. તેમણે અક્ષય કુમારની પણ ભારોભાર પ્રશંસા કરતા તેને ભારતના એક્શન હીરો તરીકે ગણાવ્યો, જે શીર્ષકમાં અક્ષયના એક દાયકાથી શારીરિક ક્ષમતા માગી લેતા અને ઉત્સાહિત પરફોર્મન્સ સાથેના રોલ સાથે સંકળાયેલા રહેવાના પ્રયાસનો પડઘો પડે છે.
આખરે, અક્ષય કુમારની હાજરી જ ફિલ્મની અપીલમાં કેન્દ્ર સ્થાને છે. વર્ષો દરમ્યાન આ કલાકારે વર્સેટિલિટી બાબતે પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે અને એક્શન, કોમેડી, ડ્રામા, દેશભક્તિ તેમજ સામાજિક સંદેશ સાથેના સિનેમામાં સમાન રીતે કામ કર્યું છે.
પોતાની આટલી વિસ્તૃત ફિલ્મોગ્રાફી છતાં પૂર્ણપણે વૈજ્ઞાનિક હોરર થ્રિલર ક્ષેત્ર હજી તેના માટે અજાણ્યું છે. કદાચ આ જ નવીનતાને કારણે સામુકે દર્શકો તેમજ ઉદ્યોગમાં જોરદાર ઉત્સુકતા સર્જી છે.
અક્ષયે પણ કબૂલ કર્યું કે આ શૈલીએ તેને તાત્કાલિક આકર્ષિત કર્યો. પટકથાને અદ્ભુત ગણાવતા અક્ષયે જાણકારી આપી કે ફિલ્મ તેના માટે તેમજ ભારતીય સિનેમા બંને માટે નવીનતા લાવશે. અક્ષયના ઉત્સાહમાં બોલીવૂડમાં આવેલા પરિવર્તનનો પડઘો પડે છે જેમાં સ્થાપિત સ્ટાર્સ વ્યાપક વૈશ્વિક દર્શકો સુધી પહોંચવા બિનપરંપરાગત વિષયો સાથે પ્રયોગો કરતા વધુને વધુ તત્પર જણાય છે.
ગીલીસે જાણકારી આપી કે સામુકના મુખ્ય પ્રાણીને વિશિષ્ટ એલિયન હોરર હસ્તી તરીકે ઊભારવામાં આવ્યું છે. મહત્વનું છે કે તેમણે જણાવ્યું કે આ એલિયન રાક્ષસ સમગ્રપણે કમ્પ્યુટર સર્જિત બનાવવાની બદલે પ્રેક્ટિકલ ઈફેક્ટ્સ પર વધુ ભાર મુકાશે. હોરરના ચાહકો માટે આ ઉત્સાહજનક બાબત છે કારણ કે ડિજિટલ રચનાઓ કરતા ખરા દેખાતા જીવો પડદા પર વધુ અસરકારક લાગે છે. ક્લાસિક વિજ્ઞાન આધારીત અને હોરર ફિલ્મોએ લાંબા સમયથી સાબિત કર્યું છે કે વાસ્તવિક દેખાય તેવા મહાકાય જીવો દર્શકો પર વધુ ઊંડી માનસિક છાપ છોડે છે.
આ દિગ્ગજ ડીઝાઈનરે અક્ષય કુમારની પણ પ્રશંસા કરીને તેની શારીરિક ક્ષમતાને જેસન સ્ટેથમ સાથે તેમજ તેના આકર્ષણને ટોમ ક્રુઝ સાથે સરખાવ્યા. ગીલીસે તો એવું પણ જણાવ્યું કે તેની સામે ખરો પડકાર અક્ષયના કરિશ્મા અને તીવ્રતા સાથે મેળ ખાય તેવા રાક્ષસી જીવની રચના કરવાનો છે. દિગ્ગજોના આવા નિવેદનોથી સંકેત મળે છે કે પ્રોજેક્ટ પાછળ ખરો હેતુ માત્ર એક્શન તમાશાના સર્જનની બદલે પોપ-કલ્ચરમાં પોતાનું સ્થાન બનાવી શકે તેવું આઈકોનિક સિનેમેટીક જીવ રચવાનો છે.
ભારતીય સિનેમા માટે સામુક વધુ એક સ્ટાર કેન્દ્રિત મનોરંજક કરતા વધુ છે. તેનાથી ઉદ્યોગમાં વધતા આત્મવિશ્વાસનો સંકેત મળે છે, પરંપરાગત રીતે હોલીવૂડમાં પ્રભુત્વ ધરાવતી શૈલીનું ભારતીય દ્રષ્ટિએ નવું અર્થઘટન કરવાની તત્પરતા દેખાય છે. વિજ્ઞાન ફિક્શન અને એલિયન હોરરમાં વધુ વિસ્તૃત વિશ્વ રચના, ટેકનોલોજીકલ ચોકસાઈ અને દ્રશ્ય કલ્પનાની જરૂર પડે છે જે ક્ષેત્રો બોલીવૂડ વધુ ખર્ચ અને અનિશ્ચિત કમર્શિયલ વળતર માટે મોટાભાગે ટાળતું રહ્યું છે. વિશ્વસ્તરે માન્યતા પ્રાપ્ત ટેકનિશિયનો અને કારીગરો સાથે સહયોગ કરીને સામુકના સર્જકો આ તફાવત પૂરવા પ્રતિબદ્ધ જણાય છે. અક્ષય કુમારની આગેવાની અને હોલીવૂડની સ્ટન્ટ માસ્ટરી તેમજ વિશ્વ-કક્ષાની ઈફેક્ટ્સના સમર્થન સાથે 'સામુક' તાજેતરના સમયમાં સૌથી રસપ્રદ અને સાહસિક ફિલ્મ તરીકે આકાર પામી રહી છે. હવે તે ભારતીય સાય-ફાય માટે ગેમ ચેન્જર બને છે કે કેમ તે જોવાનું રહેશે,પણ આ પ્રોજેક્ટની મહત્વાકાંક્ષા જ તેને આકર્ષક બનાવી રહી છે.








