Gujarat

ઉસ્માનપુરામાં ચપ્પુથી ડરાવીને રાજસ્થાની યુવકને રિક્ષામાં લૂંટયો

By GS Team
13 Dec 20212 mins read
This article was originally published on 13 Dec 2021
ઉસ્માનપુરામાં ચપ્પુથી ડરાવીને રાજસ્થાની યુવકને રિક્ષામાં લૂંટયો

કાલુપુરથી કારગીલ પમ્પ જવા શટલ રિક્ષામાં બેઠો હતો

ઓટો રિક્ષા ચાલક અને સાગરિતે અંધારી ગલીમાં 1.65 લાખની લૂંટ કરી ચાલુ રિક્ષાએ ધક્કો માર્યો

અમદાવાદ : મુંબઈમાં લગ્નપ્રસંગથી વતન રાજસૃથાન પરત જઈ રહેલો યુવક ઉસ્માનપુરામાં લૂંટાયો છે. કાલુપુર રેલવે સ્ટેશનથી કારગીલ પમ્પ પાસે મિત્રને ત્યાં જવા શટલ રિક્ષામાં બેઠેલા યુવકને ચપ્પુ બતાવીને 1.65 લાખ લૂંટી લઈ ધક્કો મારી રિક્ષામાંથી પાડી દેવાયો હતો. વાડજ પોલીસે લૂંટની અઠવાડિયા જુની ઘટનામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજસૃથાનમાં પોખરણ નજીક મદાસર ગામમાં રહેતા નારાયણરામ આદુરામ પ્રજાપતિ (ઉ.વ. 28) લગ્ન માટે મુંબઈ ગયા હતા. તા. 3 ડીસેમ્બરે મુંબઈથી ટ્રેનમાં અમદાવાદ ના કાલુપુર સ્ટેશને ઉતર્યા હતા. નારાયણના ભાઈના લગ્નના કપડાં ચાણક્યપુરીમાં રહેતા ભલ્લારામ નારણરામ પ્રજાપતિને ત્યાંથી લેવાના હતા.કાલુપુર રેલવે સ્ટેશનથી રાતે 11 વાગ્યાના અરસામાં ઓટો રિક્ષામાં બેસી કારગીલ પેટ્રોલ પંપ જવાની વાત કરી હતી. 

શટલ રિક્ષાના ચાલકે 50 રૂપિયા ભાડું થશે તેમ કહ્યું હતું. સાથે એક પેસેન્જર છે તેને ગોતા ઉતારી નારાયણને કારગીલ પમ્પ ઉતારવાની વાત રિક્ષાચાલકે કરી હતી. રસ્તામાં સીએનજી કેસ પુરાવ્યા પછી રિક્ષાને દિલ્હી દરવાજા, ઈનકમટેક્સ થઈ ઉસ્માનપુરા પંચશીલ કોમ્પલેક્સ પાસે લાવવામાં આવી હતી.

પંચશીલ કોમ્પલેક્સ પાસે અચાનક જ પેસેન્જર તરીકે બેઠેલા શખ્સે ચપ્પુ કાઢ્યું હતું. ચપ્પુ બતાવીને બેગ મને આપી દે નહીં તો મારી દઈશ તેવી ધમકી આપી હતી. ડરી ગયેલા નારાયણે પોતાની બેગ આ શક્સને આપી દીધી હતી. નારાયણને ચાલુ રિક્ષાએ ધક્કો મારી દેવામાં આવ્યો હતો.

આ રીતે લૂંટ ચલાવી પેસેન્જરના સ્વાંગમાં રહેલો લુટારૂ અને તેનો સાગરિત રિક્ષાચાલક નારણપુરા તરફ નાસી છૂટયા હતા.રાજસૃથાન જતા રહ્યા પછી પાછા ફરીને નારાયણ પ્રજાપતિએ 1.45 લાખ રૂપિયા રોકડા ઉપરાંત લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન મળી કુલ 1.65 લાખની માલમતા લૂંટી જવાયાની ફરિયાદ નોંધાવી છે. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.