અદિતિ રાવ હૈદરી હવે સાયલન્ટ ફિલ્મમાં સપાટો બોલાવશે...

અદિતિ રાવ હૈદરી માટે સિનેમા માત્ર પરફોર્મન્સ અથવા સંવાદ નથી, પણ તેનો સંબધં કલાકારો, દિગ્દર્શકો અને વાર્તાઓ વચ્ચે પાંગરતી લાગણીઓ, જોડાણ અને શાંત જાદુ સાથે પણ છે. પોતાની આગામી સાયલન્ટ ફિલ્મ 'ગાંધી ટોક્સ' વિશે વાત કરતાં હૈદરીએ લગભગ મૌન કથાનક પર કામ કરવાના દુર્લભ અનુભવને ઉત્સાહપૂર્વક યાદ કર્યો. અદિતિએ જણાવ્યું કે આ પ્રોજેક્ટે તેને યાદ કરાવ્યું કે જ્યારે લાગણીઓ બોલવાની બદલે અનુભવાતી હોય ત્યારે સિનેમા વધુ શક્તિશાળી બને છે.
હૈદરી માને છે કે સંવાદ વિના પરફોર્મ કરવું પડકારજનક હોવા છતાં તે સંપૂર્ણપણે અપરિચિત ક્ષેત્ર પણ નથી. મલયાલમ ફિલ્મ 'સુફિયમ સુજાતયમ'માં તેણે મૂંગુ પાત્ર ભજવ્યું હોવાથી તે મૂક અભિવ્યક્તિની શક્તિથી પરિચિત થઈ હતી. જોકે 'ગાંધી ટોક્સ' પર કામ કરવાનો અનુભવ વિશિષ્ટ હતો, કારણ કે ફિલ્મમાં પ્રત્યેક પાત્ર સંવાદ વિના વ્યક્ત થાય છે. સાંકેતિક ભાષા અથવા શાબ્દિક સંકેતોના સ્થાને કલાકારોએ સ્થિતિ દર્શાવવા હાજરી, શારીરિક ભાષા અને પ્રતિસાદ પર મદાર રાખ્યો. આ અભિગમે સેટ પર અસાધારણ પળો પણ સર્જી. ઉદાહરણ તરીકે, એક ગીતના દ્રશ્ય દરમ્યાન શૂટીંગ વખતે સંપૂર્ણપણે ચૂપકિદી હતી, જેના કારણે કાસ્ટે દિગ્દર્શકને સંગીત વગાડવા કહેવું પડયું જેથી તેઓ દ્રશ્યના તાલ અને ભાવનાત્મક પ્રવાહને સમજી શકે.
હૈદરી લોકપ્રિય કલાકાર વિજય સેતુપતિ સાથે કામ કરવાના અનુભવને પણ ઉષ્માપૂર્વક યાદ કરે છે. પરફોર્મર તરીકે તેમની વિરોધાભાસી ઉર્જા છતાં હૈદરીએ ક્યારેય આ મતભેદોને અવરોધક નથી માન્યા. તેના સ્થાને હૈદરી માને છે કે વધુ પડતી વિચારશીલ અભિનયશૈલીથી સાહજિકતા મર્યાદિત બને છે. સેતુપતિની એક વર્સેટાઈલ અને સાહજિક પરફોર્મર તરીકેની ઇમેજે તેમના સહયોગને રોમાંચક બનાવ્યો. રસપ્રદ બાબત છે કે બંને કલાકારોની અગાઉ અનેક પ્રોજેક્ટ માટે વિચારણા થઈ હતી પણ તે ક્યારેય સાકાર ન પામ્યા. આખરે 'ગાંધી ટોક્સ'એ તેમને સ્ક્રીન પર સહિયારી હાજરી નોંધાવવાની તક આપી, જેમાં એક તીવ્ર સંઘર્ષવાળુ દ્રશ્ય પણ સામેલ છે જેને હૈદરી ભાવનાત્મક રીતે ઉત્તેજક અને રચનાત્મક રીતે રોમાંચક માને છે.
