સે-13માં ગટરના ઉભરાતા ગંદા પાણી રહીશો માટે આફત બન્યા

સતત દુર્ગંધયુક્ત પાણી વહેતું હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ
વધી જવાથી સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહયો છે
ગાંધીનગર:
ગાંધીનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વર્ષો જુની ગટરલાઈનો બિસ્માર બની જવાના
કારણે હાલમાં ઠેકઠેકાણે લીકેજ થઈ જવાની સાથે ઉભરાવા માંડી છે. ત્યારે સેકટર-૧૩માં
બ્લોક નં.૩૦૦ની આસપાસ છેલ્લા ઘણા દિવસથી
દુર્ગંધયુક્ત પાણી ઘરની આસપાસમાં બેક મારતાં રહીશો ત્રસ્ત થઈ ગયા છે. જે
અંગે ડ્રેનેજ ઈન્કવાયરીમાં રજુઆતો કરવા છતાં નિરાકરણ લાવવામાં આવતું નથી. ગંદુપાણી
ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ કોરોના કાળમાં વધી જવા પામ્યો છે. જેથી
સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહયો છે.
કરોડો રૃપિયાના ખર્ચે પાઈપલાઈનો નાંખવા છતાં હજુ ઘણા વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાતાં નજરે પડી રહયા છે. રાજયના પાટનગર ગાંધીનગરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થઈ ચુકયો છે ત્યારે ગટર, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સમસ્યાઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના આયોજન પણ થઈ રહયા છે. ત્યારે અવારનવાર ગટરો ઉભરાવાની સમસ્યાનો સામનો સ્થાનિક રહીશોને કરવો પડી રહયો છે. સે-૧૩ના બ્લોક નં.૩૦૦ની આસપાસના વસાહતી વિસ્તારની આસપાસ આવેલી ગટરો છેલ્લા ઘણા દિવસથી ઉભરાઈ રહી છે. તો આ વિસ્તારમાં અન્ય ગટરો પણ બેક મારતી હોવાના કારણે સ્થાનિક રહીશોને અસહય દુર્ગંધનો સામનો કરીને અવરજવર કરવી પડી રહી છે. તો ઘરની આસપાસ પણ ગંદા પાણી બહાર નીકળતાં હોવાના કારણે દુર્ગંધયુક્ત ગંદા પાણી આરોગ્ય માટે જોખમી બની ગયા છે. ત્યારે કોરોના કાળમાં મચ્છરોનો ઉપદ્રવ પણ આ ગંદા પાણીના કારણે વધી ગયો છે. જેથી સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં રોગચાળાનો ભય પણ સતાવી રહયો છે. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી.




