Get The App

અમદાવાદના ગણેશ મેરેડીયન બિલ્ડીંગમાં આગ,ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા

આગ બુઝાવવા કાચ તોડવા પડયા

એસ.જી.હાઈવે ઉપરના બિલ્ડીંગમાં આગથી બચવા એક સોળ વર્ષના કીશોરે બીજા માળથી કુદકો મારતા ઈજાગ્રસ્ત

Updated: Nov 29th, 2021

GS TEAM

Google News
Google News
અમદાવાદના ગણેશ મેરેડીયન બિલ્ડીંગમાં આગ,ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા 1 - image

અમદાવાદ,રવિવાર,28 નવેમ્બર,2021

અમદાવાદના એસ.જી.હાઈવે ઉપર આવેલા ગણેશ મેરેડીયન નામના બિલ્ડીંગમાં રવિવારે સાંજે બેઝમેન્ટમાં રહેલી ડકટમાં શોર્ટ સરકીટથી આગ લાગતા આગ બિલ્ડિંગના દસમા માળ સુધી પ્રસરી ગઈ હતી.આગ લાગતા ગભરાટમાં સોળ વર્ષના એક કીશોરે બિલ્ડીંગના બીજા માળેથી કૂદકો મારતા તેને ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.એક અન્ય વ્યકિતને ઓકિસજન ચઢાવવો પડયો હતો.આ બિલ્ડીંગમાં ફાયર સિસ્ટમ નાંખેલી હોવા છતાં આગ હોલવવા વીજ સપ્લાય બંધ કરાતા સિસ્ટમ વર્કીંગ કન્ડીશનમાં હોવા છતાં કામમાં આવી શકી નહોતી.આગ હોલવવા કેટલાક માળના કાચ પણ તોડવાની ફાયર વિભાગને ફરજ પડી હતી.કુલ ચાર લોકોને બચાવાયા હતા.

આ અંગે ફાયર કંટ્રોલ તરફથી મળતી માહિતી મુજબ,એસ.જી.હાઈવે ઉપર આવેલા ગણેશ મેરેડીયન નામના દસ માળના કોમર્શીયલ બિલ્ડીંગમાં રવિવારે સાંજે ૬.૩૦ના સુમારે આગ લાગતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ,ડીવીઝનલ ફાયર ઓફિસર મનીષ મોઢ,કૈજાદ દસ્તુર અને ત્રીસથી વધુ ફાયરનો સ્ટાફ આગ બુઝાવવા ઘટના સ્થળે દોડી ગયો હતો.બેઝમેન્ટમાં આવેલી ઈલેકટ્રીક ડકટ આખા બિલ્ડીંગ સાથે હોરીજેન્ટલ અને વર્ટીકલ રીતે કનેકટ કરાઈ હોવાથી બેઝમેન્ટમાં લાગેલી આગ જોતજોતામાં છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી.દરમ્યાન આગ લાગતા ગભરાટમાં કિશન મેણા,ઉંમર વર્ષ-૧૬ એ બીજા માળથી કુદકો મારતા તેને ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જયારે છઠ્ઠા માળે ધુમાડામાં ફસાયેલા નિમિત શુકલ નામના વ્યકિતને ગુંગળામણ અનુભવવાના કારણે ઓકિસજન ચઢાવવો પડયો હોવાનું ફાયર વઇભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.બિલ્ડીંગમાં ધુમાડો બહાર જવાની કોઈ જગ્યા રાખવામાં આવી ના હોવાથી ફાયરના જવાનોને અમુક ફલોર ઉપર કાચ તોડી અંદર પ્રવેશ કરી આગને બુઝાવવી પડી હતી.