તેના મતે એક ફિલ્મ ત્યારે જ શક્તિશાળી બને છે જ્યારે કલાકારોથી લઈને દિગ્દર્શક સુધી તમામ દ્રશ્યને ઊંચે લાવવા પ્રયાસ કરે. જ્યારે પરફોર્મરો તેમના સહકાલારોને ઝળકવાની તક આપે ત્યારે સમગ્ર કથાનક વધુ સમૃદ્ધ અને વધુ રસપ્રદ બને છે.
હૈદરી માટે પૂર્વતૈયારી કઠોર આયોજનના સ્થાને સાહજિક હોવા વિશે વધુ છે. તે પોતાને ડિરેક્ટર્સ એક્ટ્રેસ તરીકે વર્ણવે છે, એવી કલાકાર જે ફિલ્મસર્જકના દ્રષ્ટિકોણ પર વિશ્વાસ રાખવામાં આનંદ અનુભવે છે તેમજ દ્રશ્ય ભજવતી વખતે પોતાની ભાવનાત્મક સ્ફૂર્ણા વિશે પણ સભાન રહે છે. હૈદરીના મતે અભિનય એક રચનાત્મક મેદાન છે જ્યાં કલાકારો ઊર્જાની આપલે કરે છે, કથાને જીવંત કરવા એકબીજાને પ્રતિસાદ આપે છે.
પોતાની સિનેમેટીક સફર પર મંથન કરતા હૈદરી એ દિવસોને યાદ કરે છે જ્યારે ૨૦૧૧માં તેણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એ સમયે હજી તે એક કલાકાર તરીકે પોતાને ઘડી રહી હતી. તે મણિ રત્નમ, સંજય લીલા ભણસાલી અને રિતુપર્ણ ઘોષ જેવા દીર્ઘદ્રષ્ટા ફિલ્મસર્જકોની ફિલ્મોમાં નાયિકા બનવાના સ્વપ્ન જોતી હતી. વર્ષો દરમ્યાન તેનાં આ સ્વપ્નો ધીમે ધીમે વાસ્તવિકતા બની ગયાં. તેની યાદગાર પળો પૈકી એક હતી જ્યારે મણિ રત્નમે પોતે તેને ફોન કર્યો હતો. હૈદરીએ શરૂઆતમાં આ ફોનને કોઈની મજાક માની હતી. આ તકથી મણિ રત્નમની ફિલ્મ 'બોમ્બે'માં મનિષા કોઈરાલાને જોવાથી પ્રેરિત લાંબા ગાળાની ઈચ્છા પૂર્ણ થઈ હતી.
વ્યાવસાયિક સફળતા છતાં હૈદરીનું વ્યક્તિત્વ બદલાયું નથી. તે પોતાની બાળસહજ ઉત્સુકતા અને આશ્ચર્યની લાગણી પોષવા માટે તેની દાદી શાંતા રામેશ્વર રાવ અને માતા વિદ્યા રાવને શ્રેય આપે છે. આજે આ જ ભાવનાત્મક પૃષ્ઠભૂમિ તે પોતાના એક્ટર પતિ સિદ્ધાર્થ સાથે શેર કરે છે, જેને તે લાડથી પિક્સી સોલમેટ કહીને સંબોધે છે. હૈદરી અનુસાર સિદ્ધાર્થ તેની ચૂપકીદીને શબ્દો જેટલી જ સાહજિકતાથી સમજે છે અને તેના જીવનમાં મહત્ત્વનો રચનાત્મક સહયોગી બની રહ્યો છે. આગળ જતા હૈદરીને આશા છે કે યોગ્ય ફિલ્મસર્જક અને વાર્તા મળતા બંને સ્ક્રીન પર સાથે દેખાઈ શકે છે.









