ગાંધી સ્થાપિત વિદ્યાપીઠમાં અમિત શાહને બોલાવાતા ટ્રસ્ટી સભ્યનો વિરોધ

અમદાવાદ,રવિવાર
ગૂજરાત વિદ્યાપીઠના
ગત ૧૩મીએ યોજાયેલા અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેના એક કાર્યક્રમમાં ભાજપ સરકારના કેન્દ્રીયગૃહમંત્રી
અમિતશાહને બોલાવવા મુદ્દે વિરોધ ઉઠયો છે અને આ મુદ્દે વિદ્યાપીઠમા વધુ એક વિવાદ જાગ્યો
છે. ટ્રસ્ટીમંડળના જ એક સભ્યએ કુલપતિ,કુલનાયક અને ટ્રસ્ટી મંડળના અન્ય
ટ્રસ્ટીઓને પત્ર લખીને ફરિયાદ કરી છે કે ગાંધી મૂલ્યોના વિરોધી અમિતભાઈને વિદ્યાપીઠમાં
બોલાવાય તે શરમજનક બાબત છે.
ગૂજરાત વિદ્યાપીઠના
એક ટ્રસ્ટી મેમ્બર ઉત્તમ પરમારે કુલપતિ,કુલનાયક અને ટ્રસ્ટીમંડળના સભયોને
પત્ર લખીને જણાવ્યુ છે કે ૧૧મી માર્ચના રાજેન્દ્ર ખિમાણીના મળેલ પત્રને વાંચીને સખેદ
આશ્ચર્ય થયુ છે. સૌપ્રથમ તો ટ્રસ્ટી મંડળની જેટલી પણ મીટિંગ મળી છે તેમાં યુજીસીની
ગ્રાન્ટ મેળવવા માટે નરહરીભાઈ કે અમિતભાઈનો સંપર્ક કેળવીને પ્રયત્નો કરવા એવી કોઈ પણ
ચર્ચા મેં સાભળી નથી. મહાત્મા ગાંધીએ શિક્ષણ સંસ્થાઓ લોકાશ્રય પર ચલાવવા અને સરકારનો
સહયોગ ન લેવા જણાવેલ છતાં એમની વાત ધ્યાને લીધા વગર સરકારી અનુદાન લેવાના દોઝખમાં પડયા. બીજી મહત્વની વાત એ છે કે યુજીસીની ગ્રાન્ટ એ આપણા
હકની કાયદેસર છે તે જો અટકતી હોય તો ક્ષતિઓ સુધારી તેમજ અદાવતપૂર્વક અટકતી હોય તો ગાંધી
ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ દ્વારા મેળવવી જોઈએ.
પરંતુ મહાત્મા ગાંધીની શૈક્ષણિક સંસ્થાને સરકાર
કે યુજીસી પાસે હકના પૈસા મેળવવા માટે સંઘ પરિવારની સરકારની કાકલુદી કરવા અમીતભાઈ
જેવા ગાંધી વિચાર અને ગાંધી મૂલ્યોના વિરોધી વ્યક્તિને ગાંધી સંસ્થામાં નિમંત્રણ
આપી તેમની સામે વિદ્યાપીઠના કુલનાયકને નતમસ્તકે અભિવાદન કરવુ પડે એ બાબત સમગ્ર
ગૂજરાત વિદ્યાપીઠ પરિવાર તથા ગાંધી પ્રેમીઓ માટે અપમાન અને શરમ પેદા કરનારી ઘટના
છે. ટ્રસ્ટીમંડળ સભ્ય ઉત્તમ પરમારે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજેન્દ્રભાઈનો
પત્ર વાંચ્યા પછી હું આ બાબતે મહાત્મા ગાંધીના પ્રેમી તરીકે એક જ વાત કહેવુ માંગુ
છું કે નો સર .. હું આ વાત સાથે સંમત નથી. મારી માંગણી છે કે આગામી ૨૨મી માર્ચની
ટ્રસ્ટી મંડળની મીટિંગમાં આ પત્રને એજન્ડામા લઈને એના પર ચર્ચા હાથ ધરવામા
આવે.મહત્વનું છે કે વિદ્યાપીઠ દ્વારા ગત ૧૩મીએ કોચરબ આશ્રમ ખાતે ગાંધી સાયકલ
યાત્રાને પ્રસ્થાન કરાવવાનો એક કાર્યક્રમ યોજાયો હતો તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહ ને બોલાવવામા આવ્યા હતા.




