Gujarat

અમદાવાદ મ્યુનિ.ની કમિટીઓમાં સ્થાન મેળવવા કોંગ્રેસ આંદોલનના માર્ગે

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
અમદાવાદ મ્યુનિ.ની કમિટીઓમાં સ્થાન મેળવવા કોંગ્રેસ આંદોલનના માર્ગે

  અમદાવાદ,ગુરુવાર,3 માર્ચ,2022

અમદાવાદ મ્યુનિ.ની સ્ટેન્ડીંગ કમિટી સહિતની વિવિધ બાર કમિટીઓમાં વિપક્ષના કોર્પોરેટરોને સ્થાન આપવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક અગાઉ કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ એક સાથે જયાં સુધી કમિટીઓમાં સ્થાન નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની શાસકપક્ષને ચિમકી આપવામાં આવી છે.ગેટ વેલ સુનના મેસેજ સાથેના પ્લેકાર્ડ સાથે દેખાવ કરી મેયર સહિતના હોદ્દેદારોને ગુલાબ આપી સદબુધ્ધિ આવે એ માટે ધૂન પણ વગાડાઈ હતી.

છેલ્લા આઠ વર્ષથી પણ વધુના સમયથી મ્યુનિ.ની વિવિધ કમિટીઓમાં વિપક્ષના કોર્પોરેટરોની બાદબાકી કરી વહીવટી તંત્ર અને શાસકપક્ષના હોદ્દેદારો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી મ્યુનિ.તિજોરી ઉપર આર્થિક બોજ વધારતી કરોડો રુપિયાની દરખાસ્તો બહુમતીના જોરે મંજુર કરી દેતા હોવાનો આક્ષેપ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કર્યો હતો.

સ્ટેન્ડીંગ કમિટી સહિતની અન્ય વિવિધ કમિટી ઉપરાંત એ.એમ.ટી.એસ.અને વી.એસ.બોર્ડ સહિતની અન્ય કમિટીઓમાં સ્થાન નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન ચાલુ રાખશે એમ ઉપનેતા નિરવ બક્ષી,દંડક જગદીશ રાઠોડ,ઈકબાલ શેખ સહિતના કોર્પોરેટરોએ મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સમક્ષ રજુઆત કરી આ મામલે આવેદનપત્ર પણ આપ્યુ હતુ.