શેઢી શાખાનું પાણી એક અઠવાડિયાથી ઓવરફલો થતા ખેતરોમાં પાણી ઘૂસ્યાં
- ગળતેશ્વરના ડાભસર-કોસમ સીમમાં
- ગાબડું પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું ખેડૂતો ખેતી કરી શકે એવી સ્થિતિમાં નથી
નડિયાદ, તા.02 જુલાઈ 2020, ગુરુવાર
ગળતેશ્વર તાલુકાના ડાભસર સેઢી શાખા છેલ્લા એક અઠવાડીયાથી ઓવરફ્લો થઈ રહી છે. જેના કારણે ડાભસર અને કોસમના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત જવા-આવવાના રસ્તામાં પાણી ભરાઈ રહેવાના કારણે અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.
ગળતેશ્વર તાલુકાના ડાભસર કોસમ ગામની સીમ વિસ્તારમાં આવેલ શેઢી શાખા નહેરમાં ગાબડું પડતાં લાખો લીટર પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે. જેના કારણે ટ્રેક્ટર, બળદગાડુ જઈ શકતા નથી. શેઢી શાખા નહેર સબ માઈનોર-૧ કોસમ શાખાના કોઈ જવાબદાર અધિકારી જોવા ન આવતા છેલ્લા એક અઠવાડીયાથી પાણી વહી રહ્યું છે.
આ ઉપરાંત ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે જમીન ઉપયોગમાં આવે તેમ નથી. આ ઉપરાંત ખેતી કરવા માટે ખેતર ખેડી શકાય તેમ નથી. છેલ્લા એક અઠવાડીયાથી રાત-દિવસ આ સબમાઈનોરના કર્મચારીઓ ડોકાયા નથી તે દેખરેખ થઈ શકતી નથી. આ અંગે ગ્રામજનોનો આક્ષેપ છે કે લાખો લીટર પાણી વહી રહ્યું છે. તેમ છતાં તંત્રને જોવાનો સમય નથી. અમારા રસ્તામાં પાણી છેલ્લા એક અઠવાડીયાથી વહી રહ્યું છે.
જેથી જવા-આવવાના રસ્તામાં પણ પાણી ભરાઈ જતાં અમારે ખેતરે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ડાભસર અને કોસમ ગામના આઠથી દસ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર પાણી ભરાઈ ગયેલ છે.પાણી ભરાઈ જવાના કારણે કાદવવાળી જમીનોમાં ખેડૂતો જઈ શકતા નથી. આ ઉપરાંત વાડદ-ઠાસરાના રોડ પાસે પણ આ સબમાઈનોર કોસમ શાખા નં. ૧માં ગાબડા પડયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ સબમાઈનોરમાં જ્યાં અને ત્યાં ગાબડા પડવાના કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યુંહોવાનું જણાવ્યું છે. આ અંગે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યાં છે.