Gujarat

વેપારીઓએ કાપડ માર્કેટની લાઇટો બંધ કરી 12 ટકા જીએસટીનો વિરોધ કર્યો

By GS Team
29 Dec 20212 mins read
This article was originally published on 29 Dec 2021
વેપારીઓએ કાપડ માર્કેટની લાઇટો બંધ કરી 12 ટકા જીએસટીનો વિરોધ કર્યો

અમદાવાદ,તા.29 ડિસેમ્બર 2021,બુધવાર

અમદાવાદમાં બુધવારે મોડી સાંજે ગારમેન્ટ અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ-કારીગરોએ માર્કેટની બહાર વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો. માર્કેટ-દુકાનની લાઇટો બંધ કરીને મીણબત્તી, મોબાઇલની ટોર્ચ કરીને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે તા.૩૦ ડિસેમ્બરના રોજ બંધનું એલાના આપ્યું હતું. જેમાં અમદાવાદમાં તમામ કાપડ માર્કેટ તેનું સમર્થન કરીને દુકાનો માર્કેટ બંધ રાખશે.

આગામ ી તા.૧ જાન્યુઆરીથી ગારમેર્ટ તથા કાપડ ઉદ્યોગ પર જીએસટી પાંચ ટકાથી વધારીને સીધો ૧૨ ટકા કરી દેવાના સરકારના નિર્ણય સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે અંગે નારાજગી દર્શાવવા, વિરોધ વ્યક્ત કરવા માટે તા.૩૦ ડિસેમ્બરે એક દિવસ માટે બંધનું ેએલાન અપાયું છે. એકમત અને એકતા દર્શાવવા માટે બંધના આગલા દિવસે બુધવારે સાંજે વેપારીઓએ બ્લેક આઉટ કરીને પોતાની માર્કેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ અંગે કાપડના વેપારી અને અગ્રણી ભાનુભાઇ હરવાણીના જણાવ્યા મુજબ સરકારે જીએસટી દરમાં એકસામટો ૭ ટકાનો વધારો કરીને નાના વેપારીઓની કમર તોડી નાંખી છે. કાપડ માર્કેટના હોલસેલ, સેમી હોલસેલ, ગારમેન્ટ અને રિટેલર તમામ પર આર્થિક ભારણ વધશે. જેના કારણે માલ મોંઘો થશે. વેપારીઓના ધંધા ઠપ થશે, ગ્રાહકોને પણ આર્થિક નુકશાની વેઠવી પડશે. કોરોના કાળમાં મંદી ચાલી જેના કારણે પહેલાથી જ આ ધંધો નુકશાની વેઠી પરહ્યો છે. હવે જીએસટીના કારણે ધંધાને અસર થશે.

સરકારના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા માટે આજે તા.૩૦ ડિસેમ્બરને ગુરૂવારના રોજ તમામ કાપડ માર્કેટ બંધ રખાશે. તમામ વેપારીઓ વિરોધ બેનરો સાથે માર્કેટની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

નોંધપાત્ર છેકે અમદાવાદના લગભગ કાપડ ઉદ્યોગના તમામ માર્કેટ પૂર્વ અમદાવાદમાં આવેલા છે. પૂર્વ અમદાવાદમાં રહેતા લાખો લોકોને આ ઉદ્યોગ રોજીરોટી પુરી પાડે છે. પૂર્વમાં મોટા માર્કેટમાં રોજની લાખોની ખરીદી થતી હોય છે. હોલસેલ, રિટેલ દુકાનો પણ બંધ રહેનાર હોવાથી ખરીદી માટે આવનારા ગ્રાહકોને એક દિવસ માટે હાલાકી ભોગવવી પડશે. 

અમદાવાદમાં કયા માર્કેટ બંધ રહેશે ?

-મસ્તકી કાપડ માર્કેટ મહાજન

- ન્યુ ક્લોથ માર્કેટ

- પાંચકુવા કાપડ મહાજન

- સિંધી માર્કેટ-કાપડ મહાજન

- પાંચકુવા સિંધી માર્કેટ

- ઘંટાકર્ણ માર્કેટ

- નૂતન ક્લોથ માર્કેટ

- વીઆઇપી માર્કેટ

- કર્ણાવતી માર્કેટ ૧-૨-૩

- ઢાલગરવાજ માર્કેટ

-સુગનમોલ માર્કેટ

- વૃંદાવન શોપિંગ સેન્ટર

- રતનપોળ કાપડ મહાજન

- સિટી સેન્ટર ૧-૨

- કામધેનું માર્કેટ

- હરીઓમ એસી માર્કેટ ૧-૨

- ડીસી ક્લોથ માર્કેટ

- મહાવીર કાપડ માર્કેટ

- આસ્ટડિયા ન્યુ રંગાટી મહાજન

-મીરધાવાડ

( નોંધઃ આ સિવાયના પણ તમામ માર્કેટ બંધ રહેશે)