પાર્કિંગ માટે દરેક રસ્તાઓ પર સરખા નિયમ રાખવા માગણી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
રિલીફ રોડ, ગાંધીરોડ, ટંકશાળ રોડ, રેવડી બજાર મસ્કતી માર્કેટ અને કાળુપુર ટાવર પાસે પાર્કિંગ કરવા માટેના જુદાં જુદાં ધોરણો ટ્રાફિક પોલીસ દ્વારા અપનાવવામાં આવતા હોવાથી તેમના વેપાર પર અસર પડી રહી હોવાની એક ફરિયાદ પોલીસ કમિશનરને રિલીફ રોડના વેપારીઓએ કરી છે.
રિલીફ રોડના વેપારીઓની ફરિયાદ છે કે તેમના રોડ પર માલ લેવા આવતા લોકોના વાહનોને લૉક લગાવી દેવામાં આવે છે. ત્યારબાદ ગાડી છોડાવવા માટે ગાડીના માલિકોએ સારંગપુર સુધી જવું પડે છે. પરિણામે તેમના ગ્રાહકો આવતા જ નથી. રિલીફ રોડ પહોળો હોવા છતાંય તેમને ત્યાં વાહન ઊભા રહેવા દેવાતા નથી. તેમને એકાંતરે વાહન પાર્ક કરવાની છૂટ આપવામાં આવે છે.
બીજીતરફ ગાંધીરોડ, ટંકશાળ રોડ, રેવડી બજાર, મસ્કતી માર્કેટ અને કાલુપુર ટાવરને અડીન ેઆવેલા રોડ સાંકડાં હોવા છતાંય ત્યાં વધુ વાહનો પાર્ક કરવાની છૂટ આપવામાં આવી રહી છે. તેથી રિલીફ રોડનો વેપાર બીજા રસ્તાઓ પરના વેપારીઓ તરફ ખેંચાઈ રહ્યો છે. કોરોનાને કારણે છેલ્લા પોણા બે વર્ષથી ધંધા તૂટી ગયા છે ત્યારે આ પ્રકારની કનડગત દૂર કરીને દરેક રસ્તા માટે પાર્કિંગના નિયમો સરખા કરી દેવામાં આવે તો કોઈપણ વેપારીને અન્યાય થશે નહિ.




